ગુજરાતીઓ સહિત હજારો લોકો પર કૅનેડામાંથી દેશનિકાલનું જોખમ કેમ તોળાઈ રહ્યું છે?

    • લેેખક, સરબજિતસિંહ ધાલીવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

કૅનેડામાં ગેરકાયદેસર રહેતા ઇમિગ્રન્ટ્સ ડિપૉર્ટેશનના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

કૅનેડિયન બૉર્ડર સર્વિસિઝ એજન્સી (સીબીએસએ)ના લેટેસ્ટ આંકડા પ્રમાણે, કૅનેડામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની સંખ્યા 30,687 છે. સીબીએસએએ હવે આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે.

કૅનેડામાં ગેરકાયદેસર રીતે રહેતા બહારના લોકોને આ એજન્સી ડિપૉર્ટ કરવા માટે જવાબદાર છે.

કેટલા લોકો પર લટકી રહી છે ડિપૉર્ટેશનની તલવાર?

સીબીએસએના લેટેસ્ટ ડેટા અનુસાર મૅક્સિકન લોકોને ડિપૉર્ટેશનનો સામનો કરવો પડે એવી શક્યતા સૌથી વધુ છે, આ યાદીમાં બીજા નંબરે ભારતીય મૂળના લોકો છે. આ લોકોની સામે પણ ડિપૉર્ટેશનની નોટિસ કાઢવામાં આવી છે.

સીબીએસએના રિપોર્ટ અનુસાર ડિપૉર્ટેશનની કાર્યવાહીનો સામનો કરનારા લોકો ઘણી કૅટગરીમાં વિભાજિત છે. જેમાં વિઝા નિયમોનું ઉલ્લંઘન કરનારા, કૅનેડામાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ લોકો, વર્ક પરમિટ કરતાં વધુ સમય સુધી રહેનારા લોકો અને નિષ્ફળ ગયેલા શરણાર્થી કેસો. આ બધામાં ભારતીય મૂળના લોકો પણ સામેલ છે.

ઇમિગ્રેશન નિષ્ણાતો પ્રમાણે, "આંકડા જણાવે છે કે કૅનેડાની ઇમિગ્રેશન સિસ્ટમ ગેરકાયદેસર રીતે રહેતા લોકો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે કઠોર પગલાંનો સામનો કરી રહી છે."

કૅનેડામાં ઇમિગ્રેશન મામલાના નિષ્ણાત કંવર સરીહાએ બીબીસીને કહ્યું કે હાલ જે લોકોને ડિપૉર્ટ કરાશે તેમની પાસે અપીલ કે દલીલનો કોઈ અધિકાર નથી.

તેઓ કહે છે કે, "આમાં 90 ટકા લોકો એવા છે જેમણે રાજકીય શરણ માટે અરજી કરી હતી અને હવે તેમની અરજી નામંજૂર કરી દેવાઈ છે. આનો આંકડો 27,140 છે."

આ સિવાય 1,400 લોકો એવા છે જેઓ કૅનેડા ભણવા આવ્યા હતા, પરંતુ તેમણે પોતાનું ભણતર પૂરું કર્યું નહોતું. ઉપરાંત આમાં એવા લોકો પણ સામેલ છે, જેઓ કૅનેડા ટુરિસ્ટ વિઝા પર આવ્યા હતા, પરંતુ પાછા ગયા નહોતા.

આ યાદીમાં એવા પણ લોકો છે જેઓ પોતાની વર્ક પરમિટ સમાપ્ત થઈ ગયા પછી પણ સ્વદેશ પરત નથી ગયા.

આ સિવાય 1,256 લોકો એવા છે જેઓ કૅનેડામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેલ હોવાના દોષિત છે.

સીએસબીએ અનુસાર 65 લોકો એવા છે જેઓ સંગઠિત ગુનાખોરીમાં સામેલ છે.

કયા ક્ષેત્રમાં સૌથી વધુ ડિપૉર્ટ થનારા લોકો છે?

વર્ષ 2024માં કૅનેડાએ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ઇમિગ્રેશન નિયમોના ઉલ્લંઘન સામે કડક પગલાં લીધાં.

ચૂંટણી પહેલાં લિબરલ પાર્ટીએ ઇમિગ્રેશનના કાયદાઓમાં ઘણા ફેરફાર કર્યા, જેણે કૅનેડાની નાગરિકતા મેળવવાના સપનાં જોનાર લાખો ઇમિગ્રન્ટોને સીધી અસર કરી છે.

એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં અન્ય મુદ્દા સાથે ઇમિગ્રેશન એક મહત્ત્વપૂર્ણ મુદ્દો બનીને સામે આવ્યો.

