You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોમાસું મુંબઈ પહોંચ્યું ત્યારે શું થયું, ગુજરાતમાં આગમન પહેલાં વરસાદે કેવી તબાહી મચાવી - જુઓ 10 તસવીરોમાં
રવિવારે સાંજના સમયથી જ દેશની આર્થિક રાજધાની મુંબઈ તથા આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે અનેકસ્થળોએ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે.
સોમવારે સપ્તાહની શરૂઆતમાં ઑફિસે જનારાઓએ હાલાકી અનુભવી હતી. જોકે, મોટાભાગની શાળાઓમાં વૅકેશન ચાલી રહ્યું હોય, વાલીઓ તથા માતા-પિતાએ રાહતના શ્વાસ લીધાં હતાં.
સામાન્ય રીતે ભારતમાં પહેલી જૂનથી ચોમાસાની શરૂઆત થાય છે, પરંતુ આ વખતે વરસાદ લગભગ આઠેક દિવસ વહેલો છે, જેની અસર વરસાદની પૅટર્ન ઉપર પણ જોવા મળી રહી છે.
ભારે વરસાદને કારણે મુંબઈ મેટ્રોની ઍક્વા લાઇન ઉપર આચાર્ય અત્રે મેટ્રો સ્ટેશન પર જળભરાવની સ્થિતિ જોવા મળી હતી. આ સ્ટેશન ઍની બેસન્ટ રોડ ઉપર આવેલું છે.
આચાર્ય અત્રે મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે. ડ્રેઇન લાઇનના પાણીને અટકાવી રાખતી દીવાલ તૂટી પડતાં મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયું હતું.
સોશિયલ મીડિયા ઉપર આ તસવીરો વાયરલ થઈ હતી અને યૂઝર્સે મેટ્રો સ્ટેશનનાં પ્લાનિંગ તથા નિર્માણની ગુણવતા અંગે સવાલો ઉઠાવ્યા હતા.
જોકે, સત્તાધીશોનું કહેવું છે કે આ સ્ટેશનનું કામકાજ હજુ અપૂર્ણ છે તથા તેને તૈયાર થતાં ત્રણેક મહિનાનો સમય લાગશે. જે સ્થળેથી મેટ્રો સ્ટેશનમાં પાણી પ્રવેશ્યું તેનો પ્રવેશ કે નિર્ગમન માટે ઉપયોગ થતો ન હતો.
ગાજવીજ સાથે ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને જનજીવન ઠપ થઈ ગયું હતું. બારામતીમાં કૅનાલ તૂટી પડવાની ઘટના નોંધાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વહીવટી તંત્રે ભારે વરસાદને કારણે લોકોને સતર્ક રહેવા તાકિદ કરી છે અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે.
કૃષિવિષયક હવામાનશાસ્ત્રી ડૉ. કૈલાશ દાખોરેના કહેવા પ્રમાણે, આ વર્ષે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયાનું સર્જન થયું હતું. બંને સ્થળોએ ખૂબ જ ઝડપભેર આનું સર્જન થયું હતું, જેના કારણે ચોમાસાને માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ હતી.
ભારતભરમાં ડુંગળીના ઉત્પાદન માટે મહારાષ્ટ્રનું નાસિક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. અચાનક ભારે વરસાદને કારણે ખેતરમાં રહેલો ઉનાળુ ડુંગળીનો પાક પલળી જવા પામ્યો હતો.
જેના કારણે આગામી દિવસોમાં ડુંગળીના ભાવો ઉપર તેની અસર જોવા મળશે. ખેડૂતોએ મહારાષ્ટ્ર સરકાર પાસેથી વળતરની માગણી કરી છે.
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના રત્નાગિરિમાં સોમ તથા મંગળવાર માટે રેડઍલર્ટ આપવામાં આવ્યું છે. અહીં જનજીવન ઠપ થઈ ગયું છે.
કેટલાંક સ્થળોએ રસ્તા તથા પુલની ઉપર પાણી ફરી વળવાને કારણે માર્ગવ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, મહારાષ્ટ્રના અમુક વિસ્તાર, ગોવા તથા કર્ણાટકના કેટલાક ભાગોમાં રવિવારથી વરસાદ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ચોમાસું ત્રણેક દિવસ વહેલું બેસશે.
મધ્ય મહારાષ્ટ્રમાં લૉ-પ્રેશર એરિયા બનવાને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન કોંકણની આજુબાજુના ઊંચાઈવાળા વિસ્તારો તથા મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે.
પુણેમાં ભારે મેઘગર્જના સાથે વરસાદ અને 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જિલ્લામાં નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની (એન.ડી.આર.એફ.) બે ટુકડીઓને સાવચેતીના પગલાં રૂપે ગોઠવી દેવામાં આવી છે.
કેટલાક સ્થળોએ ભારે પાણી ભરાઈ જવાને કારણે પુણે-સોલાપુર હાઈવે ઉપર વાહનોની અવરજવરમાં અવરોધ ઊભો થયો છે. વાહનોની લાંબીલાંબી કતારો લાગી છે.
હાલના વાતાવરણ મુજબ હવામાન વિભાગે ખેડૂતોને વાવણી માટે ઉતાવળ ન કરવા માટે સલાહ આપી છે, કારણ કે મે મહિનાના અંતભાગ સુધીમાં વરસાદ અટકી જશે અને પછી ગરમી અનુભવાશે.
આ સંજોગોમાં જો ખેડૂતો વાવેતર કરવાનું વિચારશે તો નુકસાન જવાની શક્યતા નકારી ન શકાય. પશ્ચિમ અને પૂર્વના દરિયાનું તાપમાન અસામાન્ય છે, જે વરસાદ માટે અનિશ્ચિતતા ઊભી કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન