ગરમીથી શેકાતા ગુજરાતમાં ચોમાસું હજુ કેટલું દૂર, વરસાદ કઈ તારીખથી પડશે?

ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ સહિતના શહેરો ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે, પરંતુ હમણા વરસાદ આવે અને ગરમીમાં રાહત મળે તેવી શક્યતા ઓછી છે.

હવામાન ખાતાની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં જ આગામી અઠવાડિયામાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.

ચોમાસું હાલમાં મહારાષ્ટ્રમાં સ્થિર છે અને ત્યાંથી આગળ વધીને આખા ગુજરાતમાં છવાઈ જાય તેમાં સમય લાગશે.

8 જૂને ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગરમી અનભવાઈ છે, જેમાં અમદાવાદમાં 40.4 ડિગ્રી અને ડીસામાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું હતું. સુરતમાં 35.2 ડિગ્રી, ભુજમાં 38.6 ડિગ્રી, રાજકોટમાં 39.5, સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી તાપમાન રહ્યું છે.

અમદાવાદસ્થિત હવામાન ખાતાની કચેરી મુજબ નવ જૂન, સોમવારે દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. બાકીના ભાગોમાં સૂકું વાતાવરણ રહેશે.

10મી જૂને પણ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે.

11 જૂને સાઉથ ગુજરાતના કેટલાક જિલ્લા અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં અમુક જગ્યા પર વરસાદ પડી શકે છે, જે દરમિયાન ગાજવીજ રહેવાની શક્યતા છે.

12 જૂને પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરો સૂકા રહેશે અને માત્ર દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લા તથા સૌરાષ્ટ્રમાં ફક્ત અમરેલી અને ભાવનગરમાં હળવો કે મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી છે.

અમદાવાદમાં ગરમી 43 ડિગ્રી સુધી પહોંચશે

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સપ્તાહ આજે તાપમાન એકદમ સ્વચ્છ રહેશે અને તાપમાન 41 ડિગ્રી સે. સુધી જવાની શક્યતા છે.

ખાનગી હવામાન વેબસાઇટ ઍક્યૂવેધર મુજબ, અમદાવાદમાં સોમવાર અને મંગળવારે મહત્તમ 41 ડિગ્રી સેલ્શિયસ સુધી તાપમાન રહી શકે છે. બુધવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી, ગુરુવારે 43 ડિગ્રી અને શુક્રવારે પણ 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.

આગામી શનિવારે મહત્તમ તાપમાન ઘટીને 40 ડિગ્રી થશે અને તે દિવસે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આગામી ચાર દિવસ સુધી દિવસ બહુ ગરમ રહેશે અને આકાશ પણ સ્વચ્છ રહેશે એમ ઍક્યૂવેધરની આગાહી જણાવે છે.

ચોમાસાની આગેકૂચ ક્યાં અટકી ગઈ

સામાન્ય રીતે કેરળમાં જે તારીખે ચોમાસું આવે તેના કરતા આ વખતે લગભગ એક અઠવાડિયા વહેલો વરસાદ શરૂ થઈ ગયો હતો. મુંબઈમાં પણ ચોમાસું બેસી ગયું છે અને ત્યાં ત્રણ દિવસ સુધી એકધારો ભારે વરસાદ પડ્યો હતો.

ત્યાર પછી ચોમાસું ગુજરાત તરફ આગળ વધવાના બદલે મહારાષ્ટ્ર પર જ સ્થિર થઈ ગયું છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદનું આગમન થાય ત્યાર પછી એક અઠવાડિયામાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસું આવી જાય છે, પરંતુ આ વખતે વાત અલગ છે.

ગુજરાતમાં મે મહિનાના અંતમાં કેટલાક ભાગોમાં પ્રિ-મોન્સુન વરસાદ પડ્યો હતો અને અમુક ખેતીના પાકોને નુકસાન થયું હતું, પરંતુ વાવણી કરી શકાય તેવો વરસાદ હજુ સુધી પડ્યો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન