You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
18 વર્ષની વયે માતાને લિવર દાન કરનાર યુવતી કેવી રીતે બની ચૅમ્પિયન?
- લેેખક, સમરા ફાતિમા
- પદ, બીબીસી ઉર્દૂ, લંડન
"કારમાં પ્રવાસ કરતી વખતે જ્યારે પણ સ્પીડ બ્રેકર આવે ત્યારે મારું લિવર ઉપર-નીચે થતું. ડાબા પડખે સૂવું તો લિવર પણ એ દિશામાં નમતું અને આવું જમણે પડખે સૂવા પર પણ થતું. કારણ કે ઘણી જગ્યા ખાલી પડી હતી. મને રાત્રે સીધી અવસ્થામાં સૂવાની સલાહ અપાઈ હતી."
ભોપાલનાં રહેવાસી ઍથ્લીટ અંકિતા શ્રીવાસ્તવે પોતાની અનોખી કહાણી જણાવતાં આ વાત કહી હતી.
અંકિતાએ તેમનાં માતાને 18 વર્ષની ઉંમરે પોતાના લિવરનો 74 ટકા ભાગ આપ્યો હતો. આવું કર્યા બાદ તેમણે રમતગમત ક્ષેત્રે નામ કાઢવાના અઘરા વિકલ્પ પર પસંદગી ઉતારી અને અસાધારણ સફળતા હાંસલ કરી.
અંકિતા ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓનાં માલિક પણ છે. પરંતુ તેમના માટે આ બધું કરવું એ સરળ નહોતું.
તેમનાં માતાને ‘લિવર ફાઇબ્રોસિસ’ નામની બીમારી હતી, જેનો ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર ઉપાય હતો. અંકિતાને આ બધું ખબર પડી ત્યારે તેઓ 13 વર્ષનાં હતાં.
અંકિતા પ્રમાણે જ્યારે તેમને ખબર પડી કે તેમનું લિવર તેમનાં માતાથી મૅચ થાય છે, તો તેમણે પોતાનું લિવર માતાને દાન કરવાનો નિર્ણય કરવામાં એક સેકન્ડની પણ રાહ નહોતી જોઈ.
પરંતુ એ સમયે તેમની ઉંમર ઓછી હોવાને કારણે તેમણે 18 વર્ષ પૂરાં થવા સુધીની રાહ જોવી પડી હતી.
સર્જરી બાદની તકલીફો
વચગાળાના સમય દરમિયાન એવી આશા કરાઈ રહી હતી કે કદાચ આ કામ માટે તેમને કોઈ દાતા મળી જશે પરંતુ એવું ન થયું. અને અંકિતા જ્યારે 18 વર્ષનાં થયાં ત્યારે ટ્રાન્સપ્લાન્ટ માટે તેમની સર્જરી કરાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંકિતા જણાવે છે કે સર્જરી પહેલાં તેઓ ખૂબ ઉત્સાહ સાથે ઑપરેશન થિયેટરમાં પ્રવેશ્યાં હતાં, પરંતુ ઑપરેશન બાદ તેમની હાલત એટલી જ ખરાબ થઈ ગઈ હતી.
એ સમયે લિવર ટ્રાન્સપ્લાન્ટ વિશે ભારતમાં કોઈને એટલી જાણકારી નહોતી, તેમજ દર્દીને ઑપરેશન બાદની સ્થિતિ માટેની માનસિક તૈયારી કરાવવાને લઈને પણ જાગૃતિનો અભાવ હતો.
ટ્રાન્સપ્લાન્ટ બાદ જ્યારે અંકિતા સભાન અવસ્થામાં આવ્યાં ત્યારે તેમના શરીર પર લગભગ બધે નાનાં-નાનાં મશીનોના તાર લપેટાયેલા હતા. તેઓ જણાવે છે કે તેમના હાથથી મૉર્ફિનના ઇન્જેક્શનની એક નળી જોડાયેલી હતી. જ્યારે પણ તેઓ થોડાં પણ સભાન અવસ્થામાં આવતાં તેઓ દુખાવાથી કણસી ઊઠતાં. આવી સ્થિતિમાં નર્સ એ દવાનો એક ડોઝ રિલીઝ કરતી, આવું જ ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું.
લિવરનો લગભગ ¾ ભાગ કાઢી લેવાયો હોઈ તેમના પેટની અંદર પડેલી ખાલી જગ્યાને કારણે તેઓ ઝાઝાં હલી પણ નહોતાં શકતાં.
માનો જીવ ન બચ્યો
અંકિતા જણાવે છે કે, "ટ્રાન્સપ્લાન્ટના બે-ત્રણ માસની અંદર જ માનું મૃત્યુ થયું. એક સાથે આટલી બધી માનસિક અને શારીરિક તકલીફો સહન કરવાનું મારા માટે મુશ્કેલ હતું. મેં બધું શરૂઆતથી શીખ્યું, કેવી રીતે બેસવું, ઊભું થવું અને ચાલવું."
અંકિતા પ્રમાણે તેમનાં માતાના દેહાંત બાદ તેમના પિતા તેમનાં બહેન અને તેમનાથી અલગ થઈ ગયા.
બંને બહેનો દાદા-દાદી સાથે રહેતાં અને ઘરખર્ચ ચલાવવાની જવાબદારી તેમના પર આવી પડી હતી.
અંકિતા ટ્રાન્સપ્લાન્ટ પહેલાં સ્વિમિંગ અને ફૂટબૉલનાં રાષ્ટ્રીય સ્તરનાં ખેલાડી હતાં. અંકિતા જણાવે છે કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેઓ ફરી વાર રમતગમત ક્ષેત્રે ઝંપલાવી શકશે.
પરંતુ માનસિક અને શારીરિક મુશ્કેલીઓ છતાં એક ખેલાડી તરીકેના જજબાએ તેમને પરાજિત ન થવાં દીધાં.
"લગન એ સફળતાની ચાવી છે"
અંકિતા અનુસાર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમને એ વાતનો અહેસાસ થયો કે જીવન અચાનક કેટલું બદલાઈ જાય છે.
તેઓ કહે છે કે, "મને ઠીક થવામાં લગભગ દોઢ વર્ષનો સમય થયો, જે બાદ મને વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ વિશે ખબર પડી. મારી પસંદગી ભારતીય ટીમ માટે થઈ."
"તે બાદ મને અહેસાસ થયો કે એક સ્વસ્થ વ્યક્તિની સરખામણીએ મારા માટે આ બધું કેટલું મુશ્કેલ હતું, પરંતુ સફળતાની ચાવી લગન છે. જો તમને લગન સાથે કોઈ કામ કરો તો તમને જરૂરથી તેમાં સફળતા મેળવો છો."
અંકિતા એક તરફ રમતગમત ક્ષેત્રે પરત ફરવા માટે ફરી વાર ટ્રેનિંગ કરી રહ્યાં હતાં તો બીજી તરફ તેમના પર નોકરીની જવાબદારી પણ હતી.
તેમણે જણાવ્યું કે તેઓ સવારે અમુક કલાક સુધી ટ્રેનિંગ કરીને ઑફિસે જતાં અને ઑફિસેથી આવ્યા બાદ ફરી વાર ટ્રેનિંગમાં જોતરાઈ જતાં.
ટ્રાન્સપ્લાન્ટ બાદ અંકિતા વર્ષ 2019માં બ્રિટનમાં યોજાયેલ વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ અને વર્ષ 2023માં ઑસ્ટ્રેલિયામાં આયોજિત વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં લૉન્ગ જમ્પ અને થ્રોબૉલ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ મેળવી ચૂક્યાં છે.
રમતગમત અને કારોબાર
અંકિતા આજે આંતરરાષ્ટ્રીય ખેલાડી હોવાની સાથોસાથ એક મોટિવેશનલ સ્પીકર છે અને તેઓ બિઝનેસ પણ સંભાળે છે.
તેઓ મીડિયા અને મનોરંજન ક્ષેત્રે સ્ટાર્ટઅપ શરૂ કરી ચૂક્યાં છે અને ભવિષ્યમાં હજુ ઘણું બધું કરવા માગે છે.
ટ્રાન્સપ્લાન્ટ બાદ અંકિતાની જીવનશૈલીમાં પણ ઘણા બદલાવ આવ્યા. અંકિતા પ્રમાણે તેમણે ટ્રાન્સપ્લાન્ટ બાદથી ઘર બહારની કોઈ વસ્તુ જેમ કે પિઝા, બર્ગર વગેરે ક્યારેય ખાધા નથી.
જ્યારે તેઓ મિત્રો સાથે બહાર જાય છે ત્યારે તેઓ પોતાનું ભોજન અથવા ડ્રાય ફ્રૂટ જેવું કંઈક પોતાની સાથે જ રાખે છે. પરંતુ તેઓ તમામ મુશ્કેલીઓ છતાં જીવનના વિભિન્ન અનુભવો મેળવી લેવા માગે છે.
પ્રૉફેશનલ રમતગમત હોય કે સ્કાય ડાઇવિંગ- ડીપ સી ડાઇવિંગ જેવી ઍડ્વૅન્ચર સ્પૉર્ટ્સ, અંકિતા કોઈ પણ અનુભવથી પોતાની જાતને વંચિત નથી રાખતાં.
આ અંગેનું કારણ જણાવતાં તેઓ કહે છે કે, "મારી મા પાસે એક કાળી ડાયરી રહેતી, જેમાં તેમણે ઘણું બધું લખેલું. જેમ કે મારી બહેનનાં લગ્ન કરવાં છે, કોણ-કોણ મહેમાન હશે, ઑફિસમાં શું-શું કરવાનું છે, કોની સાથે મિટિંગ કરવાની વગેરે. પરંતુ એ બધું એક ઝાટકે ખતમ થઈ ગયું અને માત્ર ડાયરી રહી ગઈ."
તેઓ કહે છે કે, "હું દરરોજ સવારે જાગીને મારી જાતને એ વાત યાદ અપાવું છું કે એવા કેટલાય લોકો છે જેઓ ઊંઘમાં જ મૃત્યુ પામે છે."
"ઘણા લોકોએ ઘણાં સપનાં જોયાં હશે, જે પૂરાં નહીં થઈ શક્યાં હોય. હું ખૂબ નસીબદાર છું કે મારા નસીબમાં આ દિવસ લખ્યો છે અને હું મારી કોશિશ કરું છું કે હું મારા દરેક દિવસને વધુમાં વધુ અનુભવો થકી ભરી લઉં."
"આવું કરવાથી મને ઘણા નવા અનુભવો પ્રાપ્ત થયા છે જેમાં સફળતાની સાથોસાથ નિષ્ફળતા પણ હોય છે. અને ઘણી સારી વસ્તુઓનો પણ જીવનમાં સમાવેશ થાય છે."
"આપણે અન્યોને સાંભળવાની ટેવ વિકસાવવી જોઈએ"
અંકિતા જણાવે છે કે જીવન કોઈ પણ માટે સરળ નથી, આપણે અન્ય વ્યક્તિઓ પ્રત્યે નરમ વલણ અને હમદર્દી રાખવાં જોઈએ.
તેઓ કહે છે કે, "જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે પોતાની સમસ્યા વિશે વાત કરી રહી હોય ત્યારે તેને તેની સમસ્યા નાની છે અને તમારી સાથે આના કરતાં પણ મોટું કંઈક બન્યું છે એવું કહેવું ખોટું છે."
તેઓ કહે છે કે આપણે બીજાને સાંભળવાની ટેવ પાડવી જોઈએ.
તેઓ ભવિષ્યમાં સ્વાસ્થ્યક્ષેત્રે પણ કામ કરવા માગે છે. તેઓ કહે છે કે લોકો માટે કોઈ રોગનો ઇલાજ કરાવવાનું કામ એટલું મુશ્કેલ ન હોવું જોઈએ.
પોતાના ભવિષ્યના પ્રોજેક્ટ વિશે જણાવતાં તેઓ કહે છે કે, "અમે એવાં રેડિએશન સેન્ટરો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જે સામાન્ય માણસની પહોંચમાં હોય. જેથી કૅન્સરના નિદાન અને તેના ઇલાજ માટે તેમણે વધુ રાહ ન જોવી પડે."
અંકિતા જણાવે છે કે જો તેમનાં માતાનો જીવ બચાવવા માટે તેમણે ફરી વાર લિવર દાન કરવું પડ્યું હોત તો પણ તેમણે આવું કર્યું હોત. ટ્રાન્સપ્લાન્ટ છતાં તેઓ પોતાનાં માતાનો જીવ ન બચાવી શક્યાં એ વાતને લઈને તેમને કોઈ પસ્તાવો નથી.
તેઓ હજુ આગળ જીવનમાં ઘણું બધું કરવા માગે છે. તેઓ કહે છે કે, "જો હું બિઝનેસ કરું તો શું રમી ન શકું? અને રમતગમત સાથે શું હું મારી માનો જીવ ન બચાવી શકું?"
"હું જો કરવા ધારું તો બધું કરી શકું છું. મારા જીવનનું આ જ દર્શન છે અને મને આશા છે કે અમુક લોકો મારા આ વિચારથી જરૂર પ્રભાવિત થશે.”