You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય શું હશે?
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
અરવિંદ કેજરીવાલ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં બનારસથી નરેન્દ્ર મોદી વિરુદ્ધ મેદાને હતા, આ ચૂંટણીમાં તેમને ત્રણ લાખ 71 હજાર કરતાં વધુ મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
એ સમયે આમ આદમી પાર્ટીને અસ્તિત્વમાં આવ્યાને બે વર્ષ પણ નહોતાં થયાં. હવે જ્યારે આમ આદમી પાર્ટી 12 વર્ષ જૂની થઈ ચૂકી છે ત્યારે કેજરીવાલ પોતાની નવી દિલ્હી વિધાનસભા બેઠક ભાજપના પરવેશ વર્મા સામે ત્રણ હજાર કરતાં વધુ મતોથી ગુમાવી ચૂક્યા છે.
પ્રથમ હાર કેજરીવાલને ભાજપના શીર્ષ નેતા નરેન્દ્ર મોદી સામે મળી હતી અને બીજી હાર ભાજપના રાજ્ય સ્તરના નેતા પ્રવેશ વર્મા સામે મળી છે.
આમ આદમી પાર્ટીનો ઉદય દિલ્હીમાં થયો અને પ્રથમ જીત પણ દિલ્હીમાં જ મળી હતી. આપ વર્ષ 2013થી સતત દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી જીતી રહી હતી, પરંતુ વર્ષ 2025માં તેનો વિજયરથ રોકાઈ ગયો છે.
અરવિંદ કેજરીવાલને આ હાર એવા સમયે મળી છે, જ્યારે તેઓ ભ્રષ્ટાચારના મામલામાં જામીન પર જેલથી બહાર છે.
અરવિંદ કેજરીવાલે જામીન પર છૂટ્યા બાદ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે જનતા નક્કી કરશે કે તેઓ ઇમાનદાર છે કે નહીં. જો કેજરીવાલને જીત મળી હોત તો તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો હોત અને તેઓ ભાજપ પર હુમલા કરી શક્યા હોત કે તેમને જાણીજોઈને ફસાવાયા હતા, જેનો જવાબ જનતાએ આપ્યો છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હારની ઊંડી અસર અરવિંદ કેજરીવાલના રાજકારણ પર પડશે. હવે આમ આદમી પાર્ટીની સરકાર માત્ર પંજાબમાં જ બાકી રહી છે. આ હારથી આપનું પંજાબનું રાજકારણ પણ પ્રભાવિત થઈ શકે છે.
પંજાબ પર અસર
પંજાબ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના પ્રોફેસર આશુતોષકુમાર માને છે કે દિલ્હીમાં કેજરીવાલની હારથી આપના પંજાબ યુનિટની સ્વાયત્તતા વધશે અને કેજરીવાલની દખલમાં ઘટાડો થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રોફેસર આશુતોષકુમાર કહે છે કે, "પંજાબમાં એવું કહેવાય છે કે દિલ્હીથી સરકાર ચાલે છે. હવે આપનું પંજાબ એકમ પોતાનો નિર્ણય જાતે લેવાનું સાહસ કરી શકે છે. પંજાબમાં સરકાર પડી નહીં ભાંગે, કારણ કે 90 કરતાં વધુ ધારાસભ્યો આપ પાસે છે અને હાલમાં કોઈ સત્તામાંથી બહાર નહીં થવા માગે. ભગવંત માન કેજરીવાલના વફાદાર મનાય છે, પરંતુ હવે તેઓ પણ શિર ઉઠાવી શકે છે. જોકે, ભગવંત માનના અમિત શાહ સાથે પણ સારા સંબંધ છે."
કહેવાઈ રહ્યું છે કે અરવિંદ કેજરીવાલની હારથી કૉંગ્રેસને પંજાબમાં સીધો લાભ થશે. પંજાબમાં કૉંગ્રેસ મજબૂત છે, પરંતુ કેજરીવાલની હારથી તેનું આત્મવિશ્વાસ વધશે.
પ્રોફેસર આશુતોષકુમાર કહે છે કે, "વર્ષ 2027 હજુ દૂર છે, પરંતુ પંજાબમાં આપની વાપસી સરળ નથી. કેજરીવાલની હાર પંજાબમાં ન માત્ર કૉંગ્રેસ માટે સારી વાત છે, ભલે ભગવંત માન માટે પણ આ સારી વાત છે. હરિયાણામાં આમ આદમી પાર્ટી ઇચ્છતી હતી કે કૉંગ્રેસ સાથે ગઠબંધન થાય, પરંતુ રાહુલ ગાંધી તૈયાર નહોતા થયા. દિલ્હીમાં કૉંગ્રેસ ઇચ્છતી હતી કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થાય, પરંતુ અરવિંદ કેજરીવાલ તૈયાર ન થયા. જો ગઠબંધન થયું હોત તો દિલ્હીની તસવીર કંઈક અલગ બની શકી હોત."
દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોનો સંદેશો દિલ્હી સુધી જ સીમિત નહીં રહે. આ વર્ષે બિહારમાં પણ વિધાનસભાની ચૂંટણી છે. જો અરવિંદ કેજરીવાલ જીતી ગયા હોત તો વિપક્ષ બિહારમાં ભાજપ વિરુદ્ધ આત્મવિશ્વાસ સાથે એક સાથે આવી શક્યો હોત. અરવિંદ કેજરીવાલ શરૂઆતથી જ આપને દિલ્હી અને પંજાબથી આગળ લઈ જવાની કોશિશમાં હતા, પરંતુ આ હારથી આ કોશિશો પર બ્રેક લાગી શકે છે.
ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના ભૂતપૂર્વ પ્રોફેસર ગૌરાંગ જાનીને લાગે છે કે આ હાર બાદ કેજરીવાલનું રાજકારણ ખરાબ રીતે પ્રભાવિત થશે.
કેજરીવાલ હવે શું કરશે?
પ્રોફેસર જાની કહે છે કે, "આમ આદમી પાર્ટી પર દિલ્હીમાં બ્રેક લાગી જવું એ પ્રતીકાત્મક રીતે પણ મહત્ત્વનું છે. આ અયોધ્યમાં ભાજપની હાર જેવી વાત છે. જો કેજરીવાલને જીત મળી હોત તો તેમનામાં એ કહેવાનું સાહસ આવ્યું હોત કે ભાજપે તેમને ભ્રષ્ટાચારના મામલામાં ફસાવી દીધા હતા, પરંતુ હવે તેઓ આવું કહેવાલાયક પણ નથી રહ્યા."
ગૌરાંગ જાની કહે છે કે, "કેજરીવાલે હવે વિચારવું પડશે કે તેમણે ભાજપ સામે લડવું છે કે કૉંગ્રેસ સામે. કેજરીવાલે સમગ્ર દેશમાં કૉંગ્રેસને જ નબળી પાડી છે. ગુજરાતની ગત વિધાનસભા ચૂંટણીને જોવામાં આવે તો તેમણે ભાજપને લાભ કરાવ્યો. આમ આદમી પાર્ટીનું રાજકારણ વૈચારિકપણે મૂંઝવણ ઊભી કરે છે. આ હાર બાદ કદાચ તેઓ પોતાની લાઇન સ્પષ્ટ કરી શકે છે."
અરવિંદ કેજરીવાલને કેટલાક લોકો નરેન્દ્ર મોદીને પડકારનારા નેતા તરીકે જોતા હતા. કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે કેજરીવાલ ભાજપના બહુમતીના રાજકારણનો સામનો ગવર્નન્સના મુદ્દા વડે ખૂબ સારી રીતે સામનો કરી રહ્યા હતા.
જેએનયુમાં રાજ્યશાસ્ત્રના ઍસોસિયેટ પ્રોફેસર સુધીરકુમાર કહે છે કે, "કેટલાક લોકો માને છે કે કેજરીવાલ બહુમતીવાદના રાજકારણમાં જગ્યા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ હું માનું છું કે કેજરીવાલ ગવર્નન્સના મુદ્દાથી ભાજપના બહુમતીવાદના રાજકારણનો ખૂબ સારી રીતે સામનો કરી રહ્યા હતા."
"કેજરીવાલની હાર બાદ એ સવાલ વધુ મોટો થઈ ગયો છે કે બહુમતીવાદના રાજકારણને કાઉન્ટર કરવા માટે હવે બીજી કઈ રીત યોગ્ય સાબિત થઈ શકે. ભાજપે હવે હિંદુત્વ અને ગવર્નન્સ બંનેને સાથે લઈને ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આવા રાજકારણને પડકારવા માટે વિપક્ષ પાસે ઝાઝાં હથિયાર દેખાઈ નથી રહ્યાં."
સુધીરકુમાર કહે છે કે આ હાર બાદ અરવિંદ કેજરીવાલે રાજકારણમાં પોતાની પ્રાસંગિકતા જાળવી રાખવામાં ખૂબ સંઘર્ષ કરવો પડશે.
વિપક્ષ પર કેવી અસર થશે?
સુધીરકુમાર કહે છે કે, "આમ આદમી પાર્ટીને નરેન્દ્ર મોદી સામે લડવાનું છે. અરવિંદ કેજરીવાલ એ સમયે નેતા બન્યા હતા, જ્યારે કૉંગ્રેસની સરકાર હતી. હવે કોઈ પણ વ્યક્તિ માટે એટલી સ્પેસ નથી કે એ સરકારને પડકારી શકે. અરવિંદ કેજરીવાલ માટે આવા રાજકીય માહોલમાં ફરીથી પોતાની જાતને મજબૂત કરવાનું કામ સરળ નહીં હોય."
વર્ષ 2014માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતેલા ધર્મવીર ગાંધીએ યોગેન્દ્ર યાદવ સાથે પાર્ટી છોડી દીધી હતી. હાલ તેઓ પટિયાલાથી કૉંગ્રેસના સાંસદ છે.
ગાંધી કહે છે કે, "દિલ્હીમાં હારની સીધી અસર પંજાબ પર પડશે. અરવિંદ કેજરીવાલને પૈસા પંજાબમાંથી મળે છે. દિલ્હીમાં હાર બાદ પંજાબનું આપ યુનિટ આંખ મેળવીને વાત કરી શકે છે."
અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં હારથી એ સવાલ વધુ મોટો થઈ ગયો છે કે વિપક્ષમાંથી હવે વડા પ્રધાન મોદીને કોણ પડકારશે. શું રાહુલ ગાંધી માટે મેદાન ખાલી થઈ ગયું છે?
સુધીરકુમાર કહે છે કે, "અરવિંદ કેજરીવાલની હારથી રાહુલને લાભ થશે એ કહેવું મુશ્કેલ છે. ભાજપ તો પોતાની નબળાઈનો પણ લાભ ઉઠાવી લે છે. ગુજરાતમાં ભાજપ કમજોર પડ્યો, પરંતુ કૉંગ્રેસ તેનો લાભ ન ઉઠાવી શકી. મધ્ય પ્રદેશમાં ભાજપ કમજોર પડ્યો, પરંતુ કૉંગ્રેસ તેનો બિલકુલ લાભ ન લઈ શકી. મને લાગે છે કે કેજરીવાલની હાર બાદ એ સવાલ વધુ મોટો થઈ ગયો છે કે વિપક્ષમાંથી મોદીને કોણ પડકારશે."
ગૌરાંગ જાની કહે છે કે, "હિંદુત્વના રાજકારણમાં ભાજપ હવે એકમાત્ર ખેલાડી છે, હવે તો તેણે શિવસેનાનેય બહાર કરી દીધી છે. કેજરીવાલે આ રાજકારણનું સુશાસનના મુદ્દાથી કાઉન્ટર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એવું ન થઈ શક્યું. કૉંગ્રેસ ધર્મનિરપેક્ષતાની વાત કરે છે, પરંતુ બહુમતીવાદના રાજકારણમાં આ વાત કોણ સાંભળશે? હવે કેજરીવાલ કમજોર થશે તો તેનો લાભ રાહુલને થશે એવું કહેવું મુશ્કેલ છે."
દેશમાં પ્રાદેશિક પાર્ટીઓની પકડ કમજોર પડી છે. ઓડિશામાં નવીન પટનાયકને ભાજપે માત આપી, બિહારમાં જેડીયુને તેઓ જુનિયર પાર્ટનર બનાવી ચૂક્યા છે, મહારાષ્ટ્રમાં શિવસેના કમજોર પડી ચૂકી છે, હરિયાણાથી આઈએનએલડીની અસર ખતમ થઈ ચૂકી છે, તેલંગણામાં બીઆરએસ કમજોર થઈ ચૂકી છે અને હવે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની વિદાય થઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન