કૅનેડા કયો નવો નિયમ લાવી રહ્યું છે, કોને પડશે અસર?

    • લેેખક, નાદીન યુસુફ
    • પદ, બીબીસી ન્યૂઝ, ટોરોન્ટો

ગુજરાત સહિત ભારતનાં અનેક રાજ્યોથી લોકો વધુ સારી તકો માટે કૅનેડા જતા હોય છે અને ત્યાં વિવિધ રસ્તાઓ મારફતે સ્થાયી થવાના પ્રયાસ કરતા હોય છે ત્યારે કૅનેડાની સરકારે લાવેલા બિલનો પ્રસ્તાવ કેટલાક લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે.

કૅનેડા સરકારે હાલમાં જ દેશમાં આશ્રય અરજીઓમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે એક બિલનો પ્રસ્તાવ મૂક્યો છે.

કૅનેડાના ઇમિગ્રેશન મંત્રી લેના ડાયબે જણાવ્યું હતું કે સ્ટ્રૉન્ગ બૉર્ડર્સ ઍક્ટનો ઉદ્દેશ્ય સંગઠિત અપરાધ અને ગેરકાયદેસર ડ્રગ્સ અને શસ્ત્રોના પ્રવાહને રોકવાનો છે, તેમજ દેશની ઇમિગ્રેશન સિસ્ટમની અખંડિતતાને મજબૂત બનાવવાનો છે.

તેમાં એવા પ્રસ્તાવોનો પણ સમાવેશ થાય છે જે પોલીસને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે જોડાયેલી કૅનેડાની સરહદ પર દેખરેખ રાખવા માટે વધુ સત્તાઓ આપશે.

આનાથી કૅનેડામાં એક વર્ષથી વધુ સમયથી રહેતા લોકોને આશ્રયની વિનંતી કરતા પણ રોકી શકાય છે.

પરંતુ આલોચકો આ બિલ નાગરિક સ્વતંત્રતાઓ પર તરાપ મારશે એવો આરોપ લગાવી રહ્યા છે.

ઐતિહાસિક રીતે કૅનેડા હંમેશાં નવા લોકોને આવકારતું રહ્યું છે પણ પ્રસ્તાવિત બિલ એવા સમયમાં આવી રહ્યું છે કે જ્યારે કૅનેડા પર ઇમિગ્રેશનને મર્યાદિત કરવા માટે દબાણ વધી રહ્યું છે.

કારણ કે દેશ જાહેર સેવા અને આવાસના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે.

શરણાર્થીઓ કૅનેડામાં આશ્રયનો દાવો ક્યારે કરી શકે?

વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની પાછલી સરકારે આર્થિક વિકાસને વેગ આપવા માટે ઇમિગ્રેશન પર ખૂબ આધાર રાખ્યો હતો અને કામચલાઉ કામદારો તથા વિદ્યાર્થીઓ તરીકે કૅનેડા આવતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો.

તે જ સમયે, કૅનેડામાં આશ્રય માટે ઘણી અરજીઓ આવી હતી.

એપ્રિલમાં થયેલી ફેડરલ ચૂંટણીમાં જીત મેળવનારા વડા પ્રધાન માર્ક કાર્નીએ કૅનેડાના ઇમિગ્રેશન અંગે યોગ્ય પગલાં લેવાનું વચન આપ્યું હતું.

વર્તમાન કાયદા હેઠળ, શરણાર્થીઓ કૅનેડામાં આશ્રયનો દાવો ત્યારે કરી શકે છે જ્યારે તેઓ ઍરપૉર્ટ જેવા પ્રવેશ દ્વાર પર પહોંચે છે, અથવા જ્યારે તેઓ પહેલેથી જ કૅનેડામાં હોય છે. જોકે, આશ્રયનો દાવો કરતા પહેલાં તેઓ દેશમાં કેટલો સમય રહી શકે તેની કોઈ મર્યાદા નથી.

રોકડ વ્યવહારો પર પ્રતિબંધો

નવા નિયમો હેઠળ, એક વર્ષથી વધુ સમયથી કૅનેડામાં રહેતા લોકોની અરજીઓ અવરોધિત કરવામાં આવશે, જેના કારણે તેમને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.

'સેફ થર્ડ કન્ટ્રી ઍગ્રીમેન્ટ' હેઠળ, યુએસથી કૅનેડામાં પ્રવેશતા લોકોએ 14 દિવસની અંદર કૅનેડામાં રહેવાની અરજી દાખલ કરવાની રહેશે, પછી ભલે તે યુએસ હોય કે કૅનેડા, જેથી તેના પર વિચાર કરી શકાય.

'સેફ થર્ડ કન્ટ્રી ઍગ્રીમેન્ટ' એ લાંબા સમયથી ચાલતો કરાર છે જેમાં સ્થળાંતર કરનારાઓએ પહેલા 'સેફ' દેશમાં આશ્રય લેવો જરૂરી છે, પછી ભલે તે અમેરિકા હોય કે કૅનેડા.

આ કાયદો સરકારને 'જાહેર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ માટે' નવી અરજીઓની પ્રક્રિયાને સંપૂર્ણપણે સ્થગિત કરવાની સત્તા પણ આપે છે.

127 પાનાનું આ વિશાળ બિલ સરકારની શક્તિનો પણ વિસ્તાર કરશે.

વધુમાં, તે 10,000 કૅનેડિયન ડૉલર (7,300 ડૉલર) થી વધુના રોકડ વ્યવહારો પર પ્રતિબંધ લાદશે.

'અમેરિકાની મુશ્કેલીઓ'નો ઉકેલ

ડાબેરી પક્ષના ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનાં સાંસદ જેની ક્વાનએ જણાવ્યું હતું કે આ બિલ "ઘણા કૅનેડિયનો માટે ચિંતાજનક છે."

નવા કાયદાનો મોટો ભાગ યુએસ-કૅનેડા સરહદ પર ફેન્ટાનાઇલ (એક પ્રકારની પેઇનકિલર દવા) અને ગેરકાયદેસર શસ્ત્રોના પ્રવાહને રોકવા સાથે સંબંધિત છે.

આ એક એવો મુદ્દો છે જેનો ઉપયોગ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડા પરના તેમના ટેરિફને યોગ્ય ઠેરવવા માટે કર્યો છે.

કૅનેડાના જાહેર સલામતી મંત્રી ગેરી આનંદસાંગરીએ જણાવ્યું હતું કે તેઓ નવા કાયદા અંગે યુએસ બૉર્ડર ઝાર ટૉમ હોમનને માહિતી આપશે.

તેમણે સ્વીકાર્યું કે આ કાયદો યુનાઇટેડ સ્ટેટ્સ માટે ચિંતાનો વિષય બનેલા મુદ્દાઓને ઉકેલવા માટે કામ કરશે અને તે કૅનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વેપાર વાટાઘાટોમાં પણ ભૂમિકા ભજવશે.

પરંતુ તેમણે એમ પણ કહ્યું, "આ ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સ વિશે નથી પરંતુ તે કૅનેડાની સરહદોને સુરક્ષિત કરવા વિશે પણ છે."

કેટલાંક જૂથોએ નવા નિયમોની ટીકા કરી છે. ઇમિગ્રન્ટ રાઇટ્સ નેટવર્કે પ્રસ્તાવિત પગલાંને "અનૈતિક" ગણાવ્યાં અને કહ્યું કે, "આ નિયમ શરણાર્થીઓના રક્ષણ પર ગંભીર અસર કરે છે અને મોટા પાયે દેશનિકાલને મંજૂરી આપે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન