You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતથી અમેરિકા મોકલાયેલી હજારો કિલો કેરીનો કેમ નાશ કરવો પડ્યો, શું છે આખો મામલો?
- લેેખક, સંદીપ રાય
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતથી અમેરિકા નિકાસ કરાયેલી હજારો કિલો કેરીને અમેરિકામાં રિજેક્ટ કરવામાં આવી છે જેના કારણે ભારતીય કેરી નિકાસકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
નિકાસકારોનું કહેવું છે કે અમેરિકન અધિકારીઓએ આ કેરી પાછી લેવા અથવા તેનો નાશ કરવા ઍક્સપોર્ટ્સને સૂચના આપી હતી.
કેરી એ પેરિશેબલ પ્રોડક્ટ છે એટલે કે ઝડપથી ખરાબ થઈ જાય છે. તેનો પરિવહન ખર્ચ પણ વધુ હોય છે તેથી ભારતીય નિકાસકારોએ તેને પાછી મોકલવાના બદલે અમેરિકામાં જ નાશ કરવાનો વિકલ્પ પસંદ કર્યો.
બીબીસીએ આ ઘટના વિશે કેટલાક નિકાસકારો સાથે વાત કરી. તેમણે નામ જાહેર ન કરવાની શરતે આ ઘટનાની માહિતી આપી છે. એક નિકાસકારે કહ્યું કે કેરી રિજેક્ટ થવાના કારણે નિકાસકારોને કુલ પાંચ લાખ ડૉલર (લગભગ 4.2 કરોડ રૂપિયા)નું નુકસાન ભોગવવું પડ્યું છે.
જોકે, ભારતમાં ફ્રેશ વેજિટેબલ્સ ઍન્ડ ફ્રૂટ ઍક્સપોર્ટર્સ ઍસોસિયેશન (વાફા)એ જણાવ્યું કે આ ઘટના પછી પણ કેરીની નિકાસ ચાલુ છે. તેમનું કહેવું છે કે ગયા વર્ષ કરતા વધુ કેરીની નિકાસ થવાની અપેક્ષા છે.
વાફા સાથે સંકળાયેલા એક નિકાસકારે બીબીસીને કહ્યું કે આ રિજેક્શન પછી પણ રોજની 10થી 12 હજાર કેરીની પેટીઓને નિકાસ કરવામાં આવે છે.
આખો વિવાદ શું છે?
આઠ અને નવ મેએ મુંબઈથી કેરીનો એક મોટો જથ્થો અમેરિકા મોકલવામાં આવ્યો હતો. ત્યાં પહોંચ્યા પછી ફૂડ ઍન્ડ સેફ્ટી મામલે અમેરિકન અધિકારીઓએ આ ખેપને રિજેક્ટ કરી દીધી હતી.
નિકાસકારોએ બીબીસીને જણાવ્યું કે લગભગ 15થી 17 ટન કેરીનું શિપમેન્ટ રિજેક્ટ થયું છે. આ કેરીને એટલા માટે નાશ કરવી પડી કારણ કે તેને પરત લાવવામાં વધુ ખર્ચ થાય તેમ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય કેરીનો જથ્થો અમેરિકાના લૉસ એન્જલસ, સેન ફ્રાન્સિસ્કો અને ઍટલાન્ટા ઍરપોર્ટ પર ઉતારવામાં આવ્યો હતો.
એક નિકાસકારે જણાવ્યું કે મુંબઈથી કેરીની નિકાસ કરતા પહેલાં જંતુઓ મારવા અને ગુણવત્તા સુધારવા માટે નવી મુંબઈ સ્થિત એક ફેસિલિટીમાં ઇરરેડિયેશનની પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા અમેરિકાના કૃષિ વિભાગ (યુએસડીએ)ના અધિકારીઓની દેખરેખ હેઠળ થાય છે.
આના માટે નિકાસકારોને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. પરંતુ નિકાસકારોનું કહેવું છે કે અમેરિકા પહોંચ્યા પછી ડૉક્યુમેન્ટમાં વાંધા કાઢીને આ કેરીને પાછી લેવા અથવા નષ્ટ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
અસરકર્તા નિકાસકારોએ જણાવ્યું કે નોટિસમાં જણાવાયું હતું કે, "આ શિપમેન્ટમાં આગળ જે થશે તેનો ખર્ચ અમેરિકન સરકાર નહીં ઉઠાવે."
નિકાસકારોનું કહેવું છે કે યુએસડીએ અધિકારી તરફથી જારી કરાયેલા સર્ટિફિકેટ ઍક્સપોર્ટસ પાસે હતા. પરંતુ ભારતમાં હાજર યુએસડીએ અધિકારીઓને કેરીની ટ્રીટમેન્ટ અંગે કંઈક શંકા થઈ. તેથી ભારતમાં તે સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યું.
