You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘મેં 10,000થી વધુ પ્રસૂતિ કરાવી છે અને એકેય બાળક મૃત્યુ પામ્યું નથી’
- લેેખક, પ્રમિલા ક્રિષ્નન
- પદ, બીબીસી સંવાદદાતા
અસંખ્ય સ્ત્રીઓને તેમના જીવનની સૌથી નાજુક પળોમાં મદદ કરી ચૂકેલાં ખતીજાબીબી તેમની 33 વર્ષની કારકિર્દી પર નજર કરતાં કહે છે, “મેં અત્યાર સુધીમાં 10,000થી વધારે પ્રસૂતિ કરાવી છે. એ તમામ કુદરતી ડિલિવરી હતી અને એકેય બાળક મૃત્યુ પામ્યું નથી.”
એક સમયે ભારતનો સમાવેશ ઊંચો માતામૃત્યુદર ધરાવતા દેશમાં થતો હતો, પરંતુ ખતીજાબીબીની કારકિર્દી દરમિયાન ભારતમાં માતામૃત્યુદર ઘટ્યો છે અને તે વૈશ્વિક સરેરાશની નજીક આવી ગયો છે. ખતીજાબીબી દેશમાં નાના પરિવારની વધતી ઇચ્છાનાં સાક્ષી પણ બન્યાં છે. એવા પરિવારો જ્યાં દીકરીને તરછોડવામાં આવતી નથી, પરંતુ મૂલ્યવાન સંતાન ગણવામાં આવે છે.
ખતીજાએ 1990માં દક્ષિણ ભારતમાં એક સરકારી આરોગ્યકેન્દ્રમાં નોકરી શરૂ કરી ત્યારે પ્રથમ વખત ગર્ભવતી હતાં.
ખતીજા કહે છે, “હું સાત મહિના પ્રેગ્નેન્ટ હતી. તેમ છતાં અન્ય મહિલાઓને મદદ કરતી હતી. બે મહિનાના ટૂંકા પ્રસૂતિવિરામ પછી હું નોકરી પર પાછી ફરી હતી. પ્રસૂતિ થવાની હોય ત્યારે સ્ત્રીઓ કેટલી ચિંતિત હોય છે એ હું જાણું છું. તેમને આત્મવિશ્વાસ આપવો, ધરપત આપવી એ મારી સર્વોચ્ચ અગ્રતા હોય છે.”
ખતીજાની ઊંચાઈ માત્ર પાંચ ફૂટ છે અને તેમના વ્યક્તિત્વમાં સ્વસ્થતા ઝળકે છે. તેમનું દવાખાનું તામિલનાડુમાં ચેન્નઈથી 150 કિલોમીટર દૂર દક્ષિણમાં વિલ્લુપુરમ ગામમાં આવેલું છે. તેમના દવાખાનામાં સીઝેરિયન માટે જરૂરી વ્યવસ્થા નથી. તેથી તેઓ સગર્ભા મહિલાને કોઈ ગંભીર તકલીફ હોય તો તેઓ તેને તત્કાળ જિલ્લા હૉસ્પિટલમાં મોકલી આપે છે.
સમૃદ્ધ વારસો
ખતીજાની પ્રેરણા તેમનાં માતા ઝુલેખા છે. તેઓ પણ ગ્રામ્ય નર્સ તરીકે કામ કરતાં હતાં. ખતીજા કહે છે, “હું બાળપણમાં સિરીંજ વડે રમતી હતી. હૉસ્પિટલની ગંધથી હું ટેવાયેલી હતી.”
ગ્રામ્ય વિસ્તારની ગરીબ અને અર્ધ-શિક્ષિત મહિલાઓને આરોગ્યસેવા આપવાના પોતાના માતાના કામનું મહત્ત્વ ખતીજા નાની ઉંમરે જ સમજી ગયાં હતાં. એ સમયે ખાનગી હૉસ્પિટલો બહુ ઓછી હતી અને સમાજના તમામ વર્ગની સ્ત્રીઓએ સરકારી પ્રસૂતિગૃહ પર આધાર રાખવો પડતો હતો. એ પ્રસૂતિગૃહોને હવે પ્રાથમિક આરોગ્યકેન્દ્ર કહેવામાં આવે છે.
ખતીજા કહે છે, “મેં શરૂઆત કરી ત્યારે એક ડૉક્ટર, સાત હેલ્પર અને બે અન્ય નર્સ હતી. શરૂઆતનાં થોડાં વર્ષ બહુ જ વ્યસ્તતાભર્યાં હતાં. હું મારાં બાળકોની સંભાળ રાખી શકતી નહોતી. કૌટુંબિક પ્રસંગોમાં હાજરી આપી શકતી નહોતી, પરંતુ એ દિવસોમાં મને મૂલ્યવાન અનુભવ મળ્યો હતો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1990માં ભારતમાં માતામૃત્યુદર (એમએમઆર) પ્રતિ એક લાખ જન્મ સામે 556 મૃત્યુનો હતો. એ જ વર્ષે ભારતમાં પ્રતિ 1,000 સામે 88 શિશુનો મૃત્યુદર નોંધાયો હતો. તાજેતરના સરકારી આંકડા દર્શાવે છે કે હવે પ્રતિ એક લાખ જન્મ સામે એમએમઆર 97 છે, જ્યારે શિશુ મૃત્યુદર પ્રતિ 1,000 જન્મ સામે 27નો છે.
આ ઘટાડાનું શ્રેય ખતીજા ગ્રામીણ આરોગ્યસંભાળમાં સરકાર દ્વારા કરવામાં આવેલા રોકાણ અને સ્ત્રીસાક્ષરતાના વધતાં દરને આપે છે. ખતીજા આ પરિવર્તનમાં મોખરે હતાં અને તેઓ ભારતના ઊંચા જન્મદરનાં સાક્ષી છે.
સામાન્ય દિવસોમાં ખતીજા રોજ એક કે બે પ્રસૂતિ કરાવતા હતાં, પરંતુ તેમને તેમની કારકિર્દીનો સૌથી વ્યસ્ત દિવસ પણ યાદ છે. “આઠમી માર્ચ, 2000નો દિવસ મારા જીવનનો સૌથી વ્યસ્ત દિવસ હતો.” તે આંતરરાષ્ટ્રીય મહિલાદિવસ હતો અને ખતીજા ઓફિસે જતાં હતાં ત્યારે બધા તેમને શુભેચ્છા પાઠવતા હતા. “પ્રસૂતિગૃહમાં બે સ્ત્રીઓ મારી રાહ જોતી હતી. મેં તેમને બાળકના જન્મમાં મદદ કરી હતી. એ પછી વધુ છ સ્ત્રી અમારા દવાખાનામાં આવી હતી.”
એ સમયે ખતીજાની સાથે એક જ મદદનીશ હતો, પરંતુ તણાવ ટૂંક સમયમાં ભૂલાઈ ગયો હતો. “હું ઘરે જવા રવાના થતી હતી ત્યારે એક પછી એક રડતા શિશુઓનો અવાજ સાંભળવા મળ્યો હતો. તે ખૂબ જ સુખદ અનુભૂતિ હતી. અમારા આરોગ્યકેન્દ્રમાં લોકોની ભીડ હતી અને બધા બહુ ખુશ હતા.”
ખતીજાના જણાવ્યા મુજબ, તેમણે 50 જોડિયાં બાળકો અને ત્રણ-ત્રણ બાળકોની એક જોડીને આ વિશ્વમાં લાવવામાં મદદ કરી હતી. 90ના દાયકાની શરૂઆતમાં મોટા પેટવાળી એક સ્ત્રી પીડાથી કરાંજી રહી હતી. ખતીજાને એમ થયું હતું કે તેના ગર્ભમાં જોડિયા બાળકો હશે, પરંતુ તેમના દવાખાનામાં અલ્ટ્રાસાઉન્ડ સ્કૅનર ન હતું.
ખતીજા કહે છે, “પહેલા બાળકના જન્મની થોડી જ વારમાં તે સ્ત્રીને ફરી પ્રસૂતિની પીડા ઊપડી હતી અને તેણે બીજા સંતાનને જન્મ આપ્યો હતો.” ખતીજા બન્ને શિશુને સ્નાન કરાવવા રૂમની બહાર ગયાં ત્યારે એ સ્ત્રી ફરી ચીસો પાડવા લાગી હતી. ”
ખતીજા કહે છે, “હું ખૂબ તણાવમાં આવી ગઈ હતી. મારા માટે તે નવું હતું અને હું તેના માટે તૈયાર ન હતી. તે મહિલાની હાલત જોતાં તે જિલ્લા હૉસ્પિટલમાં મોકલવાનું અશક્ય હતું.” ખતીજાએ તે મહિલાને શાંત કરવાના પ્રયાસમાં તેના મસ્તક પર હળવા હાથે માલિશ કર્યું અને ત્રીજા બાળકનો જન્મ થયો. ”
ખતીજાએ 10,000 સ્ત્રીઓની પ્રસૂતિ કરાવી હોવાના વિક્રમની જિલ્લા વહીવટીતંત્રે પુષ્ટિ કરી છે અને તેમને મુખ્યપ્રધાન તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
પીડા અને નુકસાન
ખતીજા જણાવે છે કે હવે શ્રીમંત પરિવારોની મહિલાઓ પ્રસૂતિ માટે ખાનગી હૉસ્પિટલોમાં જવાનું પસંદ કરે છે. તેમાં સીઝેરિયનનો વિકલ્પ સૌથી પહેલી પસંદગી હોય છે.
ખતીજા કહે છે, “પ્રસૂતિ દરમિયાન શિશુનું મૃત્યુ થયાની ઘણી ઘટનાઓ મારાં માતાએ નિહાળી છે. સીઝેરિયનને લીધે અનેકના જીવ પણ બચ્યા છે. મેં શરૂઆત કરી ત્યારે મહિલાઓને શસ્ત્રક્રિયાનો ડર લાગતો હતો. હવે ઘણી સ્ત્રીઓને નેચરલ ડિલિવરીનો ડર લાગે છે અને તેઓ સર્જરીનો વિકલ્પ પસંદ કરે છે.”
ખતીજાના પોતાના પરિવારમાં આવી ઘટના બની હતી. તેમને આશા હતી કે તેમની પુત્રવધૂ કુદરતી પ્રસવ દ્વારા સંતાનને જન્મ આપશે, પરંતુ તેને હૉસ્પિટલમાં લઈ જવી પડી હતી.
ખતીજા કહે છે, “હું હાજર હોત તો સર્જરી ટાળી શકાઈ હોત એવું મને આજે પણ લાગે છે. હું ડૉકટર્સ કે આરોગ્ય કર્મચારીઓને દોષી ઠેરવતી નથી. હું ભારપૂર્વક માનું છું કે ઘણા કેસમાં સીઝેરિયનની જરૂર જ નથી હોતી. પ્રસૂતાને પૂરતો ટેકો આપવામાં આવે તો યોનિમાર્ગે કુદરતી પ્રસવ શક્ય છે.”
છેલ્લા ત્રણ દાયકામાં ગ્રામીણ પરિવારોની આવકમાં સુધારો થયો છે અને એ સુધારો તેની સાથે પડકારો પણ લાવ્યો છે. ખતીજા કહે છે, “સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અગાઉ દુર્લભ હતો. હવે તે બહુ સામાન્ય બાબત બની રહ્યો છે.”
વ્યાપક સામાજિક પરિવર્તન થયું છે ત્યારે વધુને વધુ પતિઓ પત્નીની પ્રસૂતિ વખતે હાજર રહેવાની વિનંતી કરતા થયા છે. ખતીજા કહે છે, “મેં સારો અને ખરાબ બન્ને સમય જોયો છે. ઘણા પતિ તેમની પત્નીને મળવા પણ આવતા ન હતા. બીજી કે ત્રીજી વખત દીકરીનો જન્મ થાય તો સ્ત્રીઓ ચોધાર આંસુએ રડતી હતી.”
90ના દાયકામાં સેક્સ-સિલેક્ટિવ ગર્ભપાતના અને બાળહત્યાના કિસ્સાનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે સરકારે માતા-પિતાને ગર્ભમાંનું બાળક દીકરો છે કે દીકરી તે જણાવવા ડૉક્ટર્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યજી દેવાયેલી બાળકીઓની સંભાળ માટે તામિલનાડુ સરકારે પણ 'ક્રૅડલ બેબી સ્કીમ' શરૂ કરી હતી. “પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે,” એમ જણાવતાં ખતીજા ઉમેરે છે, “ઘણાં યુગલો સંતાન દીકરી હોય કે દીકરો તે ધ્યાનમાં લીધા વિના પરિવાર બે બાળકો સુધી સીમિત રાખવાનું પસંદ કરી રહ્યાં છે.”
દુઃખદ વાત એ છે કે સાત વર્ષ પહેલાં ખતીજાના પતિનું અવસાન થયું હતું. તેમની પુત્રી સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે અને પુત્ર દુબઈમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કાર્યરત્ છે. ખતીજાનાં પુત્રવધૂ મોનિષા ઇચ્છે છે કે ખતીજા બાકીનું જીવન તેમના પૌત્ર-પૌત્રીઓ સાથે પસાર કરે. ખતીજા 30 જૂને 60 વર્ષની વયે નિવૃત્ત થશે, પણ તેમણે ભવિષ્યનું કોઈ નક્કર આયોજન કર્યું નથી, પરંતુ નિવૃત્તિ પછી શું ગુમાવવું પડશે એ તેઓ બરાબર જાણે છે.
ખતીજા કહે છે, “હું નવજાત શિશુના જન્મ પછી પહેલી વખત રડવાનો અવાજ સાંભળવા હંમેશાં ઉત્સુક હોઉં છું. સ્ત્રીઓ પ્રસૂતિ વખતે કેટલી પીડા સહન કરે છે એ તમે જાણો છો, પરંતુ પોતાના સંતાનના રડવાનો અવાજ સાંભળે ત્યારે બધું ભૂલી જાય છે અને સ્મિત કરવા લાગે છે. સ્ત્રીના ચહેરા પરની એ રાહત નિહાળવાનો અનુભવ મારા માટે કાયમ આનંદદાયક રહ્યો છે. મારા માટે એ વર્ષો પ્રાણવાન છે.”