ભારત, અમેરિકા, ઇઝરાયલ અને ચીન : કોની પાસે કઈ ઍર ડિફેન્સ સિસ્ટમ, કોણ વધુ શક્તિશાળી?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ગોલ્ડન ડોમ' મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડિઝાઇન પસંદ કરી છે. ટ્રમ્પનું કહેવું છે કે તે 'ભવિષ્યની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ' છે. ટ્રમ્પનું કહેવું છે કે તેમના વર્તમાન કાર્યકાળના અંતભાગ સુધીમાં આ સિસ્ટમ કાર્યરત થઈ જશે.

ટ્રમ્પનું કહેવું છે કે આ સિસ્ટમનો હેતુ અમેરિકાને 'આગામી પેઢી'ના હવાઈહુમલાથી લડવા માટે સજ્જ કરવાનો છે. જેમાં બૅલેસ્ટિક તથા ક્રૂઝ મિસાઇલોથી ઊભું થનારું જોખમ પણ સામેલ છે.

દુનિયાના અલગ-અલગ દેશો પાસે પોતાની ઍર ડિફેન્સ સિસ્ટમ હોય છે, જે યુદ્ધના સંજોગોમાં કોઈપણ દેશની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.

વિશ્વના અગ્રણી દેશો પાસે કઈ-કઈ ઍર ડિફેન્સ સિસ્ટમ છે, તથા તેમાં ભારત ક્યાં છે, તેના વિશે જાણવાનો પ્રયાસ કરીશું.

ઍર ડિફેન્સ સિસ્ટમ એટલે શું?

દુશ્મન દેશના વિમાન, મિસાઇલ અને ડ્રોન સહિતના હવાઈ જોખમોને પોતાના દેશમાં પ્રવેશતા અટકાવવા માટે વાયુ સુરક્ષા વ્યવસ્થા (ઍર ડિફેન્સ સિસ્ટમ) ઊભી કરવામાં આવે છે.

આ સિસ્ટમ રડાર, સેન્સર, મિસાઇલ તથા ગન સિસ્ટમનો ઉપયોગ કરીને હવાઈ જોખમો વિશે માહિતી મેળવે છે, તેમને ટ્રૅક કરે તથા તેનો નાશ કરવા માટે વળતી કાર્યવાહી કરે છે.

ઍર ડિફેન્સ સિસ્ટમ કોઈ એક જગ્યાએ સ્થાપિત હોય શકે છે અથવા તો હરીફરી શકે તેવી મોબાઇલ પણ હોય શકે છે. તે નાના ડ્રોનથી લઈને બૅલેસ્ટિક મિસાઇલ્સ જેવા જોખમોને અટકાવી શકે છે.

ઍર ડિફેન્સ સિસ્ટમ મુખ્યત્વે ચાર ભાગમાં કામ કરે છે. રડાર તથા સેન્સર દુશ્મનના વિમાન, મિસાઇલ તથા ડ્રોન વિશે માહિતી મેળવે છે. કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટર આ ડેટાને પ્રોસેસ કરીને પ્રાથમિક્તા નક્કી કરે છે.

હથિયાર પ્રણાલી જોખમોને અટકાવે છે તથા મોબાઇલ યુનિટ્સને ઝડપભેર તહેનાત કરી શકાય છે, જે યુદ્ધક્ષેત્રમાં ખૂબ જ પ્રભાવક નીવડે છે.

અમેરિકાની ઍર ડિફેન્સ સિસ્ટમ

અમેરિકાએ 'ગોલ્ડન ડોમ સિસ્ટમ' માટે 175 અબજ ડૉલર ખર્ચવાની જાહેરાત કરી છે. આને માટે પ્રાથમિક તબક્કે 25 અબજ ડૉલરની જોગવાઈ કરવામાં આવી છે.

અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે હાલમાં યુ.એસ. પાસે જે ઍર ડિફેન્સ સિસ્ટમ છે, તેની મદદથી સંભવિત દુશ્મનોનાં અત્યાધુનિક હથિયારો સામે પૂરતું સંરક્ષણ થઈ શકે તેમ નથી.

ટ્રમ્પનું કહેવું છે કે નવી મિસાઇલ સિસ્ટમ જમીન, દરિયા, અને અંતરીક્ષમાં નવી પેઢીની ટેકનૉલૉજીથી સજ્જ હશે. આ સિસ્ટમ હેઠળ અંતરીક્ષમાં એવાં સેન્સર તથા ઇન્ટરસૅપ્ટર ગોઠવવામાં આવશે, જે હવાઈહુમલાનું જોખમ અટકાવી શકશે.

આ સિસ્ટમ અમુક અંશે ઇઝરાયલની આયર્ન ડોમ સિસ્ટમથી પ્રેરિત છે. વર્ષ 2011થી રૉકેટ અને મિસાઇલ હુમલાને અટકાવવા માટે ઇઝરાયલ આ સિસ્ટમ વાપરી રહ્યું છે.

જોકે, ગોલ્ડન ડોમની સૌથી મોટી ખાસિયત એ હશે કે તે હાઇપરસૉનિક સહિતના વ્યાપક જોખમનોનો સામનો કરવા માટે સક્ષમ હશે.

તે 'અવાજની ઝડપ' (મૅક) તથા ફ્રૅક્શનલ ઑર્બિટલ બૉમ્બાર્ડમેન્ટ સિસ્ટમ્સથી (ફોબ્સ) પણ વધુ ઝડપથી સ્થાળાંતરણ કરી શકશે. ઉલ્લેખનીય છે કે ફોબ્સ અવકાશમાંથી હથિયાર છોડી શકે છે.

ટ્રમ્પનું કહેવું છે કે તે તમામ પ્રકારના જોખમનો હવામાં જ તોડી પાડશે તથા તેની સફળતાનો દર લગભગ 100 ટકા છે.

હાલમાં અમેરિકા પાસે 'ટર્મિનલ હાઈ અલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ' (થાડ) છે, જે તેણે વિશ્વના અનેક સહયોગી દેશોને સુરક્ષા માટે આપી છે. દક્ષિણ કોરિયા, હૈતી તથા ગુવામમાં તેને તહેનાત કરવામાં આવી છે.

આ સિસ્ટમ મધ્યમ રેન્જની બૅલેસ્ટિક મિસાઇલને તેના લૉન્ચિંગના પ્રારંભિક તબક્કે જ તોડી પાડવા માટે સક્ષમ છે. તે 'હિટ-ટુ-કિલ' સિસ્ટમ ઉપર કામ કરે છે, મતલબ કે તે સામેથી આવતા હથિયારને અટકાવવાના બદલે તેનો નાશ કરી દે છે.

થાડ સિસ્ટમ 200 કિલોમીટર દૂર અને 150 કિલોમીટરની ઊંચાઈ સુધી પ્રહાર કરી શકે છે. વિશ્વભરના અલગ-અલગ દેશોની મુખ્ય ઍર ડિફેન્સ સિસ્ટમ વિશે બીબીસી સંવાદદાતા ચંદનકુમાર જજવાડેએ સંરક્ષણ નિષ્ણાત સંજીવ શ્રીવાસ્તવ સાથે વાત કરી હતી.

સંજીવ શ્રીવાસ્તવ કહે છે, "અમેરિકા પાસે થાડ સિવાય એમ.આઈ.એમ. 104 પેટ્રિયટ ઍર ડિફેન્સ સિસ્ટમ છે, જેની ઑપરેશનલ રેન્જ 170 કિલોમીટર છે."

તેમનું કહેવું છે, "તમામ દેશ સંભવિત હવાઈહુમલા સામે મલ્ટીલેયર સિક્યૉરિટી ઊભી કરવાનો પ્રયાસ કરે છે. અમેરિકા, જર્મની તથા ઇટાલી પાસે એમ.ઈ.એ. ડિફેન્સ સિસ્ટમ પણ છે."

ઇઝરાયલનું આયર્ન ડોમ

હમાસના રૉકેટ હુમલા દરમિયાન પણ ઇઝરાયલે આ સિસ્ટમનો વ્યાપક ઉપયોગ કર્યો હતો.

વર્ષ 2024માં ઈરાને મિસાઇલ અને ડ્રોનથી હુમલા કર્યા, ત્યારે ઇઝરાયલની મિસાઇલવિરોધી પ્રણાલી 'આયર્ન ડોમ' વિશે ભારે ચર્ચા થઈ હતી.

ઈરાને છોડેલાં મોટાભાગનાં રૉકેટ ઇઝરાયલના સુરક્ષા કવચને કારણે જમીન સુધી પહોંચે તે પહેલાં હવામાં જ નષ્ટ કરી દેવાયા હતા. આ શિલ્ડનું નામ આયર્ન ડોમ ઍન્ટિ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. આની પાછળ ઇઝરાયલે કરોડો ડૉલરનો ખર્ચ કર્યો છે.

ઇઝરાયલી અધિકારીઓના કહેવા પ્રમાણે, આ પ્રૌદ્યોગિકી 90 ટકા કિસ્સામાં કારગત સાબિત થાય છે. કોઈ મિસાઇલ કે રૉકેટ રહેણાંક વિસ્તાર ઉપર પડે તે પહેલાં જ તેને તોડી પાડે છે.

આ સિસ્ટમ મિસાઇલના માર્ગના આધારે અનુમાન કરે છે કે તે રહેણાક વિસ્તાર ઉપર પડશે કે નહીં તથા કઈ મિસાઇલ તેનું નિશાન ચૂકી જાય તેમ છે. આ વ્યવસ્થાને કારણે તે ખૂબ જ કિફાયતી નીવડે છે.

સંજીવ શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે, ઇઝરાયલ પાસે 'ડેવિડ સ્લિંગ' (ડેવિડનું ગોફણ) નામની ઍર ડિફેન્સ સિસ્ટમ પણ છે, જેની રેન્જ 70થી 300 કિલોમીટર સુધી છે.

વર્ષ 2006માં ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ સાથે લડાઈ બાદ ઇઝરાયલે આ તકનીક ઉપર કામ હાથ ધર્યું હતું. અનેક વર્ષોના અભ્યાસ બાદ વર્ષ 2011માં સૌપ્રથમ વખત તેનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

ઇઝરાયલના દક્ષિણમાં આવેલા બીરસેબા ઉપર મિસાઇલો છોડવામાં આવી હતી, જેને આ સિસ્ટમ સફળતાપૂર્વક તોડી પાડવામાં સફળ રહી હતી.

આયર્ન ડોમ સિસ્ટમ કોઈપણ હવામાનમાં કામ કરે છે, તે ઓછા અંતરેથી કરવામાં આવેલા હુમલા સામે પણ સંરક્ષણ આપવા માટે સક્ષમ છે. આ સિસ્ટમના રડાર પોતાના વિસ્તાર તરફ આવી રહેલાં રૉકેટ કે મિસાઇલને રસ્તામાં જ ટ્રૅક કરી લે છે.

આ ઍર ડિફેન્સ સિસ્ટમ સમગ્ર ઇઝરાયલમાં તહેનાત છે. દરેક યુનિટમાં ત્રણથી ચાર લૉન્ચ વ્હીકલ હોય છે, જે 20 ઇન્ટરસૅપ્ટર મિસાઇલો છોડી શકે છે.

આ પ્રણાલીને કોઈ એકસ્થળે સ્થિરપણે સ્થાપિત કરી શકાય છે અથવા તો તેને સહેલાઈથી અન્યત્ર ખસેડીને પણ ઑપરેટ કરી શકાય છે.

જોકે, કેટલાક જાણકારોનું કહેવું છે કે આ સિસ્ટમ સંપૂર્ણપણે મિસાઇલપ્રૂફ નથી. તેમનું કહેવું છે કે આ સિસ્ટમ દ્વારા હાલમાં ગાઝાપટ્ટીમાંથી લૉન્ચ કરવામાં આવતાં રૉકેટનો નાશ કરી શકાય છે, પરંતુ ભવિષ્યમાં અન્ય કોઈ દુશ્મન દ્વારા છોડવામાં આવેલાં મિસાઇલ્સ સામે કારગત ન પણ નીવડે.

ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમ – એસ 400

ભારત પાસે ઍર ડિફેન્સ સિસ્ટમ એસ 400 છે, ભારતીય સેના તેને 'સુદર્શનચક્ર'ના નામથી સંબોધિત કરે છે.

ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમ તેના અલગ-અલગ લેયર તથા વિવિધતા માટે પ્રસિદ્ધ છે. તેમાં ભારતીય, ઇઝરાયલી ઉપરાંત રશિયન પ્રૌદ્યોગિકીનો સમન્વય કરવામાં આવ્યો છે, જે તેને અન્ય પાડોશી દેશોની સરખામણીમાં વધુ કારગત બનાવે છે.

વર્ષ 2018માં ભારતે પાંચ અબજ 43 કરોડ ડૉલરના ખર્ચે રશિયા પાસેથી પાંચ એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો હતો. આ રશિયન સિસ્ટમની સરખામણી અમેરિકાની પેટ્રિયટ મિસાઇલ વ્યવસ્થા સાથે કરવામાં આવ છે.

એસ-400 સિસ્ટમ મોબાઇલ છે, એટલે કે જમીનમાર્ગે તેની હરફર શક્ય છે. કહેવાય છે કે આદેશ મળ્યાના પાંચથી 10 મિનિટમાં તેને તહેનાત કરી શકાય છે.

સંજીવ શ્રીવાસ્તવ કહે છે કે હાલમાં એસ-400ને દુનિયાની સૌથી શ્રેષ્ઠ ઍર ડિફેન્સ સિસ્ટમ કહી શકાય.

તેઓ કહે છે, "આની (એસ-400) મહત્તમ રેન્જ 400 કિલોમીટર હોય છે. રશિયાએ યુક્રેનની સામે તેનો ઉપયોગ કર્યો હતો. તાજતરમાં પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન ભારતે તેનો ઉપયોગ કર્યો હતો અને તે ખૂબ જ સફળ રહી હતી."

ચીન અને પાકિસ્તાનની ઍર ડિફેન્સ સિસ્ટમ

પાકિસ્તાન પાસે ચીનમાં નિર્મિત એચ.ક્યૂ-9, એચ.ક્યૂ.-16 તથા એફ.એન.-16 ઍર ડિફેન્સ સિસ્ટમ છે. પાકિસ્તાને વર્ષ 2021માં એચ.ક્યૂ-9ને ખરીદી હતી. તેને રશિયાની એસ-300 સિસ્ટમની સમકક્ષ માનવામાં આવે છે.

સ્વાભાવિક છે કે ચીન પાસે પણ આવી જ વાયુ સુરક્ષા પ્રણાલી છે. સંજીવ શ્રીવાસ્તવનું કહેવું છે કે તાજેતરના ભારત-પાકિસ્તાન દરમિયાન ચીને આપેલી એચ.ક્યૂ.-9 સિસ્ટમ નિષ્ફળ જણાય આવી હતી.

સંજીવ શ્રીવાસ્તવ કહે છે, "ચીન પાસે જે કોઈ ઍર ડિફેન્સ સિસ્ટમ કે હથિયાર છે, તેમનો રણમોરચે ક્યારેય ઉપયોગ નથી થયો. એટલે તે કેટલા સફળ રહેશે, તેના વિશે કશું કહી ન શકાય, કારણ કે ચીને છેલ્લે વર્ષ 1978- '79 દરમિયાન વિયેતનામનું યુદ્ધ લડ્યું હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન