વીડિયો કૉલ પર 'રોમાન્સ'થી લોકોને ફસાવીને 11 કરોડની કમાણી કરનારી ગૅંગ કેવી રીતે ઝડપાઈ?

    • લેેખક, બીબીસી ન્યૂઝ, ઇન્ડોનેશિયા
    • પદ, .

ઑનલાઇન માધ્યમથી સેક્સ સંબંધી છેતરપિંડીની નવી તરકીબ સામે આવી છે. આ પ્રકારની છેતરપિંડી ચીનમાં ઘણા લોકો સાથે થઈ છે.

પરંતુ આ રૅકેટના તાર ઇન્ડોનેશિયામાં જોડાયેલા છે. ઇન્ડોનેશિયામાં આ મામલામાં 88 ચીની મૂળના નાગરિકોની ધરપકડ થઈ છે.

આ લોકોની ધરપકડ ઑનલાઇન રોમાન્સ રૅકેટમાં છેતરપિંડીના સંદેહ હેઠળ થઈ છે.

રિયાઉ આઇલૅન્ડ પોલીસના કૉમ્યુનિકેશનના હેડ કૉમ્બેસ ઝહવાની પાંડ્રા અર્સ્યાદે જણાવ્યું હતું કે તેમની ટીમે ગત મંગળવાર (29 ઑગસ્ટ)ના રોજ બાટમ, રિયાઉ આઇલૅન્ડના કેમ્મો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સંકુલમાં 83 પુરુષો અને પાંચ મહિલાની ધરપકડ કરી હતી.

ઈન્ડોનેશિયામાં પ્રેમ સંબંધી છેતરપિંડીના ગુનાઓના સંકેતોને પગલે ચીનના સાર્વજનિક સુરક્ષા મંત્રાલયની વિનંતી પર જ આ દરોડા પાડવામાં આવ્યા હતા.

‘લવ સ્કેમિંગ’ની નવી તરકીબ શું છે?

પાંડ્રાએ જણાવ્યું હતું કે આ સિન્ડિકેટે છેતરપિંડીની એક નવી રીત અજમાવી છે જેને લવ સ્કેમિંગ તરીકે ઓળખવામાં આવે છે.

આ ટેકનિકમાં લોકો વીડિયો કૉલ પર એવો ડોળ કરે છે કે તેઓ પીડિત વ્યક્તિ સાથે યૌનસંબંધો બાંધવાની ઇચ્છા ધરાવે છે.

રૅકેટમાં સામેલ આ પાંચ મહિલાનો ઉપયોગ સેક્સ્ટૉર્શન કરવા માટે કરવામાં આવતો હતો. ત્યારબાદ બાકીના 83 લોકો પછી પીડિતને ફસાવવા માટે નવી નવી કહાણીઓ ઘડતા હતા.

પાંડ્રા કહે છે, “ત્યારપછી એક અન્ય ગ્રૂપ પ્રકાશમાં આવતું, જેણે પીડિતનું શોષણ કર્યું હોય. પછી તેઓ નવું ગ્રૂપ બનાવે છે અને ટાર્ગેટ પાછળ ભાગે છે.”

વીડિયો કૉલ રેકૉર્ડિંગને સોશિયલ મીડિયામાં સાર્વજનિક કરવાની ધમકી આપીને બળજબરીપૂર્વક પૈસા વસૂલવામાં આવે છે.

પાંડ્રાએ જણાવ્યું કે આ ગ્રૂપે છેતરપિંડીથી લગભગ 10 મિલિયન યુઆન એટલે કે અંદાજે અગિયાર કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી છે.

આ રૅકેટે માત્ર સામાન્ય માણસો જ નહીં અધિકારીઓને પણ ફસાવ્યા છે.

આ રૅકેટના શિકાર કોણ છે?

તપાસના આધારે એ જાણવા મળ્યું છે કે મોટા ભાગના પીડિતો ચીની નાગરિકો હતા અને ઇન્ડોનેશિયામાં કોઈની સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ નથી.

પાંડ્રા અનુસાર આરોપીઓમાંથી કોઈને ઇન્ડોનેશિયાઈ ભાષા આવડતી ન હોવાને કારણે કદાચ આવું બન્યું હશે.

ઘીરે ધીરે આ અપરાધીઓને તેમના દેશમાં મોકલી દેવામાં આવશે. પાંડ્રા અનુસાર આ મામલાની ફાઇલો પણ ઇન્ડોનેશિયાની પોલીસ મારફત ચીનને સોંપી દેવામાં આવી છે.

શા માટે બાટમને જ પસંદ કરવામાં આવ્યું?

ગયા વર્ષે કુલ 88 ચીની નાગરિકો વિઝિટર વિઝા પર બાટમમાં રોકાયા છે.

પોલીસને શંકા છે કે તેઓએ બાટમ એટલે પસંદ કર્યું હશે કે જો તેમની યોજનાની સૌને ખબર પડી જાય તો તે ભાગી છૂટવા માટે એ વ્યૂહાત્મક સ્થળ હતું.

તેઓ કહે છે, "રિયાઉ દ્વીપસમૂહનો 96% ભાગ સમુદ્ર અથવા તો પાણી જ છે. બીજી 4% જમીન છે. સાનુકૂળ માહોલ બનાવવા માટે તેઓ જાણી જોઈને આ જળ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. જેથી જો તેઓ ભાગવા માગતા હોય તો તેમના માટે સરળતા રહે.”

શું આવું પહેલાં ક્યારેય બન્યું છે?

ઑનલાઇન લવ સ્કેમિંગ કે જેને "પિગ બચર્સ" તરીકે ઓળખવામાં આવે છે તે સાયબર સ્પેસમાં એક અજાણી વ્યક્તિના મૈત્રીપૂર્ણ મૅસેજથી શરૂ થાય છે. જોકે, આ આકર્ષક વ્યક્તિ એક છેતરપિંડી કરનાર છે જે વાસ્તવમાં પોતે જ માનવતસ્કરીનો શિકાર છે. તેમને દક્ષિણ-પૂર્વ એશિયામાં વિવિધ સ્થળોએ જેલ જેવી બેરેકમાંથી છેતરપિંડી જેવાં કૃત્યો કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

સંખ્યાબંધ કેસોમાં છેતરપિંડી કરનારાઓ એવા સૉફ્ટવૅરનો પણ ઉપયોગ કરે છે જે લક્ષિત વ્યક્તિ સાથે વીડિયો કૉલ કરતી વખતે નકલી ચહેરો (ડીપ ફેક) પ્રદર્શિત કરી શકે છે.

ડીપ ફેકને કારણે જે વ્યક્તિનો પ્રોફાઇલ ફોટો છે એવો જ દેખાવ જોવા મળે છે તેના કારણે પીડિતોને વધુ વિશ્વાસ થાય છે.

લવ સ્કેમિંગે સૌપ્રથમ 2017ની આસપાસ ચીનમાં વ્યક્તિઓને લક્ષ્ય બનાવવાનું શરૂ કર્યું. ત્યારથી એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકામાં પીડિતો મળી આવતા તેની પહોંચ વૈશ્વિક હોવાનું મનાય છે.

ચીનમાં સરકારે ઑનલાઇન પ્રતિબંધો દ્વારા આવા સાયબર રૅકેટો પર કડક કાર્યવાહી કરી છે. પરંતુ આ છેતરપિંડી દક્ષિણપૂર્વ એશિયામાં ખાસ કરીને કંબોડિયા, લાઓસ, મ્યાનમાર, થાઇલૅન્ડ અને ફિલિપાઈન્સમાં ફેલાઈ છે.

તાજેતરમાં તેનું નેટવર્ક સંયુક્ત અરબ અમિરાત અને એશિયાની બહાર જ્યૉર્જિયા સુધી વિસ્તર્યું છે.