એ કારણો જેણે ભારતને ટી-20 સિરીઝમાં દક્ષિણ આફ્રિકા પર જીત અપાવી

શુક્રવારે સૅમસન અને તિલકે સદી ફટકારી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શુક્રવારે સૅમસન અને તિલકે સદી ફટકારી હતી

શુક્રવારે ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ટી-20 સિરીઝની અંતિમ મૅચ યોજાઈ હતી, જેમાં મહેમાન ટીમે યજમાનોને 135 રને પરાજય આપ્યો હતો.

ભારતે પહેલા બૅટિંગ કરી હતી અને 284 રન ફટકાર્યા હતા. જવાબમાં દાવ લેવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવર પણ રમી નહોતી શકી અને 148 રને ઑલઆઉટ થઈ ગઈ હતી.

ચાર મૅચની શ્રેણીમાં ભારતે ત્રણ તથા દક્ષિણ આફ્રિકાએ એક મૅચ જીતી હતી. યજમાન ટીમ પાસે 2-2થી સિરીઝને બરાબર કરવાની તક હતી. તો મહેમાન ટીમ પાસે શ્રેણી જીતવાની તક હતી, એટલે જ શુક્રવારની મૅચ ફાઇનલ જેવી રોમાંચક બની ગઈ હતી.

શુક્રવારની મૅચમાં સંજુ સૅમસન અને તિલક વર્માએ તેમની બૅટ વડે તથા અર્શદીપ સિંહે વેધક બૉલિંગ કરીને દક્ષિણ આફ્રિકાના સિરીઝ સરભર કરવાના ઇરાદાને તોડી પાડ્યા હતા.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

વર્માનું વિજય'તિલક'

ભારત દક્ષિણ આફ્રિકા ટી-20, સંજુ સૅમસન, તિલક વર્મા, અર્શદીપસિંહ, શ્રેણીમાં વિજય

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ત્રીજી મૅચમાં ખાસ પ્રદર્શન નહીં કરી શકનારા સૅમસને શુક્રવારે સદી ફટકારી હતી

શુક્રવારની મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટૉસ જીતીને પહેલા બૅટિંગમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો. વિકેટકિપર-બૅટ્સમૅન સંજુ સેમસન અને અભિષેક શર્માએ ભારતીય ઇનિંગની મજબૂત શરૂઆત કરાવી હતી.

શર્માએ બે ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે આક્રમક રમત દેખાડી હતી. તેઓ અડધી સદી પૂર્ણ કરે તે પહેલાં છઠ્ઠી ઓવરમાં સિપામલાના બૉલ પર ક્લાસનના હાથ ઝીલાઈ ગયા હતા. શર્માએ 18 બૉલમાં 36 રન ફટકાર્યા હતા.

જોકે, દક્ષિણ આફ્રિકાની ટીમ આ તકનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી હતી. ક્રિઝ પર તિલક વર્મા આવ્યા હતા. જેમણે ઓપનર સૅમસન સાથે 210 રનની રેકૉર્ડ ભાગીદારી કરી હતી.

તિલક સતત બે મૅચમાં સદી ફટકારવાનો અનોખો રેકૉર્ડ બનાવનારા બીજા ભારતીય બૅટ્સમૅન બન્યા હતા. શ્રેણીની ત્રીજી મૅચમાં તિલકે 56 બૉલમાં અણનમ 107 રન કર્યા હતા.

તિલકે 47 બૉલમાં અણનમ 120 રન ફટકાર્યા હતા. તિલકે પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. 19મી ઓવરમાં સદી પૂર્ણ કરનારા તિલકે બાકી રહેલી મૅચમાં વધુ 20 રન ભારતીય સ્કૉરબોર્ડમાં ઉમેર્યા હતા.

120 રન અને બે કૅચ પકડનારા તિલક વર્માને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમને પ્લૅયર ઑફ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે શ્રેણીમાં 280 રન બનાવ્યા હતા.

સંજુ સૅમસનની શાનદાર સદી

વીડિયો કૅપ્શન, નવદીપસિંહના અપશબ્દોવાળા વાઇરલ વીડિયોની કહાણી

એક તરફ તિલક વર્મા દક્ષિણ આફ્રિકાના બૉલરોની મુશ્કેલીઓ વધારી રહ્યા હતા તો બીજી તરફ ઑપનર સંજુ સૅમસને પણ રનનો વરસાદ ચાલુ રાખ્યો હતો. વર્મા સાથેની ભાગીદારી ભારત તરફથી સર્વશ્રેષ્ઠ ટી-20 પાર્ટનરશિપ છે.

અગાઉ રિંકૂસિંહ અને રોહિત શર્માની 190 રનની પાર્ટનરશિપ ભારત તરફથી સર્વશ્રેષ્ઠ ભાગીદારી હતી.

આ સિવાય એક વૈશ્વિક રેકૉર્ડ પણ બન્યો હતો. આ પહેલાં બીજી વિકેટ માટે સૌથી વધુ રન ઍગલ બ્રૅચ અને લૅવિટ્ટની (193 રન) જોડીએ નોંધાવ્યા હતા.

સૅમસને મૅચની 18મી ઓવરમાં 51 બૉલે સદી ફટકારી હતી. તેમણે 56 બૉલમાં અણનમ 109 રન બનાવ્યા હતા. જેમાં છ ચોગ્ગા અને નવ છગ્ગાનો સમાવેશ થતો હતો.

બાંગ્લાદેશ સામેના 297 રનના જુમલા પછી શુક્રવારે ભારતનો બીજો શ્રેષ્ઠ સ્કૉર હતો, જેમાં સૅમસને આ સિદ્ધિ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે સૅમસને પહેલી મૅચમાં પણ સદી ફટકારી હતી.

દ. આફ્રિકનોનું 'દક્ષિણા'યન

ભારત દક્ષિણ આફ્રિકા ટી-20, સંજુ સૅમસન, તિલક વર્મા, અર્શદીપસિંહ, શ્રેણીમાં વિજય

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કેશવ મહારાજ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૅચમાં એક તબક્કે ભારતની સૅમસન-તિલકની જોડી સામે દક્ષિણ આફ્રિકાના બૉલરો લાચાર જણાઈ આવ્યા હતા. માત્ર લ્યુથો સિપામલા દક્ષિણ આફ્રિકાના એકમાત્ર સફળ બૉલર રહ્યા હતા. તેમણે માત્ર અભિષેક શર્માની વિકેટ મળી હતી.

જોકે, તેઓ રનોની દૃષ્ટિએ સૌથી મોંઘા બૉલર પણ સાબિત થયા હતા. તેમણે ચાર ઓવરમાં 58 રન આપ્યા હતા.

કૅપ્ટન ઍડન મારક્રમે સિરીઝ દરમિયાન બૅટ વડે પ્રભાવિત કરનારા ટ્રિસ્ટન સ્ટબ્સ પાસે બૉલિંગ કરાવી હતી, પરંતુ તેઓ રનરેટની દૃષ્ટિએ સૌથી મોંઘા બૉલર સાબિત થયા હતા. સ્ટબ્સે માત્ર એક ઓવરમાં 21 રન આપ્યા હતા.

ખુદ કપ્તાન ઍડન મારક્રમે પણ બે ઓવર કરી હતી, પરંતુ સ્ટબ્સની જેમ તેમને પણ કોઈ સફળતા મળી ન હતી. મારક્રમની ઓવરોમાં ભારતીય બૅટ્સમૅને 30 રન નોંધાવ્યા હતા.

10.5ની સરેરાશ સાથે માર્કો યાનસન દક્ષિણ આફ્રિકાના પક્ષે સૌથી કિફાયતી સાબિત થયા હતા. તેમણે ચાર ઓવરમાં 42 રન આપ્યા હતા.

આ સિવાય ઝેરાલ્ડ કટ્ઝી (ત્રણ ઓવર, 43 રન), ઍન્ડિલે સિમેલાને (ત્રણ ઓવર, 47 રન) અને કેશવ મહારાજ (ત્રણ ઓવર,42 રન) જેવા બૉલરો પણ શુક્રવારની મૅચમાં અસર ઊભી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમમાંથી માત્ર ચાર ખેલાડી બે આંકડાનો સ્કૉર કરી શક્યા હતા. સ્ટબ્સે સૌથી વધુ 43 રન (29 બૉલ) ફટકાર્યા હતા. બિશ્નોઈના બૉલ પર તેઓ એલબીડબલ્યુ થયા હતા.

ડેવિડ મિલરે 27 બૉલમાં 36 રન કર્યા હતા. તેઓ વરૂણ ચક્રવર્તીના બૉલ પર તિલકના હાથે ઝિલાઈ ગયા હતા. કટ્ઝીએ આઠ બૉલમાં 12 રન કર્યા હતા, પરંતુ સૅમસનના હાથે ઝિલાઈ ગયા હતા.

હેડ્રિક્સ અને ક્લાસન શૂન્ય રને પેવોલિયન ભેગા થઈ ગયા હતા, તો રિકલ્ટન માત્ર એક રનનો ફાળો આપી શક્યા હતા.

માર્કો યાનસને 12 બૉલમાં અણનમ 29 રન કર્યા હતા.

અર્શદીપની અસરકાર બૉલિંગ

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર

ઇમેજ સ્રોત, X/BCCI

ઇમેજ કૅપ્શન, અર્શદીપસિંહ

એક તરફ દક્ષિણ આફ્રિકાના બૉલરો ચોથી અને અંતિમ ટી-20 મૅચમાં નિષ્ફળ રહ્યા હતા. તો બીજી તરફ ભારત તરફથી લૅફ્ટ-આર્મ સિમર અર્શદીપ સિંહે નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.

અર્શદીપે ત્રણ ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. તેમની સરેરાશ 6.66ની રહી હતી.

અર્શદીપ ટી-20 મૅચોમાં ભારત તરફથી વિકેટ લેનારા બૉલરોમાં બીજા ક્રમે છે. યજુવેન્દ્ર ચહલે 80 મૅચમાં 96 વિકેટ લીધી છે.

25 વર્ષીય અર્શદીપે 60 મૅચમાં 95 વિકેટ લીધી છે. ચહલનો રેકૉર્ડ તોડવાથી અર્શદીપસિંહ બે વિકેટ દૂર છે. તેઓ ટી-20 ફૉર્મેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બૉલર બની શકે છે.

આ યાદીમાં ત્રીજા ક્રમે ભુવનેશ્વર કુમાર છે. જેમણે 87 મૅચમાં 90 વિકેટ લીધી છે. અર્શદીપે બુધવારની મૅચમાં આ રેકૉર્ડ પાર કર્યો હતો.

જસપ્રિત બુમરાહ (69 ઇનિંગ, 89 વિકેટ) તથા હાર્દિક પંડ્યા (108 મૅચ, 88 વિકેટ) પણ આ યાદીમાં અગ્રેસર છે.

અક્ષર ઉપર ઉમેદ

ભારત દક્ષિણ આફ્રિકા ટી-20, સંજુ સૅમસન, તિલક વર્મા, અર્શદીપસિંહ, શ્રેણીમાં વિજય

ઇમેજ સ્રોત, Getty Images

બીજી મૅચમાં અણીના સમયે કૅપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પીન બૉલર અક્ષર પટેલને બૉલિંગ આપવાના બદલે પેસ બૉલરો પાસે ઓવર કરાવી હતી, જેના કારણે ત્રણ ઓવરમાં મૅચનું પાસું પલટાઈ ગયું હતું અને ભારત એ મૅચ હારી ગયું હતું.

સૂર્યકુમારના આ નિર્ણયની ભારે ટીકા થઈ હતી. તેમણે સ્પીનર્સ સામે સંઘર્ષ કરી રહેલા દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન સામે અક્ષર પટેલને ઓવર કેમ ન આપી તેના વિશે પણ સોશિયલ મીડિયામાં સવાલ ઉઠ્યા હતા.

યાદવે તેમની ભૂલ ત્રીજી મૅચમાં સુધારી હતી અને ગુજરાતી બૉલર અક્ષર પટેલ પાસે ચાર ઓવર કરાવી હતી. જેમાં અક્ષર માત્ર એક વિકેટ જ લઈ શક્યા હતા, પરંતુ તેમણે માત્ર 29 રન જ આપ્યા હતા. આમ તેઓ કિફાયતી રહ્યા હતા.

અક્ષર પટેલે શુક્રવારની મૅચમાં બે ઓવરમાં છ રન આપીને બે વિકેટ લીધી હતી. અન્ય એક ગુજરાતી બૉલર હાર્દિક પંડ્યાએ ત્રણ ઓવરમાં આઠ રન આપીને એક વિકેટ લીધી હતી.

રમનદીપસિંહ સૌથી મોંઘા બૉલર સાબિત થયા હતા. તેમણે ત્રણ ઓવર અને બે બૉલમાં 42 રન આપીને એક બૅટ્સમૅનને આઉટ કર્યો હતો. રમનદીપસિંહે દક્ષિણ આફ્રિકાની છેલ્લી વિકેટ લઈને શ્રેણી ઉપર ભારતની મહોર મારી હતી.

વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 42 રન આપીને બે વિકેટ લીધી હતી, જ્યારે રવિ બિશ્નોઈએ ત્રણ ઓવરમાં 28 રન આપીને એક વિકેટ લીધી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.