કૅનેડાની મોટી પાર્ટીઓ, જેમ કે કન્ઝર્વેટિવ્ઝ, એનડીપી અને ગ્રીન પાર્ટીએ લિબરલ પાર્ટીની આ મુદ્દે ખૂબ ટીકા કરી. તેમ છતાં કૅનેડાના લોકોએ માર્ક કાર્નીની આગેવાનીવાળી લિબરલ પાર્ટી પર જ મહોર મારી.

સીબીએસએ પ્રમાણે, ડિપૉર્ટેશનની કાર્યવાહીનો સામનો કરનાર આ લોકો કૅનેડાનાં વિવિધ ક્ષેત્રોમાં વસે છે. પરંતુ આશ્ચર્યજનક રીતે આ પૈકી મોટા ભાગના (16,556) ક્યુબેકથી છે, જ્યારે બીજા ક્રમે ગ્રેટર ટોરન્ટો વિસ્તારમાં (9,699) છે, જ્યાં ભારે સંખ્યામાં ભારતીયો વસે છે.

આ સિવાય 1,500 લોકો પૅસિફિક ક્ષેત્ર જેમ કે વેનકુવર વિસ્તારથી છે.

રાજકીય શરણના કેસોમાં વધારો

પાછલાં અમુક વર્ષોથી કૅનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું પસંદગીનું સ્થળ રહ્યું છે. ગુજરાત અને પંજાબથી કૅનેડામાં વસી જવાના સ્વપ્ન સાથે સ્ટડી પરમિટ મેળવીને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ કૅનેડા પહોંચ્યા છે.

કડક ઇમિગ્રેશન કાયદાને કારણે તે પૈકી મોટા ભાગનાને કાયમી નિવાસ માટેનો પરવાનો નથી મળ્યો. અને બીજી તરફ ઘણા વિદ્યાર્થીઓની સ્ટડી પરમિટ પણ પૂરી થઈ ચૂકી છે.

કૅનેડામાં કાયમી વસવાટનો પરવાનો મેળવવાની આશાએ ઘણા વિદ્યાર્થીઓએ રાજકીય શરણ માટે અરજી કરી હતી. આ વાતની પણ કૅનેડિયન સરકારના આંકડામાં પુષ્ટિ થાય છે.

ગ્લોબલ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર કૅનેડિયન સંઘીય ડેટા પ્રમાણે વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ રાજકીય શરણ માટે રેકૉર્ડ 20,425 અરજી કરી હતી. આ સંખ્યા 2023ની સરખામણીએ બમણી અને 2019ની સરખામણીએ છ ગણી છે.

2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ રાજકીય શરણ માટે 5,500 અરજી આવી છે, જે વર્ષ 2024ની સરખામણીમાં 22 ટકા છે. આ આંકડા જોતાં એવું લાગે છે કે કદાચ આ વર્ષે ગત વર્ષનો રેકૉર્ડ પણ તૂટી જશે.

રાજકીય શરણ માટેની અરજી નામંજૂર થવાના વલણ અંગે ઇમિગ્રેશન નિષ્ણાત કંવર સરીહાએ કહ્યું, "આનાથી સાબિત થાય છે કે કૅનેડાનું નાગરિકત્વ મેળવવાની આ રીત પણ સમાપ્ત થઈ ચૂકી છે અને વિદ્યાર્થીઓએ ખોટા દસ્તાવેજોને આધારે રાજકીય શરણ માટે અરજી ન કરવી જોઈએ."

તેમણે કહ્યું, "વ્યક્તિઓને ડિપૉર્ટ કરવાના આ બધા કેસ જૂના છે અને ઇમિગ્રેશન કાયદા અંગે વડા પ્રધાન માર્ક કાર્ની શો નિર્ણય લેશે એ હજુ સ્પષ્ટ નથી."

બીજી તરફ કૅનેડામાં વિદ્યાર્થીઓના હિત માટે કામ કરવાનો દાવો કરતા વિદ્યાર્થી સંગઠન 'યુથ સપૉર્ટ નેટવર્ક'એ 1 જૂનના રોજ બ્રેમ્પટન ખાતે એક સભા બોલાવી છે.

સંગઠને જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વર્ક પરમિટ સમાપ્ત થઈ ચૂકી છે તેમને અને જેમની વર્ક પરમિટ સમાપ્ત થવાને આરે છે તેમને સભામાં બોલાવ્યા છે.

નોંધનીય છે કે આ એ જ સંગઠન છે જેણે બ્રેમ્પટન ખાતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ માટે બ્રેમ્પટન ખાતે ગત વર્ષે મહિનાઓ સુધી પ્રદર્શન કર્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન