You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ જોખમી ઑપરેશનની કહાણી જેમાં સૈનિકની છાતીમાં ફસાયેલ જીવતો બૉમ્બ કાઢવામાં આવ્યો
આપણે એવા સમાચારો વાંચતા હોઈએ છીએ, જેમાં ડૉક્ટરોએ શરીરમાં ફસાઈ ગયેલી કોઈ જટિલ વસ્તુને દૂર કરવા માટે દર્દીના જીવને જોખમ હોય તેવું ઑપરેશન સફળતાપૂર્વક કર્યું હોય. પરંતુ યુક્રેનના સૈન્ય ડૉક્ટરોએ એક એવું ઑપરેશન કર્યું છે, જેમાં માત્ર એ ઘાયલ સૈનિક જ નહીં એ ડૉક્ટરોના જીવને પણ એટલું જ જોખમ હતું.
એ ઑપરેશન હતું, સૈનિકની છાતીમાં હૃદયની પાસે ફસાઈ ગયેલા એક જીવતો ગ્રેનેડ (હાથગોળો – બૉમ્બ)ને શરીરમાંથી દૂર કરવાનું.
યુક્રેનિયન સૈન્યના ડૉકટરોએ સફળતાપૂર્વક સર્જરી હાથ ધરી છે, જેમાં એક ઘાયલ સૈનિકની છાતીના પોલાણમાંથી જીવતો નાનો ગ્રેનેડ પાછો મેળવ્યો છે. આ અનોખી સર્જિકલ પ્રક્રિયાની જાણ યુક્રેનનાં નાયબ રક્ષામંત્રી હેન્ના મલિયર દ્વારા કરવામાં આવી હતી, જેમણે તેને "આશ્ચર્યથી ભરપૂર આનંદ" તરીકે વર્ણવ્યું હતું.
તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, "હૃદયની પાસે થતાં દરેક ઘા ઘાતક નથી.”
તેમણે ઉમેર્યું હતું કે બે લશ્કરી વિસ્ફોટક નિષ્ણાતોની દેખરેખ હેઠળ ગ્રેનેડને શરીરની બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ નિષ્ણાતોએ મેડિકલ સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરી અને ગ્રેનેડમાં ભરેલા વિસ્ફોટકને બહાર જતા અટકાવવા માટે તેની સાથે કેવી રીતે કામ કરવું તેની સૂચનાઓ આપી હતી.
હેન્ના મલિયરે જણાવ્યું હતું કે આ ઑપરેશન લશ્કરી સર્જન એન્ડ્રી વર્બા દ્વારા કરવામાં આવ્યું હતું.
57 વર્ષીય ડૉક્ટર યુક્રેનિયન સેનામાં સૌથી અનુભવી મનાય છે.
ઑપરેશન દરમિયાન મેડિકલ સ્ટાફ અને દર્દી સૈનિકની સલામતી માટે સર્જિકલ પ્રક્રિયામાં ફેરફાર કરવો પડ્યો હતો - ઇલેક્ટ્રોકૉએગ્યુલેશન, હૃદયની શસ્ત્રક્રિયા માટેની પ્રમાણભૂત પ્રક્રિયા જે રક્તસ્રાવને અટકાવે છે, તેનો ઉપયોગ ગ્રેનેડનો વિસ્ફોટ કરી દે તેવા ઇલેક્ટ્રિક પ્રવાહને ટાળવા માટે કરવામાં આવ્યો ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે 40મીમીનો VOG-25 ગ્રેનેડ?
રશિયન VOG ફ્રેગમેન્ટેશન ગ્રેનેડ જે સૈનિકના શરીરમાં મૂકવામાં આવ્યો હતો તેનો વ્યાસ 4 સેન્ટિમિટર (40 મિલિમિટર) છે અને તેનું વજન 250g હોય છે.
VOG ગ્રેનેડ સૌપ્રથમ 1960 ના દાયકામાં યુએસએસઆરમાં વિકસાવવામાં આવ્યા હતા. તેઓ વિવિધ પ્રકારના ગ્રેનેડ લૉન્ચર સાથે લડાયક કાર્યવાહીમાં ઉપયોગમાં લેવાય છે અને તેની રેન્જ 400m સુધીની હોય છે.
યુક્રેનિયન સૈન્યે અહેવાલ આપ્યો છે કે 2014 માં પૂર્વ યુક્રેનમાં સંઘર્ષની શરૂઆતથી આ શસ્ત્રોનો ઉપયોગ તેમની વિરુદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં માનવરહિત ડ્રોનથી છોડવામાં આવ્યા છે.
VOG ગ્રેનેડ સામાન્ય રીતે લૉન્ચ થયા પછી 20 સેકન્ડમાં વિસ્ફોટ થાય છે.
યુક્રેનિયન સૈન્ય વિશ્લેષકો માત્ર આ ન ફૂટેલા ગ્રેનેડને કેવી રીતે શરીરમાંથી બહાર કાઢવામાં આવ્યો તે અંગે આશ્ચર્યચકિત થયા, પરંતુ ઑપરેશન દરમિયાન અને ત્યારબાદ તે એક જોખમી બૉમ્બ જ હતો, જેને નિષ્ણાતો દ્વારા તેને નિષ્ક્રિય કરવામાં ન આવે ત્યાં સુધી સહુના જીવ પર જોખમ ઊભું થયું હતું.
દર્દીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ તેની ઉંમર 28 વર્ષ હોવાનું માનવામાં આવે છે.
યુક્રેનના આંતરિક બાબતોના મંત્રાલયના સલાહકાર, એન્ટોન ગેરેશચેન્કોએ તેમના સોશિયલ મીડિયા પર યુક્રેનિયન સૈન્યનાં સૂત્રોને ટાંકીને લખ્યું : “આ દર્દી વિશે, હું કહી શકું છું કે તેનો જન્મ 1994 માં થયો હતો, હવે તેને પુનર્વસન માટે મોકલવામાં આવ્યો છે, તેના સ્થિતિ સ્થિર છે.”
"મને લાગે છે કે આ કેસ મેડિકલનાં પાઠ્યપુસ્તકોમાં જશે," ગેરેશચેન્કોએ ઉમેર્યું.