નેપાળ વિમાન દુર્ઘટના: વિમાનનું બ્લૅક બૉક્સ મળ્યું, ઘટનાનું કારણ ખબર પડશે?

  • નેપાળના પોખરા હવાઈમથક પાસે રવિવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું
  • ઘટના સ્થળેથી અત્યાર સુધી 68 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે
  • દુર્ઘટના સ્થળેથી બ્લૅક બૉક્સ મળી આવ્યું છે
  • 72 સીટવાળા આ વિમાનમાં 68 મુસાફરો અને ચાલકદળના ચાર સભ્યો સવાર હતા
  • વિમાનમાં પાંચ ભારતીય નાગરિક પણ હાજર હતા
  • વિમાન લૅન્ડ થતા પહેલા પાઇલટે લૅન્ડિંગ પૅડ બદલવાનો નિર્ણય કર્યો હતો
  • વિમાનમાં નેપાળના 53, રશિયાના ચાર, કોરિયાના બે અને આયરલૅન્ડ, અર્જેન્ટીના, ઑસ્ટ્રેલિયા અને ફ્રાન્સના એક-એક મુસાફરો બેઠેલા હતા

નેપાળના પોખરા આંતરરાષ્ટ્રીય હવાઈમથક પાસે થયેલી વિમાન દુર્ઘટનામાં તપાસ માટે રચવામાં આવેલી સમિતિ દુર્ઘટનાગ્રસ્ત થયેલા યતી ઍરલાઇન્સના વિમાનનું બ્લૅક બૉક્સ મળવાની રાહ જોવાઈ રહી હતી, જે સોમવારે સવારે મળી ગયું છે. આ બ્લૅક બૉક્સ દુર્ઘટનાસ્થળ પર મળ્યું છે.

નાગરિક ઉડ્ડયન ઑથોરિટીના પ્રવક્તા જગન્નાથ નિરૉલાએ જણાવ્યું હતું કે, “ઘટનાનો શિકાર થયેલા યતી ઍરલાઇન્સના વિમાનના કાટમાળમાં બ્લૅક બૉક્સ મળ્યું છે.”

તેમણે કહ્યું હતું કે, “વિમાનનું બ્લૅક બૉક્સ મળી ગયું છે. વિમાનનો પાછળનો ભાગ રવિવારે મળ્યો ન હતો, પરંતુ સોમવારે તેને શોધી કાઢવામાં આવ્યો છે.”

તેના દ્વારા વિમાનની દુર્ઘટનાનું કારણ જાણવામાં મદદ મળી રહેશે.

અધિકારીઓએ જણાવ્યું છે કે, “બચાવકર્મીઓ રવિવારે મોડી રાત સુધી દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોને શોધી રહ્યા હતા, અત્યાર સુધી 68 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ચાર મૃતદેહને શોધવા માટે રૅસ્ક્યૂ ઑપરેશન ચાલુ છે.”

બ્લૅક બૉક્સ વિમાનના પાછળના ભાગમાં લાગેલું હોય છે.

તપાસસમિતિના સભ્ય સચિવ બુદ્ધિસાગર લામિછાનેએ બીબીસી નેપાળી સર્વિસને કહ્યું હતું કે, “બ્લૅક બૉક્સથી ખબર પડે છે કે દુર્ઘટના પહેલાં વિમાન કઈ સ્થિતિમાં હતું, વિમાનના કયા ભાગનો કયો સંંકેત હતો. શું દુર્ઘટના અચાનક થયેલી કોઈ ગડબડના કારણે ઘટી હતી? બ્લૅક બૉક્સ પરથી જાણવા મળશે કે દુર્ઘટના માટે બહારનાં કારણો જવાબદાર હતાં કે આંતરિક કારણોથી ઘટી હતી.”

લામિછાનેનું કહેવું છે કે, “વિમાનના બ્લૅક બૉક્સમાં ફ્લાઇટ ડેટા રેકૉર્ડર અને કૉકપિટ વૉઇસ રેકૉર્ડર બંને હશે, એવામાં આ તપાસ માટે ઘણું મહત્ત્વનું હશે.”

નેપાળમાં થયેલી વિમાન દુર્ઘટના વચ્ચે એ જાણવાના પ્રયાસ કરીએ કે, બ્લૅક બૉક્સ શું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે.

નારંગી રંગનું ‘બ્લૅક બૉક્સ’

બ્લૅક બૉક્સ એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે, જે કોઈ પણ વિમાનના પાછળના ભાગમાં લાગેલું હોય છે. વિમાનદુર્ઘટનાની સ્થિતિમાં આ ઉપકરણ ઘણું મહત્ત્વનું હોય છે.

ખાસ વાત એ છે કે બ્લૅક બૉક્સ હકીકતમાં કાળા રંગનું હોતું નથી. આ આછા નારંગી રંગનું હોય છે.

તેને નારંગી રંગનું એ માટે બનાવવામાં આવે છે, કારણકે વિમાન દુર્ઘટનાની સ્થિતિમાં ઝાડી-ઝાખરામાં અથવા ક્યાંક માટીમાં પડવાથી પણ તે દૂરથી જોઈ શકાય.

આ એક ડઝનથી વધુ વિમાન દુર્ઘટનાની તપાસમાં સામેલ રહેલા ઍયરોનૉટિકલ એન્જિનિયર રતીશચંદ્રલાલ સુમને બીબીસી નેપાળી સર્વિસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “તેને વિમાનના પાછળના ભાગમાં એ માટે લગાવવામાં આવે છે, કારણકે દુર્ઘટનાની સ્થિતિમાં આ સૌથી ઓછો ક્ષતિગ્રસ્ત થતો ભાગ હોય છે.”

સામાન્ય રીતે બ્લૅક બૉક્સના બે ભાગ હોય છે. એક ફ્લાઇટ ડેટા રેકૉર્ડર અને બીજો કૉકપિટ વૉઇસ રેકૉર્ડર. જોકે, દરેક વિમાનમાં આ બે ભાગ હોય એવું જરૂરી નથી.

બ્લૅક બૉક્સ એવી રીતે બનાવવામાં આવે છે કે તે વધુ પડતા ઊંચા તાપમાન અને ઊંડા પાણીમાં પણ નષ્ટ ન થઈ શકે.

બ્લૅક બૉક્સમાંથી અવાજ અને તરંગો નીકળતા રહે છે, જેનાથી ઊંડાં પાણીમાં પડવા છતાં તેને શોધી શકાય છે.

ફ્લાઇટ ડેટા રેકૉર્ડર

તેનું કામ હકીકતમાં ઉડાન દરમિયાન વિમાનની દરેક ટેકનિકલ ગતિવિધિઓને રેકૉર્ડ કરવાનું હોય છે. તેમાં વિમાનના અન્ય ઉપકરણોની સ્થિતિ, ઊંચાઈ, દિશા, તાપમાન, ગતિ, ઈંધણની માત્રા, ઑટો-પાઇલટની સ્થિતિ સહિત અન્ય જાણકારી રેકૉર્ડ થાય છે.

રતીશચંદ્ર સુમને કહ્યું છે કે, “જો કોઈ ઉપકરણ કામ કરી રહ્યું નથી, તો તેને ફ્લાઇટ ડેટા રેકૉર્ડર દ્વારા નોટ કરવામાં આવે છે અને તેનાથી વિમાનની ટેકનિકલ બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે.”

જોકે, કેટલાંક નાનાં અને બે એન્જિનવાળાં વિમાનોમાં આ હોતું નથી. ગયા વર્ષે દુર્ઘટનાગ્રસ્ત થયેલા તારા ઍરના વિમાનમાં આ ઉપકરણ ન હતું.

કૉકપિટ વૉઇસ રેકૉર્ડર

આ ડિવાઇસમાં સામાન્ય રીતે 25 કલાકનો રેકૉર્ડિંગ સમય હોય છે. આ ડિવાઇસમાં ચાર ચેનલ હોય છે, જે ચાર જગ્યાનો અવાજ રેકૉર્ડ કરે છે.

રતીશચંદ્ર સુમન અનુસાર, “કૉકપિટ વૉઇસ રેકૉર્ડરમાં પાઇલટ, કૉકપિટ, ટાવર સાથે કૉમ્યુનિકેશન અને મુસાફરો ઍનાઉન્સરના અવાજો રેકૉર્ડ થાય છે.”

કોઈ દુર્ઘટનાની તપાસ દરમિયાન તેમાં રેકૉર્ડ થયેલા અવાજો સાંભળીને વિશ્લેષણ કરવામાં આવે છે.

સુમન કહે છે કે, “પાઇલટે શું કહ્યું, તેમણે શું સાંભળ્યું, કેટલું ખોટું હતું, તેમણે કો-પાઇલટને સૂચિત કર્યા કે નહીં, મુસાફરો અને ટાવરનો અવાજ સાંભળ્યા બાદ આપણને ઘણું બધું ખબર પડી જશે.”

પહેલા વિદેશ જવું પડતું હતું

નેપાળના જૂના હવાઈજહાજોમાં આવા અવાજો મૅગ્નેટિક ટેપ પર રેકૉર્ડ કરવામાં આવતા હતા અને તેને સાંભળવા માટે વિદેશ જવું પડતું હતું.

નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણની હવાઈદુર્ઘટના તપાસ શાખામાં લાંબા સમય સુધી કામ કરતા ઍન્જિનિયર સુમને કહ્યું હતું કે, “તેઓ વર્ષ 1992માં કૉકનીમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા થાઈ ઍર વિમાનના સીવીઆર સાથે કૅનેડા ગયા હતા.”

તેઓએ કહ્યું હતું કે, “હું જાતે બ્લૅક બૉક્સ લઈને કૅનેડા અને ફ્રાન્સ ગયો છું, પરંતુ હવે વધુ પડતા કામ નેપાળમાં થાય છે.”

તપાસ સમિતિના સભ્ય સચિવ લામિછાનેએ કહ્યું હતું કે, “નેપાળમાં બ્લૅક બૉક્સનું વિશ્લેષણ કરવામાં આવશે, પરંતુ ફ્લાઇટ ડેટા રૅકોર્ડરના અભ્યાસ માટે કેટલાક વિદેશી નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવશે.”

લામિછાનેએ કહ્યું હતું કે, “બ્લૅક બૉક્સે ઘણી હવાઈ દુર્ઘટનાઓમાં સત્યને તપાસવામાં મદદ કરી છે, જેમાં કાઠમંડુ આંતરરાષ્ટ્રીય હવાઈમથકના રનવે પર દુર્ઘટનાગ્રસ્ત થયેલું તુર્કીનું વિમાન અને કાઠમંડુ હવાઈમથક પર લૅન્ડ થતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થયેલી યૂએસ બાંગ્લા ઍર પણ સામેલ છે.”