પાકિસ્તાનને આ વખતે આર્થિક કટોકટીમાંથી કોઈ નહીં બચાવી શકે?

લાહોરમાં મોઘવારી સામે વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • પાડોશી દેશ પાકિસ્તાન ખૂબ જ ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે
  • પાકિસ્તાનની સરકારના ઘણા પ્રયાસો છતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાશે કે કેમ તે અંગે શંકા પ્રવર્તી રહી છે
  • પાકિસ્તાનની બાબતોના વિશ્લેષકો દેશની આ સ્થિતિને વર્ષ 1971ના આર્થિક સંકટ કરતાં પણ વિકટ ગણાવી રહ્યા છે
  • પાકિસ્તાન પાસે માંડ ચાર અબજ 30 કરોડનું વિદેશી નાણાભંડોળ છે
  • દેશમાં ખાણીપીણીના સામાનને લઈને પણ લોકો ઝઘડી રહ્યા હોવાના સમાચારો આવી રહ્યા હતા
  • આ રકમની મદદથી પાકિસ્તાન એક મહિનાની આયાતનું પણ ચુકવણું કરી શકે તેમ નથી
  • તેથી આ વખત પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે શું આ વખત હંમેશાં પાકિસ્તાનના ‘તારણહાર’ બનતા ચીન અને સાઉદી અરેબિયા પણ તેને સંકટથી નહીં બચાવી શકે?
બીબીસી ગુજરાતી
પૂર અને આર્થિકસમસ્યાઓને કારણે પાકિસ્તાનીઓની સ્થિતિ કફોળી બની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂર અને આર્થિક સમસ્યાઓને કારણે પાકિસ્તાનીઓની સ્થિતિ કફોળી બની

પાકિસ્તાનની ઉપર નજર રાખતા વિશ્લેષકોનું કહેવું છે કે દેશ કદાચ 1971ના આર્થિક સંકટથી પણ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને તે ચોમેરથી ઘેરાઈ રહ્યો છે. 1971માં જ પાકિસ્તાનથી અલગ દેશ બનીને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો હતો.

ગત અઠવાડિયે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ તથા પાકિસ્તાનના સેનાધ્યક્ષ સૈયદ આસિમ મુનીર યુએઈ ગયા હતા અને બંનેએ આર્થિક મદદ માટે રજૂઆત કરી હતી.

શાહબાઝે જણાવ્યું હતું કે યુએઈ (યુનાઇટેડ આરબ અમિરાત) બે અબજ ડૉલરનું દેવું ચૂકવવાની મુદ્દત વધારવા તથા વધુ એક અબજ ડૉલરની વધારાની લોન આપવાનો વાયદો કર્યો છે. પાકિસ્તાન દેવાળિયું જાહેર ન થાય તે માટે શાહબાઝ શરીફની સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે.

ગત વર્ષે શાહબાઝ શરીફે પદભાર સંભાળ્યો ત્યારે મિફ્તાહ ઇસ્માઇલને નાણામંત્રી બનાવ્યા હતા. હાલમાં ઇશાક ડાર પાકિસ્તાનના નાણામંત્રી છે, જેઓને શાહબાઝના મોટા ભાઈ નવાઝના વફાદાર માનવામાં આવે છે. મિફ્તાહ ઇસ્માઇલનું કહેવું છે કે પાકિસ્તાનની ઉપર 100 અબજ ડૉલરનું વિદેશી દેવું છે. જેમાંથી 21 અબજ ડૉલરનું દેવું ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચૂકવવાનું થાય છે, જ્યારે આગામી ત્રણ વર્ષ દરમિયાન 70 અબજ ડૉલરનું દેવું ચૂકવવાનું છે.

પાકિસ્તાન પાસે માંડ ચાર અબજ 30 કરોડનું વિદેશી નાણાભંડોળ છે. જે તાજેતરનાં વર્ષોમાં સૌથી ન્યૂનતમ સ્તર છે. આ રકમની મદદથી પાકિસ્તાન એક મહિનાની આયાતનું પણ ચુકવણું કરી શકે તેમ નથી.

ગ્રે લાઇન

ચોમેર સંકટથી ઘેરાયેલું પાકિસ્તાન

પાકિસ્તાનનું અર્થતંત્ર મોટાપાયે આયાત ઉપર આધારિત છે. સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાનના અનેક વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં ખાણીપીણીના સામાન માટે પાકિસ્તાનીઓને પરસ્પર ઝઘડતા જોઈ શકાય છે. આ ઘટનાક્રમમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયું છે.

પાકિસ્તાની લેખક અને સિટી ગ્રૂપ ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્વેસ્ટમેન્ટના પૂર્વ વડા યુસૂફ નઝરે લખ્યું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વિશે લખનારાઓ દેશમાં પ્રવર્તમાન માત્ર બે સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે - એક તો ચાલુ ખાતામાં નાણા ખાધ અને બીજું આવકમાં ખાધ.

યૂસુફે લખ્યું, "આ સિવાય પણ પાકિસ્તાન બૌદ્ધિક દેવાળિયું, સેનાની ટૂંકી દૃષ્ટિ, રાજકીય, ઔદ્યોગિક અને સંપન્ન વર્ગ પાસે વિશાળ જમીનોની માલિકી જેવી અનેક સમસ્યા સામે પાકિસ્તાન ઝઝૂમી રહ્યું છે. અમેરિકાના અર્થશાસ્ત્રી વિલિયમ ઇસ્ટર્લીએ કહ્યું હતું કે પાકિસ્તાનની રાજકીય આર્થિક વ્યવસ્થા વિરોધાભાસી છે. ગત 25 વર્ષથી તેમાં કોઈ પ્રગતિ નથી થઈ."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નઝર લખે છે, "25 વર્ષ પહેલાં પાકિસ્તાનમાં પ્રતિ વ્યક્તિ જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન) ભારતની સરખામણીમાં 46 ટકા વધુ હતું. જે હવે 20 ટકા ઓછી છે. ક્યાં ભૂલ થઈ? બર્લિનની દીવાલના ધ્વંસ પછી સમગ્ર દુનિયા વૈશ્વિકીકરણના રસ્તે આગળ વધી. ભારત, બાંગ્લાદેશ અને ચીને વૈશ્વિકરણના આધારે પોતાની નીતિઓ ઘડી અને તકનો લાભ લીધો."

"આમ છતાં પાકિસ્તાનની ઊંઘ ઊઘડી નહીં. શીતયુદ્ધ દરમિયાન પ્રવર્તમાન દૃષ્ટિકોણથી જ વૈશ્વિક પરિસ્થિતિને જોતું રહ્યું. પાકિસ્તાનને લાગતું હતું કે તેને સતત વિદેશી મદદ મળતી રહેશે."

આ માટેનું ઉદાહરણ ટાંકતાં નઝર લખે છે, "દાખલા તરીકે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને પોતાની નીતિનો દુરુપયોગ કર્યો હતો. જે પાકિસ્તાન માટે વ્યૂહાત્મક આપદા જેવી રહી છે. ગત બે દાયકા સુધી તાલિબાનનું સમર્થન કરતા હતા. ઑગસ્ટ-2021માં તાલિબાનનું સત્તા ઉપર પુનરાગમન થયું ત્યારે તેની ઉજવણી પણ કરી હતી."

"તાલિબાનના પુનરાગમન સમયે ઇમરાન ખાને કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોએ ગુલામીની સાંકળો તોડી નાખી છે. પરિણામ સ્વરૂપે પાકિસ્તાન અલગ પડી ગયું."

પટણાની એએન સિંહા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સ્ટડીઝના પૂર્વ ડાયરેક્ટર અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક ડીએમ દિવાકરના કહેવા પ્રમાણે, "પશ્ચિમી દેશો હવે પાકિસ્તાનને મદદ નથી કરી રહ્યા. એવો દિવસ પણ આવશે કે સાઉદી અરેબિયા અને ચીન પણ તેને મદદ નહીં કરે. પોતાનાં હિતોને સુરક્ષિત કર્યા વગર કોઈ મફતમાં મદદ ન કરે."

"માત્ર પાકિસ્તાન જ નહીં, સમગ્ર દક્ષિણ એશિયાની આવી જ સ્થિતિ છે. 1991માં ભારતની આવી જ સ્થિતિ હતી અને આવનારા દિવસો પણ ભારત માટે સારા નથી. સમગ્ર દક્ષિણ એશિયા પશ્ચિમ માટે વપરાશકાર છે અને જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી જ ઉપભોગ કરી શકે છે."

"પાકિસ્તાનની વેપાર ખાધ વધી રહી છે અને ભારતની સ્થિતિ પણ સારી નથી. ભારત ત્રણ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બની ગયું છે અને બ્રિટનથી આગળ નીકળી ગયું છે. પરંતુ, પ્રતિ વ્યક્તિ ભારત અને બ્રિટનની સરખામણી કરીએ તો આપણે ક્યાં ઊભા છીએ તે સ્પષ્ટ થઈ જશે."

પ્રો. દિવાકર ઉમેરે છે, "વિશ્વ માટે ભારત એ બજાર છે. જે કંઈ વેચતું નથી, પરંતુ ખરીદે છે. આપણને જણાવવામાં આવે છે કે પાકિસ્તાન દુશ્મન છે અને હથિયાર વેચનાર બંને દેશને હથિયાર આપે છે. આપણે મૂળભૂત તફાવત સમજવાની જરૂર છે, પરંતુ કોઈ આ વાત સમજવા તૈયાર નથી."

ગ્રે લાઇન

દેવાની દોરી પર દેશ

લોટ માટે લાઇનમાં ઊભેલા પાકિસ્તાનીઓની તા. 10મી જાન્યુઆરીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લોટ માટે લાઇનમાં ઊભેલા પાકિસ્તાનીઓની તા. 10મી જાન્યુઆરીની તસવીર

અમેરિકા, બ્રિટન અને યુએનમાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત મલીહા લોધીએ તા. 16મી જાન્યુઆરીના પાકિસ્તાનના અંગ્રેજી અખબાર 'ધ ડૉન'માં પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મીકાલ અહમદનું ઉદાહરણ ટાંક્યું છે. મીકાલનું કહેવું હતું, "આઈએમએફ પાસેથી ફંડ લેવું હોય, ત્યારે પાકિસ્તાન તેની શરતો સ્વીકારવા માટે તૈયાર થઈ જતું, પરંતુ આઈએમએફનો પ્રોગ્રામ સમાપ્ત થાય એટલે ફરી જૂના રસ્તે આગળ વધતું રહે છે."

લોધીએ લખ્યું કે દિવંગત મીકાલ અહમદે 23 વર્ષ પહેલાં પાકિસ્તાન વિશે આ વાત કહી હતી, પરંતુ ગત બે દાયકામાં સ્થિતિમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. અમુક અપવાદને બાકાત કરવામાં આવે તો સૈન્ય સરકાર હોય કે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર. કોઈએ અર્થતંત્રની વાસ્તવિક બીમારીને દુરસ્ત કરવા માટે પ્રયાસ નથી કર્યા.

લોધી લખે છે, "પાકિસ્તાનના અર્થતંત્રનો મદાર વિદેશી સહાય અને દેવા પરથી ક્યારેય ઘટ્યો નહીં. કોઈએ પણ આર્થિક સંપ્રભુતા માટે પ્રમાણિકપણે પ્રયાસ ન કર્યા. મિત્ર દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી દેવું મેળવીને સરકાર ઉજવણી કરી રહી છે, જે ચરમસીમા છે. એટલે સુધી કે મીડિયામાં પણ લોન મળે તેનો હરખ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વિદેશી દેવાને કારણે દેશની આર્થિક સમસ્યાઓ સમાપ્ત નહીં થાય."

લોધીના કહેવા પ્રમાણે, "શીતયુદ્ધ સમયે પાકિસ્તાને અમેરિકાનો પક્ષ લીધો હતો, જેના કારણે એ સમયે તેને પશ્ચિમી દેશો પાસેથી સસ્તી અને સરળ લોનો મળી રહેતી. પાકિસ્તાનની સરકારોએ આ લોનોને જ ઉકેલ માની લીધો અને કોઈપણ જાતના આર્થિક સુધારા ન કર્યા. તેમને લાગતું હતું કે જે ટૅક્સ મળે છે તે પૂરતો છે. વિકાસ અને વપરાશ એમ બંને મામલે વિદેશી દેવા અને સહાય પર પાકિસ્તાનનો આધાર વધતો રહ્યો."

"શીતયુદ્ધ સમયે અમેરિકા સાથેની મૈત્રી સૈન્યગઠબંધનમાં પણ પરિણામી. એ પછી 1980ના દાયકામાં અફઘાનિસ્તાનમાં તત્કાલીન સોવિયેટ સંઘના હુમલા પછી પાકિસ્તાનને પશ્ચિમી દેશો પાસેથી આર્થિક મદદ મળતી."

9/11ના હુમલા પછી અમેરિકાના માટે પાકિસ્તાન એ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ બની ગયું હતું. આથી તેને આર્થિક પૅકેજ મળતું. અમેરિકાના કારણે આઈએમએફ પણ પાકિસ્તાનને મદદ કરતું હતું અને તેને દેવું ચૂકવવાની મુદ્દતમાં વધારો મળી રહેતો."

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

આ અરસામાં પાકિસ્તાનના જનરલ જિયા-ઉલ હક્કથી લઈને પરવેઝ મુશર્રફની સરકાર વિદેશી સહાયના જોરે આગળ વધતી રહી. જ્યાં સુધી પશ્ચિમી દેશોની સહાય મળતી રહી, ત્યાં સુધી પાકિસ્તાનના અર્થતંત્રમાં કોઈ સમસ્યા નથી એમ લાગતું રહ્યું.

જોકે, વિદેશી દેવા અને વિદેશી સહાયના બળ પરની પ્રગતિ ટકી ન શકે. મદદ અટકી જાય કે ફુગ્ગામાંથી હવા નીકળવા લાગે છે.

કહેવાય છે કે પાકિસ્તાને ક્યારેય તેના અર્થતંત્રની મૂળભૂત સમસ્યાઓ ઉપર ધ્યાન નથી આપ્યું. લોધી કહે છે, "વિદેશી દેવાની ઉપલબ્ધતા અને વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ દેશમાં જે ભંડોળ મોકલે, તેને જ આવકનાં સાધન જાણ્યાં અને કોઈ આર્થિક સુધારા ન કર્યા. પાકિસ્તાનના અર્થતંત્રમાં રહેલી માળખાકીય સમસ્યાને ઉકેલવા માટે ક્યારેય પ્રયાસ ન કર્યા."

"પરિણામ સ્વરૂપે પશ્ચિમી દેશો પાસેથી મળતી સહેલી અને સસ્તી લોન બંધ થઈ ગઈ એટલે મોંઘું વિદેશી દેવું કર્યું. આ પ્રકારનો દેવા આધારિત વિકાસ અલ્પકાલીન હોય છે અને તેની ભારે કિંમત ચૂકવવી પડેછે. જેના કારણે પાકિસ્તાન દેવાના ડુંગર હેઠળ દબાતું ગયું."

બીબીસી ગુજરાતી

વિદેશી દેવાના ડુંગર

પાકિસ્તાનના અર્થશાસ્ત્રી સાકિબ શહરાનીનું કહેવું છે કે આગામી બે વર્ષ દરમિયાન દર વર્ષે પાકિસ્તાને 20-20 અબજ ડૉલર કરતાં વધુના ચુકવણાં કરવાનાં છે.

અલ-જજીરા સાથેની વાતચીતમાં સાકિબે કહ્યું, "2017માં આપણી વાર્ષિક દેવા ચૂકવણી સાત અબજ ડૉલર જેટલી હતી. ચાલુ તથા આગામી વર્ષે 20-20 અબજ ડૉલર ચૂકવવાના છે. જેને ચૂકવવા માટે પણ દેવું કરવા સિવાય કોઈ વિકલ્પ નથી અને આ બધા ટકાઉ વિકલ્પ નથી."

સાકિબનું માનવું છે કે સરકારે સ્પષ્ટ આર્થિક નીતિ ઘડવાની જરૂર છે. સરકાર આ સમસ્યાને રાજકારણનાં ચશ્માંથી જોઈ રહી છે. વર્તમાન સરકારનો કાર્યકાળ જૂન-જુલાઈમાં સમાપ્ત થઈ રહ્યો છે અને ત્યાં સુધી તેને ટાળવા માગે છે.

લોધી માને છે કે એકસમયે પાકિસ્તાન પશ્ચિમ ઉપર આધાર રાખતું હતું, હવે તે ચીન સાઉદી અરેબિયા અને ખાડી દેશો જેવા વ્યૂહાત્મક ભાગીદારો પર મદાર રાખવા લાગ્યું છે. હવે, પશ્ચિમના બદલે આ દેશો પાકિસ્તાનને નાદાર થતાં બચાવી રહ્યા છે.

તાજેતરમાં યુએઈ અને સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને દેવું ચૂકવવાની મુદ્દત વધારી આપવાની અને વધુ લોન આપવાની જાહેરાત કરી છે.

ડૉલરની બચત માટે પાકિસ્તાને તેની આયાતને મર્યાદિત કરી દીધી છે. એટલે સુધી કે ઉત્પાદકીય સામાન ખરીદવાનું પણ ટાળી રહ્યું છે. પરિણામ સ્વરૂપે અને ફેકટરીઓને બંધ કરવી પડી છે. તાજેતરમાં જાપાની કારઉત્પાદન કંપનીઓ સુઝુકી અને ટોયોટાએ પાકિસ્તાનમાં તેમનું ઉત્પાદન અટકાવી દીધું હતું. આ સિવાય ટેક્સ્ટાઇલ તથા અન્ય મૅન્યુફેક્ચરિંગ સૅક્ટરમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તમાન છે.

અમેરિકાની ડેલાવેયર યુનિવર્સિટીમાં ભારતીય મૂળના પ્રાધ્યાપક મુક્તદર ખાનનું કહેવું છે કે જે રીતે પાકિસ્તાન એક પછી એક સંકટોથી ઘેરાઈ રહ્યું છે, તેને જો તત્કાળ દુરસ્ત કરવામાં નહીં આવે તો તેના પડી ભાંગવાની આશંકા વધી જશે.

બીબીસી ગુજરાતી

પાકિસ્તાનની જેમ ભારતની સ્થિતિ

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

1991માં ભારતનું વિદેશી નાણાભંડોળ લગભગ ખાલી થઈ ગયું હતું. એક અબજ ડૉલર કરતાં ઓછી રકમ વધી હતી, જેનાથી માંડ 20 દિવસની ખાદ્યાન્ન અને પેટ્રોલિયમ ચુકવણી થઈ શકે તેમ હતીં. દુનિયા સાથે વેપાર કરવા જેટલું પણ ભંડોળ વધ્યું ન હતું. ભારતનું વિદેશી દેવું 72 અબજ ડૉલર પર પહોંચી ગયું હતું અને બ્રાઝિલ તથા મૅક્સિકો પછી તે ત્રીજા ક્રમાંકનો સૌથી દેવાદાર દેશ બની ગયો હતો.

સરકાર અને અર્થતંત્ર પરથી દેશના નાગરિકોનો વિશ્વાસ ઘટી રહ્યો હતો. મહેસૂલ અને ચાલુ ખાતાની ખાધ બે અંકમાં પહોંચી ગઈ હતી. 1991માં ભારતની એવી સ્થિતિ થવા પાછળ કેટલાંક આંતરરાષ્ટ્રીય કારણો પણ જવાબદાર હતાં.

1990ના ખાડીયુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધી ગયા અને ભારતને તેનો ફટકો પડ્યો. પેટ્રોલિયમ આયાતનું બિલ બે અબજ ડૉલરથી વધીને પાંચ અબજ 70 કરોડ ડૉલર પર પહોંચી ગયું. ભાવની સાથે આયાત પણ વધી હતી.

ખાડી દેશોમાં કામ કરનારા ભારતીયોની આવકને પણ ભારે અસર પહોંચી હતી, જેના કારણે તેમના દ્વારા મોકલવામાં આવતાં નાણાં ઘટ્યાં હતાં. તેમને ભારત પરત લાવવાની જવાબદારી સરકાર પર આવી હતી.

1990- 91 દરમિયાન દેશમાં રાજકીય અસ્થિરતા ચરમ પર હતી. 1989માં લોકસભાની ચૂંટણી પછી રાજીવ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસે સરકારનું ગઠન કરવાનો ઇન્કાર કરી દીધો. બીજા નંબરના સૌથી મોટા પક્ષ જનતા દળે વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં સરકાર બનાવી.

આ યુતિ સરકાર ધર્મ-જાતિની લડાઈમાં ફસાઈ ગઈ. દેશના અનેક ભાગોમાં હિંસા થઈ. ડિસેમ્બર-1990માં વીપી સિંહે રાજીનામું આપવું પડ્યું. રાજકીય અસ્થિરતાની વચ્ચે તા. 21મી મે 1991ના દિવસે રાજીવ ગાંધીની હત્યા કરી નાખવામાં આવી.

આ બધાની વચ્ચે ભારતનું અર્થતંત્ર ઘૂંટણીયે પડી ગયું હતું. એનઆરઆઈ લોકો ભારતની બૅન્કોમાંથી પોતાના પૈસા કાઢવા લાગ્યા હતા. નિકાસકારોને લાગતું હતું કે ભારત તેમની ઉધારી ચૂકવી નહીં શકે. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી હતી.

પેટ્રોલિયમ પેદાશોની કિંમત વધતા આયાત અટકાવી દેવામાં આવી. સરકારી ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો. ભારતીય ચલણનું 20 ટકા અવમૂલ્યન કરવામાં આવ્યું. બૅન્કોના વ્યાજ દરોમાં પણ વધારો કરવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે એક અબજ 27 કરોડની લોન આપી, પરંતુ તેનાથી સ્થિતિમાં સુધાર ન થયો. નાણાકીય વર્ષ 1991ના અંતભાગ સુધીમાં તત્કાલીન ચંદ્રશેખર સરકારે 20 ટન સોનું ગીરવે રાખવું પડ્યું.

તા. 21 જૂન 1991ના દિવસ પીવી નરસિંહ્મા રાવ દેશના વડા પ્રધાન બન્યા, ત્યારે એવું લાગતું હતુંકે નિર્ધારિત સમયે ભારત તેનું વિદેશી દેવું ચૂકવી નહીં શકે અને તેને 'નાદાર' જાહેર કરવામાં આવશે.

પરંતુ વડા પ્રધાન પીવી નરસિંહ્મા રાવ અને નાણામંત્રી મનમોહનસિંહે અનેક આર્થિક સુધારા હાથ ધર્યા અને ભારતીય અર્થતંત્રમાં માળખાકીય ફેરફાર કર્યા, જેના કારણે સ્થિતિ સામાન્ય બની. 

રેડ લાઇન
રેડ લાઇન