You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ભારતમાં હિંસા ઘટી રહી છે?
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
બે વર્ષ અગાઉ સ્ટેનફર્ડ યુનિવર્સિટીના ઍન્થ્રોપૉલૉજિસ્ટ (માનવશાસ્ત્રી) થૉમસ બ્લોમ હેનસેને એવી દલીલ કરી હતી કે, “ભારતમાં હિંસા જાહેરજીવનમાં કેન્દ્રસ્થાને” પહોંચી ગઈ છે.
તેમણે એ મુદ્દે ગહન વિચાર કર્યો હતો કે આખરે શું કામ સામાન્ય ભારતીયો “અપ્રત્યક્ષપણે કે પ્રત્યક્ષપણે” જાહેર હિંસાનું “સમર્થન” કરે છે.
તેમણે પોતાના 2021માં રજૂ થયેલ પુસ્તક ‘ધ લૉ ઑફ ફોર્સ : ધ વાઇલન્ટ હાર્ટ ઑફ ઇન્ડિયન પૉલિટિક્સ’માં લખ્યું હતું કે, “આ ચલણ એક ગહન સમસ્યા તરફ આંગળી ચીંધે છે, કોઈ તકલીફ કે ઊંડી સમસ્યા પેદા થઈ હોવા તરફ ઇશારો કરે છે જે લોકશાહીના ભવિષ્ય પર ખતરો પેદા કરી શકે છે.”
જોકે, અમેરિકાસ્થિત બે રાજનીતિશાસ્ત્રીઓ, અમિત આહુજા અને દેવેશ કપૂર તેમના આગામી પુસ્તક, 'ઇન્ટરનલ સિક્યૉરિટી ઇન ઇન્ડિયા : વાઇલન્સ, ઑર્ડર ઍન્ડ ધ સ્ટેટ'માં દલીલ કર છે કે ભારતમાં ખરેખર મોટા પાયે થતી હિંસા ઘટી છે.
જો આ વાતને વધુ ચોક્કસપણે મૂકીએ તો, “ભારતમાં જાહેર અને ખાનગી બંને સ્તરે હિંસા આ સદીના પ્રથમ બે દાયકા દરમિયાન તેની અગાઉના બે દાયકાની સરખામણીમાં ઘટી છે.”
યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના પ્રોફેસર આહુજા અને જૉન હ#પકિન્સ યુનિવર્સિટીના પ્રો. કપૂરે તેમના સંશોધન માટે ભારતના જાહેરજીવનમાં પાછલા દાયકાઓમાં નોંધાયેલ હિંસાના આધિકારિક રેકૉર્ડની તપાસ કરી હતી. જેમાં રમખાણોથી માંડીને ચૂંટણી વખતની હિંસા, જાતિ-ધર્મ-મૂળસંબંધી હિંસા, ઉગ્રવાદથી માંડીને આંતકવાદ અને રાજકીય હત્યાથી માંડીને હાઇજેકિંગ જેવી ઘટનાઓ ધ્યાને લીધી.
તેમને આ સમગ્ર અભ્યાસ પરથી જાણવા મળ્યું કે ઉપરોક્ત તમામ બાબતોમાં આ સદીના ઉતરાર્ધનાં વર્ષોમાં હિંસા વર્ષ 1970નાં અંતિમ વર્ષોથી માંડીને 2000નાં શરૂઆતનાં વર્ષો સરખામણીએ ઘટી છે.
કેટલાક મહત્ત્વના નિષ્કર્ષ
- વર્ષ 2002 પછી ભારતમાં, વર્ષ 2002માં વંશ-ધર્મ આધારે ફાટી નીકળેલ રમખાણોમાં થયેલ થયેલ ખુવારી તે બાદ જોવા મળી નથી. તેમજ 1984નાં શીખવિરોધી દિલ્હી રમખાણો કે 1983માં આસામના નાનકડા શહેર નીલીમાં કથિતપણે બાંગ્લાદેશી ગેરકાયદેસર પ્રવાસીઓના હત્યાકાંડ જેવા મોટા બનાવો પણ 21મી સદીમાં નથી બન્યા. પરંતુ વર્ષ 2013માં ફાટી નીકળેલ હિંદુ-મુસ્લિમ રમખાણો અને વર્ષ 2020માં થયેલાં દિલ્હી ખાતેનાં રમખાણોમાં કુલ થઈને 90 લોકોના જીવ ગયા હતા. લેખકો સૂચવે છે કે, આ બંને ઘટનાઓ એ વાતની ચેતવણી છે કે, “પહેલાંની જેમ રમખાણોને પ્રોત્સાહન આપનારાં તત્ત્વો સક્રિય તો છે જ.”
- ગ્લોબલ ટેરરિસ્ટ ઇન્ડેક્સની માહિતી અનુસાર વર્ષ 2001થી આતંકવાદી હુમલામાં ભારતમાં 8,749 લોકો માર્યા ગયા છે. પરંતુ આ પ્રકારના હુમલા વર્ષ 2010થી ઘટ્યા છે. કાશ્મીરને બાદ કરતાં આતંકવાદી હુમલાની 70 ટકા સુધી ઘટ્યા છે. વર્ષ 2000થી 2010 વચ્ચે અને તે બાદના દાયકામાં આવા હુમલાની સંખ્યા 21 રહી છે જે પહેલાં 71 હતી.
- ભારતના વિભાજન દરમિયાન ફાટી નીકળેલ ધાર્મિક હિંસામાં દસ લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે એક કરોડ લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. 1970નાં અંતિમ વર્ષોથી માંડીને 2002 સુધીના ગાળામાં હિંદુ-મુસ્લિમ હિંસામાં વધારો થયો હતો. આ દરમિયાન જ ગુજરાતનાં રમખાણ પણ થયાં હતાં. આધિકારિક ડેટા પ્રમાણે આ ચલણ ત્યારથી એકધાર્યું ચાલી રહ્યું છે. ડિસેમ્બરમાં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે વર્ષ 2017થી 2021 સુધીમાં ધાર્મિક રમખાણના 2,900 કેસો નોંધાયા હતા.
- વર્ષ 1970થી માંડીને સદીનાં અંતિમ વર્ષો દરમિયાન, રમખાણોમાં અગાઉના ગાળાની સરખામણીએ પાંચ ગણો વધારો જોવા મળ્યો હતો. આ ચલણ 1990ના દાયકાનાં અંતિમ વર્ષો દરમિયાન ઘટતું જતું જોવા મળ્યું, જ્યારે વર્ષ 2009થી 2017 દરમિયાન તેમાં વધારો જોવા મળ્યો. આધિકારિક ડેટા અનુસાર જો વસતીની સરખામણીએ જોવામાં આવે તો ભારતમાં રમખાણોનો દર ઐતિહાસિક નીચી સપાટીએ છે.
- આ સિવાય ચૂંટણીલક્ષી હિંસા અને હાઇપ્રોફાઇલ પૉલિટિકલ મર્ડરની સંખ્યા પણ ઘટી છે. વર્ષ 1984 અને 1991માં ભારતનાં અનુક્રમે બે વડાં પ્રધાન ઇંદિરા ગાંધી અને તેમના પુત્ર રાજીવ ગાંધીની હત્યા કરાઈ હતી. આ સિવાય 1989થી 2019 દરમિયાન ચૂંટણીના બૂથ પર થતી હિંસામાં 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ચૂંટણીલક્ષી હિંસાના કારણે થયેલ મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અને આવું ત્યારે બનવા પામ્યું જ્યારે ભારતમાં ચૂંટણીઓ વધુ સ્પર્ધાત્મક બની છે, તેમજ મતદારોની સંખ્યામાં વધારાની સાથે બૂથની સંખ્યા બમણી થઈ ગઈ છે.
- વૈશ્વિક ચલણથી ઊલટું પાછલા ત્રણ દાયકામાં હત્યાના કારણે થયેલ મોતોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 1990માં દર એક લાખે 5.1 મૃત્યુની સરખામણીએ વર્ષ 2018માં 3.1 મૃત્યુ નોંધાયાં છે. આ ઘટાડામાં મોટા ભાગે પુરુષ મૃતકો સમાવિષ્ટ છે જ્યારે મહિલાઓનાં મૃત્યુ બાબતે ઘટાડો નગણ્ય રહ્યો છે.
- વર્ષ 1970થી 1990 સુધીના ત્રણ દાયકામાં ભારતીય પૅસેન્જર પ્લેન હાઇજેક થવાના 15 કિસ્સા નોંધાયા છે. જોકે વર્ષ 1999માં 180 મુસાફરોવાળી દિલ્હીથી કાઠમાંડુ જઈ રહેલ ફ્લાઇટના હાઇજેકિંગ બાદ આવી કોઈ પણ ઘટના બની નથી.
- પાછલા ચાર દાયકા દરમિયાન ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ઉગ્રવાદે પગપેસારો કર્યો હતો. 1980થી 1990ના શરૂઆતનાં વર્ષો દરમિયાન પંજબામાં ઉગ્રવાદને કારણે 20 હજાર લોકોના જીવ ગયા હતા, આ સિવાય ઉત્તર-પૂર્વ ભારત, કાશ્મીર અને પશ્ચિમ અને સેન્ટ્રલ ભારતના વિસ્તારોમાં ફાટી નીકળેલ માઓવાદી હિંસા પણ ઉગ્રવાદનાં કારણ રહ્યાં. પાછલાં ત્રણ ક્ષેત્રો ઊકળતાં રહ્યાં છતાં વર્ષ 2010થી હિંસામાં ઘટાડો નોંધાતો ગયો. ડાબેરી ઉગ્રવાદની ઘટનાઓમાં વર્ષ 2018થી 2020 દરમિયાન બે તૃતિયાંશ ઘટાડો જોવા મળ્યો છે. તેમજ આ જ વર્ષો દરમિયાન નાગરિકો અને સુરક્ષા દળના જવાનોનાં મૃત્યુના કિસ્સામાં પણ ત્રણ ચતુર્થાંશ ઘટાડો જોવા મળ્યો હતો.
- મોટા પાયે થતી જાતિલક્ષી હિંસાના બનાવો થવાની ગતિમાં પાછલા બે દાયકામાં ઘટાડો નોંધાયો છે જ્યારે જાતિલક્ષી ઘર્ષણના બનાવોમાં વધારો જોવા મળ્યો છે.
હિંસામાં ઘટાડાનાં કારણો અને ચિંતા
જોકે અલગ અલગ પ્રકારની હિંસામા ઘટાડો થવાનાં કારણો અલગ અલગ છે તે પણ નિશ્વિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રોફેસર કપૂર અને આહુજાના મતે રાજ્યની ક્ષમતામાં થયેલ વધારાના કારણે ઉગ્રવાદ, રમખાણો અને ચૂંટણી દરમિયાન હિંસા પર કાબૂ મેળવવામાં સફળતા સાંપડી છે. અર્ધસૈનિક દળોના ઉપયોગમાં વધારો, સર્વેલન્સ માટે હેલિકૉપ્ટર અને ડ્રોન, મોબાઇલ ફોન ટાવરો ઊભા કરવા, પોલીસ સ્ટેશનોની કિલ્લાબંધ પ્રકારે ગોઠવણ, નવા રસ્તા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વધતી જતી આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓના કારણે હિંસાની આ લહેર પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.
“હિંસામાં ઘટાડાનાં મોટાં કારણોમાં, રાજ્યની વધેલી તાકત અને રાજકીય વસાહતોમાં ઘટાડાની પરિસ્થિતિ જે રાજ્યને શાસનની સંમતિં પ્રદાન કરે છે અને હિંસાનાં ચક્રો ફરી શરૂ ન થાય તે સુનિશ્ચિત કરે છે, સામેલ છે.”
જ્યારે હાઇજેકિંગના કિસ્સામાં ઘટાડો એ અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલ હવાઈજહાજની મદદથી કરાયેલ હુમલા બાદ વૈશ્વિક સ્તરે ઍરપૉર્ટની સુરક્ષા વધારવાની ઝુંબેશના કારણે શક્ય બન્યો છે. હથિયાર રાખવા મામલે ભારતના કડક કાયદાને કારણે મર્ડરની સંખ્યા કાબૂમાં રાખવામાં મદદ મળી હોય તેવું લાગે છે. (વર્ષ 2018માં ભારતમાં 36 લાખ ગન લાઇસન્સ પૈકી 60 ટકા માત્ર ત્રણ રાજ્યો – ઉત્તર પ્રદેશ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાંથી અપાયાં હતાં. જ્યારે ગેરકાયદેસર અને દાણચોરી થઈને આવેલાં હથિયારો તો જે-તે લોકો પાસે છે જ.)
જોકે આ બધામાં એક ચિંતાજનક પરિમાણ પણ છે – એ છે સ્ત્રીઓ વિરુદ્ધ વધતી જતી હિંસાના બનાવો.
જોકે તેની આંકડાકીય માહિતી આધારભૂત નથી કારણ કે આ પ્રકારના બનાવો મોટા ભાગે ખાનગી જગ્યાએ થતા હોય છે અને ઘણી વખત તેની ફરિયાદ નથી થતી, તેમ છતાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના નોંધાતા અને રિપોર્ટ કરાતા મામલામાં વધારો થયો છે. ભારતમાં ત્રણમાંથી એક મહિલા તેમના પાર્ટનરની હિંસાનો ભોગ બને છે. આ મહિલાઓમાંથી દસમાંથી એક મહિલા જ આવી ઘટનાઓ રિપોર્ટ કરે છે. આ સિવાય ડિજિટલ સ્પેશમાં પણ સ્ત્રીઓની સતામણીના કિસ્સા વધી રહ્યા છે. તેમજ દહેજસંબંધી હત્યા, ઑનરકિલિંગ અને એસિડ હુમલા જેવા અપરાધો પણ અવારનવાર નોંધાતા રહે છે.
પ્રોફેસર આહુજા અને પ્રોફેસર કપૂર તેમના સંશોધનમાં અમુક ચાવીરૂપ ચેતવણી પણ જોડે છે.
જે પૈકી એક એ છે કે પુરાવાનો અભાવ એ અભાવનો પુરાવો નથી. જેમ કે, ઉદાહરણ તરીકે, “મહિલાઓ, દલિતો અને મુસ્લિમો જેવા લઘુમતી સંપ્રદાયના લોકો કે જેઓ હિંસા અને ગેરવર્તનને કારણે જીવનની તકો ગુમાવી દે છે.”
આ સિવાય જાહેર હિંસાના અન્ય પ્રકારો પણ હવે સામે આવવા લાગ્યા છે. સાંપ્રદાયિક આધારે આંતરધર્મીય લગ્નો અને ગોવંશની દાણચોરી રોકવા માટે અપાતી ધમકી અને લીન્ચિંગની ઘટનાઓ આનું ઉદાહરણ છે. પ્રોફેસર આહુજા અને કપૂર કહે છે કે, “સમગ્ર દેશમાં જાહેર હિંસાના નવા પ્રકારો જેમ કે મોબ લીન્ચિંગ અને અતિસતર્કતા ભદા કૅન્સરની માફક પ્રસરી રહ્યા છે.”
હેનસેનની વાતનો પડઘો ઝીલતાં તેઓ કહે છે કે, જાહેર હિંસામાં આટલી મોટી સંખ્યામાં સામાન્ય લોકો ભાગ લે કે તેનું સમર્થન કરે એ વાત ખૂબ ચિંતાજનક છે. આ વાત “રાજ્ય સામેની એક શક્તિશાળી તાકતને નબળી બનાવ છે” તેમજ હિંસા પર કાબૂ મેળવવાની રાજ્યની તાકત ઘટાડે છે. “ઓનલાઇન અને શેરી પરનાં ટોળાંને કોઈ પણ કાર્યવાહીના ડર વગરે છૂટોદોર અપાય છે. આ વાત ખૂબ સરળતાથી અંકુશ બહાર જઈને હિંસાને કાબૂમાં લેવાની રાજ્યની તાકત પર નકારાત્મક અસર જન્માવી શકે છે.”
તેઓ કહે છે કે, હિંસામાં ઘટાડાની વાતથી એ તેના ફરી બનવાની શક્યતા નકારી ન શકાય. જો સામાજિક સુસંગતતા પર ખતરો ઊભો થાય તો એ વાત હિંસામાં વધારામાં પ્રતિબિંબિત થઈ શકે છે. જો બેરોજગારી અને અસમાનતા વધે તો રાજકીય સમસ્યાના કાયમી સમાધાન વધુ મોડા પડી શકે છે.
તેઓ કહે છે કે, “ભારતે હિંસાનો ડર ઘટાડવા માટે હજુ લાંબી મજલ કાપવાની છે.”