અમદાવાદ : બિલ્ડિંગોમાં અગ્નિશામક સાધનો હોવા છતાં ‘ટ્રેનિંગ-જાગૃતિના અભાવે ‘જોખમ તળે' જીવી રહ્યા છે લોકો

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • અમદાવાદ શહેરમાં હાલમાં કુલ 3,174 ઉંચી ઇમારતો છે, જેમાંથી 2,435 પાસે ફાયર સેફ્ટી માટેનું એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) છે
  • અમદાવાદમાં 705 ઇમારતો પાસે હજી સુધી ફાયર-સેફ્ટીનું એનઓસી નથી
  • અમદાવાદમાં રહેણાક, કૉમર્શિયલ, સ્કૂલ, હૉસ્પિટલ વગેરે મળીને કુલ 10,469 બિલ્ડિંગ છે
  • AMCનું ફાયર ડિપાર્ટમેન્ટ ટ્રેનિંગ અને મોક ડ્રીલની સગવડ પૂરી પાડે છે
  • જોકે, ઘણી બિલ્ડિંગ પાસે આગથી બચવાનાં સાધનો તો છે પરંતુ પૂરતી તાલીમના અભાવે આવી સ્થિતિ ઘણી વાર જીવલેણ પણ બને છે, જે તાજેતરની ઘટનાઓ બાદ ચિંતાનો વિષય બન્યો છે

આગની ઘટના અને તેમાં લોકોનાં કે બાળકોનાં મૃત્યુ થવાની ઘટના ગુજરાત માટે નવી નથી. હાલમાં જ અમદાવાદની શાહીબાગની ગ્રીન ઓર્ચીડ નામની એક બહુમાળી ઇમારતમાં એક 17 વર્ષની છોકરીનું મૃત્યુ થયું હતું.

આ છોકરી સાતમા માળે રહી રહી હતી, ત્યાં આગ લાગી હતી અને તે ત્યાંથી બહાર નીકળી શકી ન હતી.

પરંતુ આ ઘટનામાં મહત્ત્વની અને સાથેસાથે ચિંતાજનક વાત એ છે કે, ઇમારતમાં ફાયર-સેફ્ટીનાં તમામ સાધનો ચાલુ હતાં, બસ જરૂર હતી તો સાધનોનો ઉપયોગ કરવાની, પણ જ્યારે તે સાધનોનો ઉપયોગ ન થઈ શક્યો તો આ છોકરીનું મૃત્યુ થયું. કારણ હતું સાધનોના ઉપયોગ માટેની તાલીમનો અભાવ.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અમદાવાદ ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર જયેશ ખડિયાએ કહ્યું કે, “આ ઘટનામાં જો ફાયર-સેફ્ટીનાં સાધનોનો સમયસર ઉપયોગ થયો હોત, તો કદાચ આટલું નુકસાન ન થયું હોત.”

અમદાવાદમાં 2,435 ઇમારતો પાસે ફાયર-સેફ્ટી એનઓસી

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને (એએમસી) હાલમાં જ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી ઍફિડેવિટ પ્રમાણે, અમદાવાદ શહેરમાં હાલમાં કુલ 3,174 ઊંચી ઇમારતો છે, જેમાંથી 2,435 પાસે ફાયર-સેફ્ટીનું એનઓસી છે, જ્યારે 705 ઇમારતો પાસે હજી સુધી ફાયર-સેફ્ટીનું એનઓસી નથી.

ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે કરાયેલ એક રિટ પિટિશનની સુનાવણી વખતે એએમસી દ્વારા આ ઍફિડેવિટ જમા કરાવાઈ છે.

સમગ્ર અમદાવાદમાં રહેણાક અને દુકાનો હોય તેવી 1,389 ઇમારત છે, જેમાંથી માત્ર છ ઇમારત પાસે એનઓસી નથી. રહેણાક, કૉમર્શિયલ, સ્કૂલ, હૉસ્પિટલ વગેરે મળીને અમદાવાદમાં કુલ 10,469 બિલ્ડિંગ છે.

જેમાંથી 3જી જાન્યુઆરી સુધીની સ્થિતિ પ્રમાણે 9,719 બિલ્ડિંગ પાસે એનઓસી છે, જ્યારે કુલ 750 બિલ્ડિંગ હજુ સુધી એનઓસી વગર કાર્યરત્ છે.

જોકે સવાલ એ છે કે ફાયર-સેફ્ટીની એનઓસી હોય, પરંતુ લોકોને ટ્રેનિંગ જ ન અપાઈ હોય તો આ તમામ મહેનતનું ફળ શું મળે?

આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ ખડિયા સાથે વાત કરી તો તેમણે ટ્રેનિંગ પર જોર આપતાં કહ્યું હતું કે, “પ્રાથમિક તબક્કે તો દરેક સોસાયટીએ જ એવા પ્રયાસો કરવા પડે કે જેમાં લોકોને યોગ્ય તાલીમ મળી હોય કે જેથી તે યોગ્ય સમયે જ આ પ્રકારનાં સાધનોનો ઉપયોગ કરી શકે.”

જોકે એએમસીનું ફાયર ડિપાર્ટમેન્ટ પણ આ પ્રકારની ટ્રેનિંગ અને મોક ડ્રિલની સગવડ પૂરી પાડતું હોય છે, પરંતુ મોટા ભાગની સોસાયટીઓ આ પ્રકારની ટ્રેનિંગ વગેરેમાં રસ દાખવતી નથી.

ખડીયાએ વધુમાં કહ્યું કે, “સમયસર વિવિધ સોસાયટીઓ અમને બોલાવે અને એક સમય નક્કી કરીને સોસાયટીના સભ્યોને ભેગા કરીને રાખે, ત્યારે અમે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ, જે સતત ચાલતી પ્રક્રિયા છે.”

એમએમસીની ઍફિટેવિટ પ્રમાણે અમદાવાદ જેવા શહેરમાં જ્યારે ઘણી નવી હાઇ-રાઇઝ ઇમારતો બની રહી છે, ત્યારે ફાયર-સેફટીની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પેદા થઈ છે અને તે માટે એએમસીએ પોતાની કામગીરીમાં વધારો કર્યો છે.

જોકે, લોકોને ટ્રેનિંગ આપવી, કેવી રીતે આપવી અને ક્યારે આપવી તેની કોઈ પણ વાત કે સ્પષ્ટતા ઍફિડેવિટમાં કરવામાં આવી નથી.

‘મોટાભાગની આગ શોટ-સર્કિટને કારણે લાગે છે’

સંજય માંડવિયા, ગુજરાત કૉ-ઑપરેટિવ સોસાયટીઝ નામની સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ વિવિધ સોસાયટીના ચૅરમૅન, સેક્રેટરી સાથે મળીને સોસાયટીઓને પડતી તકલીફો પર કામ કરે છે.

બીબીસી ગુજરાતીએ તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે મોટાભાગની સોસાયટીઓમાં હાલમાં ફાયર-સેફ્ટીને લઈને કેવો માહોલ છે.

તેમણે કહ્યું હતું કે, “હાલમાં જ એક મોટી સોસાયટીમાં ફાયર-સેફ્ટી માટે ટ્રેનિંગ સેશન રાખ્યું હતું, 100થી વધુ સભ્યો ધરાવતી તે સોસાયટીના ચાર જ સભ્યોએ હાજરી આપી હતી. મારો કહેવાનો અર્થ એ છે કે ઘણા લોકોને જ પોતાની સેફ્ટીમાં રસ નથી.”

ફાયર સેફ્ટી અને તે અંગેની ટ્રેનિગ મેળવવામાં લોકોના દુર્લક્ષ તરફ ધ્યાન દોરતાં કહે છે કે, “સોસાયટીઓમાં મોટાભાગની આગ લાગવાની ઘટના શોટ-સર્કિટને કારણે થાય છે અને આ આગ મોટા ભાગે વૉટર હીટર જેવાં હેવી ઇલેક્ટ્રિકલ સાધનોના ઉપયોગથી લાગતી હોય છે. તેવામાં આગ લાગે ત્યારે અને તે પછી શું કરવું, તે માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે.”

અમદાવાદની તીવોલી સોસાયટીના ચૅરમૅન ગૌતમ રાવત પ્રમાણે, તેમની સોસાયટી પાસે હજી સુધી ફાયરની એનઓસી નથી, પરંતુ તમામ ઇક્વિપમૅન્ટ, ફાયર-સેફ્ટીનાં સાધનોનું નિયમિત ઑડીટ થાય છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “અમારી સોસાયટીમાં અમે એક ફાયર ઑફિસરની પણ નિમણૂક કરી છે અને ચોકીદારને પણ યોગ્ય તાલીમ આપવામાં આવી છે, જેથી ઇમર્જન્સીમાં તમામ વસ્તુઓનો યોગ્ય અને સમયસર ઉપયોગ થઈ શકે.”

અમદાવાદની ઇડન સોસાયટીના ચૅરમૅન કે. ડી. સમલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “અમે સતત એવા પ્રયાસો કરીએ છીએ કે લોકો ફાયર-સેફ્ટી માટે ચિંતા કરે અને ટ્રેનિંગમાં ભાગ લે. અમે સોસાયટીમાં કાર્યક્રમો કરીએ છીએ, પરંતુ મોટાભાગના લોકો કોઈ રસ ધરાવતા નથી. હું માનું છું કે સરકાર અને સોસાયટીના સભ્યોએ સાથે મળીને આગ વગેરે જેવી સમસ્યાનો સામનો કરવો પડે.”

ફાયર-સેફ્ટીની એનઓસીમાં વધારો તો થયો પરંતુ...

એક તરફ અમદાવાદ મ્યુનિસપલ કૉર્પોરેશન (એએમસી)નો દાવો છે કે, એક વર્ષમાં ઘણી ઇમારતોએ ફાયર-સેફ્ટીનાં સાધનો વસાવીને એનઓસી લીધું છે. જોકે, બીજી બાજુ એવા પણ અનેક લોકો છે કે જેઓ માને છે કે સરકારી નિયમોમાં વારંવાર ફેરફારો થતા હોવાથી એનઓસી મેળવવું એ મુશ્કેલ થઈ જાય છે.

આ વિશે સંજય માંડવિયાએ કહ્યું હતું કે, “એનઓસી મેળવવાની પ્રક્રિયા સરળ નથી અને ઘણી વખત સોસાયટીના ચૅરમૅન, સેક્રેટરી વગેરે તે લેવામાં સક્ષમ નથી હોતા, તેવામાં જરૂરી છે કે આ આખી પ્રક્રિયાને સરળ બનાવાય.”