ગીર સોમનાથમાં ડૉ. આંબેડકરની પ્રતિમાને તોડી પડાતા પોલીસ ફરિયાદ, શું છે સમગ્ર વિવાદ?

ઇમેજ સ્રોત, Navneet Ravalia
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
14 ઍપ્રિલ, 2023ના રોજ રમરેચી ગામના દલિતોએ મળીને ગામના નવા પ્લૉટ વિસ્તારમાં ડૉ.બી. આર. આંબેડકરની એક પ્રતીમા સ્થાપિત કરી હતી.
ગઈ તારીખ 23મી જૂનના રોજ તે પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી, જેના કારણે ગામમાં દલિતો અને સવર્ણ વર્ગના કેટલાક લોકો આમને સામને આવી ગયા હતા.
ઘટના બાદ પોલીસ ફરિયાદ થઈ છે અને આ લખાય છે ત્યાર સુધી પોલીસે અમુક આરોપીઓને રાઉન્ડ-અપ પણ કર્યા છે. જોકે આ ઘટના બાદ આંબેડકરની તૂટેલી પ્રતીમાના વિડિયો વાઇરલ થતાં, કૉંગ્રસ નેતા જિગ્નેશ મેવાણી સહિત અનેક દલિત આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો.
શનીવારના રોજ વહેલી સવારે એક ટ્વીટમાં મેવાણીએ લખ્યું હતું કે, ‘ગીર સોમનાથના રમરેચી ગામમાં જાતિવાદીઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પાડી છે. જો યુવા સાથીઓ તેમને રોકી રહ્યા હતા, તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી. જો 24 કલાકમાં આરોપીઓની ધરપકડ ન થાય, અમે મજબૂરીમાં અમારે રસ્તાઓ જામ કરવા પડશે.’
બીબીસીએ જિગ્નેશ મેવાણી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
આ ટ્વીટ બાદ ગીર સોમનાથ પોલીસ હરકતમાં આવી ચૂકી છે અને 11 આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે.
બીજી બાજુ ગામના સવર્ણવર્ગના લોકોનું કહેવું છે કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.

શું છે ઘટના?

ઇમેજ સ્રોત, Navneet Ravalia
ગીર સોમનાથના તલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 23મી જૂનના રોજ રાત્રે આશરે 11.45ના રોજ દલિત સમુદાયના ચાર લોકો સાથે ઉચ્ચ વર્ગના આશરે 11 થી 15 જેટલા લોકો કથાકથિત રીતે બોલાચાલી કરી હતી, આંબેડકરની પ્રતિમાને તોડી પાડી હતી અને નવનીત રાવલીયા (42) નામની વ્યક્તિને થપ્પડ મારીને જાતિવિષયક શબ્દો બોલવાનો ગુનો આચર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વિશે આ કેસના ફરિયાદી નવનીત રાવલીયા સાથે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "રાતના આશરે 11.30 વાગ્યે તેમના પર ફોન આવ્યો હતો કે ગામના અમુક લોકો આંબેડકરની પ્રતિમાને નુકસાન કરી રહ્યા છે, હું ત્યાં પહોંચ્યો તો મને થપ્પડ મારવામાં આવી."
"ત્યારબાદ અમારા સમાજના લોકો આવી જતાં તે લોકો જતા રહ્યા હતા, પરંતુ ત્યાં સુધી તે લોકોએ પ્રતિમાને તોડી પાડી હતી."
જોકે રાવલીયાને જ્યારે પૂછવામાં આવ્યું કે આ ગુનો કરવા પાછળનો તેમનો ઉદ્ધેશ શું હતો, તો તેમણે કહ્યું કે "આ જમીન પર ગઈ 14મી ઍપ્રિલના રોજ આંબેડકરની પ્રતિમા લગાવવામાં આવી હતી, જે ઘણા લોકોને પસંદ ન આવ્યું હતું અને તે લોકો ગમે તે રીતે આ પ્રતિમાને અહીંથી દૂર કરવા ઇચ્છે છે."
બીજી બાજુ ગામના પૂર્વ સરપંચ મનીષાબહેન બગોરાના પતિ અને ગામના આગેવાન રણજીતસિંહ બાગોરાએ બીબીસી ગુજરાતી સાથે ફોન પર વાત કરતા કહ્યું હતું કે, "આ આખી ઘટનામાં કોઈ તથ્ય નથી. આરોપીઓને ખોટી રીતે ફસાવવા માટે આ કામ કરવામાં આવ્યું છે, કારણ કે અમારા છોકરાઓએ આ પ્રતિમા તોડી જ નથી. "
"જે સ્થળ ઉપર આ પ્રતિમા લગાવવામાં આવેલી છે તે જમીનની માલિકી કોની છે, તેનો વિવાદ ચાલી રહ્યોં છે, માટે બન્ને પક્ષોને ત્યાં જવાની મનાઈ હતી."
તલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ, આર એચ મારૂએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું છે કે, "જેવી જાણ થઈ કે તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પંચનામા કર્યાં છે અને પોલીસ ફરિયાદ તાત્કાલિક ધોરણે નોંધી લીધી હતી. મોટાભાગના આરોપીઓને અમે રાઉન્ડ-અપ કરી લીધા છે અને બાકી લોકોને પણ શોધવા માટે પોલીસ હાલમાં કામ કરી રહી છે."

જગ્યાનો વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Navneet Ravalia
બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રમરેચી ગામના નવા પ્લૉટના વિસ્તારમાં 800 વાર જગ્યામાં સ્થાપિત કરવામાં આવેલી છે. તે જગ્યાનો ઉપયોગ ગૌશાળા તરીકે પણ કરવામાં આવે છે.
ગામલોકો પાસેથી મળેલી માહિતી અનુસાર આ જગ્યાની માલિકી અને તેના કબજા પર હાલમાં વિવાદ ચાલી રહ્યો છે. 800 વારની આ જગ્યા પર દલિત સમુદાયના લોકોએ આંબેડકરની પ્રતીમા ઊભી કરી છે, તો ઉચ્ચ વર્ગના લોકોને તે જમીન ગૌશાળા તેમજ વાડી માટે ફાળવવાની ઇચ્છા છે.
એક દલિત આગેવાન દલાભાઈ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "આ જમીન દલિતોના ઉપયોગ માટે થાય તે અંગે અમે કલેકટરને રજૂઆત કરેલી છે. જોકે આંબેડકર સાહેબની પ્રતિમા તો બધા માટે છે, શું ગુજરાતમાં જે મોટાં-મોટાં સ્ટૅચ્યૂ જ્યાં બનેલાં છે શું ત્યાંની જમીન તેમના નામ પર છે. આંબેડકર સાહેબ એક રાષ્ટ્રીય નેતા છે અને તેમની પ્રતિમા દેશ માટેના તેમના યોગદાન માટે તથા દલિત ઉપરાંત બીજા પણ તમામ સમાજો માટે છે."
પંરતુ ઉચ્ચવર્ગના લોકોનો અલગ મંતવ્ય છે. બાગોરા કહે છે કે, "અમે પણ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરીને કહ્યું છે કે આ જગ્યાની માલિકી કોની છે, તે માટેનો સરવે થવો જોઈએ અને પછી તે જમીન ગ્રામસભાને સોંપી દેવામાં આવે."
જોકે જમીનની માલિકી સંદર્ભે બીબીસી ગુજરાતીએ રમરેચી ગામના તલાટી ચેતન કાતરિયા સાથે વાત કરી. તેઓ કહે છે કે, "હાલમાં તે વિશેની માપણી અને સરવે ચાલુ છે પરંતુ હજી સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી."

કેમ થાય છે ગામમાં દલિતો અને સવર્ણો વચ્ચે સંઘર્ષ?
રમરેચી ગામમાં દલિતો અને સવર્ણો વચ્ચેનો સંઘર્ષ નવો નથી. દલિત આગેવાનો પ્રમાણે અહીં દલિતો સાથે ભેદભાવ થતા આવ્યા છે. નવનીત રાવાલીયા, જે આ કેસના ફરિયાદી છે, તેઓ ભૂતપૂર્વ સામાજિક ન્યાય સમિતીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
તેઓ કહે છે કે, "અમને યાદ નથી કે ક્યારેય અમે તેમના સમાજિક પ્રસંગોમાં ગયા હોઈએ અથવા તે લોકો અમારા પ્રસંગમાં આવે. અમે હજી સુધી તેમના મંદિરો કે ગામની વાડીમાં પ્રવેશ કર્યો નથી. આ ગામની રચના આશરે 120 વર્ષ અગાઉ થઈ છે. ત્યારથી હજી સુધી અહીંયા દલિતો સાથેનો ભેદભાવ એ જ સ્વરૂપમાં ચાલુ છે."
જોકે હજી સુધી આ ગામના લોકોએ બહાર આવીને ફરિયાદ કરી નહોતી. "અમને તે લોકો મજૂરીએ રાખતા નથી. અમે તેમના પર કોઈ પણ પ્રકારે નિર્ભર નથી તો અમારે કોઈની બીક શું કામ રાખવાની જરૂર છે."
"માટે હવે એવું લાગે છે કે, પ્રતિમા તોડીને તેમણે અમારો અત્મસમ્માન તોડી દીધો છે એટલે આ વખતે અમે ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે."
બીજી બાજુ સવર્ણવર્ગના લોકોએ કોઈ પણ પ્રકારના ભેદભાવ થતો હોય તેવી વાતનું ખંડન કર્યું છે. બાગોરા કહે છે કે, "આ તમામ આરોપો ખોટા છે. કોઈ પણ પ્રકારનો ભેદભાવ દલિતો સાથે થતો નથી. આ ફરિયાદ જ ખોટી છે."

ગુજરાત અને દલિતો વિરુદ્ધ થતા અત્યાચારો
NCRB ના છેલ્લા આંકડા પ્રમાણે 2018થી 2020ના સમયમાં દલિતો સામે થતા અત્યાચારોની ફરીયાદમાં આખા દેશમાં ગુજરાત પાંચમા ક્રમાંકે છે. જોકે દલિત સમુદાયની વસ્તીની સરખામણીમાં ગુજરાતમાં (40.7 લાખ), તેલંગણા(53.૩ લાખ), રાજસ્થાન(122.2), મધ્યપ્રદેશ(113.4), અને બિહાર(165.7) કરતા વધુ દલિતોની વસ્તી છે.
દલિતોની સામે અત્યાચારો થતા હોય તેનો ક્રાઇમ રેટ મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 60.8 ટકા, રાજસ્થાનમાં 57.4 ટકા, બિહારમાં 44.5 ટકા, તેલંગણામાં 36 ટકા અને પાંચમા ક્રમાંકે ગુજરાતમાં 32.5 ટકા છે.














