ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું પણ જનજીવનને હજુ પણ માઠી અસર, ક્યાંક રસ્તા તૂટ્યા તો ક્યાંક અંધારપટ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના પાણી ઓસરી રહ્યાં છે. જામનગર, વડોદરા, ખંભાળિયા, મોરબી સહિતના વિસ્તારોમાં સ્થિતિ હવે થાળે પડી રહી છે.
શુક્રવારે કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 મી.મી.થી લઇને 14 મી.મી. વરસાદ થયો હતો. સમગ્ર ગુજરાતમાં સરેરાશ 25.5 મી.મી. વરસાદ પડ્યો છે.
કચ્છ જિલ્લામાં શુક્રવારે 81.6 મી.મી. વરસાદ પડ્યો હતો જે સરેરાશ વરસાદ કરતા 871 ગણો વધુ છે. કચ્છમાં 24 કલાકમાં સરેરાશ 8.4 મી.મી. વરસાદ પડતો હોય છે.
આવી જ રીતે દેવભૂમિ દ્વારકામાં શુક્રવારે 60 મી.મી. વરસાદ થયો હતો જે સરેરાશ કરતાં 591 ટકા વધુ છે. જિલ્લામાં એક દિવસમાં સરેરાશ 8.6 મી.મી. વરસાદ પડે છે.
ભારે વરસાદ અને તેના કારણે આવેલાં પૂરના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકોને ભારે નુકસાન થયું છે. રસ્તાઓ ધોવાઈ જતાં અને કોઝવે તૂટી જતાં ઘણા ગામો હજુ પણ સંપર્ક વિહોણાં છે. પાણી ભરાઈ જવાના કારણે રાજ્યના કેટલાક હાઇવે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
પાણી ઓસર્યાં બાદ સલામત સ્થળે ખેસડવામાં આવેલાં લોકોને ધીમે-ધીમે તેમના ઘરે પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે જણાવ્યું કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફૂડ પૅકેટનું વિતરણ કરવામાં આવી રહ્યો છે અને સાફ-સફાઈ માટે ટીમો તહેનાત કરવામાં આવી છે.
વરસાદ અને ભારે પવનના કારણે વીજ પુરવઠો પર સૌથી વધુ અસર થઈ છે. વીજ પોલ તૂટી જતાં અને વીજના થાંભલા પર વૃક્ષો પડી જતાં કેટલાય વિસ્તારોમાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે અને ઘણાં ગામોમાં લોકો વીજળી ન હોવાના કારણે સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
કચ્છમાં વરસાદે વિરામ લીધો પણ અનેક વિસ્તારો પાણીમાં, કુલ 60 હજારનું સ્થળાંતર

ઇમેજ સ્રોત, @CollectorKutch
સતત પાંચ દિવસથી પડી રહેલા વરસાદનું જોર ઘટ્યું છે. પરંતુ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દસ જેટલી નદીઓમાં ભયંકર પૂર આવ્યાં છે. તથા 16 જેટલાં તળાવો છલકાઈ ગયાં છે.
રાજ્યમાં કુલ 130 જળાશયોમાં પાણી ભરાવાને કારણે આસપાસના વિસ્તારોમાં હાઇઍલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કે 16 જળાશયોની આસપાસ રહેતા લોકોને ઍલર્ટ અપાયું છે અને 6 જળાશયોની આસપાસ રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે.
સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સૅન્ટર- ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર 30મી ઑગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધીમાં એક જ તાલુકા મુન્દ્રામાં મહત્તમ 26 મિલીમીટર વરસાદ જ પડ્યો હતો. જ્યારે કે પાટણ-વેરાવળમાં 18 મિલીમીટર, દ્વારકામાં 16 મિલીમીટર થતા દાંતીવાડા અને અંજારમાં અનુક્રમે 15-15 મિલીમીટર વરસાદ પડ્યો હતો.
રાજ્યના માહિતી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં કહેવાયું છે કે ચોમાસું-2024 દરમિયાન કુલ 54,346 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ સ્થળાંતર વડોદરા જિલ્લામાંથી થયું છે. અહીં 13,896 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
કુલ 5,124 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જે પૈકી મહત્તમ વડોદરામાંથી 1,556 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાત વીજળી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારે વરસાદને કારણે કુલ 12,404 ગામડાઓમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. જે પૈકી 11,936 ગામડાઓમાં વીજળી ચાલુ થઈ ગઈ છે જ્યારે કે 468 ગામોમાં હજુ અંધકાર વ્યાપેલો છે.
રાજ્યમાં કુલ 654 રસ્તાઓ તૂટી ગયા છે અથવા તો ધોવાઈ ગયા છે જેને કારણે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
કચ્છમાં 52 સગર્ભાને નજીકના આરોગ્યકેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં
કચ્છ જિલ્લામાં 366 જેટલાં મહિલાઓ સગર્ભા છે જે પૈકી 52 સગર્ભાને નજીકના આરોગ્યકેન્દ્ર ખાસે સુરક્ષીત ખસેડવામાં આવ્યા હતા.
કચ્છના માંડવી તાલુકામાં ભારે વરસાદને કારણે દરીયાકાંઠાના ગુંદીયાળી ગામ પાસે બે મજૂરો ફસાયા હતા. એનડીઆરએફની ટીમે ત્રણ કિલોમીટર ચાલીને તેમને રૅસ્ક્યૂ કર્યા હતા.
કચ્છમાં ભુજ-માંડવી રોડ ધોવાઈ ગયો છે. મુન્દ્રા-કાંડાગરા રોડ, ભુજ-લખપત રોડ, કોડાય જંકશન સહિતના રસ્તાઓ બંધ છે.
જામનગર શહેરમાંથી પણ બે સગર્ભા સહીત 290 વ્યક્તિઓનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અહીં અન્ય વિસ્તારોમાંથી 1550 જેટલા નાગરિકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકામાં પણ આજે કલ્યાણપુર તાલુકાના દેવળિયા, ચાચલાણા ગામેથી 22 લોકોને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
હવે વરસાદે વિરામ લેતા રોગચાળો ફાટી નિકળવાનો ભય સરકારને લાગી રહ્યો છે તેથી આગોતરાં પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
રોગચાળો ન ફેલાય તે માટે વડોદરા શહેરોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્યની આરોગ્યતંત્રની ટીમ તપાસ કરી રહી છે. કચ્છમાં 345 જેટલી મેડિકલ ટીમ બનાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
માંડવીમાં 15 ઇંચ વરસાદ

ઇમેજ સ્રોત, @CollectorKutch
ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનો કેર યથાવત રહેતાં ગામો અને નગરો હજુ પણ પાણીમાં ગરકાવ છે. કેટલાક તાલુકાઓમાં 24 કલાકમાં 6 ઇંચ કરતા પણ વરસાદ પડતા ચોતરફ પૂરનાં દૃશ્યો સર્જાયાં છે. જામનગર, પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં હજુ પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.
છેલ્લા 48 કલાકથી કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર જિલ્લામાં જીનજીવનને વ્યાપક અસર થઈ છે.
હજુ હવામાન વિભાગે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 30 ઑગસ્ટે ભારે વરસાદની આગાહી કરી છે. મોરબી, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયો છે.
રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની જાણકારી પ્રમાણે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કે સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ ચાર ઇંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય તમામ જિલ્લાઓમાં સરેરાશ એક ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે.
તાલુકાની માહિતી જોઈએ તો કચ્છના મુન્દ્રા તાલુકામાં આઠ ઇંચ, દ્વારકા તાલુકામાં સાત ઇંચ, અબડાસામાં છ ઇંચ, અંજાર તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગાંધીધામ, ભુજ અને લખપત તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત કચ્છના નખત્રાણા અને ભચાઉ, જૂનાગઢના ભેસાણ, રાજકોટના લોધિકા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, જામનગરના જોડીયા, સુરેન્દ્રનગરના ચુડા અને ચોટીલા, અમદાવાદના ધોલેરા, બનાસકાંઠાના દાંતીવાડા, અરવલ્લીના ભઇલોડા, નવસારીના ચીખલી, સાબરકાંઠાના પોશીના અને ડાંગના સુબિર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 222 તાલુકામાં સરેરાશ એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સૅન્ટર-ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે 30 ઑગસ્ટ, 2024ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 111 ટકા વરસાદ નોંધાયો હતો.
કચ્છ ઝોનમાં સૌથી વધુ 177 ટકા કરતા વધારે વરસાદ નોંધાયો ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ 124 ટકાથી વધુ, દક્ષિણ ઝોનમાં 111 ટકા જ્યારે કે પૂર્વ મધ્ય ગુજરાતમાં 105 ટકા વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 87 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ પડ્યો હતો.
કચ્છ જિલ્લામાં બીબીસી સહયોગી પ્રશાંત ગુપ્તાએ જણાવ્યું, "ભારે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 12 કલાકથી વીજળી નથી જેના કારણે લોકોને ઘણી મુશકેલી થઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક પણ ખોરવાઈ ગયો છે. વુક્ષો પડવાના અને રસ્તાઓ પાણીમાં ડૂબી જવાની અનેક ઘટનાઓ બની છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને જરૂર ન હોય તો ઘરમાં રહેવાની અપીલ કરી છે."
ગુજરાતની સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરે આપેલી માહિતી અનુસાર ચાર દિવસમાં સમગ્ર રાજ્યમાં 32000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 1200 લોકોને બચાવવામાં આવ્યા છે.
ભયાનક પૂરનો સામનો કરી ચૂકેલા વડોદરા શહેરમાં સ્થિતિ ધીમે-ધીમે પૂર્વવત થઈ રહી છે.
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ જણાવ્યું, "પાણી ઊતરી ગયાં બાદ રોગચાળો ફેલાવવાની શક્યતા વધી ગઈ છે. શહેરમાં પૂર બાદ મોટા પ્રમાણમાં કચરો નીકળી રહ્યો છે."

ઇમેજ સ્રોત, ANI
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ગંભીર પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, ANI
સૌરાષ્ટ્ર જિલ્લામાં વરસાદનું જોર ઘટી રહ્યું છે પરંતુ દેવભૂમિક દ્વારકા અને જામનગરમાં હજુ પણ પૂર જેવી સ્થિતિ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાંભળિયા તાલુકામાં પાંચ દિવસમાં 944 વરસાદ પડતા ઘણા સ્થળો જળમગ્ન થઈ ગયાં છે. માહિતી વિભાગ અનુસાર દેવભૂમિ દ્વારકામાં NDRF અને કોસ્ટ ગાર્ડની ટીમોએ ત્રણ દિવસમાં 130 લોકોને રેસ્ક્યુ કર્યા છે. સમગ્ર જિલ્લામાં 1596 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
પૂરની સ્થિતિ ગંભીર બનતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાની મુલાકાત લીધી હતી અને અધિકારી સાથે બેઠક કરી હતી. તેમણે ખંભાળિયાના કણઝાર ચેક પોસ્ટ ખાતે અસરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી હતી. મુખ્ય મંત્રીએ રાહત કામગીરી શરૂ કરવા અને અસરગ્રસ્તોને જરૂરી સહાય પહોંચડવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.
મુખ્ય મંત્રીએ જામનગરની પણ મુલાકાત લીધી હતી અને પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. તેમણે વરસાદ અને તેના કારણે થયેલાં નુકસાન વિશે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

ઇમેજ સ્રોત, DARSHAN THAKKAR
જામગનર જિલ્લા વહીવટીતંત્ર અનુસાર અત્યાર સુધી આર્મીની ત્રણ ટુકડીઓ, ફાયર વિભાગ અને ઍરફોર્સે 450 લોકોનું રેસ્કયૂ કર્યું છે. જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 12 લોકોને ઍરલિફ્ટ કરવામાં આવ્યા છે.
જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા બે હજાર 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામે પાણીના પ્રવાહમાં તણાઈ જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જિલ્લામાં કુલ 68 મકાનોને ભારે વરસાદ અને પૂરના કારણે નુકસાન થયું છે.
ધ્રાંગધ્રાના હળવદ મેઇન રોડ ઉપર વીજ વાયર પડતા બે બાળકોને કરંટ લાગ્યો હતો. ઘટનામાં બાળકીનું મોત થયું હતું.
ખેતરો પાણીમાં ગરકાવ

ઇમેજ સ્રોત, SACHIN PITHWA
ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. સૌથી ખરાબ સ્થિતિ સૌરાષ્ટ્રની છે. ભારે વરસાદના કારણે લાખો હેક્ટરોમાં ઊભો પાક નષ્ટ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
રાજકોટ, સુરેન્દ્રનગર,પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, અમરેલી અને કચ્છ જિલ્લાઓમાં નદીઓ ઓવરફ્લો થતાં અને ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેતરોમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયાં છે.
ખેતરોમાં પાણી ઘૂસી જતા અને વધારે પડતા વરસાદને કારણે ચોમાસું સિઝનના પાક જેવા કે મગફળી, એરંડા, કપાસ, સોયાબીન, જુવાર, બાજરી અને અરેંડા સહિતના પાકોને નુકસાન થયો હોવાનું સામે આવ્યું છે.
ઘણા તાલુકાઓમાં ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયાં છે અને ખેડૂતો પોતાના ખેતરો જઈ શકવાની સ્થિતિમાં પણ નથી. ખેડૂત આગેવાનોએ સરકારને વિનંતી કરી છે કે રાજ્યમાં ખેતરોમાં ડ્રોન કૅમેરાથી સરવે કરાવવામાં આવે જેથી કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવી શકાય. તેમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી પણ માગ કરી છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












