‘મારાં લગ્નને 12 વર્ષ થયાં, પરંતુ મને મારી પત્ની ઉપરાંત અન્ય પુરુષો પ્રત્યે પણ આકર્ષણ છે’

    • લેેખક, તુલસી પ્રસાદ રેડ્ડી નંગા
    • પદ, બીબીસી તામિલ સંવાદદાતા

ગ્રામીણ વિસ્તારોમાં ઉભયલિંગી (બાયસેક્સુઅલ) લોકોનું જીવન કેવું હોય છે એ અન્ય લોકો પણ જાણે એટલા માટે બીબીસીએ આ લેખ પ્રકાશિત કર્યો છે.

બીબીસીએ આ માટે આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બે લોકો સાથે વાત કરી હતી. તેમણે તેમની અસલી ઓળખ જાહેર ન કરવાની શરતે બીબીસી સાથે વાત કરી હતી.

એ પૈકીના એક ઉભયલિંગી પુરુષને સ્ત્રી તથા પુરુષ બન્ને પ્રત્યે આકર્ષણ થાય છે, પરંતુ તેમનો દોસ્ત સમલૈંગિક (ગે) છે અને તે માત્ર પુરુષો તરફ આકર્ષાય છે.

એ પૈકીના એક ભાસ્કર (સાંકેતિક નામ) છે. તેઓ પરિણીત છે. તેમને બાળકો પણ છે. ભાસ્કર તેમનાં પત્ની સાથે શરીર સંબંધ બાંધે છે ત્યારે પુરુષને જેમ વર્તે છે, પરંતુ અન્ય પુરુષ સાથે શરીર સંબંધ બાંધે ત્યારે સ્ત્રી જેવું વર્તન કરે છે.

બીબીસીની ભાસ્કર સાથેની મુલાકાતના કેટલાક અંશ નીચે મુજબ છે.

સવાલઃ તમને પુરુષો પ્રત્યે આકર્ષણ થાય છે એ પહેલીવાર ક્યારે સમજાયું હતું?

જવાબઃ હું શાળામાં હતો ત્યારે મને તેનો અહેસાસ થયો હતો. એ વખતે છોકરી સાથે સારી રીતે વાત કરીએ ત્યારે લોકો આપણને ચીડવે. તેથી હું મારા મિત્રો સાથે ફરવા જતો હતો. એક વખત શાળાના એક દોસ્તે મને કહ્યું હતું કે તારા હોઠ બહુ સુંદર છે.

એ પછી અભ્યાસના બહાને મેં ઘરની બહાર જવાનું શરૂ કર્યું હતું. પરીક્ષા દરમિયાન અમે બન્ને બહાર જઈને ભણતા હતા. આવી જ એક મુલાકાત દરમિયાન અમારી વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો અને ત્યારથી તે ચાલુ જ છે. પછી મને તેની આદત પડી ગઈ. બાળકો પ્રત્યેનું મારું આકર્ષણ પણ વધ્યું હતું અને તેમાંથી પણ આનંદ મળવા લાગ્યો હતો.

સવાલઃ તમે તમારા જોડીદારને ક્યાં મળતા હતા?

જવાબઃ અમે કૉલેજમાં હતા ત્યારે અવારનવાર મળતા હતા. અમે ભણવા કે કામ માટે બહાર જઈએ છીએ એમ કહીને ઘરની બહાર નીકળી જતા હતા. અમે છોકરા હતા એટલે કોઈએ ખાસ દરકાર કરી ન હતી.

અમે સ્થાનિક હતા એટલે ઘણી બધી જગ્યાની ખબર હતી. અમે સેક્સ કરવા પર્વતો, ખેતરો અને ગાઢ જંગલમાં જતા હતા.

હવે મારું અને તેનું જીવન અલગ-અલગ છે. તેનો બિઝનેસ છે. મળવાની ઇચ્છા થાય ત્યારે કાં તો હું તેની પાસે જતો અથવા એ મારી પાસે આવતો હતો.

સવાલઃ તમારા પરિવારને તમારા પર ક્યારેય શંકા ન થઈ?

જવાબઃ ના. મેં પરિવારજનો સમક્ષ એવું વર્તન ક્યારેય કર્યું નથી. આ વાતની ખબર પડશે તો તેમને બહુ દુઃખ થશે. આ માણસ કોણ છે એવું તેઓ પૂછે ત્યારે હું તેમને કહી દઉં છું કે એ મારો નજીકનો દોસ્ત છે. એ પછી તેઓ કશું પૂછતા નથી.

તેઓ કદાચ મારા વિશે જાણતા હશે, પરંતુ મને ક્યારેય પૂછશે નહીં, કારણ કે એવું કંઈ પૂછીશું તો મને પીડા થશે તેનો તેમને ડર છે.

સવાલઃ તમારા વૈવાહિક જીવનમાં કોઇ સમસ્યા છે?

જવાબઃ મારાં લગ્નને 12 વર્ષ થયાં. સ્નાતક થયા પછી મારાં લગ્ન થયાં હતાં અને મારું લગ્નજીવન સુખમય છે. મને કોઇ સમસ્યા નથી. મને સ્ત્રી તથા પુરુષ બન્નેનું આકર્ષણ થાય છે.

સવાલઃ ગ્રામ્ય વિસ્તારના લોકો તમારા વિશે શું માને છે?

જવાબઃ તેમને લાગે છે કે હું અલગ છું. ઘણીવાર ગામનો કોઇ પુરુષ તેની જાતીય ભૂખ સંતોષવા સ્ત્રી ન મળે ત્યારે મારા દરવાજે આવે છે. ગામડાના લોકો આવી વાતો ઝડપથી સમજી જાય છે. કેટલાક પુરુષો દારુના નશામાં બીજા લોકોને કહે છે કે મેં તેની સાથે આવું કર્યું, તેવું કર્યું. તેથી આવી માહિતી ગામમાં તરત જ ફેલાય છે. શહેરોમાં આવી કોઇ સમસ્યા હોતી નથી.

સવાલઃ તમારા જેવા લોકોએ જીવનમાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે?

જવાબઃ મારા વિશે જાણ્યા પછી કેટલાક લોકો બળજબરીથી મારો ફાયદો ઉઠાવવાના પ્રયાસ કરે છે. મને જે ગમે તે હું કરું છું, પરંતુ અણગમતી વ્યક્તિ સાથે સમય પસાર કરવો મુશ્કેલ છે. બેઃત્રણ જણાએ મારી સાથે ગાળાગાળી કરી હતી.

આવી રીતે મારા પર બળજબરી કરવામાં આવે છે ત્યારે ઈજા થાય છે, પરંતુ ઈજા કેવી રીતે થઈ તે ડૉક્ટરને કહી શકાતું નથી.

અગાઉ ડૉક્ટર સાથે ખાનગીમાં વાત કરવાનું અશક્ય હતું. હવે અમારી પાસે સ્વંયસેવી સંસ્થા છે. કંઈ ખરાબ થાય તો તેઓ મદદ કરે છે. યોગ્ય સારવાર કરાવે છે.

સવાલઃ સમલૈંગિક લોકો તેમની મરજી વિરુદ્ધ લગ્ન કરે છે. એ વિશે તમે શું માનો છો?

જવાબઃ એક પુરુષ તરીકે તમે બીજા પુરુષને પ્રેમ કરતા હો તો તમારે સ્ત્રી સાથે લગ્ન કરવાનું ટાળવું જોઈએ. દવાઓ અને ગોળીઓ વડે તમે તમારી પત્નીને માત્ર બે મહિના રાજી રાખી શકો, પરંતુ આખું જીવન સંતુષ્ટ રાખી શકતા નથી. તેમાં પતિ-પત્ની બન્ને પર માઠી અસર થાય છે. સમાજ શું વિચારશે એ ડરથી તમે લગ્ન કરશો તો તમારું જીવન બરબાદ થશે.

સવાલઃ કોઈ સ્ત્રી ટ્રાન્સજેન્ડર હોય તો તેને તમે શું સલાહ આપશો?

સવાલઃ તમે જેને પ્રેમ કરતા હો તેને વળગી રહેવું જોઈએ. તમને કોઈ સારો માણસ ગમતો હોય અને તેની સાથે આજીવન રહેવું હોય તો બીજું બધું છોડીને તેની સાથે રહેવું જોઈએ, પરંતુ એ સિવાય બીજા કોઈના સંપર્કમાં રહેવું ન જોઈએ.

સવાલઃ સમલૈંગિક યુગલોએ કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે?

જવાબઃ સમાજ સમક્ષ પોતાના જોડીદારને મિત્ર કહેવો તે સામાન્ય છે, પરંતુ મિત્રતાથી આગળ વધીને એ સંબંધ મજબૂત હોય છે. એક નાનો મતભેદ પણ બેમાંથી એકના જીવન પર માઠી અસર કરી શકે છે. સમાજ તેને પુરુષ તરીકે જ જુએ છે. તેને ટેકો મળતો નથી.

પરિણીત સ્ત્રી સાથે તેનો પતિ છેતરપિંડી કરે ત્યારે સ્ત્રીને ટેકો મળે છે, કાયદાકીય મદદ મળે છે. એવી જ રીતે સમલૈંગિક યુગલોને પણ કાયદાકીય આધાર મળે તે જરૂરી છે.

સવાલઃ તમને કાયદા પાસેથી શું અપેક્ષા છે?

જવાબઃ સામાન્ય રીતે છૂટાછેડા થાય ત્યારે સ્ત્રીને તેના પતિ પાસેથી ભરણપોષણ મળે છે. એવી જ રીતે સમલૈંગિક સંબંધમાં છેતરપિંડી થાય તો ભરણપોષણ મળવું જોઈએ. એવું થાય તો સ્ત્રીને જેવું રક્ષણ મળે છે તેવું અમને પણ મળશે.

કાયદો હશે તો ફરીથી છેતરપિંડી નહીં થાય. સમલૈંગિક સંબંધમાં પાર્ટનર છેતરપિંડી કરનાર હોય તો સામેની વ્યક્તિને માનસિક પીડા થાય છે. આવી પીડિત વ્યક્તિ ક્યારેય આપઘાત પણ કરે છે.

લગ્ન જેવા સંબંધમાં તમે તમારા અધિકાર માટે અવાજ ઉઠાવી શકો છો. બધાને સમાન ન્યાય આપવો એ કોર્ટની ફરજ છે. તેથી અનુકૂળ ચુકાદો આવે તો સારું.

સવાલઃ સમલૈંગિક લગ્નને કાયદાકીય સ્વીકૃતિ મળશે તો તમને શું લાભ થશે?

જવાબઃ સમલૈંગિક લગ્નને કાયદાકીય સ્વીકૃતિ મળશે તો એવા લોકોને તમામ અધિકાર મળશે. કોઇ સમસ્યા સર્જાશે નહીં અને તેમના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાશે.

સવાલઃ તમારું બીજા પુરુષ સાથે અફેર છે એ તમારી પત્ની જાણે છે?

જવાબઃ તેને ખબર નથી. તેને ખબર પડશે તો હું પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળી લઈશ.

સવાલઃ તમારી પત્ની તમને બેમાંથી એકની પસંદગી કરવાનું કહેશે તો તમે શું કરશો?

જવાબઃ એવી પરિસ્થિતિમાં ઘણા લોકો પોતાની પત્નીને બદલે જોડીદારની પસંદગી કરતા હોય છે. પત્ની હોય તો પણ પાર્ટનર સાથે સંબંધ ચાલુ રાખતા હોય છે, કારણ કે તેમને પાર્ટનરમાં વધુ રસ હોય છે. મારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે તો હું બન્નેને સમાન મહત્વ આપીશ.

સવાલઃ સત્ય છુપાવીને લગ્ન કરવાં એ ખોટું નથી?

જવાબઃ હું લગ્ન કરવા ઇચ્છતો હતો. તેથી મારામાં અપરાધ ભાવના નથી. મેં લગ્ન કર્યાં છે તે યોગ્ય છે એવું હું માનું છું. હું બંને સંબંધ સારી રીતે સંભાળી શકીશ એવી ખાતરી હોવાથી મેં લગ્ન કર્યાં હતાં.

લગ્ન પહેલાં મારી એક ગર્લફ્રેન્ડ હતી, પરંતુ તેનું અચાનક મૃત્યુ થતાં મારે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાં પડ્યાં.

લેખની શરૂઆતમાં જે બે પુરુષનો ઉલ્લેખ કર્યો હતો એ પૈકીના બીજા પુરુષ મોહમ્મદ (સાંકેતિક નામ) છે. તેઓ ગે છે. એટલે કે માત્ર પુરુષો પ્રત્યે જ આકર્ષાય છે.

મોહમ્મદ 22 વર્ષના છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. તેઓ પોતાની ઓળખ ટ્રાન્સજેન્ડર તરીકે કરાવવા ઇચ્છતા નથી. તેમને સ્ત્રીઓ પ્રત્યે જરાય આકર્ષણ નથી. તેમનો એક પુરુષ મિત્ર છે.

બીબીસીની મોહમ્મદ સાથેની મુલાકાતના કેટલાક અંશ નીચે મુજબ છે.

સવાલઃ તમને પુરુષ પ્રત્યે આકર્ષણ હોવાની ખબર કેવી રીતે પડી હતી?

જવાબઃ હું સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારા પિતરાઈ ભાઈએ મને પોર્ન વીડિયો દેખાડ્યો હતો. એ વીડિયો જોઈને મને એવું કરવાની ઈચ્છા થઈ હતી. એવું કરવાના પ્રયાસ પછી આ બધું શરૂ થયું હતું.

સવાલઃ તમને પુરુષોમાં રસ કેમ છે?

જવાબઃ હું સ્ત્રીઓને જોઉં છું ત્યારે મને તેમાં મારી મોટી બહેન, નાની બહેન, માતા દેખાય છે. હું દસમા ધોરણમાં હતો ત્યારે પ્રથમ સમલૈંગિક અનુભવ કર્યો હતો. એ પછી પુરુષોમાં રસ વધ્યો હતો. હું પુરુષો સાથે જ રહેવા ઇચ્છતો હતો. મારા પરિવારને આ ખબર નથી. હું તેમને જણાવવા પણ ઇચ્છતો નથી.

સવાલઃ તમારા જોડીદાર સાથે તમારે કેવો સંબંધ છે?

જવાબઃ મારો પાર્ટનર એક મોટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. હું તેને વારંવાર મળી શકતો નથી. રજાના દિવસે તે આવે ત્યારે અમે સાથે રહીએ છીએ. બાકીના દિવસોમાં હું બધાની સાથે હોઉં છું.

સવાલઃ ગ્રામ્ય વિસ્તારોમાં તમારા જેવા લોકોનું જીવન કેવું હોય છે?

જવાબઃ ગામડાં કરતાં શહેરમાં જીવન બહુ સરળ હોય છે. એવી ઘણી જગ્યાઓ છે, જેના વિશે કોઈ જાણતું નથી. કેટલાક સ્થળે તમે રૂમ ભાડે લઈને રહી શકો છો.

હું દસમા ધોરણ સુધી ગામમાં ભણ્યો હતો. મારા બનેલી મને સ્કૂલે મૂકવા આવતા હતા. તેથી તેઓ મને ગામથી થોડે દૂર જંગલમાં લઈ જતા હતા અને મારી સાથે પ્રગાઢ શારીરિક સંબંધ બાંધતા હતા.

સવાલઃ તમે ડોક્ટર પાસે જાઓ ત્યારે તેઓ તમારી સાથે કેવું વર્તન કરે છે?

જવાબઃ સ્વયંસેવી સંગઠનની મદદથી અમે હૉસ્પિટલમાં જઈએ ત્યારે અમારી સાથે આદરપૂર્વક વ્યવહાર કરવામાં આવે છે. તેઓ અન્ય લોકો જેવો જ વ્યવહાર અમારી સાથે કરે છે. તેઓ અમને સાવચેત રહેવાની સલાહ પણ આપે છે.

સવાલઃ તમે ક્યારેય લગ્ન કરવા વિચાર્યું છે?

જવાબઃ એક ચોક્કસ વય પછી વ્યક્તિએ આ બધાથી દૂર થઈને સમાજમાં સ્વીકૃત બનવું પડે છે. લગ્ન કરવાં છે એવું લાગશે તો જરૂર કરીશ.

મને હજુ પણ સ્ત્રી પ્રત્યે કોઈ લાગણી થતી નથી. પરિવારજનો મારા લગ્ન કરવા ઇચ્છે છે, પરંતુ મને લાગે છે કે છોકરીને મારી લાગણી જણાવીને પછી લગ્ન કરવાં જોઈએ.

સવાલઃ તમારી ગર્લફ્રેન્ડ છે?

જવાબઃ હું હજુ સુધી કોઈ છોકરી સાથે ડેટ પર ગયો નથી અને એ બાબતે ક્યારેય વિચાર્યું પણ નથી.

સવાલઃ તમારા પરિવારજનોને હકીકતની ખબર પડશે ત્યારે તારો અભિગમ કેવો હશે?

જવાબઃ અમારા ઘરમાં આ વિશે કોઈ કશું જાણતું નથી. એકવાર મારી મમ્મીએ મને બાળકો સાથે ઘનિષ્ઠતા કેળવતો જોયો ત્યારે મને ચેતવણી આપી હતી કે આ ખોટું છે.

તેઓ એ નથી જાણતા કે હું એક પુરુષ સાથે રિલેશનશિપમાં છું. હું દસમા ધોરણ સુધી ગામમાં જ ભણ્યો હતો. હવે હું ગામમાં બહુ જતો નથી.

સવાલઃ સરકાર પાસેથી તમને શું અપેક્ષા છે?

જવાબઃ સરકાર અમારા જેવા લોકો માટે કશું કરવા ઇચ્છતી હોય તો તેમણે અમને ગમે તે વ્યક્તિ સાથે રહેવાની છૂટ આપવી જોઈએ. કોર્ટે પણ પરવાનગી આપવી જોઈએ અને સમાજે પણ અમને સાથ આપવો જોઈએ.

ભાસ્કર અને મોહમ્મદ બન્નેએ જણાવ્યું હતું કે અનેક સ્વયંસેવી સંસ્થાઓનો તેમને સજ્જડ ટેકો છે.

સ્વયંસેવી સંસ્થાઓ મદદ માટે તૈયાર

મદનપલ્લી વિલેજ રિહેબિલિટેશન સોસાયટી એક સ્વયંસેવી સંસ્થા છે. આ સંસ્થા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગે, બાયસેક્સુઅલ લોકોના કલ્યાણ માટે કામ કરે છે.

આ સંસ્થા નિયમિત રીતે મેડિકલ ચેકઅપ કેમ્પ્સનું આયોજન કરે છે. આવું મેડિકલ ચેકઅપ સામાન્ય રીતે દર છ મહિને કરવામાં આવે છે. મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન સુરક્ષિત સેક્સ માટે સ્નિગ્ધ પદાર્થ, નિરોધ વગેરેનું વિતરણ કરવામાં આવે છે.

સંસ્થાના ડિરેક્ટર જયન્નાએ બીબીસીને કહ્યું હતું, “હું આ સંસ્થા સાથે 2004થી કામ કરું છું. અમે લગભગ 3,400 લોકોને મદદ કરી છે. અમે તેમને આવશ્યક સેવાઓ પૂરી પાડીએ છીએ. એચઆઇવી પીડિતોને દવાઓ આપીએ છીએ.”