એક નિકાસકારે જણાવ્યું કે, "ઇરરેડિયેશનની જે ટ્રીટમેન્ટ થવાની હતી, તે થઈ. પરંતુ અમેરિકન અધિકારીઓને ટ્રીટમેન્ટ સર્ટિફિકેટમાં કંઈક ખામી દેખાઈ. કારણ કે ભારતમાં હાજર યુએસડીએ અધિકારીઓએ વ્યવસ્થિત ટ્રીટમેન્ટને લઈને શંકા જાહેર કરી હતી."
ભારતીય અધિકારીઓનું શું કહેવું છે?
એગ્રીકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ઍક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી (APEDA)ના અધિકારી પી. બી. સિંહે બીબીસીને જણાવ્યું કે ઇરરેડિયેશનની પ્રક્રિયા મુંબઈમાં મહારાષ્ટ્ર રાજ્ય એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડ (એમએસએએમબી) અને યુએસડીએના એનિમલ ઍન્ડ પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસની દેખરેખ હેઠળ થાય છે.
અમેરિકામાં કેરીની નિકાસ થાય તે અગાઉ તપાસ દરમિયાન યુએસડીએ તરફથી તેમના ઇન્સ્પેક્ટર હાજર રહે છે. તેમાં નિકાસકારને સર્ટિફિકેટ જારી કરવામાં આવે છે. તે કેરીની આખી સિઝન એટલે કે એપ્રિલથી ઑગસ્ટ સુધી માન્ય રહે છે.
એમએસએએમબીએ આ અઠવાડિયે જણાવ્યું હતું કે, "આ મુદ્દે જરૂરી એજન્સીઓ કે ફેસિલિટીને પહેલેથી જણાવવાના બદલે ઇન્સ્પેક્ટરોએ અમેરિકામાં પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી હતી. ત્યાર પછી કેરીનો જથ્થો રિજેક્ટ કરવામાં આવ્યો."
ભારતમાં ઇરરેડિએશન ફેસિલિટી અમદાવાદ, વાશી (નવી મુંબઈ), નાસિક અને બેંગલુરુ ખાતે છે.
APEDAના અધિકારી મુજબ પ્રોસેસ દરમિયાન શું થયું તે એમએસએએમબી પોતાના સ્તરે જુએ છે. ક્યાં ચૂક રહી ગઈ તેની અધિકારીઓ તપાસ કરે છે જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય.
આ વિશે બીબીસીએ વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો. તેમનો જવાબ મળશે તો આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.
નિકાસમાં ક્યાં મુશ્કેલી છે, નિકાસકારો શું કહે છે?
રિજેક્શનના મામલે એક નિકાસકારે નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે તેમણે 10 લાખ રૂપિયાથી વધારે નુકસાન વેઠવું પડ્યું છે.
તેમણે કહ્યું કે, અમેરિકન અધિકારીઓએ મુંબઈમાં ઇરરેડિયેશન પ્રક્રિયાના સર્ટિફિકેટમાં કેટલીક ખામીઓ દર્શાવી અને આખો જથ્થો પાછો લેવા કહ્યું. ત્યાર પછી નિકાસકારોએ આખું શિપમેન્ટ ત્યાં નષ્ટ કરવાનો રસ્તો પસંદ કર્યો અને ત્યાંની બાયો સિક્યૉરિટી વેસ્ટ ફેસિલિટીમાં તેનો નાશ કરવામાં આવ્યો.
જોકે, તેમણે કહ્યું કે, આ ઘટનાને ટ્રેડ વૉર સાથે કોઈ સંબંધ નથી અને આ એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિઝર છે જે પેરિશેબલ પ્રોડક્ટ સહિત તમામ ઉત્પાદનો પર લાગુ થાય છે.
કેરીના નિકાસકારોનું કહેવું છે કે, "ભારત સરકાર અનેક સ્તરે નિકાસકારોને મદદ કરવામાં નિષ્ફળ રહી છે."
તેમણે કહ્યું કે, "કેરી જેવી પેરિશેબલ પ્રોડક્ટમાં નિકાસકારોએ ખોટ સહન કરવી પડે છે અને તેના પ્રોટેક્શનના કોઈ ઉપાય નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી નિકાસકારોને મળતું ઇન્સેન્ટિવ ધીમે ધીમે બંધ કરવામાં આવ્યું છે. ખાસ કરીને 2016થી 2020 વચ્ચે આવું થયું છે."
તેઓ કહે છે, "જે રીતે ખેડૂતોને પાક વીમો મળે છે, તે રીતે નિકાસકારોને કોઈ સુવિધા નથી મળતી. લૉજિસ્ટિક્સની પણ ઘણી અછત છે."
