અમદાવાદ : જીવનની સમી સાંજે કેમ 72 વર્ષીય NRI ‘વૃદ્ધે પોતાનાં જીવનસાથીની જ હત્યા કરી નાખી?’

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • ગુરુવારે અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતાં NRI વૃદ્ધ દંપતીની ‘આત્મહત્યા’નો મામલો સામે આવ્યો હતો
  • પરંતુ જ્યારે પોલીસ અને ફાયરવિભાગના જવાનો ઘરે પહોંચ્યા તો મામલો ‘હત્યા અને આત્મહત્યાના પ્રયાસ’નો હોવાની શંકા વ્યક્ત કરાવા લાગી
  • આ મામલામાં NRI કિરણભાઈએ તેમનાં પત્ની ઉષાબહેનની કથિતપણે હત્યા કરી જાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે
  •  પરંતુ સમગ્ર સત્ય ત્યારે જ બહાર આવશે જ્યારે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલ વૃદ્ધ કિરણભાઈ ભાનમાં આવશે

ઉતરાયણના બે દિવસ પહેલાં 12 જાન્યુઆરી 2023ના દિવસે વહેલી સવારે અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા મકરબાની ઓર્ચિડ એક્ઝોટિકા નામની રહેણાક બિલ્ડિંગના મકાન નંબર બી/702માં બનેલી એક હત્યાની ઘટનાએ ચર્ચા જગાવી છે.

કેમ કે, અમદાવાદ શહેરમાં રહેતા મધુસૂદન સોનીએ એક વર્ષ પહેલાં અમેરિકાથી અમદાવાદ આવી રહેતા 72 વર્ષના બનેવીની સામે તેમનાં 68 વર્ષીય વર્ષની બહેનની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. 

અમેરિકાથી એક વર્ષ પહેલાં પરત આવેલાં એનઆરઆઈ વૃદ્ધ દંપતી મકરબાની ઓર્ચિડ એક્ઝોટિકા નામની બિલ્ડિંગમાં રહેતાં હતાં પણ ગત ગુરુવારે સવારે 72 વર્ષીય પતિ કિરણ પોપટલાલ ભાઉએ પોતાનાં કૅન્સર પીડિતા પત્ની ઉષાનું કથિતપણે ચપ્પાના ઘા મારી મૃત્યુ નિપજાવ્યું હતું સાથે પોતે પણ પોતાના શરીર ઉપર ચપ્પાના ઘા મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર ઘટના સામે આવતા સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે, એવું શું બન્યું કે, 72 વર્ષીય વૃદ્ધે પોતાની પત્નીની કથિત હત્યા કરી દીધી?

પોલીસ પણ આ સવાલનો જવાબ શોધી રહી છે. પોલીસ અનુસાર આરોપી જાતે હાલ વૅન્ટિલેટર પર છે, જ્યારે તેઓ હોશમાં આવે ત્યારે તેમનું નિવેદન લેવાશે.

આરોપી વૃદ્ધની પૂછપરછ બાદ આ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઊંચકાશે. 

(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

‘કૅન્સરની સારવારની વાતને લઈને બંને વચ્ચે હતો ખટરાગ’

આ અંગે મૃતક ઉષાબહેનના મોટાભાઈ 69 વર્ષીય મધુસૂદન સોનીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં તેમના બનેવી કિરણ ભાઉ વિરુદ્ધ IPC કલમ 302 હેઠળ હત્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, "તેમના બનેવી કિરણભાઈ અમેરિકામાં નોકરી કરતા હતા. જેથી કિરણભાઈ અને ઉષાબહેન અમેરિકામાં રહેતાં હતાં. તેમના બનેવી નિવૃત્ત થયા બાદ છેલ્લા એક વર્ષથી તેઓ અમદાવાદ શહેરમાં રહેતાં હતાં. તેઓને કોઈ સંતાન ન હતું.” 

“અમેરિકાથી પરત ફર્યા બાદ ઉષાબહેનને ગર્ભાશયનું કૅન્સર હોવાનું નિદાન થયું હતુ. તેઓની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કૅન્સરનું ઑપરેશન પણ કરવામાં આવ્યું હતું પણ મારા બહેનને કૅન્સરની વધુ સારવાર માટે અમેરિકા જવા માગતાં હતાં પરંતુ મારા બનેવી આ માટે તૈયાર થતા ન હતા.”

ફરિયાદમાં તેઓ દંપતી વચ્ચેના ખટરાગની વાત જણાવતાં કહે છે કે, “આ વાતને લઈને બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. મારા બનેવી નાની-નાની વાતે મારી બહેન સાથે ઝઘડા કરતા હતા. મારા બહેને આ અંગે અમને અવાર-નવાર ફોન પર તેમજ રૂબરૂમાં પણ વાત કરી હતી."

તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, "મારા બનેવીએ ગત 11 જાન્યુઆરીને સાંજે ફોન કરીને કહ્યું હતું કે, ઉષાને બે દિવસથી શરદી અને તાવ આવ્યો છે, જેથી તે બે દિવસથી ઊભાં થયાં નથી આ પછી ગુરુવારે સવારે મારા ભાણા જિતેન્દ્ર ચોકસીનો ફોન આવ્યો છે. તેને મારા બનેવીના ભાણા કૃણાલ ચોકસીએ ફોન કરીને કહ્યું હતું કે, ઉષાબહેન તેમજ કિરણભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બંનેને હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ.”

આ સમાચાર સાંભળ્યા બાદ તરત જ મધુસૂદનભાઈ અને તેમનાં પત્ની અને બીજાં સગાંસંબંધી સાથે હૉસ્પિટલ પહોચ્યાં હતાં, ત્યાં ઉષાબહેન મૃત્યુ પામ્યાં હતાં તેમજ કિરણભાઈ સારવાર હેઠળ હતા.

‘મૅસેજમાં માત્ર ‘સુસાઇડ’ લખેલું હતું’

આ ફરિયાદની વિગતો તપાસતાં આગળ જાણવા મળે છે કે સમગ્ર ઘટના અંગે જ્યારે મધુસૂદનભાઈએ કિરણભાઈના ભત્રીજા કૃણાલ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે તેમને કિરણભાઈનો અંગ્રેજીમાં ‘સુસાઇડ’ એટલે કે ‘આત્મહત્યા’ લખેલો મૅસેજ આવ્યો હતો.

કૃણાલ આ મૅસેજ મળતાંની સાથે જ તરત કિરણભાઉના ઘરે જવા માટે નીકળી ગયા હોવાનું જણાવે છે, જ્યાંથી તેમણે રસ્તામાંથી પોલીસ અને ફાયર બ્રિગેડને ફોન કરી દીધો હોવાની વાત કરી હતી.

મધુસૂદનભાઈએ પોતાની ફરિયાદમાં આગળ લખાવ્યું છે કે, “કૃણાલ જ્યારે તેમના ઘરે પહોંચ્યો હતો ત્યારે પોલીસ અને ફાયરવિભાગની ગાડી પણ તેમના ઘરે પહોંચી ગઈ હતી. તેમણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો ન ખોલતા ફાયર બ્રિગેડે દરવાજો તોડી નાખ્યો હતો. તેઓ જ્યારે ઘરમાં પ્રવેશ્યા હતા.”

દરવાજો તોડ્યા બાદ ઘરમાં જોવા મળેલા દૃશ્ય વિશે ફરિયાદમાં જણાવાયું છે કે, “ઉષાબહેન અને કિરણભાઈ બેભાન હાલતમાં લોહીલુહાણ પડ્યાં હતાં.”

આ દૃશ્ય જોઈ ઘટનાસ્થળે હાજર તમામ બંનેને હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ઉષાબહેનની મૃત જાહેર કરાયાં હતાં અને કિરણભાઈની સારવાર ચાલુ છે.

કેવી રીતે સામે આવી કથિત ‘હત્યા’ની વાત?

મધુસુદન સોનીએ પોલીસને આપેલ ફરિયાદમાં આગળ જણાવ્યું હતું કે,"મારી બહેનના મૃત શરીર પર મોઢાના, છાતીના અને પેટના ભાગે ચપ્પાના ઘા વાગેલા હતા. આ મૃત્યુ પ્રથમ દૃષ્ટિએ આત્મહત્યા લાગતી ન હતી પરંતુ મારી નાખવાના ઇરાદે ચપ્પાના ઘા માર્યા હોય તેવું લાગતું હતું.”

તેમણે ફરિયાદમાં બનેવી પર બહેનની હત્યા કર્યાની શંકા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, “મારા બનેવીએ અમુક કારણોસર મારી બહેનને ચપ્પાના ઘા મારી જીવલેણ ઈજા કરી મોત નિપજાવેલ હતું, આ કૃત્ય કર્યા બાદ તેમણે પણ પોતાના બંને હાથ, ગળાના ભાગે તેમજ પેટના ભાગે ચપ્પાના ઘાથી ઈજા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો."

આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસમાં બહાર આવેલ માહિતી આપતાં અમદાવાદ શહેર ઝોન સાતના ડીસીપી ભગીરથસિંહ જાડેજા જણાવે છે કે, "મૃતકનાં સગાંનું કહેવું છે કે, મૃતક ઉષાબહેન અને તેમના પતિ કિરણભાઈ વચ્ચે અવરનવાર ઝઘડા થતા હતા. મૃતક ઉષાબહેનની આ અંગે તેમના ભાઈ અને બહેનની વાત પણ કરેલ હતી. મૃતકના ભાઈએ મૃતકના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ કરી રહ્યા છે. મૃતકના પતિ આરોપી છે."

સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી. જે. ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સમગ્ર મામલા અંગે જણાવ્યું હતું કે, "આરોપી વિરુદ્ધ મૃતકના પરિવારે હત્યાની ફરિયાદ નોંધાવી છે. આરોપી વૅન્ટિલેટર પર છે. આરોપી હાલ સારવાર હેઠળ હોવાથી તેમનું નિવેદન લેવામાં આવ્યું નથી."

જોકે આ સમગ્ર ઘટના અંગે ઉષાબહેનના ભાઈ અને કિરણભાઉના ભત્રીજા કૃણાલે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.