ભારત સહિત વૈશ્વિક કંપનીઓએ મ્યાનમારની સેનાને હથિયાર બનાવવા મદદ કરી- રિપોર્ટ

    • લેેખક, સિલિયા હેટ્ટન
    • પદ, બીબીસી ન્યૂઝ

મ્યાનમારની સેના પોતાના જ દેશના લોકો વિરુદ્ધ વાપરી શકાય તે માટે હથિયારો વિકસાવી રહી છે, જેના માટે ભારત, અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, જાપાન સહિત ઓછામાં ઓછા 13 દેશની કંપનીઓ તેને મદદ કરી રહી છે.

આ વાતનો ખુલાસો સંયુક્ત રાષ્ટ્રોના પૂર્વ અધિકારીઓએ કર્યો છે.

રિપોર્ટ મુજબ, આંતરરાષ્ટ્રીય મંચ પર મ્યાનમારને (અગાઉનું બર્મા) વિખેરવા પશ્ચિમી દેશો દ્વારા તેની ઉપર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. આમ છતાં મ્યાનમારની સેના નવાં-નવાં હથિયારોનું નિર્માણ કરાવવામાં સફળ રહી છે, જેનો ઉપયોગ દેશમાં સૈન્યશાસનનો વિરોધ કરી રહેલા લોકોનું દમન કરવા માટે થાય છે.

ફેબ્રુઆરી-2021માં મ્યાનમારમાં સેનાએ તખતાપલટ કર્યો, ત્યારથી ત્યાં હિંસા ચાલુ છે.

ચૂંટાયેલી સરકારને હઠાવવાના વિરોધીઓએ સ્થાનિક વંશીય બળવાખોરો સાથે હાથ મિલાવ્યા છે અને સૈન્યશાસનનો વિરોધ કરી રહ્યા છે.

સૈન્યસરંજામના સપ્લાયરો

મ્યાનમાર વિશે સ્પેશિયલ ઍડ્વાઇઝરી કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે, યુએનના અનેક સભ્ય દેશો મ્યાનમારની સેનાને હથિયારો વેચી રહ્યા છે.

રિપોર્ટ મુજબ, "આમ છતાં, મહત્ત્વપૂર્ણ બાબત એ પણ છે કે મ્યાનમારનાં સશસ્ત્ર દળો દેશમાં જ અનેક પ્રકારનાં હથિયારોનું નિર્માણ કરી શકે છે, જેનો ઉપયોગ નાગરિકોને ટાર્ગેટ કરવા માટે થઈ શકે છે."

રિપોર્ટમાં મ્યાનમારની સેનાને હથિયારો માટે કાચોમાલ, મશીનરી અને તાલીમની સેવાઓ પૂરી પાડતી કંપનીઓનાં નામ આપવામાં આવ્યાં છે. આ હથિયારોનો ઉપયોગ દેશની સીમાઓની સુરક્ષા માટે નથી થઈ રહ્યો.

યાંઘી લી માનવાધિકાર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રોનાં પૂર્વ પ્રવક્તા છે અને આ અહેવાલનાં સહ-લેખિકા પણ છે.

તેમના કહેવા પ્રમાણે, "મ્યાનમારે ક્યારેય અન્ય કોઈ દેશ ઉપર હુમલો નથી કર્યો અને તે હથિયારોની નિકાસ પણ નથી કરતો. 1950થી મ્યાનમારે પોતાના હથિયારોનો ઉપયોગ પોતાના જ દેશના લોકો વિરુદ્ધ કર્યો છે."

સત્તાવાર રીતે 2021ના બળવા પછી બે હજાર 600 કરતાં વધુ લોકો સેનાની કાર્યવાહીમાં માર્યા ગયા છે.

જોકે, તેનો વાસ્તવિક આંકડો દસ ગણો વધારે હોવાનું અનુમાન મૂકવામાં આવે છે.

બળ, બળવો અને બળવાખોરો

બીબીસીની બર્મિઝ સેવાના વડા સો વિન તાનના કહેવા પ્રમાણે, "આ બધું શરૂ થયું...ત્યારે લાગતું હતું કે સત્તા વિરોધને કચડી શકે છે, પરંતુ તાજેતરનાં મહિના અને અઠવાડિયામાં પાસું થોડું ઘણું પલટાતું જણાય રહ્યું છે. મ્યાનમારના સૈન્યશાસકો પાસે હવાઈ તાકત છે, જે વિરોધીઓ પાસે નથી."

આંતરરાષ્ટ્રીય નિષેધો મ્યાનમારના શાસકો સ્નાઇપર રાઇફલો, વિમાનવિરોધી ગન, મિસાઇલ લૉન્ચરો, ગ્રૅનેડ, બૉમ્બ અને સૂરંગોનું નિર્માણ કરતા અટકાવી નથી શક્યા.

મ્યાનમાર વિશેના સંયુક્ત રાષ્ટ્રના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સત્યશોધક અભિયાનનો અહેવાલ લી ઉપરાંત ક્રિસ સિદોતી અને મારઝુકી દારુસમૅને લખ્યો છે.

અહેવાલમાં લીક કરવામાં આવેલા સૈન્ય દસ્તાવજો, ફેકટરીઓની સેટેલાઇટની તસવીરો અને પૂર્વ સૈનિકના ઇન્ટરવ્યૂનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

2017માં લેવામાં આવેલી તસવીરોથી સ્પષ્ટ થાય છે કે સૈન્યબળવા પહેલાં પણ ઘરઆંગણે નિર્મિત હથિયારોનો ઉપયોગ થતો રહ્યો છે. બહુચર્ચિત ઇન દિન હત્યાકાંડમાં મ્યાનમારની સેનાએ દસ નિઃશસ્ત્ર રોહિંગ્યા પુરુષોની હત્યા કરી નાખી હતી. એ તસવીરમાં સૈનિકો પાસે મ્યાનમારમાં નિર્મિત રાઇફલો જોઈ શકાય છે.

રિપોર્ટ લખનાર ક્રિસ સિદોતીના કહેવા પ્રમાણે, "તાજેતરમાં સાગાઇંગ પ્રાંતમાં હત્યાકાંડો થયા હતા. સ્કૂલ ઉપર કરવામાં આવેલા બૉંબ અને તોપમારામાં વિદ્યાર્થીઓ સહિત અનેકનાં મૃત્યુ થયાં હતાં. ગોળાના ખાલી ખોખાં પરથી સ્પષ્ટ હતું કે તે ક્યાં ઉત્પાદિત થયા છે. તેનાં ચિહ્ન જોઈ શકાતાં હતાં.

શસ્ત્રનિર્માતાનો સાથ

સ્પેશિયલ ઍડ્વાઇઝરી કાઉન્સિલનું માનવું છે કે, બંદૂકનાં નાળચાં બનાવવા કેટલીક ઉચ્ચ ગુણવત્તાવાળી મશીનરી ઑસ્ટ્રિયાથી આવી છે. જીએફએમ સ્ટેયર દ્વારા અનેક સ્થળોએ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારે આ મશીનના મેન્ટનન્સની જરૂરિયાત ઊભી થાય ત્યારે તેને તાઇવાન મોકલવામાં આવે છે, જ્યાં જીએફએમ સ્ટેયરના ટેકનિશિયનો તેને દુરસ્ત કરીને મ્યાનમાર પરત મોકલી આપતા હોવાનું કહેવાય છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ મશીનનો ઉપયોગ મ્યાનમારમાં થઈ રહ્યો છે, તેના વિશે ઑસ્ટ્રિયન કંપનીના ટેકનિશિયનો વાકેફ છે કે નહીં, તે સ્પષ્ટ નથી.

બીબીસીએ આ રિપોર્ટ વિશે જીએફએમની પ્રતિક્રિયા માગી હતી, પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.

રિપોર્ટ લખનારાઓના કહેવા પ્રમાણે, તેમને હથિયારનિર્માણ વિશે બહુ થોડી જ માહિતી મળી છે, પરંતુ તેમાં અનેક દેશ સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે.

  • મ્યાનમારમાં હથિયારનિર્માણ માટે જરૂરી તાંબુ અને લોખંડ ચીન અને સિંગાપોરથી આવે છે.
  • પૂર્વ સૈન્ય સૂત્રોના ઇન્ટરવ્યૂ પરથી બહાર આવેલી વિગતો અને શિપિંગ રેકૉર્ડ પરથી મળતી માહિતી પ્રમાણે, ફ્યુઝ અને ઇલેક્ટ્રિક ડિટેનોર જેવા મહત્ત્વપૂર્ણ ભાગો ભારત અને રશિયાથી અહીં પહોંચે છે.
  • મ્યાનમારની હથિયાર કંપનીઓમાં વપરાશમાં લેવાતી મશીનરી જર્મની, જાપાન, યુક્રેન અને યુએસમાં બની છે. આ મશીનને ચલાવવા માટે જરૂરી સોફ્ટવૅર ઇઝરાયલ અને ફ્રાન્સથી આવ્યા હોવાનું માનવામાં આવે છે.
  • મ્યાનમારના સૈન્ય ખરીદદારો અને બાહ્ય વિક્રેતાઓ વચ્ચે સિંગાપોરની કંપનીઓ ટ્રાન્ઝિટ હબ તરીકે કામ કરે છે.

દાયકાઓથી મ્યાનમાર પર અલગ-અલગ પ્રકારનાં આંતરરાષ્ટ્રીય નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. છતાં તેનું હથિયારનિર્માણનું કામ ચાલુ રહ્યું છે.

હથિયાર બનાવતી કંપનીઓની સંખ્યા 1988માં છ હતી, જે આજે વધીને 25 પર પહોંચી ગઈ છે.

ક્રિસ સિદોતીના કહેવા પ્રમાણે, "સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષાપરિષદ દ્વારા નિયંત્રણો લાદવામાં નથી આવ્યાં. અમુક દેશ કે દેશની સંસ્થાઓ દ્વારા જ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આથી જે દેશોએ મ્યાનમાર કે ત્યાંની સ્થાનિક કંપનીઓ સાથે વ્યવહારો કરવા ઉપર ઉપર પ્રતિબંધ લાદ્યા ન હોય ત્યાંથી આ વ્યવહારો કરી શકે છે."

મ્યાનમારમાં ઉત્પાદિત હથિયારોની નિકાસ થતી હોય તેમ નથી જણાતું. છતાં વર્ષ 2019માં થાઇલૅન્ડ ખાતે આયોજિત હથિયાર મેળામાં તેણે ગોળીઓ, બૉંબ અને ગ્રૅનેડ લૉન્ચરોનું નિદર્શન કર્યું હતું.

લફબર્ગ યુનિવર્સિટી લંડન ખાતે પ્રાધ્યાપક રોનન લીના કહેવા પ્રમાણે, "બર્મામાં સામાન્ય જનતાનું જીવન ખૂબ જ સંઘર્ષપૂર્ણ છે. મને લાગે છે કે મ્યાનમારની આંતરિક વ્યવસ્થા પડી ભાંગશે."

"મ્યાનમારની જનતા માટે ચિંતિત આંતરરાષ્ટ્રીય સમુદાયે મ્યાનમારની સેનાને જણાવવું રહ્યું કે તેઓ પોતાના જ દેશના નાગરિકો વિરુદ્ધના વપરાશ થાય તેવાં હથિયારોનું નિર્માણ કરી ન શકે."