મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અત્યાર સુધીની સૌથી વધુ જટિલ કેમ છે?

- લેેખક, મયૂરેશ કોણ્ણુર
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ 15 ઑક્ટોબરે ફૂંકવામાં આવ્યું હતું અને પસાર થતા પ્રત્યેક દિવસ સાથે પ્રચાર વધુને વધુ વેગીલો બની રહ્યો છે ત્યારે ચૂંટણી-વિશ્વમાં એક સૂત્ર પ્રવેશ્યું છેઃ ‘બટેંગે, તો કટેંગે’. આ સૂત્રને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સાથે જોડવામાં આવે છે. તેઓ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટારપ્રચારક પણ છે.
ધ્રુવીકરણના રાજકારણના સંદર્ભમાં બહુમતીને એક થવાનું આહ્વાન આપતું આ સૂત્ર ભાજપ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને ખુદને હિન્દુત્વના ચૅમ્પિયન તરીકે પ્રસ્તુત કરતા શાસક પક્ષના નેતાઓના પ્રચારનો હિસ્સો બની ગયું.
જોકે, એ પછી એક અડચણ આવી હતી. સત્તાધારી ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન મહાયુતિના એક ભાગીદાર રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારે 'બટેંગે, તો કટેંગે' સૂત્ર સામે વાંધો લીધો હતો. તેમણે જાહેરમાં કહ્યું હતું કે આવાં સૂત્રો મહારાષ્ટ્રમાં ઉપયોગી નહીં થાય.
માત્ર મિત્ર પક્ષોએ જ નહીં, પરંતુ ભાજપ પરિવારના સભ્યોએ પણ આ સૂત્રની ટીકા કરી છે. ભૂતપૂર્વ કૅબિનેટ પ્રધાન અને ભાજપનાં નેતા પંકજા મુંડે માટે પણ તે સૂત્રને સમર્થન આપવાનું મુશ્કેલ થઈ ગયું છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારને આપેલી મુલાકાતમાં પંકજા મુંડેએ કહ્યું હતું, “સાચું કહું તો મારી રાજનીતિ અલગ છે. હું ભાજપમાં છું એટલે જ તેનું સમર્થન નહીં કરું.”

ફરિયાદ પછી સૂત્રમાં સુધાર

ઇમેજ સ્રોત, Getty Images
ટીકા વધી એટલે ભાજપે તે સૂત્રમાં થોડો ફેરફાર કર્યો અને એ ફેરફાર બીજા કોઈએ નહીં, પરંતુ ખુદ વડા પ્રધાને કર્યો હતો. તેમણે તેમના ભાષણમાં એક નવું સૂત્ર આપ્યું- ‘એક હૈ, તો સેફ હૈ.’ તેમાંથી સંકેત મેળવીને ભાજપે બીજા દિવસે રાજ્યનાં મોટાં અખબારોમાં નવા સૂત્ર સાથે જાહેરાતો પ્રકાશિત કરી.
ભાજપને સંબંધ છે ત્યાં સુધી પક્ષના નેતાઓ કે દોસ્તો જાહેરમાં ટીકા કરતા હોય છે, કારણ કે પક્ષ આંતરિક શિસ્ત માટે જાણીતો છે, પરંતુ આજે કોઈ એક પણ મત ગુમાવવા ઇચ્છતું નથી.
અજિત પવાર પણ નહીં કે પંકજા મુંડે પણ નહીં. અજિત પવારના પક્ષ માટે લઘુમતીના મત નિર્ણાયક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવી જ રીતે પંકજા મુંડે જે મરાઠવાડા પ્રદેશમાંથી આવે છે અને ત્યાં પણ લઘુમતી મતો નિર્ણાયક પરિબળ છે.
વાત ત્યાં અટકી ન હતી. રાધાકૃષ્ણ વિખે પાટીલ અને અશોક ચવ્હાણ જેવા ભાજપના નેતાઓ પણ ‘બટેંગે, તો કટેંગે’ સૂત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં જોડાયા હતા. તેથી પક્ષે પીછેહઠ કરવી પડી.
'આ સૂત્રને વિભાજનકારી ગણવાની જરૂર નથી,' એમ કહીને દેવેન્દ્ર ફડણવીસે ચર્ચાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપે શબ્દો સાથે કેટલી ઝડપથી રમત કરી એ અહીં મુદ્દો નથી. મુદ્દો એ છે કે આ વખતે ઘણુંબધું દાવ પર લાગેલું છે.
પક્ષના નેતાઓ સુધ્ધાં પક્ષની લોકપ્રિય નીતિને અનુસરતા નથી. પરિસ્થિતિ એટલી સ્પર્ધાત્મક અને ચુસ્ત બની ગઈ છે કે કોઈ એક પણ મત ગુમાવવા માગતું નથી.

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્ર વિધાનસભાની આ વખતની ચૂંટણીને 1960માં રાજ્યની સ્થાપના પછીની સૌથી જટિલ ચૂંટણી શા માટે કહેવામાં આવે છે તેનું આ એક ઉદાહરણ છે.
દરેક જગ્યાએ દોરવામાં આવેલી વિભાજનકારી રેખાને કારણે મતનું માર્જિન બહુ નીચું ગયું છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તે સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું.
તેમાં ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચેના વોટ શેરમાં માત્ર 0.6 ટકાનો તફાવત હતો. છેલ્લા ચાર મહિનામાં રાજકીય પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી ત્યારે આ ચૂંટણી કોઈ અનુમાન માટે સૌથી અઘરી બની ગઈ છે.
તેનું શ્રેય 2019ની વિધાનસભાની ચૂંટણી પછી છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં જે અભૂતપૂર્વ રાજરમત રમાઈ હતી તેને જાય છે.
બે સરકારનું પતન, બે પક્ષમાં ભંગાણ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2019ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી મહારાષ્ટ્રમાં જે રાજકારણ રમાયું હતું તેણે રાજ્યને કાયમ માટે બદલી નાખ્યું છે. કોઈએ કલ્પના કરી ન હતી તેવાં નવાં જોડાણો ઊભરી આવ્યાં.
તેને કારણે ન કેવળ રાજકીય, પરંતુ બંધારણીય ઊથલપાથલ પણ થઈ હતી અને સમગ્ર દેશનું ધ્યાન મહારાષ્ટ્ર તરફ ખેંચાયું.
શિવસેના અને ભાજપને સંયુક્ત જનાદેશ મળ્યો હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે મળીને સરકાર રચવાનો ઇનકાર કર્યો હતો. તેથી ભાજપ બેચેન થઈ ગયો.
ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના અજિત પવારે ગયા 23 નવેમ્બરની વહેલી સવારે શપથ લીધા ત્યારે પહેલો આંચકો લાગ્યો હતો, પરંતુ તેમની સરકાર 80 કલાકથી વધુ ચાલી ન હતી.
ઉદ્ધવ ઠાકરેના પક્ષ શિવસેનાએ કૉંગ્રેસ સાથે ચાર દાયકાથી વધુ લાંબી લડાઈ લડી હતી અને એ જ ઉદ્ધવ ઠાકરે કૉંગ્રેસ તથા એનસીપીની મદદથી મુખ્ય મંત્રી બન્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ કોવિડના સમયગાળામાં રાજ્યની ધુરા સંભાળી હતી, પરંતુ રાજકીય ભૂકંપ સર્જાવાને કારણે તેમની સરકાર અઢી વર્ષમાં પડી ગઈ.
“ધરતીપુત્ર”ની ભાવના પર સર્જાયેલી શિવસેનામાં ભાગલા પડ્યા હતા. ઉદ્ધવના વિશ્વાસુ એકનાથ શિંદેએ પક્ષના 41 અન્ય વિધાનસભ્યો સાથે બળવો કર્યો અને ભાજપની મદદથી મુખ્ય મંત્રી બન્યા.

ઇમેજ સ્રોત, Getty Images
થોડા મહિના પછી વધુ એક પ્રાદેશિક પક્ષમાં ભંગાણ પડ્યું. આ વખતે શરદ પવારના ભત્રીજા અજિત પવારે એનસીપીમાં બળવો કર્યો હતો અને ભાજપ સાથે હાથ મિલાવીને મહાયુતિ સરકારમાં જોડાયા હતા.
તેને પગલે અનેક મહિનાઓ સુધી અદાલતી લડાઈ ચાલી. બંને પક્ષોમાં વિભાજનને પક્ષપલટા વિરોધી કાયદાને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે છેલ્લો નિર્ણય કરવાનો આદેશ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને આપ્યો હતો.
સ્પીકર રાહુલ નાર્વેકરે બળવાખોરોની તરફેણ કરી હતી અને બંને તરફથી કોઈએ ગૃહનું સભ્યપદ ગુમાવવું ન પડ્યું.
કેન્દ્રીય ચૂંટણીપંચે પણ બળવાખોરોની તરફેણ કરીને પક્ષનું નામ તથા શિવસેનાનું ચૂંટણી પ્રતીક એકનાથ શિંદેને તથા એનસીપીનું પ્રતીક અજિત પવારને આપ્યું હતું.
સ્પીકર તેમજ ચૂંટણીપંચના નિર્ણયોને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે અને તેનો ચુકાદો આવવો બાકી છે, ત્યારે હવે ખરો નિર્ણય મતદારોની અદાલતમાં થવાનો છે.
શિવસેનાની સ્થાપના ઉદ્ધવ ઠાકરેના પિતા બાળ ઠાકરેએ કરી હતી. ઉદ્ધવ અને શરદ પવાર બન્નેએ પોતપોતાના પક્ષો ગુમાવ્યા છે અને તેઓ નવાં નામ તથા પ્રતીકો સાથે ચૂંટણી લડી રહ્યા છે.
એ કારણે મહારાષ્ટ્રનું ચૂંટણીયુદ્ધ વધારે જટિલ બની ગયું છે. છ મોટા પક્ષો અને તેમના બે મુખ્ય ગઠબંધન ઉપરાંત સંખ્યાબંધ નાના પક્ષો ચૂંટણી લડી રહ્યા છે.
વિચારધારાઓ ક્ષીણ થઈ અને રાજકીય વિરોધાભાસમાં વધારો થયો એટલે મહારાષ્ટ્રના મતદારો મૂંઝવણમાં મુકાયા. કોઈ પણ રીતે સત્તા પર ટકી રહેવાની રાજનીતિ સામેનો ગુસ્સો દેખાઈ રહ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના એનડીએની નિષ્ફળતાનું કારણ એ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
સત્તા પર ટકી રહેવા માટે નાના પક્ષોને તોડવા શાસક પક્ષ ઍન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ તથા સીબીઆઈ જેવી એજન્સીઓનો ઉપયોગ કરી રહી હોવાની કથા વ્યાપક રીતે ચર્ચાય છે અને ભાજપ તેની સામે સખત લડત આપી રહ્યો છે.
જ્ઞાતિ વિભાજન અને મનોજ જરાંગેનો ઉદય

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષમાં વિરોધાભાસ અને નવા ગઠબંધનના રાજકારણના ઉદય સાથે વિભાજનની નવી સમાંતર રેખાઓ પણ ઊભરી છે. તે જ્ઞાતિની રેખાઓ છે.
આ પરિબળોની ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક દૃષ્ટિએ અસર થઈ છે અને તેનાથી સોશિયલ એન્જિનિયરિંગ પણ બદલાઈ ગયું છે.
વિધાનસભાની વર્તમાન ચૂંટણીમાં આ સૌથી પ્રભાવી પરિબળ બની રહ્યું છે.
રાજકીય રીતે અને સંખ્યાના સંદર્ભમાં ફોકસ મરાઠા સમુદાય પર છે. મરાઠાઓ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ્રભાવશાળી જૂથ છે. રાજ્યની કુલ વસ્તીમાં તેમનો હિસ્સો 30-32 ટકા હોવાનું કહેવાય છે.
રાજ્યની રાજકીય અને આર્થિક સત્તામાં સૌથી વધુ હિસ્સો ધરાવતી બહુમતી હોવા છતાં મરાઠા શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની માગ કરી રહ્યા છે.
2014માં કૉંગ્રેસના વડપણ હેઠળની સરકારે મરાઠાઓને અનામત આપી હતી, જેને કોર્ટમાં પડકારવામાં આવી હતી અને તેને રદ્દ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેને મંજૂરી આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને રદ્દ કરી હતી.
જેને લીધે મરાઠાઓમાં, ખાસ કરીને મરાઠવાડા પ્રદેશમાં મોટો અજંપો સર્જાયો હતો અને તે અજંપાનો ચહેરો મનોજ જરાંગે પાટીલ છે.

ઇમેજ સ્રોત, PUNEET KUMAR/BBC
જરાંગેના આમરણાંત ઉપવાસને મરાઠા યુવાનોનું સમર્થન અને વેગ મળ્યો, પરંતુ તેમની માગનો ઓબીસી સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
જરાંગે ઇચ્છે છે કે મરાઠાઓનો સમાવેશ ઓબીસી કૅટેગરીમાં કરવામાં આવે, પરંતુ ઓબીસી સમુદાય તેનો વિરોધ કરી રહ્યો છે. આ વિરોધ ઘણી વખત હિંસક બન્યો છે અને બંને સમુદાય એકમેકના વિરોધી બની ગયા છે.
આ કારણે રાજ્યમાં ગંભીર જ્ઞાતિ ધ્રુવીકરણ થયું છે અને તેની અસર ચૂંટણીનાં પરિણામ પર થવાની ધારણા છે.
અનામત માટે લડી રહેલા મરાઠાઓ અને ઓબીસી ઉપરાંત અન્ય કેટલાક સમુદાયો પણ આક્રમક બન્યા છે. હાલમાં વિચરતી જાતિ તરીકે અનામતનો લાભ મેળવતો ધનગર સમાજ પણ અનુસૂચિત જનજાતિ (એસટી) કૅટેગરીમાં સામેલ થવા માગે છે. તેનો વિરોધ આદિવાસીઓ કરી રહ્યા છે.
ચૂંટણીને નજરમાં રાખીને રાજ્ય સરકાર આ સંદર્ભે ઠરાવ પસાર કરશે એવી આશંકાને કારણે છ આદિવાસી ધારાસભ્યોએ, જે મંત્રાલયમાં મુખ્ય મંત્રીની ઓફિસ આવેલી છે તે ઇમારતના પાંચમા માળેથી એક સૅફટી નેટમાં ભૂસકો માર્યો હતો.
રાજ્યની વસ્તીમાં અનુક્રમે 11 અને 12 ટકા હિસ્સો ધરાવતા મુસ્લિમો તથા દલિતો શું વિચારી રહ્યા છે તેની અસર પણ ચૂંટણીનાં પરિણામ પર થવાની શક્યતા છે. લોકસભાની ચૂંટણી વખતે આ બંને સમુદાયો વિરોધ પક્ષની સાથે રહ્યા હતા.
લાડલી બહેનાથી લાડકી બહિણ સુધી

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના ચૂંટણી-યુદ્ધ મેદાનમાં ખેલ બદલી નાખે તેવું એક પરિબળ છેલ્લા ત્રણ મહિનામાં બહાર આવ્યું છે અને તે છે કલ્યાણકારી યોજનાઓ.
મત મેળવવા માટે શાસક અને વિરોધ એમ બંને પક્ષો આકર્ષક યોજનાઓની લાલચ આપી રહ્યા છે. તેમાં મોટા ભાગના લાભાર્થીઓને સીધી ચુકવણીનો સમાવેશ થાય છે.
મુખ્ય મંત્રી એકનાથ શિંદે દ્વારા શરૂ કરવામાં આવેલી 'લાડકી બહિણ' યોજના ટૉક ઑફ ધ ટાઉન બની છે. લોકસભાની ચૂંટણીમાં નિષ્ફળતા મળ્યા પછી મહારાષ્ટ્રના મહાયુતિએ મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકાર પાસેથી પ્રેરણા લીધી.
શિવરાજ સરકાર સત્તાવિરોધી વલણનો સામનો કરી રહી હતી. આ સંજોગોમાં બહુમતી મેળવવા શિવરાજસિંહ ચૌહાણે મહિલાઓને સીધી નાણાકીય મદદ માટે 'લાડલી બહેના' યોજના શરૂ કરી હતી.
મહારાષ્ટ્ર સરકારે મહિલા લાભાર્થીઓને પ્રતિમાસ રૂ. 1,500ની સીધી મદદ સાથે સપ્ટેમ્બરથી એવી જ 'લાડકી બહિણ' યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લાભાર્થીઓને ત્રણ હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશની સફળતાનું પુનરાવર્તન મહારાષ્ટ્રમાં પણ થશે એવી શાસક પક્ષને આશા છે. પોતે ફરી ચૂંટાઈ આવશે તો સહાયની રકમ વધારીને રૂ. 2,100 કરવામાં આવશે તેવી જાહેરાત પણ તેમણે કરી છે.
આ યોજનાથી મહિલાઓ રાજી છે તેમ જાણીને વિરોધ પક્ષની મહાવિકાસ આઘાડી પણ કર્ણાટકની 'મહાલક્ષ્મી યોજના'ની નકલ કરી રહી છે. તેણે મહિલાઓને દર મહિને રૂ. 3,000 અને રાજ્ય પરિવહન નિગમની બસોમાં મફત મુસાફરીનું વચન આપ્યું છે.
મહિલા મતદારો ઉપરાંત બેરોજગાર યુવાનો પર પણ તેમની નજર છે. બેરોજગાર યુવાનોને નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને રૂ. 4,000 આપવાની જાહેરાત પણ તેમણે કરી છે.
ડાયરેક્ટ બૅનિફિટ સ્કીમ્સનો જુવાળ આવ્યો છે ત્યારે અર્થશાસ્ત્રીઓ તેની સામે ચેતવણી આપી રહ્યા છે. તેમના કહેવા મુજબ, આ યોજનાઓ ચલાવવા માટેના આર્થિક બોજાનો સામનો રાજ્ય સરકારોએ કરવો પડશે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ખેડૂતો પણ એક મુખ્ય પરિબળ બનશે. ડુંગળી રાજ્યનો મુખ્ય રોકડિયો પાક છે અને ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને કારણે લોકસભાની ચૂંટણીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભાજપનો પરાજય થયો હતો.
ચોમાસું સંતોષકારક રહ્યું હોવા છતાં ખેડૂતો બેચેન છે. દાખલા તરીકે સોયાબીનના ઉત્પાદકો ઘટેલા ભાવને કારણે ગુસ્સામાં છે. સારો ભાવ મળવાની આશાએ ઘણા લોકો સોયાબીનને હાલ વેચતા નથી.
ખેડૂતોની આ અકળામણનો તાગ પામીને કૉંગ્રેસે વચન આપ્યું છે કે તે સત્તા પર આવશે તો સોયાબીનનો ભાવ રૂ. 6,000 કરવામાં આવશે. શાસક મહાયુતિ સરકારે ખેડૂતોના તમામ વીજ લેણાં માફ કર્યાં છે. ખેડૂતો કોની તરફેણ કરશે એ સવાલ છે.
આ બધાં પરિબળોએ મહારાષ્ટ્રની ચૂંટણીને તેના ઇતિહાસમાંની સૌથી જટિલ અને સ્પર્ધાત્મક બની દીધી છે. ઘણાની રાજકીય કારકિર્દી દાવ પર લાગેલી છે.
પરિણામ ભલે ગમે તે આવે, પરંતુ રાજ્ય તેમજ કેન્દ્રમાં નવાં સમીકરણો રચાશે તે નક્કી છે. ભાજપ અને કૉંગ્રેસ તેમજ તેમના ગઠબંધનના ભાગીદાર પક્ષોમાંથી કોઈને પણ મહારાષ્ટ્ર ગુમાવવાનું પોસાય તેમ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













