પાકિસ્તાનઃ 'રોજ ટૅક્સ લગાડવાને બદલે એક વાર લોકો પર અણુબૉમ્બ કેમ નથી ફેંકી દેતા'

ઇમેજ સ્રોત, PTV PARLIAMENT
- લેેખક, શહજાદ મલિક
- પદ, બીબીસી સંવાદદાતા

- પાકિસ્તાનના નાણામંત્રી ઈસાક ડાર બુધવારે નેશનલ ઍસેમ્બલીની બેઠકમાં મિની-બજેટ રજૂ કર્યું
- નાણામંત્રીના બજેટ ભાષણ દરમિયાન કોઈ હંગામો થયો ન હતો
- નાણામંત્રીએ સમગ્ર જવાબદારી ભૂતપૂર્વ શાસક પક્ષ પાકિસ્તાન તહરીકે ઈન્સાફ પર નાખીને કહ્યું કે તેઓએ આઈએમએફ સાથે જે કરાર કર્યો હતો તેનું વર્તમાન સરકાર પાલન કરી રહી છે
- જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ નૂર આલમ ખાને માગ કરી હતી કે આઈએમએફ સાથે 'ઈમરાન કરાર' અને 'દાર કરાર' સંસદમાં રજૂ કરવામાં આવે
- નેશનલ ઍસૅમ્બલીનાં સભ્ય સાયરા બાનોએ કહ્યું કે જનતા પર ટૅક્સ લાદીને અને તેમને તડપાવી-તડપાવીને મારવા કરતાં તો સારું કે જે અણુબૉમ્બ બનાવ્યા છે તેને જનતા પર કેમ નથી ફેંકી દેતા

પાકિસ્તાનના નાણામંત્રી ઈસાક ડાર બુધવારે નેશનલ ઍસૅમ્બલીની બેઠકમાં મિની-બજેટ રજૂ કરતી વખતે જનતા પર વધુ ટૅક્સ લાદવાની વાત કરી રહ્યા હતા, ત્યારે ગૃહમાં હાજર 'વિપક્ષ' ચૂપચાપ બેઠા હતા, જાણે મિની-બજેટ સરકારનું નહીં પણ વિપક્ષના કોઈ સભ્ય રજૂ કરી રહ્યા હોય.
નાણામંત્રીના બજેટ ભાષણ દરમિયાન કોઈ હંગામો થયો ન હતો, કોઈ પાટલીઓ થપથપાવાઈ નહોતી, ન તો કોઈ સભ્યે એજન્ડાની નકલો ફાડીને સ્પીકર અને નાણામંત્રી પર ફેંકી હતી કે ન તો બેઠકની કાર્યવાહીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે આવી મિટિંગોમાં નાણામંત્રીએ ઘોંઘાટથી બચવા માટે કાન પર 'નોઈઝ કેન્સલેશન ડિવાઈસ' લગાવવું પડે છે.
મિની-બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણામંત્રી ઈસાક ડારે તેને લાવવાની સમગ્ર જવાબદારી ભૂતપૂર્વ શાસક પક્ષ પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પર નાખીને કહ્યું કે તેઓ (તહરીકે ઇન્સાફ સરકાર)એ આઈએમએફ સાથે જે કરાર કર્યો હતો તેનું વર્તમાન સરકાર પાલન કરી રહી છે, તેથી આઈએમએફ પાસેથી વધુ લોન મેળવવા માટે મિની બજેટ લાવવું જરૂરી હતું.
નાણામંત્રીના ભાષણ દરમિયાન કોઈ હોબાળો થયો ન હતો, પરંતુ નેશનલ ઍસૅમ્બલીની બેઠક પહેલાં સત્તાધારી ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નૂન તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે તેમની પાર્ટીના કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ પગાર કે ભથ્થાં લેશે નહીં, જેથી લોકોમાં એવો અભિપ્રાય બને કે તેઓ પણ મોંઘવારીથી પ્રભાવિત થયા છે.
નાણામંત્રી નેશનલ ઍસૅમ્બલીમાં તેમનું ભાષણ પૂરું કર્યા પછી પોતાની સીટ પર હજુ બેઠા જ હતા ત્યાં તેમને કહેવામાં આવ્યું કે સૅનેટની બેઠક આગળના હૉલમાં છે અને મિટિંગના એજન્ડામાં એક મિની બિલ પણ છે.
આ સાંભળીને કેન્દ્રીય નાણામંત્રી ડાર પોતાનો સામાન સમેટીને સૅનેટની બેઠકમાં ગયા હતા.

પાકિસ્તાન સરકારની ટીકા

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે નેશનલ ઍસૅમ્બલીમાં વિરોધ પક્ષના નેતા બજેટ પર ચર્ચા શરૂ કરે છે પરંતુ તેમની જગ્યાએ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ નૂર આલમ ખાને ચર્ચાની શરૂઆત કરી અને કેન્દ્ર સરકારની ટીકા કરતા તેમણે કહ્યું કે તેમને ગરીબ લોકો માત્ર મત લેવાના હોય ત્યારે જ યાદ આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું, "કોઈ પણ સરકાર આવે તે ગરીબ લોકોનું શોષણ કરે છે. જનતા ટૅક્સ ભરે છે. સરકારે વેપારી વર્ગ અને ઉદ્યોગપતિઓ પર ટૅક્સ નાખવો જોઈએ."
નૂર આલમ ખાને આરોપ લગાવ્યો કે એફબીઆર (ફેડરલ બોર્ડ ઑફ રેવન્યુ)ના ભ્રષ્ટ અધિકારીઓને કારણે લોકોના ટૅક્સનો ફાયદો લોકોને મળતો નથી.
નૂર આલમ ખાને માગ કરી હતી કે આઈએમએફ સાથે 'ઇમરાન કરાર' અને 'દાર કરાર' સંસદમાં રજૂ કરવામાં આવે, જેથી જનતાને પણ ખબર પડે કે આઈએમએફ સાથે કઈ શરતો પર કરાર કરવામાં આવ્યો છે.
નૂર આલમ ખાનના સંક્ષિપ્ત ભાષણ બાદ ગ્રાન્ડ ડેમૉક્રેટિક ઍલાયન્સ અથવા જીડીએ સાથે જોડાયેલા નેશનલ ઍસૅમ્બલીનાં સભ્ય સાયરા બાનોએ પૉઇન્ટ ઑફ ઑર્ડર પર બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્પીકરે શુક્રવારે સવાર સુધી બેઠક સ્થગિત કરી દીધી હતી.
નેશનલ ઍસૅમ્બલીની બેઠકમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના વડા પ્રધાન સરદાર તનવીર ઇલ્યાસ દ્વારા સ્થાનિક પત્રકારને ભયંકર પરિણામો ભોગવવાની ધમકી આપવાના મુદ્દે નિંદા કરવામાં આવી હતી.
નેશનલ ઍસૅમ્બલીના સભ્ય સાયરા બાનોને ગૃહમાં બોલવાની તો તક ન મળી પરંતુ તેમણે ગૃહની બહાર આવીને મીડિયા સાથે વાત કરી અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
તેમણે કહ્યું કે ઈસાક ડારે લખેલું ભાષણ વાંચ્યું અને આરોપ લગાવ્યો કે તે ખોટું બોલી રહ્યા છે.
તેમણે કહ્યું, "ઈસાક ડારે તો દેશમાં પાછું આવવું જ નહોતું જોઈતું. જ્યારે તેઓ કંઈ કરી શકે તેમ નથી તો આટલા મોટા દાવા કેમ કરે છે."

મિની બજેટ સામે શો વાંધો છે?

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું કે આ મિની-બજેટ પછી 25,000થી 50,000 રૂપિયાનો માસિક પગાર મેળવનારાઓને તો ભૂલી જ જાઓ, હવે 1 લાખ રૂપિયાનો માસિક પગાર મેળવનારાઓને પણ ઘરનો ખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.
તેમણે આરોપ લગાવ્યો કે સત્તા પર બેઠેલા લોકો અશરાફિયા (શરીફ) છે. પરંતુ સામાન્ય જનતા મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી રહી છે.
તેમણે કહ્યું હતું કે 'જનતા પર ટૅક્સ લાદીને અને તેમને તડપાવી-તડપાવીને મારવા કરતાં તો સારુ કે જે અણુબૉમ્બ બનાવ્યા છે તેને જનતા પર કેમ નથી ફેંકી દેતા.'
નેશનલ ઍસૅમ્બલીની બેઠકથી વિપરીત સૅનેટની બેઠક થોડી જ મિનિટો ચાલી ત્યાં વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો.
સૅનેટના અધ્યક્ષે બેઠકના એજન્ડામાં સામેલ મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું તો સૅનેટમાં વિરોધ પક્ષના નેતા વસીમ સજ્જાદે વાંધો ઉઠાવ્યો. પરંતુ અધ્યક્ષે મંજૂરી ન આપી, જેના પર વિપક્ષના સૅનેટ સભ્યોએ ગૃહની અંદર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટેબલ ઠોકવાનું શરૂ કરી દીધું.
બાદમાં અધ્યક્ષના મંચ સામે ઊભા રહીને તેમણે એજન્ડાની નકલો ફાડી નાખી અને હવામાં લહેરાવી.

વિપક્ષનો વિરોધ

ઇમેજ સ્રોત, Reuters
વિપક્ષના હોબાળા વચ્ચે ઈસાક ડારે મિની બજેટ સંબંધિત એજન્ડા વાંચી સંભળાવ્યો, જે પછી અધ્યક્ષે શુક્રવારે સવારે 10.30 વાગ્યા સુધીમાં આ વિધેયક પર તેમના સૂચનોને અંતિમ સ્વરૂપ આપવાની સૂચના સાથે સંબંધિત સ્થાયી સમિતિને નિર્દેશો મોકલી આપ્યા.
સૅનેટમાં વિપક્ષના નેતા શહજાદ વસીમે કહ્યું કે તેઓ નાણા મંત્રાલય સાથે સંબંધિત સૅનેટની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ બિલનો વિરોધ કરશે.
ફાયનાન્સ બિલની મંજૂરી નેશનલ ઍસૅમ્બલીમાં કરવામાં આવે છે અને જો સૅનેટમાંથી આ બિલ પર કોઈ સૂચનો કરવામાં આવે તો નેશનલ ઍસૅમ્બલીને તેને સ્વીકારવાનો કે નકારવાનો અધિકાર છે.
બજેટ બેઠક દરમિયાન સંસદ ભવનની સુરક્ષા પહેલાંથી જ વધારી દેવામાં આવી હતી અને વર્તમાન સત્ર માટે જે પત્રકારો પાસે એન્ટ્રી પાસ ન હતા તેમને સંસદ ભવનમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.