તેમણે કહ્યું કે, "નિકાસકારોને ઍરફેરમાં કોઈ રાહત નથી મળતી. સિઝનમાં ઍરલાઇનો ભાડું વધારી દે છે અને સમયસર શિપમેન્ટ ન પહોંચે તો પણ આખું ભાડું વસૂલે છે."
તેમના કહેવા પ્રમાણે, "સૌથી વધારે મુશ્કેલી ઍરફ્રેટ પર લાગતા જીએસટીની છે. ધારો કે અમેરિકામાં 2000 રૂપિયે કિલો કેરી વેચાય છે, જેનું હવાઈભાડું જ 1200 રૂપિયા થાય છે. આ ભાડા પર સરકાર 18 ટકા જીએસટી વસૂલે છે."
"આ રિફંડેબલ હોય છે, પણ તે પાછું મળવામાં બેથી ત્રણ મહિના લાગી જાય છે. આ બાબતે ધ્યાન આપવા નાણામંત્રીને અપીલ કરવામાં આવી છે."
તેઓ કહે છે, "સામાન્ય રીતે દેશની અંદર ગુડ્સ અને સર્વિસિસ પર જીએસટી લાગે છે. પરંતુ બીજા દેશમાં મોકલાતી કેરી પર પણ જીએસટી વસૂલાય છે. તેમાં નિકાસકારોના ઘણા રૂપિયા ફસાઈ જાય છે."
ખરાબ હવામાનથી કેરીની નિકાસને માઠી અસર
આ વખતે નિકાસકારોને ટાર્ગેટ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ લાગે છે.
મહારાષ્ટ્રના એક મેંગો ઍક્સપોર્ટરે બીબીસીને કહ્યું કે, "હાલમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્ર પ્રદેશની કેરી આવવાનો સમય છે, જે સામાન્ય રીતે પાંચમી જૂન સુધી ચાલુ રહે છે. આ દરમિયાન હાફૂસ, કેસર, બંગનાપલ્લી, લંગડા, દશહરી સહિત 10થી 12 પ્રકારની કેરીની નિકાસ કરવામાં આવે છે."
તેમણે કહ્યું, "હાફૂસ સામાન્ય રીતે મહારાષ્ટ્રના રત્નાગિરી અને કોંકણ વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે અને વરસાદને કારણે તેના ઉત્પાદન પર અસર પડી છે."
તેમણે કહ્યું, "લોકો કહે છે કે આ વખતે કેરીનો પાક ગયા વર્ષ જેટલો સારો નથી. આ ઉપરાંત હવામાન પણ ખરાબ છે. છેલ્લા એક અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે અમને સારી ગુણવત્તાવાળી કેરી મેળવવી મુશ્કેલ બની ગઈ છે."
તેમના મતે, "મહારાષ્ટ્રમાં કેરીની મોસમ મે મહિનાના અંત અથવા જૂનના પહેલા સપ્તાહ સુધી ચાલતી હતી. પરંતુ લાંબા સમય સુધી ખરાબ હવામાનને કારણે કેરીની મોસમ 20 મે સુધીમાં લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને હવે સારી ગુણવત્તાની કેરીઓ મેળવવી મુશ્કેલ બની ગઈ છે."
તેમણે કહ્યું કે 50થી 60 હજારથી વધારે કેરી ઉત્પાદક ખેડૂતો નિકાસ પ્રણાલી સાથે જોડાયેલા છે અને નોંધાયેલા છે, એટલે કે નિકાસકારો આ ખેડૂતો પાસેથી કેરી ખરીદી શકે છે. ખરાબ હવામાનને કારણે આ ખેડૂતોને પણ અસર થશે.
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં ભારતે કુલ 27,330 મેટ્રિક ટન કેરીની નિકાસ કરી હતી જેની કિંમત 4.8 કરોડ ડૉલર હતી.
ગયા વર્ષે કેરીની સમગ્ર સિઝન દરમિયાન 2.43 ટન ભારતીય કેરીની અમેરિકામાં નિકાસ કરવામાં આવી હતી, જે પાછલા વર્ષ એટલે કે 2022-23 કરતા 19 ટકા વધુ હતી.
2007માં ભારત અને અમેરિકા વચ્ચે કેરી ઍક્સપોર્ટ પ્રોગ્રામ પર હસ્તાક્ષર થયા હતા, જેના હેઠળ કેરીની નિકાસ માટેના નિયમો બનાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ભારતીય કેરી જાપાન, ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ગલ્ફ દેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને જ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. જોકે, તેને 90 દિવસ માટે કામચલાઉ અટકાવી દેવાયો હતો. પરંતુ તેની અસર કેરીની નિકાસ પર પણ પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન