You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શુભાંશુ શુક્લા: પિતા જેને આઈએએસ બનાવવા માગતા હતા એ છોકરો અવકાશયાત્રી કેવી રીતે બની ગયો?
- લેેખક, સૈયદ મોઝેઝ ઇમામ
- પદ, બીબીસી સંવાદદાતા, લખનૌ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સીતાપુર રોડ પર ત્રિવેણી નગર છે. શંભુ દયાલ શુક્લા અહીં પોતાના ઘરના ડ્રૉઇંગ રુમમાં બેસીને વાત કરતી વખતે ખૂબ ખુશ જણાય છે. તેમણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે તેમનો પુત્ર આખા દેશમાં તેમની પ્રતિષ્ઠા વધારશે.
જ્યારે શંભુ દયાલ પોતાના પુત્રની સિદ્ધિથી ખુશ હતા, ત્યારે તેમની બાજુમાં બેઠેલાં તેમનાં પત્ની આશા શુક્લા પણ ગર્વ અનુભવી રહ્યાં હતાં કે તેમનો પુત્ર અવકાશમાં જવાનો છે.
ભારતીય વાયુસેનાના ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા ટૂંક સમયમાં દેશના બીજા અવકાશયાત્રી બની જશે, તેઓ 10 જૂને યુએસ સ્પેસ સેન્ટરથી 14 દિવસના મિશન પર જવાના છે.
તેમના પિતા શંભુ દયાલ શુક્લાએ બીબીસીને જણાવ્યું હતું કે જ્યારે તેમનો પુત્ર સેનામાં જોડાવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે તેઓ તેમના પુત્રના સ્વપ્નથી અજાણ હતા.
વાસ્તવમાં, શંભુ દયાળ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર સિવિલ સર્વિસમાં જોડાઈને IAS અધિકારી બને.
શુભાંશુ શુક્લાની બાળપણથી અત્યાર સુધીની સફર
40 વર્ષીય ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી છે. તેમનાં માતાપિતા ઉપરાંત, તેમનાં બે મોટી બહેનો છે. એક બહેન લખનૌમાં શિક્ષિકા છે અને બીજાં દિલ્હીમાં રહે છે.
શુભાંશુ શુક્લાએ લખનૌની સિટી મૉન્ટેસરી સ્કૂલની અલીગંજ શાખામાંથી 12માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
શુભાંશુના પિતા બીબીસીને કહે છે, "જ્યારે તેણે (શુભાંશુએ) એનડીએનું ફૉર્મ ભર્યું, ત્યારે અમને ખબર નહોતી. એક દિવસ તેના મિત્રએ ફોન કર્યો, તે સમયે અમારા ઘરમાં લૅન્ડલાઇન ફોન હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જ્યારે મેં ફોન ઉપાડ્યો, ત્યારે તેના મિત્રને ખબર ન પડી કે ફોન કોણે ઉપાડ્યો અને તેણે કહ્યું કે તારી એનડીએમાં પસંદગી થઈ ગઈ છે."
પોતાના પુત્રની નૅશનલ ડિફેન્સ ઍકેડેમીની (NDA) પરીક્ષા અને તાલીમ યાત્રા વિશે વાત કરતી વખતે શંભુ દયાલ શુકલા ભાવુક થઈ જાય છે.
તેમણે કહ્યું, "ત્યારબાદ, ટેસ્ટ, SSB અને તાલીમ રાઉન્ડ થયા. હું તેમની સાથે ક્યાંય ગયો ન હતો. જ્યારે તે તાલીમ માટે જઈ રહ્યો હતો, ત્યારે મેં તેમને ચારબાગ સ્ટેશન પર ટ્રેનમાં બેસાડ્યો."
શુભાંશુના પરિવારના સભ્યો કહે છે કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે આવા મહત્ત્વપૂર્ણ મિશન પર જશે.
શુભાંશુનાં મોટાં બહેન શુચિ મિશ્રા કહે છે, "અમે ફક્ત વિચાર્યું હતું કે શુભાંશુ ઍર ચીફ માર્શલ બનશે."
શુભાંશુના પિતા કહે છે, "તે ક્યારેય અમને તેની યોજનાઓ અગાઉથી કહેતો નથી. જ્યારે તેને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યો, ત્યારે પણ તેણે અમને ચાર દિવસ પછી કહ્યું."
શંભુ દયાલ શુક્લાને તેમના પુત્ર પર ગર્વ છે અને હવે તેમને પુત્રના સિવિલ સર્વિસમાં ન જોડાવાનો કોઈ અફસોસ નથી.
ફાઇટર પાઇલટ શુભાંશુ શુક્લા 2006 માં ભારતીય વાયુસેનામાં કમિશન્ડ થયા હતા. તેમને 2000 કલાકથી વધુ સમય વિમાન ઉડ્ડાણનો અનુભવ છે.
શુભાંશુએ ભારતીય વાયુસેનાના સુખોઈ-30 MKI, MiG-21S, MiG-29S, જગુઆર, હોક્સ ડોર્નિયર્સ અને N-32 જેવા વિમાન ઉડાવ્યાં છે.
ગ્રૂપ કૅપ્ટન શુક્લાને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) અને યુએસ અવકાશ એજન્સી નૅશનલ ઍરોનોટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશનના (નાસા) સંયુક્ત મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે.
શુભાંશુનાં માતા આશા શુક્લાએ કહ્યું, "તે બાળપણથી જ ખૂબ જ મહેનતુ છે. તેણે ક્યારેય કંઈ માંગ્યું નહીં. તે ઘરે જે પણ રાંધેલું હોય તે ખાતો. જે મળે તેમાં સંતોષ માનવો એ તેની આદત હતી."
રાકેશ શર્મા પછી બીજા અવકાશયાત્રી
ગ્રૂપ કૅપ્ટન શુક્લા આ મિશન હેઠળ અવકાશમાં જશે, ત્યારે તેઓ આ સિદ્ધી મેળવનારા બીજા ભારતીય અવકાશયાત્રી બનશે.
લગભગ 40 વર્ષ અગાઉ 1984માં રાકેશ શર્મા સોવિયેત સંઘના અવકાશ મિશન હેઠળ ગયા હતા.
જે એક્સિઓમ-4 મિશન હેઠળ ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન જઈ રહ્યા છે તે એક ખાનગી સ્પેસ કંપની, એક્સિઓમ સ્પેસનું ચોથું મિશન છે.
એક્સિઓમ સ્પેસ એ 2016 માં રચાયેલી એક અમેરિકન કંપની છે, જેનો ધ્યેય અવકાશ યાત્રાને વ્યાપારી રીતે વધુ સુલભ બનાવવાનો છે.
આ કંપની સરકારી અને ખાનગી બંને અવકાશયાત્રીઓને અવકાશમાં પરિવહન કરવાનું કામ કરે છે.
શુભાંશુ શુક્લાનાં બહેન શુચી મિશ્રા કહે છે, "અમે ગભરાટ અનુભવતાં નથી, અમને આશા છે કે મિશન નિર્ધારિત સમય મુજબ થશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે."
શુભાંશુ શુક્લાને અવકાશમાં લઈ જનારા અવકાશયાન સ્પેસએક્સ રૉકેટનો ઉપયોગ કરીને લૉન્ચ કરવામાં આવશે. સ્પેસએક્સ એ ઇલોન મસ્કની માલિકીની અમેરિકન કંપની છે.
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સુધી પહોંચનારા આ અવકાશયાનમાં ગ્રૂપ કૅપ્ટન શુક્લાની સાથે પોલૅન્ડ, હંગેરી અને અમેરિકાના અવકાશયાત્રીઓ પણ હશે.
વર્ષ 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા આ મિશન માટે સહમત થયા હતા.
ઇસરોથી નાસા સુધીની સફર
ઇસરોએ વર્ષ 2024 માં એક્સિઓમ-4 મિશન માટે ગ્રૂપ કૅપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર અને ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લાની પસંદગી કરી હતી.
શુક્લાને 'પ્રાઇમ' અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે નાયરને 'બૅકઅપ' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
પ્રાઇમનો અર્થ એ છે કે શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક જશે, પરંતુ જો કોઈ કારણોસર તેઓ જઈ શકે એમ ન હોય, તો નાયર તેમનું સ્થાન લે.
આ પ્રસંગે, ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર પોસ્ટ કરીને ગ્રૂપ કૅપ્ટન શુક્લા અને ગ્રૂપ કૅપ્ટન નાયરને અભિનંદન પાઠવ્યા હતા.
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, "ઇસરો-નાસાના સંયુક્ત પ્રયાસોને આગળ વધારવાના ધ્યેય તરફ, ઇસરોના હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરે (HSFC) તેના આગામી કાર્યક્રમ માટે એક્સિઓમ સ્પેસ (યુએસએ) સાથે સ્પેસ ફ્લાઇટ કરાર (SFA) પર હસ્તાક્ષર કર્યા છે. આ મિશન એક્સિઓમ-4 હશે."
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "નૅશનલ મિશન અસાઈનમેન્ટ બોર્ડે આ મિશન માટે પ્રાઇમ અને બૅકઅપ મિશન પાઇલટ્સ તરીકે બે અવકાશયાત્રીઓની ભલામણ કરી છે. આ ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા (પ્રાઇમ) અને ગ્રૂપ કૅપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર (બૅકઅપ) છે."
લાંબી તાલીમ અને સખત મહેનત પછી, હવે સમય આવી રહ્યો છે જ્યારે શુભાંશુ 10 જૂને અવકાશની યાત્રા શરૂ કરશે.
ફ્લાઇટની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે અને શુભાંશુ શુક્લાના પરિવારમાં દરેક વ્યક્તિ તેના માટે ઉત્સાહિત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન