ગુજરાતના ડુંગળીના બજાર તરીકે જાણીતા મહુવા યાર્ડે ખેડૂતો માટે ડુંગળી શણના કોથળામાં લાવવાનું શા માટે ફરજિયાત કર્યું?

ડુંગળી, ગુજરાત, ખેડૂતો,કૃષિ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભારતમાં વાર્ષિક સરેરાશ અઢીથી ત્રણ કરોડ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે અને દુનિયાભરમાં ભારતની ડુંગળી તેની તીખાશવાળા સ્વાદ માટે જાણીતી છે.
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત દુનિયામાં સૌથી વધારે ડુંગળી પકવતો દેશ છે અને દુનિયાના કેટલાય દેશોમાં ડુંગળીની નિકાસ પણ કરે છે. ભારતમાં વાર્ષિક સરેરાશ અઢીથી ત્રણ કરોડ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે અને દુનિયાભરમાં ભારતની ડુંગળી તેની તીખાશવાળા સ્વાદ માટે જાણીતી છે.

પરંતુ લગભગ છેલ્લા એક વર્ષથી છૂટક બજારમાં ડુંગળીના ભાવ ઊંચા રહ્યા છે અને વધી રહેલા ભાવોને કાબૂમાં રાખવા કેન્દ્ર સરકારે 7/12/2023ના રોજ ડુંગળીની નિકાસ પર રાતોરાત પ્રતિબંધ મૂકી દીધો હતો.

ગુજરાતમાં ખેડૂતોએ રસ્તા રોકી સરકારના આ પગલાનો વિરોધ કર્યો હતો અને ટીકા કરતા કહેલું કે આ પગલાથી તેમને ડુંગળીના સારા ભાવ મળી રહ્યા હતા તે બંધ થશે.

સરકારના આ પ્રયાસો બાદ પણ ગુજરાતનાં છૂટક બજારોમાં ડુંગળીની સરેરાશ કિંમત રૂપિયા 30 પ્રતિ કિલો (1000 કિલોએ એક ટન થાય)ની આજુબાજુ જળવાઈ રહી છે.

ડુંગળીની નિકાસ પર લાદેલો પ્રતિબંધ સરકારે આ વર્ષે મે મહિનામાં ઉઠાવી લીધો પરંતુ એવી શરતો મૂકી કે ડુંગળી 550 અમેરિકન ડૉલર (આશરે રૂપિયા 46000) પ્રતિ મેટ્રિક ટનના લઘુતમ નિકાસ ભાવથી નીચેની કિંમતે નિકાસ કરી નહીં શકાય. સાથે જ 40 ટકા એક્સપૉર્ટ ડ્યૂટી પણ લગાવી હતી.

નિર્ણયથી વિવાદ

ડુંગળી, બજાર, ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહુવામાં 150 જેટલાં કારખાનાંમાં ડુંગળીને ડિહાઇડ્રેટ એટલે કે સૂકવવાની કામગીરી થાય છે અને તેના માલિકો ડુંગળી અને સૂકી ડુંગળીની નિકાસ કરે છે (ફાઇલ ફોટો)

જોકે આ વર્ષે 13 સપ્ટેમ્બરે સરકારે લઘુતમ નિકાસ ભાવની શરત હટાવી લીધી અને નિકાસકર 40 ટકાથી ઘટાડી 20 ટકા કર્યો. 2024ના ખરીફ એટલે કે ચોમાસાની ઋતુની ડુંગળી બજારમાં આવવા લાગી છે, પણ છૂટક બજારમાં ભાવો તો અગાઉના ત્રણ વર્ષ કરતા ઊંચા જ છે.

ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી-એપીએમસી APMC) ગુજરાતના ડુંગળીનાં સૌથી મોટાં જથ્થાબંધ બજારોમાં સ્થાન પામે છે.

મહુવા યાર્ડ તરીકે જાણીતા આ બજારમાં ગુરુવાર, 14 નવેમ્બરે લાલ ડુંગળીની મૉડલ પ્રાઇસ (જે તે દિવસે વેચાણ થયેલા માળના લૉટની સંખ્યામાંથી જે કિંમતે સૌથી વધારે લૉટનું વેચાણ થાય તે કિંમતને મૉડલ પ્રાઇસ કહેવાય) આશરે રૂપિયા 500 પ્રતિ મણ (20 કિલો) હતી તેમ યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણીએ જણાવ્યું હતું.

જ્યારે બજારભાવ ઊંચા ચાલી રહ્યા છે એવા સમયે મહુવા APMCએ એવો પરિપત્ર કર્યો છે કે ખેડૂતો જો તેમની ડુંગળી શણના બારદાન (કોથળા)માં લાવશે તો જ હરાજી કરવામાં આવશે.

જો ખેડૂતો પ્લાસ્ટિકના બારદાનમાં તેમની ડુંગળી ભરીને લાવશે તો આવી ડુંગળીની હરાજી કરવામાં નહીં આવે. મહુવા APMCમાં બોલતા ભાવના આધારે રાજ્યમાં અન્ય યાર્ડ્ઝમાં ડુંગળીના ભાવ નક્કી થતા હોય છે. આ રીતે ડુંગળીનાં બજારોમાં મહુવા યાર્ડ ટ્રૅન્ડ સેટ કરે છે.

બીબીસી ગુજરાતીએ આ નિર્ણય પાછળનાં કારણો, તે ક્યારથી લાગુ પડશે, તેની ખેડૂતો અને બજારભાવ પર શું અસર થશે, ગુજરાતના અન્ય યાર્ડ્ઝમાં શું વ્યવસ્થા છે તે જાણવાનો પ્રયાસ કર્યો.

નિયમ ક્યારથી અમલી બનશે?

ડુંગળી, ખેડૂતો,ભાવનગર,ગુજરાત

ઇમેજ સ્રોત, Mahuva APMC

ઇમેજ કૅપ્શન, મહુવા યાર્ડમાં વેચાણ માટે લાવવામાં આવેલી ડુંગળી(ફાઇલ તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શાકભાજી હોવાને કારણે આમ તો ડુંગળીનું વાવેતર આખા વર્ષ દરમિયાન થયા કરે છે, પણ ગુજરાતમાં ખેડૂતો ડુંગળીના મુખ્યત્વે ત્રણ પાક લેતા હોય છે. પ્રથમ પાકનું વાવેતર જુલાઈ-ઑગસ્ટમાં થતું હોય છે.

આ ચોમાસુ ડુંગળીને મહુવાના ખેડૂતો ઘાવારિયું કહે છે અને તેની લણણી ઑક્ટોબર-નવેમ્બરમાં થતી હોય છે. રવી એટલે કે શિયાળુ ડુંગળીનું વાવેતર ઑક્ટોબર-નવેમ્બરમાં કરવામાં આવે છે અને તેની લણણી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવે છે.

ઉનાળુ ડુંગળીનું વાવેતર જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવે છે અને તેની લણણી એપ્રિલ-મે મહિનામાં કરવામાં આવે છે. એપ્રિલ-મે મહિનામાં લણણી કરાયેલી ડુંગળી મેડામાં સ્ટોર કરવા માટે મોકલાય છે અને તેનું વેચાણ ચોમાસાના જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિના દરમિયાન કરવામાં આવે છે અને સામાન્ય રીતે આ સમય દરમિયાન ડુંગળીના ભાવ છૂટક બજારોમાં વધારે હોય છે.

મહુવા યાર્ડના ચૅરમૅન ગભરુભાઈ કામલિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ખેડૂતોએ ચોમાસુ ડુંગળી મહુવા યાર્ડમાં વેચાણ માટે લાવવાનું ચાલુ કરી દીધું છે.

જ્યારે નવો પાક બજારમાં આવવાનું ચાલુ થયું છે ત્યારે મહુવા યાર્ડે 6 નવેમ્બર, 2024ના રોજ એક પરિપત્ર બહાર પાડી ખેડૂતો અને યાર્ડના દલાલોને જાણ કરી કે તારીખ 15 નવેમ્બર, 2024થી ખેડૂતો તેમની સારી ગુણવત્તાની લાલ અને ગુલાબી ડુંગળી જો શણના કોથળા એટલે કે કંતાનના બારદાનમાં લાવશે તો જ વેપારીઓ તેને ખરીદશે.

યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણી દ્વારા બહાર પડાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે, "આગામી તારીખ 15 નવેમ્બર, 2024થી લાલ સારા કાંદા ફક્ત કંતાન થેલીમાં જ કાંદા ખરીદનાર વેપારીઓ ખરીદ કરશે, તેથી કંતાનમાં લાવવાના રહેશે. અને કંતાન થેલીમાં હશે તેની જ હરાજી થશે. આમ છતાં પ્લાસ્ટિકમાં લાલ કાંદા લવાશે તેમને કંતાન બારદાનમાં પલટાવ્યા બાદ હરાજી મુકાશે. તેની ગંભીર નોંધ લેશો."

આ નિર્ણયનું કારણ શું છે?

ડુંગળી, પાક, ખેડૂતો, ભાવનગર, મહુવા, ગુજરાત

ઇમેજ સ્રોત, Gopal Kateshiya

ઇમેજ કૅપ્શન, ડુંગળીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક પછી ગુજરાત પાંચમા ક્રમે આવે છે

મહુવા યાર્ડે પરિપત્રમાં જણાવ્યું છે કે પ્લાસ્ટીકના કોથળામાં ભરેલી ડુંગળીનું અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં વેપારીઓને મુશ્કેલી પડે છે.

પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે "ખેડૂતભાઈઓ તથા કમિશન એજન્ટોને ખાસ ગંભીરતાથી ધ્યાને લેવા વિનંતી કે લાલ કાંદા દેશમાં અન્ય રાજ્યો જેવાં કે પંજાબ, હરિયાણા, યુપી, બિહાર તથા આસામ વગેરેમાં વેચાણ માટે મોકલવામાં આવે ત્યાં પ્લાસ્ટિક બારદાન ચાલતાં નથી અને ઓછા ભાવે મુશ્કેલીથી વેચાણ થાય છે. તેમજ પ્લાસ્ટિક બરદાનમાં માર્કો પણ લાગતો નથી અને કાંદાની ઢોળફોડ વધુ થાય છે."

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સેક્રેટરી પાંચાણીએ જણાવ્યું કે "મહુવા યાર્ડમાં ખેડૂતો દ્વારા લવાતી લાલ અને ગુલાબી ડુંગળીની સ્થાનિક વેપારીઓ ખરીદી કરી તેમાંથી 90 ટકા ડુંગળી બહારનાં રાજ્યોમાં વેચાણ કરે છે અને ત્યાં પહોંચાડતા અને વેચતા દિવસો નીકળી જાય છે. વેપારીઓની ફરિયાદો હતી કે પ્લાસ્ટિકના બારદાન તડકામાં રહેવાથી તૂટી જાય છે તેથી તેમાં ભરેલી ડુંગળી વેરાઈ જાય છે. તેમણે એમ પણ ફરિયાદ કરેલી કે ડુંગળી ભરેલી પ્લાસ્ટિકની ગુણીઓ ટ્રકમાં ગોઠવવામાં મજૂરોને મુશ્કેલી પડે છે."

"આવી ફરિયાદોને પગલે અમે ખેડૂતોને તેમની સારી ગુણવત્તાની ડુંગળી માત્ર કંતાનના થેલામાં જ લાવવા જણાવ્યું છે. પરંતુ ખેડૂતો બદલો (હલકી ગુણવત્તાવાળી ડુંગળી) અને સફેદ ડુંગળી પ્લાસ્ટિકના થેલામાં લાવી શકે છે, કારણ કે બદલો ગુજરાતનાં સ્થાનિક બજારોમાં જ વેચાઈ જાય છે અથવા મહુવાના ઑનિયન ડિહાઈડ્રેશન યુનિટ્સમાં જાય છે. તેવી જ રીતે સફેદ ડુંગળી પણ ડિહાઈડ્રેશન યુનિટ્સમાં જાય છે."

ડુંગળી, ગુજરાત, ખેડૂતો, બારદાન, પ્લાસ્ટિક

વેપારીઓનું શું કહેવું છે?

બીબીસી સાથે વાત કરતા મહુવાના ડુંગળી ખરીદનાર વેપારી ઍસોસિયેશનના સભ્ય રાજુભાઈ કાછડિયાએ જણાવ્યું કે પ્લાસ્ટિકના બારદાનમાં સૌથી મોટી સમસ્યા તેમાં ભરેલી ડુંગળીનું ગ્રેડિંગ કરવાની હોય છે.

"મહુવામાં ખેડૂતો સામાન્ય રીતે 40થી 50 થેલાના લોટમાં ડુંગળી વેચવા લાવે છે. અલગ-અલગ ખેડૂતની ડુંગળીની ગુણવત્તા અલગ હોય છે અને તે મુજબ હરાજીમાં ભાવ બોલતા હોય છે. આવી ડુંગળીનું 'એ' 'બી' 'સી' 'ડી' એમ ગુણવત્તા મુજબ ગ્રેડિંગ કરી બીજાં રાજ્યોમાં વેચતી વખતે ગ્રેડ મુજબ ભાવ માગી શકાય."

"પણ પ્લાસ્ટિકના બરદાનમાં આવા ગ્રેડિંગના સિક્કા મારી શકતા નથી અને તેથી ભાવ કરવામાં અને વેચવામાં તકલીફ પડે છે. પણ જો કંતાનના બરદાનમાં આવી ડુંગળી ભરેલી હોય તો ગ્રેડિંગના સિક્કા મારી શકાય. બીજું એ કે જાન્યુઆરી મહિનાથી મહુવા યાર્ડમાં એક દિવસમાં બે લાખ થેલા જેટલી ડુંગળીની અવાક થાય છે પણ દૈનિક હરાજી તો મહત્તમ 50,000 થેલાની જ થાય છે. તેથી, યાર્ડમાં ઉતાર્યા બાદ ક્યારેક ખેડૂતની ડુંગળીની હરાજી પાંચમે-સાતમે દિવસે થાય છે અને આમ, ડુંગળી અઠવાડિયા સુધી તડકામાં પડી રહે છે."

તેઓ કહે છે કે તડકાને કારણે પ્લાસ્ટિકનાં બારદાન તૂટી જાય છે. આવાં બધાં કારણસર અમે કંતાનનાં બરદાનનો આગ્રહ રાખીએ છીએ. બાકી અમને પણ ખબર છે કે ખેડૂતોને પ્લાસ્ટિકનાં બરદાનમાં ફાયદો છે.

ડુંગળી, ગુજરાત, મહુવા, ખેડૂત, બારદાન, પ્લાસ્ટિક,ખેતી

ખેડૂતો પર શું અસર થશે?

ડુંગળી, બજાર, પ્લાસ્ટિકનાં થેલાં, બારદાન

ઇમેજ સ્રોત, bipin tankaria

ઇમેજ કૅપ્શન, રાજકોટ એપીએમસીના જૂના યાર્ડમાં વેચાણ માટે 11 નવેમ્બર, 2024ના રોજ પ્લાસ્ટિકનાં બારદાનમાં લાવેલ ડુંગળીની હેરફેર કરી રહેલા મજૂરો

મહુવા તાલુકાના તાવેડા ગામના ડુંગળી પકવતા ખેડૂત જગુભાઈ ભુકણ કહે છે કે પ્લાસ્ટિકનું બારદાન જેને સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ 'સનેડો' કહે છે તેની કિંમત નંગદીઠ રૂપિયા સાતથી આઠ હોય છે, જ્યારે શણનાં નવાં બરદાનની કિંમત રૂપિયા 30થી 32 અને જૂનાં બરદાનની કિંમત આશરે રૂપિયા 20 હોય છે. એક કોથળામાં સામાન્ય રીતે 50 કિલો એટલે કે અઢી મણ ડુંગળી ભરાય છે.

તેઓ ઉમેરે છે કે ગયા વર્ષે તેમને 2600 મણ ડુંગળીનું ઉત્પાદન થયું હતું અને શણનાં 1100 બારદાન ખરીદવાં 33,000 રૂપિયાનો ખર્ચ થયેલો, જ્યારે ડુંગળીનો સરેરાશ ભાવ પ્રતિમણ 125 રૂપિયા મળેલો.

51 વર્ષીય જગુભાઈ ચાર ધોરણ સુધી ભણેલા છે અને છ વીઘા જમીનના માલિક છે. તેઓ બીબીસી ગુજરાતીને જણાવે છે, "અંતે તો માર ખેડૂત પર જ આવે છે. શણનાં બારદાન પ્લાસ્ટિકનાં બારદાન કરતાં 20-22 રૂપિયાં મોંઘાં પડે. વેપારી શણના કોથળામાં ભરેલી ડુંગળીના ભાવ પાંચ-સાત રૂપિયા વધારે આપે છે. જો સાત રૂપિયા વધારે આપે તો પણ ડુંગળીના એક કોથળા દીઠ સત્તર-અઢાર રૂપિયા વધારે થયા."

"એવા સંજોગોમાં પણ ખેડૂતને માટે શણનાં બારદાન પાછળ પાંચ-છ રૂપિયા વધારે ખરચવા પડે. પણ, અમને ગમે કે ન ગમે, અમારે તો આ નિયમનું પાલન કરવું જ પડશે, કારણ કે અમારે તો ડુંગળી ઘરે તો રાખી શકતી નથી. છેવટે તેને વેચવી તો પડશે જ. વેપારીઓ નિયમ બદલાવી શકે તેટલી પહોંચવાળા છે એટલે તે એવું કરાવી શકે."

મહુવા તાલુકાનું કુંભણ ગામ તેની ડુંગળીની ગુણવત્તા માટે જાણીતું છે. આ ગામના 45 વીઘા જમીન ધરાવતા ખેડૂત જીલુભાઈ જાદરા પણ જગુભાઈ સાથે સૂર પુરાવે છે.

તેઓ કહે છે કે ગયા વર્ષે શિયાળામાં તેમને 10,000 મણ ડુંગળીનું ઉત્પાદન મળ્યું હતું અને શણનાં 4,000 બારદાન ખરીદવાં રૂપિયા એક લાખ કરતાં પણ વધારે ખર્ચવા પડ્યા હતા.

તેઓ વધુમાં ઉમેરે છે, "ખેડૂતોને તો પ્લાસ્ટિક જ સસ્તું પડે પણ કહે છે કે હરિયાણામાં તેની ડિમાન્ડ નથી. તેમાં શું સમસ્યા છે તેની મને ખબર નથી. ડુંગળીનો ભાવ તો જે છે તે જ રહેવાનો છે, તેથી મને લાગે છે કે ખેડૂતોનો ખર્ચ ગુણી દીઠ 20-25 વધી જાય."

જીલુભાઈ કહે છે કે વીઘા દીઠ ખેડૂતને 100થી 125 બરદાનની જરૂર પડે. સામાન્ય રીતે કંતાનનાં બારદાન મહુવા શહેરમાં મળી જાય છે."

ગુજરાતમાં ડુંગળીનું કેટલું ઉત્પાદન થાય છે?

ડુંગળી, બજાર, ખેડૂતો, પ્લાસ્ટિક, બારદાન

ઇમેજ સ્રોત, bipin tankaria

ઇમેજ કૅપ્શન, રાજકોટ એપીએમસીના જૂના યાર્ડમાં વેચાણ માટે 11 નવેમ્બર, 2024ના રોજ પ્લાસ્ટિકનાં બારદાનમાં લાવેલી ડુંગળી ખટારામાં ભરી રહેલા મજૂરો

ડુંગળીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક પછી ગુજરાત પાંચમા ક્રમે આવે છે.

કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણના આંકડા મુજબ, ગુજરાતમાં સરેરાશ 20 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે.

મહુવા યાર્ડના પૂર્વ ચૅરમૅન ઘનશ્યામ પટેલ કહે છે કે ગુજરાતનું મોટા ભાગનું ડુંગળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે.

તેઓ ઉમેરે છે કે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, પોરબંદર વગેરે જેવા જિલ્લામાં ડુંગળીનું મોટા પાયે વાવેતર થાય છે.

"ભારત ડુંગળીની નિકાસ કરતા મોટા દેશોમાં સ્થાન પામે છે. સરકારે ગયા વર્ષે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો તે પહેલાં 15.78 લાખ ટન ડુંગળીની નિકાસ કરી દીધી હતી અને લગભગ 3,534 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ મેળવ્યું હતું. 2023-24ના વર્ષમાં ભારતે 61,000 ટન ડિહાઈડ્રેટેડ ઑનિયન એટલે કે કારખાનામાં વરાળના માધ્યમથી સૂકવી નાખેલી ડુંગળીની નિકાસ કરીને 942.73 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સરકારે ડિહાઈડ્રેટેડ ઑનિયનને નિકાસ-પ્રતિબંધના ઑર્ડરમાંથી બાકાત રાખતા આ પ્રકારની ડુંગળી કે જે સામાન્ય રીતે સફેદ ડુંગળીમાંથી બનાવવામાં આવે છે તેની નિકાસ ચાલુ રહી હતી."

ડુંગળીના નિકાસકારો શું કહે છે?

ડુંગળી, ખેતર, ખેડૂતો, પ્લાસ્ટિક, બારદાન, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડુંગળીનું ખેતર

મહુવામાં 150 જેટલાં કારખાનાંમાં ડુંગળીને ડિહાઇડ્રેટ એટલે કે સૂકવવાની કામગીરી થાય છે અને તેના માલિકો ડુંગળી અને સૂકી ડુંગળીની નિકાસ કરે છે.

આ માલિકોનું ઑલ ઇન્ડિયા વેજિટેબલ ડિહાઇડ્રેટેડ મૅન્યુફૅક્ચર ડેવલપમૅન્ટ ઍસોસિયેશન (અખિલ ભારતીય ડિહાઇડ્રેટેડ શાકભાજી ઉત્પાદક વિકાસ મંડળ) એક સંગઠન છે. તેના પ્રમુખ મનોજભાઈ રામ બીબીસીને જણાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ઍસોસિયેશન પ્લાસ્ટિકમાં લાવતી ડુંગળી બાબતે મહુવા યાર્ડને રજૂઆતો કરી રહ્યું હતું.

"ડિહાઇડ્રેશન યુનિટમાં મજૂર ડુંગળીની ગુણીઓના મોઢાને ચપ્પુ વડે કાપી કન્વેયર બેલ્ટમાં ડુંગળી ઠાલવે છે. પ્લાસ્ટિકના સનેડાને ચપ્પુ વડે કાપતા તેના ધાગા (તાંતણા) છૂટા પડી જાય છે અને ડુંગળી સાથે કન્વેયર બેલ્ટ વાટે ડુંગળી સાથે આગળ પહોંચી જાય છે. શણનાં બારદાનના ધાગા આ રીતે છૂટા પડતા નથી. પ્લાસ્ટિકના ધાગા પાણીમાં ઓગળતા ન હોવાથી ધોવાયા બાદ ડુંગળી સાથે છેક ડ્રાયર સુધી પહોંચી ફાઇનલ પ્રોડક્ટ એટલે કે ડુંગળીની ચીર, કટકી કે પાઉડરમાં પણ ભળી જવાની શક્યતા રહે છે."

"આ સમસ્યાને કારણે નિકાસકારોને આર્થિક નુકસાન વેઠવું પડેલું છે. વળી કારખાનામાં લાવ્યા બાદ ડુંગળીના કેટલાંક બારદાન તડકામાં પડ્યાં રહે છે અને સનેડા તૂટી જતા ડુંગળી વેરાઈ જાય છે અને તે રીતે પણ નુકસાન થાય છે. તેથી અમે તો વારંવાર યાર્ડને રજૂઆતો કરેલી કે પ્લાસ્ટિકનાં બારદાન પર પ્રતિબંધ મૂકવામાં આવે. ખેડૂતોને પણ તેમાં ફાયદો થશે, કારણે કે શણના કોથળામાં લાવેલી ડુંગળીના ભાવ પ્લાસ્ટિકના કોથળામાં લાવેલી ડુંગળી કરતાં વધારે મળે છે." મનોજભાઈ કહે છે, "જોકે વિદેશમાં મોકલાતી ડુંગળી પ્લાસ્ટિકનાં બારદાનમાં જ ભરીને મોકલીએ છીએ."

મહુવા યાર્ડ કહે છે કે ખેડૂતોનું હિત સચવાશે

ડુંગળી, ખેડૂતો, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

સેક્રેટરી વિશાલ પાંચાણી જણાવે છે કે ડુંગળીની હરાજીમાં ભાવ બારદાનની કિંમત સહિત જ બોલાય છે અને વ્યાપારી ડુંગળી ખરીદ્યા બાદ ખાલી બારદાન ખેડૂતોને પરત આપતા નથી. તેવી જ રીતે, બારદાન પાછું ન આપવા બદલ કોઈ ચોક્કસ રકમ વેપારી ખેડૂતોને ચૂકવતા નથી. જોકે સારી ગુણવત્તાના શણનાં બારદાનમાં બે વાર ડુંગળી ભરી શકાય છે.

તેઓ કહે છે, "પરંતુ કંતાનનાં બારદાનમાં લાવેલી ડુંગળીના ભાવ પ્લાસ્ટિકનાં બરદાનમાં લાવેલી ડુંગળી કરતાં વધારે મળે છે તેથી આ નિર્ણયથી ખેડૂતોને કોઈ વધારે નુકસાન થશે નહીં."

યાર્ડના ચૅરમૅન ગભરુભાઈ જણાવે છે, "લાલ સનેડા એક વાર ડુંગળી ભરીએ એટલે તૂટી જાય છે જ્યારે કંતાનનાં બારદાન એક વાર ડુંગળી ભર્યા બાદ થોડાં નબળાં પડી જાય છે, પણ તેમાં સફેદ ડુંગળી ભરી શકાય તેવાં તો રહે જ છે. વેપારીઓ બારદાનની કોઈ કિંમત ખેડૂતોને આપતા નથી પણ અમે વેપારીઓને જણાવી દીધું છે કે કંતાનનાં બરદાનનું 250 ગ્રામથી 300 ગ્રામ વજન હોય છે તે ખેડૂતે લાવેલી ડુંગળીનું વજન કરતી વખતે કાપવા દેવામાં નહીં આવે. જ્યારે પ્લાસ્ટિકનાં બારદાનનું વજન આશરે 100 ગ્રામ હોય છે. આમ ખેડૂતોનું હિત સચવાશે."

ગભરુભાઈએ વધારે જણાવ્યું કે યાર્ડનું મૅનેજમૅન્ટ આ સમયે વેપારીઓ સાથે તકરારના માર્ગે જવા માગતું નથી. ચોમાસાની ડુંગળી લઈ ખેડૂતો મહુવા યાર્ડમાં આવવા લાગ્યા છે અને પ્લાસ્ટિકના ઠેલાના વિરોધમાં વેપારીઓ હરાજી બંધ કરાવે તો તકલીફ પડે છે."

અન્ય યાર્ડમાં શું વ્યવસ્થા છે?

ડુંગળી, ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

સૌરાષ્ટ્રમાં મહુવા ઉપરાંત ગોંડલ, રાજકોટ, ભાવનગર અને જામનગરના એપીએમસી ડુંગળીના મોટા હોલસેલ બજાર છે પણ આ યાર્ડ્સમાં પ્લાસ્ટિકનાં બારદાન પર પ્રતિબંધ મુકાયો નથી.

"અમે ખેડૂતો પ્લાસ્ટિકની બેગમાં ડુંગળી ભરીને લાવે તો પણ ગોંડલના યાર્ડમાં ઉતારવા દઈએ છીએ, કારણ કે પ્લાસ્ટિકની બેગ 10-15 રૂપિયામાં આવે અને શણની 70માં આવે. તેથી ખેડૂતોને નુકસાન થાય. તેથી અમે એવું કંઈ કરવાના નથી," એમ ગોંડલ એપીએમસીના ચૅરમૅન અલ્પેશ ઢોલરિયાએ બીબીસીને જણાવ્યું હતું.

રાજકોટ અને ભાવનગરના યાર્ડમાં પણ પ્લાસ્ટિકનાં બારદાનમાં ભરેલી ડુંગળીની હરાજી ચાલુ રહેશે તેમ ત્યાંના વ્યવસ્થાપકોએ કહ્યું છે.

રાજકોટ યાર્ડના ચૅરમૅન જયેશ બોઘરાએ બીબીસીને જણાવ્યું કે "અમે એવો કોઈ નિર્ણય લેવાનું હાલ વિચારી રહ્યા નથી, કારણ કે શણનાં બારદાન ખેડૂતોને મોંઘાં પડે અને તેમને આર્થિક નુકસાન થઈ શકે. પરંતુ મહુવા યાર્ડના નિર્ણયના શું પ્રત્યાઘાત પડે છે તેની અમે નોંધ રાખીશું અને ભવિષ્યમાં યોગ્ય નિર્ણય લઈશું."

ભાવનગર યાર્ડના સેક્રેટરી અરવિંદ ચૌહાણે બીબીસીને કહ્યું કે ભાવનગર યાર્ડમાં ખેડૂતો પ્લાસ્ટિકનાં બારદાનમાં ભરીને ડુંગળી લાવતા નથી. તેથી હાલ અમારે એવો કોઈ નિર્ણય લેવાની જરૂર જણાતી નથી."

પણ વેપારી રાજુભાઈ આ નિર્ણયનો બચાવ કરે છે.

તેઓ કહે છે, "સનેડા છેલ્લાં ચાર-પાંચ વર્ષ જ આવવા લાગ્યાં છે. તે પહેલાં કંતાનનાં બારદાનમાં જ ડુંગળી આવતી. જોકે એ વાત ખરી છે કે દેશના નાસિક (મહારાષ્ટ્ર રાજ્ય) સહિતના ડુંગળીનાં બજારોમાં કંતાનમાં જ ડુંગળી લાવવી તેવો નિયમ નથી. ત્યાં લૂઝ ડુંગળીની હરાજી થાય છે અને વ્યાપારીઓ ખરીદ્યા બાદ તેમનાં બારદાનમાં ભરે છે. પરંતુ તેનું કારણ એ છે કે દેશનાં મોટાં ભાગનાં ડુંગળીનાં બજારોમાં તેમની આજુબાજુના 30-40 કિલોમીટરના વિસ્તારમાંથી જ ખેડૂતો ડુંગળી વેચવા આવે છે, એટલે ખેડૂતોને પાલ ભરી લૂઝ ડુંગળી લાવવામાં બહુ તકલીફ નથી પડતી."

"જ્યારે મહુવામાં અઢીસો કિલોમીટર દૂર છેક પોરબંદર અને જામનગરથી પણ ખેડૂતો ડુંગળી વેચવા આવે છે અને પાલમાં ડુંગળી લાવવી તેમને પોસાય નહીં. ટ્રૅક્ટરમાં લૂઝ ડુંગળી લાવે તો પચાસ-સાઠ ગુણી જેટલી ડુંગળી સમાય પણ જો ગુણીમાં ભરીને લાવે તો 150 થેલી સમાવી શકાય. વળી મહુવા યાર્ડમાં જગ્યાનો પણ અભાવ છે તેથી લૂઝ ડુંગળીની હરાજી શક્ય નથી." રાજુભાઈ ઉમેરે છે કે પ્લાસ્ટિકનાં બારદાનમાં ડુંગળી ચોળાઈ જાય છે તેથી ગુણવત્તા અને વજન બંનેમાં નુકસાન થાય છે. અમે ત્રણ વર્ષથી આ બાબતે ફરિયાદ કરતા હતા.

સારા ભાવનો સાથી?

ડુંગળી, ખેડૂતો

ઇમેજ સ્રોત, Getty Images

ઘનશ્યામભાઈ પટેલ હવે ગુજરાતમાં સહકારી ધોરણે ચાલતા મહુવા સહિતના 225 APMCનાં સંગઠન, ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચૅરમૅન છે.

તેઓ કહે છે કે ડુંગળીના ભાવ અત્યારે સારા છે એટલે ખેડૂતોમાં હાલ કદાચ કોઈ ઊહાપોહ ના થાય.

"પણ ડુંગળી ક્રિકેટના સંદર્ભમાં મહેન્દ્રસિંહ ધોની જેવી છે. સચીન તેંડુલકર કૉપીબુક શૉટ્સ રમે પણ ધોનીને આવી કોઈ કૉપીબુક સ્ટાઇલ લાગુ ના પડે. તે હેલિકૉપ્ટર શોટ પણ મારે. તે જ રીતે ડુંગળીને બજારના નિયમો સામાન્ય રીતે લાગુ પડતા નથી. ક્યારેક વધારે ડિમાન્ડના કારણે ભાવ ઊંચા રહે છે તો ક્યારેક ઓછા ઉત્પાદનને કારણે ભાવ ઊંચા રહે છે. જ્યારે ભાવ ગગડે ત્યારે ખેડૂતોને રોવડાવે. અત્યારે ભાવ સારા છે તો ખેડૂતોને બે-પાંચ રૂપિયા વધારે ખર્ચવા પડશે તો પણ ઊહાપોહ કદાચ ન થાય."

પણ ડુંગળીના બજાર સાથે જોડાયેલા એક આગેવાન જણાવે છે કે આ નિર્ણયની સાચી કસોટી ડુંગળી બજારમાં મંદી આવશે ત્યારે થશે.

તેઓ કહે છે, "સામાન્ય રીતે ડુંગળીના ભાવ પ્રતિ મણ રૂપિયા 100થી પણ નીચે જાય ત્યારે ખેડૂતો પ્લાસ્ટિકનાં બરદાનનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે એવા ભાવે એક ગુણી ડુંગળીના તેમણે બસ્સો રૂપિયાની આજુબાજુ મળે અને તેમાં 30 રૂપિયાનું બારદાન ખર્ચ ઘણું વધારે લાગે. તેથી આવા સંજોગોમાં શું થશે તે જોવું રહ્યું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.