You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'12 વર્ષની સુંદર ગુલામ વેચવાની છે, પણ કુંવારી નથી', હજારો છોકરીઓના વેચાણનું ઇસ્લામિક સ્ટેટનું કુચક્ર
- લેેખક, રચેલ રાઇટ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વર્ષ 2014માં ચરમપંથી જૂથ ઇસ્લામિક સ્ટેટે (આઈએસ) હજારો યઝિદી મહિલાઓ અને બાળકોને ઇરાક અને સીરિયામાં ગુલામ બનાવી લીધાં હતાં.
યઝિદી મહિલાઓના સહયોગીઓએ તેમને બચાવવા માટે તરત જ રૅસ્ક્યૂ ઑપરેશન શરૂ કરી દીધું હતું પરંતુ આજે એક દાયકા પછી પણ એ કામ પૂરું નથી થઈ શક્યું.
વર્ષ 2015 નવેમ્બરમાં બહાર અને તેમનાં ત્રણ બાળકોનો પાંચમી વખત સોદો કરાયો હતો.
18 મહિના પહેલાં ઇરાકના ઉત્તરી પ્રાંતના સિંજાર ગામમાં જ્યારે આઈએસ જૂથ પ્રવેશ્યું હતું ત્યારે તેમણે જે યઝિદી મહિલાઓને બંધક બનાવી લીધી હતી તેમાં બહાર પણ સામેલ હતાં.
યઝિદી સમુદાય ઇરાકમાં છ હજાર વર્ષથી વધુ સમયથી રહેતો ધાર્મિક અને વંશીય લઘુમતી સમુદાય છે. પણ ઇસ્લામિક સ્ટેટ તેમને ‘નાસ્તિક’ ગણે છે.
ઇસ્લામિક સ્ટેટે તેમના પતિ અને મોટા દીકરાને પહેલાં જ બંધક બનાવી લીધા હતા. બહાર માને છે કે તેમને ગોળીથી ઠાર મારી દેવાયા છે અને સામૂહિક કબરોમાં તેમને પણ દફનાવી દેવાયા છે.
મહિલાઓ અને બાળકોનું વેચાણ-ગુલામી
બહાર યાદ કરે છે એ સમય જ્યારે તેમને અને અન્ય બાળકોને એક રૂમમાં લાઇનમાં ઊભાં રખાતાં અને તેઓ તમામ રડતાં હતાં કેમ કે તેમને એમ હતું કે હવે તેમનો શિરચ્છેદ કરી દેવામાં આવશે. પણ વાસ્તવિકતા એ હતી કે તેમનો સોદો કરવામાં આવી રહ્યો હતો એટલે કે તેમને વેચવામાં આવી રહ્યાં હતાં.
અને અહીંથી જ ભયાનકતાનો પ્રારંભ થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બહાર કહે છે કે તેમણે આઈએસના ફાઇટરોની સેવા કરવી પડી, પોતે તેમની મિલકત બની ગયાં.
બહાર આ વિશે વધુમાં જણાવે છે કે, "મારે એવી રીતે રહેવું પડતું કે હું તેની પત્ની છું, તે જ્યારે ઇચ્છતો ત્યારે આવું કરવું પડતું. તેઓ ઇચ્છે તો મને માર પણ મારતા હતા."
"તેમનાં બાળકો 10 વર્ષથી નાનાં હતાં છતાં તેઓ તમને પણ મારતા હતા. એક દીકરીને બંદૂકના હૅન્ડલ વડે ચહેરા પર ફટકો માર્યો હતો."
તેમનો ચોથો માલિક ટ્યુનિશિયાનો અબુ ખત્તાબ હતો.
બહાર ઉમેરે છે,"અમે તેમના ઘરમાં રોકાયાં હતાં પણ તેણે મને અન્યોને સોંપી દીધી જેથી આઈએસના અન્ય બે કૅમ્પમાં મારી પાસે સફાઈકામ કરાવી શકે."
"હું એ બધી જ જગ્યાએ કામ પર ગઈ. હું સફાઈ કરવા ગઈ અને તેમણે મારો બળાત્કાર કર્યો."
"ગમે ત્યારે હવાઈહુમલા થતા. આઈએસના ફાઇટરો ગમેતેમ ભાગવા લાગતા અને હથિયારો લેવાં જતાં અથવા બૉમ્બમારો થતો તો, છુપાઈ જતા હતા. એ બધું ખૂબ જ ભયાનક હતું."
એક દિવસ જ્યારે બહાર અને તેમનાં બાળકો અબુ ખત્તબના ઘરે હતાં ત્યારે કાળા કાચવાળી કારમાં એક વ્યક્તિ આવી. ડ્રાઇવરે કાળા કપડાં પહેર્યાં હતાં અને લાંબી દાઢી હતી. તે અન્ય આઈએસ ફાઇટરો કરતા જરાય અલગ નહોતો.
પછી બહારને સમજાયું કે તેમને ફરીથી વેચવામાં આવી રહ્યાં છે અને બાળકો સાથે વેચી દેવાનો સોદો થઈ રહ્યો છે.
સ્થિતિથી કંટાળી બહારે જોરથી બૂમ પાડી અને વ્યક્તિને કહ્યું કે તે બહારને મારી નાખે કેમ કે હવે તેમનાથી સહન નથી થઈ રહ્યું.
પણ પછી જે થયું તેનાથી બધું જ બદલી નાખ્યું.
અને પછી બહાર બચી નીકળ્યાં....
એ કારમાં આવેલી વ્યક્તિ તેમને ગાડીમાં લઈ ગઈ. તેઓ દૂર ગયાં પછી એ વ્યક્તિએ બહારને કહ્યું, "હું તમને કંઈક બીજે લઈ જઉં છું."
બહારને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે અને એ વ્યક્તિનો વિશ્વાસ કરવો કે નહીં અને પછી તે ગભરાવાં લાગ્યાં.
એ વ્યક્તિએ બહારને ફોન આપ્યો. અબુ સુજા નામની વ્યક્તિનો એ અવાજ હતો. અબુ સુજા ઘણી મહિલાઓ અને બાળકોને બચાવવાની કામગીરીનું સંકલન કરવા માટે જાણીતી હતી.
બહાર સમજી ગયાં કે ડ્રાઇવર તેમને અને તેમનાં બાળકોને બચાવવા માટે ખરીદવા આવ્યા હતા જેથી તમામને બચાવી શકાય.
બહારને બાંધકામ થઈ રહ્યું હતું તેવા એક સ્થળે લઈ જવાયાં . એ જગ્યા સીરિયામાં રક્કા પાસે હતી. તેઓ તેમને ત્યાં છોડીને જતા રહ્યા અને કહ્યું કે એક વ્યક્તિ આવશે અને કોડવર્ડ વાપરશે. કોડવર્ડ હતો ‘સઇદ’ અને બહારે તેમની સાથે જતું રહેવાનું હતું.
અને પછી એવું જ બન્યું. કોઈ વ્યક્તિ બાઇક પર આવી અને કોડવર્ડ કહ્યો. તેમણે બહારને બાળકો સાથે બાઇક પર બેસી જવાં કહ્યું.
બાઇક પર આવેલી વ્યક્તિએ કહ્યું,"સાંભળો, આપણે આઈએસના વિસ્તારમાં છીએ, અહીં ચૅકપોઇન્ટ્સ છે. જો તમને તેઓ કંઈ પૂછો તો, તમારે કંઈજ નહીં કહેવાનું નહિં તો, તેઓ તમારા યઝિદી બોલી સમજી લેશે."
બહારે વધુમાં જણાવ્યું કે એ વ્યક્તિ તેમને તેમના ઘરે લઈ ગઈ. બહાર એ વાત વર્ણવતાં જણાવે છે કે, "તેઓ ખૂબ દયાળુ હતા. અમને સ્નાન કરવા મળતું, અમને ભોજન આપ્યું અને દવાઓ પણ આપી અને પછી કહ્યું કે હવે અમે સુરક્ષિત છીએ."
એક અન્ય વ્યક્તિએ બહારની તસવીરો લીધી અને તેમનાં બાળકોની પણ તસવીરો લીધી પછી તેમને અબુ શુજાને તે મોકલ્યું જેથી તેઓ વ્યક્તિની ખાતરી કરી શકે.
લગભાગ સવારે ત્રણ વાગ્યે તેમણે પરિવારને ઉઠાડ્યો અને કહ્યું કે હવે ત્યાંથી નીકળવાનો સમય આવી ગયો છે.
જે વ્યક્તિના ઘરે તેઓ રોકાયાં હતાં તેમણે તેમને તેમની માતાનું ઓળખપત્ર આપ્યું અને કહ્યું કે, જોઈ કોઈ કંઈ પૂછે તો, તેમણે કહેવાનું કે તેઓ તેમના દીકરાને ડૉક્ટર પાસે લઈ જાય છે.
"અમે કેટલાક આઈએસ ચૅકપૉઇન્ટ્સ પસાર કરી. પણ તેમણે અમને રોક્યાં નહીં."
આખરે, તેઓ સીરિયા અને ઇરાક વચ્ચેની સરહદ પાસેના નગરમાં પહોંચ્યાં અને બહારને લેવા માટે અબુ શુજા અને તેમનો ભાઈ આવ્યા હતા.
તેમના ભાઈએ કહ્યું, "હું ભાંગી પડ્યો. મને યાદ નથી એ પછી શું થયું હતું."
આઈએસ દ્વારા શિંજાર પર કબજો કરાયા બાદ 6400થી વધુ યઝિદી મહિલાઓ અને બાળકોનો ગુલામી માટે સોદો કરાયો હતો.
તથા અન્ય પાંચ હજાર યઝિદીઓને મારી નાખવામાં આવ્યા હતા, જેને સંયુક્ત રાષ્ટ્ર સામૂહિક કતલ ગણાવે છે.
યઝિદી મહિલાઓને બચાવવા ચાલતું અભિયાન
અબુ શુજા સહિત અન્ય વ્યક્તિઓ પણ મહિલા-બાળકોને કેદમાંથી છોડાવવા માટે બચાવઅભિયાન ચલાવે છે. ઉદ્યોગપતિ બહઝાદ ફહરાન જેઓ આઈએસના કબજા બહારના વિસ્તારમાં રહે છે, તેમણે પણ કિન્યાત નામનું એક ગ્રૂપ બનાવ્યું છે, જે યઝિદી મહિલાઓ અને બાળકોને આઈએસ ફાઇટરના અત્યાચારમાંથી બચાવી છોડાવે છે.
કિન્યાતને જાણવા મળ્યું હતું કે આઈએસ ફાઇટરો યઝિદી મહિલાઓનું અપહરણ કરી તેમને ઑનલાઇન વેચી રહ્યાં છે. ખાસ કરીને ટેલિગ્રામ મારફતે.
બહઝાદ કરે છે, "અમે આ ગ્રૂપમાં આઈએસ ફાઇટર બનીને અથવા ફાઇટરોની ઓળખનો ઉપયોગ કરી ઘુસી ગયા."
તેમણે એ ટેલિગ્રામ પર થયેલી વાતચીતના સ્ક્રીનશૉટ દીવાલ પર લગાવ્યા છે. તેમાંથી એક અંગ્રેજીમાં છે અને એમાં લખ્યું છે : "12 વર્ષની સુંદર ગુલામ વેચવાની છે, પણ કુંવારી નથી."
એની કિંમત 13 હજાર અમેરિકી ડૉલર હતી અને તે સીરિયાના રક્કામાં હતી. તેમણે મને પછી એ છોકરીની તસવીર પણ બતાવી જે એક લૅધરના સોફા પાસે ઊભી રખાઈ હતી.
યઝિદી મહિલાઓનું ભાવિ અનિશ્ચિત
જોકે, યઝિદી મહિલાઓનું ભાવિ અનિશ્ચિત છે. યઝિદી મહિલાઓના સમર્થન માટે કામ કરતા મોટા જૂથ યઝદાના વડા હૈદર એલિયાસ કહે છે, “યઝિદી મહિલાઓ સદીઓથી હુમલાનો ભોગ બનતી આવી છે. ઘણી મુસ્લિમ વસ્તી માને છે કે આ મહિલાઓએ કાં તો ધર્માંતરણ કરી લેવું અથવા તો મરી જવું જોઈએ."
"એટલે અમે માનીએ છીએ કે આઈએસ ન તો આખું ચિત્ર દર્શાવે છે કે ન તો એ આનો અંત દર્શાવે છે જે યઝિદીની ભીતિ માટે મહત્ત્વનું પરિબળ છે."
કેમ કે, આઈએસના સંકજામાંથી સિંજારના ઘર છોડી 3 લાખમાંથી જે મહિલાઓ ભાગી જેમાં બહાર પણ સામેલ છે. તે ઇરાકના કુર્દીશના ટેન્ટવાળા કૅમ્પમાં રહે છે.
તેઓ તેમના શિંજારના ઘરે નથી જઈ શકતી. તેમનાં ઘરો તોડી પડાયાં છે. હવે એ જગ્યા ઇરાક-સીરિયા સરહદ પાસે વ્યૂહાત્મક જગ્યા બની ગઈ છે એટલે જોખમી સ્થળ છે.
અહીં જે ઉગ્રવાદીઓ આઈએસ સામે લડવા આવ્યા હતા તેઓ પરસ્પર લડી રહ્યા છે. પ્રભુત્ત્વ જમાવવા તેઓ લડી રહ્યા છે.
એલિયાસ માને છે કે યઝિદી સમુદાયને કોઈ પણ ક્ષણે તેમનો કત્લેઆમ થઈ જવાનો ડર છે. એટલે ઘણા યઝિદી લોકો સ્થળાંતર કરી રહ્યા છે.
"તેમના માટે સુરક્ષા મહત્ત્વની છે. તેમને સુરક્ષિત નથી અનુભવાતું."
બહારની આઝાદી માટે 20 હજાર ડૉલર્સ ખર્ચાયા. તેઓ હવે 40 વર્ષનાં છે પણ વધુ વૃદ્ધ લાગે છે. તેમના વાળ સફેદ થઈ ગયા છે અને તે મોટાભાગે ઢંકાયેલા રાખે છે.
તેમના બચાવ પછી તેઓ આઠ વર્ષ કૅમ્પમાં રહ્યાં. તેમના ટેન્ટમાં નીચે પાતળા ગાદલા પર બેસીને તેઓ મારી સામે પ્લાસ્ટિકનું ફોલ્ડર બતાવે છે, જેમાં તેમના ગુમ થયેલા સ્વજનોની તસવીરો છે.
બહાર માનસિક અને શારીરિક રીતે ઘણા બીમાર છે. તેમના પતિ અને મોટા દીકરા સાથે શું થયું તે વિશે તેમને નથી ખબર. વારંવાર તેમનો બળાત્કાર થયો હોવાથી તેઓ ટ્રોમા સહન કરી રહ્યા છે.
તેમના બાળકો તેમની પાસે છે પરંતુ તેઓ પણ ડર અને ગભરાટમાં જ જીવી રહ્યાં છે.
"મારી દીકરીને માર મરાયો એના લીધે એ ઘાયલ છે. મારે લડત અને સંઘર્ષ કરતું રહેવું પડશે. હવે જે સ્થિતિમાં છીએ એમાં અમે જીવતી લાશ બરાબર છીએ."