રાજકોટ: યુવતીની હત્યા કરી મૃતદેહને સળગાવી દીધો, એક ટ્રૉલી બૅગના અવશેષો મળ્યા અને હત્યાનો ભેદ કઈ રીતે ઉકેલાયો?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

રાજકોટના પડધરી તાલુકાના ખામટા ગામની સીમમાં શંકાસ્પદ અવશેષો સળગેલી હાલતમાં પડ્યા હોવાની પોલીસને જાણ થાય છે.

આ અવશેષો મળી આવ્યા એ દિવસ નવમી ઑક્ટોબરનો હતો.

પહેલી નજરે અવશેષો કોઈ સળગેલી ટ્રૉલી બૅગના હોય તેવું લાગતું હતું. પરંતુ તેમાંથી માનવશરીરના અવશેષો પણ મળી આવ્યા જેથી પોલીસને હત્યાનો કેસ બન્યો હોય તેવું લાગ્યું અને તેમણે વધુ તપાસ હાથ ધરી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે આ એક બ્લાઇન્ડ કેસ હતો જેમાં પોલીસ પાસે કોઈ પુરાવા કે ફરિયાદ ન હતી.

પોલીસે ફૉરેન્સિક ઇન્વેસ્ટિગેશન અને અન્ય તપાસ ચાલુ રાખી. તેમને ટ્રૉલી બૅગની બ્રાન્ડની જાણ થઈ અને એ બૅગ અતિશય મોંધી હતી.

સમગ્ર રાજકોટમાં આ પ્રકારની ટ્રૉલી બૅગ વેચતા હોય તેવા જૂજ લોકો હતા જેથી પોલીસે તમામ દુકાનોએ જઈને પૂછપરછ કરી.

તેમાંથી આ પ્રકારની ટ્રૉલી બૅગ ખરીદનારા 27 લોકોનું લિસ્ટ બન્યું અને તેમની સઘન પૂછપરછ થઈ.

આ લોકોમાંથી 26 લોકોએ તેમણે ખરીદેલી બૅગ પોલીસને બતાવી. માત્ર એક વ્યક્તિ એવી નીકળી કે જેની પાસે આ બૅગ ન હતી.

સાથે જ ચાલી રહેલી અન્ય તપાસમાં ફોરેન્સિક ઍક્સપર્ટ્સે એ શોધી કાઢ્યું કે ‘ક્રાઇમ સ્પૉટ’ પાસે કોઈ એસયુવીના ટાયરોના નિશાન છે.

જે વ્યક્તિ પાસેથી બેગ ન મળી તેની તપાસ કરતા જણાયું કે તેની પાસે પણ એસયુવી છે. એટલે પોલીસની શંકા વધુ પ્રબળ બની.

પડધરી અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા અને એ વ્યક્તિને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી.

પોલીસે સઘન તપાસ કરતા મેહુલ ચોટલિયા નામની આ વ્યક્તિએ કબૂલી લીધું કે તેણે એક મહિલાની હત્યા કરી છે.

શું બન્યું હતું?

જે યુવતીની મેહુલ ચોટલિયાએ હત્યા કરી છે એ અમદાવાદનાં રહેવાસી હતાં અને તેમનું નામ અલ્પા ઉર્ફે આયેશા મકવાણા હતું.

32 વર્ષીય મેહુલ ચોટલિયા આયેશા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતો અને રાજકોટની એક હોટલમાં મૅનેજર તરીકે કામ કરતો હતો.

તપાસ અધિકારી જીજે ઝાલાએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, "બંને લોકો છેલ્લા 18 મહિનાથી લિવ-ઇન રિલેશનશિપમાં હતા. બંને વચ્ચે 6 ઑક્ટોબરે કોઈ મુદ્દે ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે."

"એ ઝઘડામાં આયેશાએ તેને લાફા ઝીંકી દીધા હતા. આ ઝઘડા પછી મેહુલે આ હત્યાનું પગલું ભર્યું હોવાનું મનાય છે."

બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાને મળેલી માહિતી અનુસાર આયેશાની હત્યા કર્યા બાદ તેણે મૃતદેહને ત્રણ દિવસ સુધી ઘરમાં જ રાખ્યો હતો. ત્યારબાદ તેમાંથી દુર્ગંધ આવવાનું ચાલુ થઈ જતાં તેણે તેનો નિકાલ કરવાનું નક્કી કર્યું હતું અને ખામટા ગામની સીમમાં જઈને સળગાવી દીધો હતો.

પોલીસે આપેલી માહિતી અનુસાર, "યુવતીની ઊંચાઈ ઓછી હોવાને કારણે તેના મૃતદેહને ટ્રૉલી બૅગમાં લઈ જઈને તેને સળગાવી દેવાનું નક્કી કર્યું."

"એ માટે તેણે લાકડાં પણ ખરીદ્યાં હતાં. આઠમી ઑક્ટોબરે તેણે પોતાની કારમાં આ બૅગ લઈ જઈને પડધરી પાસે આવેલી એક નિર્જન જગ્યામાં લાશને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી."

બીજે દિવસે આરોપી તે જગ્યાએ ફરીથી એ ચેક કરવા પહોંચ્યો હતો કે ત્યાં કોઈ અવશેષો દેખાય છે કે નહીં. પરંતુ ત્યાં પોલીસ પહોંચી ચૂકી હતી. લાશ પૂરેપૂરી સળગી ન હતી જેને કારણે આ મામલો સામે આવ્યો હતો.

પોલીસે શું કહ્યું?

પડધરી પોલીસ સ્ટેશને બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાને આ સમગ્ર મામલાની વિગતો આપી છે.

આ વિગતો અનુસાર ખામટા ગામના વનરાજભાઈ રાઠોડે પડધરી પોલીસ સ્ટેશનમાં ફોન કરીને માનવકંકાલ પડ્યા હોવાની જાણ કરી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ અને એલસીબીએ ઘટનાસ્થળે પહોંચીને આ મામલાની તપાસ કરી હતી તથા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવતીની ઊંમર 17થી 30 વર્ષની વચ્ચે છે.

આશરે પંદર દિવસની તપાસ પછી પોલીસ આરોપી મેહુલ ચોટલિયા સુધી પહોંચી હતી અને પૂછપરછ કરતાં આરોપીએ કબૂલ્યું હતું કે તેણે આયેશા નામની વ્યક્તિની હત્યા કરી છે.

પોલીસે જણાવ્યું છે કે આ આરોપી લિવ-ઇનમાં અલ્પા ઉર્ફે આયેશા સાથે રહેતો હતો અને ઝઘડા દરમિયાન આયેશાએ તેને બે લાફા મારતાં તેણે ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી.

ત્યારબાદ ત્રણ દિવસ પછી તેની લાશને ખામટા ગામની સીમમાં લઈ જઈને તેના પર લાકડાં મૂકીને અને પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી હોવાની આરોપીએ કબૂલાત કરી છે.

પોલીસે આરોપીને સાત દિવસના રિમાન્ડ પર મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.