You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ મુસ્લિમ સમુદાય અન્ય કરતાં કેવી રીતે અલગ પડે છે?
- લેેખક, રુકિયા બુલે
- પદ, બીબીસી ન્યૂઝ
મધ્ય સેનેગલમાં આવેલું ગામ મબૈકે કાદિઓર સમી સાંજે સ્થાનિક મુસ્લિમોની પ્રાર્થનાના સ્વરોથી ગૂંજી ઊઠે છે.
તેઓ થોડા અલગ પ્રકારના મુસલમાન છે. વળી, તેમની અન્ય એક લાક્ષણિકતા છે તેમનાં પેચવર્ક ધરાવતાં કપડાં.
મુસલમાનના આ સમુદાયને બાયફોલ કહેવાય છે.
બાયફોલના અનુયાયીઓ એક મસ્જિદની બહાર નાનું વર્તુળ બનાવીને નાચ-ગાન કરે છે.
બાયફોલ સંપ્રદાયની આ વિધિ 'સામફોલ' તરીકે ઓળખાય છે.
વાસ્તવમાં આ એક ઉત્સવ છે. જેમાં લોકો ઇબાદતમાં ખોવાઈ જાય છે. આ વિધિ સપ્તાહમાં બે વખત થાય છે અને આશરે બે કલાક ચાલે છે.
બાયફોલ એ સેનેગલના વિશાળ મૌરાઇડ બ્રધરહૂડનો એક પેટા-સમુદાય છે અને તે અન્ય મુસ્લિમ સમુદાયોથી નોખો તરી આવે છે.
પશ્ચિમ આફ્રિકાના મુખ્ય મુસ્લિમ દેશ સેનેગલની એક કરોડ, 70 લાખની વસ્તીનો તે નાનો અમથો હિસ્સો છે, પરંતુ ઉપર જણાવેલું નોખાપણું તેમને અન્ય મુસ્લિમોથી અલગ તારવે છે. કેટલાક લોકોના મતે, બાયફોલ સમુદાયની પ્રથા ઇસ્લામિક રીત-રિવાજોથી સાવ ભિન્ન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાયફોલના અનુયાયીઓની માન્યતા
બાયફોલના અનુયાયીઓ અન્ય મુસલમાનોની જેમ દિવસમાં પાંચ વખત નમાઝ પઢવામાં તથા રમઝાનના પવિત્ર મહિનામાં રોજો રાખવામાં વિશ્વાસ નથી રાખતા.
બલકે, તેઓ લોકો કઠોર પરિશ્રમ અને સામુદાયિક સેવાઓ મારફત ધર્મનું પાલન કરે છે. અન્ય મુસલમાનો માટે જન્નત તેમની મંઝિલ છે, જ્યારે બાયફોલ અનુયાયીઓ માટે જન્નત કઠોર પરિશ્રમના પરિણામે મળેલું ઇનામ છે.
સામાન્યપણે અન્ય મુસલમાનો આ લોકો માટે ખોટો અભિપ્રાય ધરાવે છે. પશ્ચિમમાં એવી ગેરમાન્યતા ફેલાયેલી છે કે આમાંથી કેટલાક લોકો શરાબ-ગાંજાનું સેવન કરે છે, જેની ઇસ્લામમાં સખ્ત મનાઈ છે.
મબૈકે કાદિઓરમાં બાયફોલ સમુદાયના નેતાનું નામ છે, મામ સામ્બા.
તેમણે બીબીસીને જણાવ્યા પ્રમાણે, "બાયફોલ સમુદાયની ફિલોસોફીના કેન્દ્રમાં શ્રમ છે અને શ્રમ જ ઈશ્વર પ્રત્યેનું સમર્પણ છે."
તેમનું માનવું છે કે દરેક કાર્ય તેનું આગવું આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે, પછી તે કામ આકરા તડકામાં ખેતીકામ કરવાનું હોય કે પછી સ્કૂલ બનાવવાનું હોય.
કામ કેવળ કર્તવ્ય નથી, બલકે ધ્યાનપૂર્ણ પ્રક્રિયા છે. કાર્ય સ્વયં ઇબાદત છે.
સેનેગલના પવિત્ર શહેર ટોબામાં દર વર્ષે થતી ઉજવણીમાં હજારો લોકો સામેલ થાય છે.
સમુદાયનું માનવું છે કે 19મી સદીમાં મૌરાઇડ બ્રધરહૂડની સ્થાપના કરનારા શેખ અહેમદૌ બામ્બા પ્રથમ વખત ઇબ્રાહીમા ફોલને મબૈકે કાદિઓર ગામમાં જ મળ્યા હતા.
તે સૂફી ઇસ્લામનો એક પંથ છે અને સેનેગલમાં તેનું આગવું મહત્ત્વ છે.
ઇબ્રાહીમા ફોલ માટે એવું કહેવાય છે કે, તેમણે તેમનું સમગ્ર જીવન શેખ અહેમદૌ બામ્બાની સેવામાં વિતાવી દીધું. એટલું જ નહીં, બામ્બાની સેવામાં તેમણે ભોજન, રોજા રાખવા, નમાઝ પઢવી, સ્વયંનું ધ્યાન રાખવું, વગેરે જેવી બાબતોને પણ નજરઅંદાજ કરી હતી. આખરે, સમય વીતવા સાથે તેમનાં વસ્ત્રો ફાટવાં માંડ્યાં. તેમાં પેચ (થીગડાં) લાગતાં ગયાં.
આ સ્થિતિ તેમની નિઃસ્વાર્થ ભક્તિ દર્શાવે છે. આ રીતે બાયફોલ ફિલોસોફી અને પેચવાળાં વસ્ત્રો પહેરવાની પરંપરા શરૂ થઈ. આ અવધારણાને 'એનડિગુએલ' કહેવામાં આવે છે. ઘણા અનુયાયીઓ તેમનાં બાળકોનાં નામ પણ તેના પરથી રાખે છે.
પેચવર્કવાળાં કપડાંનું મહત્ત્વ
મબૈકે કાદિઓર સ્વયં બાયફોલ સમુદાયની ફિલોસોફી વર્ણવતું સ્થળ છે, જ્યાં સહકાર અને સર્જનશીલતાના સમન્વય સાથે પેચવર્કથી વસ્ત્રો તૈયાર થાય છે.
મહિલાઓ સાદાં કપડાંને આકર્ષક રંગોમાં ઝબોળીને સુંદર ભાત આપે છે. પુરુષો ધ્યાનપૂર્વક કાપડ પસંદ કરીને તેમાંથી વસ્ત્રો બનાવે છે. આ વસ્ત્રો બાયફોલની ઓળખ બન્યાં છે.
તૈયાર વસ્ત્રોને સેનેગલનાં બજારોમાં પહોંચાડાય છે. આમ, આ વસ્ત્રો લોકો માટે રોજગારીનું સાધન પણ બન્યાં છે.
સામ્બા જણાવે છે, "બાયફોલના રીત-રિવાજો, ઇબાદતની શૈલીની માફક તેમનાં વસ્ત્રો પણ આગવાં છે." સામ્બાના દિવંગત પિતા પ્રતિષ્ઠિત બાયફોલ શેખ હતા.
વધુમાં તેઓ જણાવે છે, "પેચવર્ક ધરાવતાં વસ્ત્રો સાર્વભૌમત્વ પ્રગટ કરે છે. મુસ્લિમ હોવા છતાં તમે પોતાની સંસ્કૃતિને વળગી રહો, તો તેમાં કશું ખોટું નથી. પણ આ વાત દરેક વ્યક્તિ માટે સમજવી મુશ્કેલ છે. અમારું કહેવું છે કે, જો તમે તમારી આલોચના સહન કરવા જેટલા ઉદાર નહીં બનો, તો પ્રગતિ નહીં સાધી શકો."
જ્યારે અન્ય મુસ્લિમો રમઝાનના મહિનામાં સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી રોજો રાખે છે, ત્યારે બાયફોલના અનુયાયીઓ સાંજે થતી ઇફ્તારી માટે ભોજન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ જાય છે.
બાયફોલનું યોગદાન
સેનેગલના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસને વેગ આપવાના આશય સાથે બાયફોલ સમુદાયે ત્યાં સહકારી, વ્યાપારી તથા બિન-સરકારી સંગઠનોની રચના કરી છે.
સામ્બા કહે છે, "અમે શાળા, આરોગ્ય કેન્દ્રો અને સામાજિક સંસ્થાઓ ધરાવીએ છીએ. અમારા સંપ્રદાયની માન્યતા છે કે, દરેક કાર્ય કુદરત પ્રત્યે આદર, પ્રેમ અને કાળજી રાખીને કરવું જોઈએ. ઇકૉલૉજી એ અમારા માટે સાતત્ય વિકાસના મૉડલનું કેન્દ્ર છે."
પૈસાની માગણી કરવી એ બાયફોલની માન્યતાની વિરુદ્ધ ન હોવાથી માર્ગો પર ભીખ માગવાના કાર્ય બદલ સમુદાયે ટીકાનો સામનો પણ કરવો પડે છે.
જોકે, આ પ્રકારે નાણાં માગવાનો આશય તેમના નેતાની મદદ કરવાનો હોય છે. નેતા પછી સમાજના હિત માટે આ નાણાં વાપરે છે.
નિષ્ણાતોનો મત
બામ્બે શહેરસ્થિત આલિયુન ડિયોપ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શેખ સેને મૌરાઇડ બ્રધરહૂડના વિશેષજ્ઞ પણ છે.
તેમણે બીબીસીને જણાવ્યું હતું, "કેટલાક બાયફોલ અસલી છે, જ્યારે જેમને આપણે "બાયફોક્સ" કહીએ છીએ, તેઓ મૂળ બાયફોલ નથી. આ બાયફોક્સ આપણાં જેવાં કપડાં પહેરે છે અને માર્ગો પર ભીખ માગે છે, પણ સમુદાયમાં કોઈ યોગદાન આપતાં નથી. આ ગંભીર સમસ્યા છે. તેઓ બાયફોલની છબિ ખરડી રહ્યા છે."
સેનેગલના શહેરી પ્રદેશોમાં બાયફોક્સની હાજરી વધવા માંડી છે.
બીજી તરફ બાયફોલ કઠોર પરિશ્રમ અને સમુદાયને મહત્ત્વ આપે છે અને તેનો આ સિદ્ધાંત સેનેગલની સીમા પાર કરીને વિશ્વમાં પણ પ્રસર્યો છે અને આથી જ, અમેરિકન મહિલા કીટન સોયર સ્કેનલોન 2019માં અહીં આવ્યાં અને આ સમુદાયનો હિસ્સો બની ગયાં.
પછીથી તેમણે ફાતિમા બટૌલી નામ ધારણ કર્યું. એક ફકીર સાથે થયેલી અલપ-ઝલપ મુલાકાતને તેઓ તેમના જીવનને પલટી નાંખનારી ક્ષણ ગણાવે છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "એ મુલાકાત વખતે એવો અનુભવ થયો, જાણે મારા શરીરમાંથી પ્રકાશ વહી રહ્યો હોય. મારા માટે આ એક પરમ આધ્યાત્મિક અનુભવ હતો."
મિસ બાહ બાયફોલ સમુદાયની વચ્ચે જીવન વિતાવી રહ્યા છે. તેઓ તેમના પ્રોજેક્ટ્સ અને સેવાઓ, પરંપરાનો અભ્યાસ કરે છે.
સમાજમાં બાય ફોલની ભૂમિકા
સેનેગલ સમાજમાં બાયફોલ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. કૃષિલક્ષી પ્રવૃત્તિઓમાં તેમની સહભાગિતા ઘણી અગત્યતા ધરાવે છે.
દર વર્ષે તેઓ પ્રવર્તમાન મૌરાઇડ નેતા પ્રત્યે નિષ્ઠાના શપથ લે છે. મૌરાઇડ નેતાને ખલીફા કે મહાન ફકીરનો દરજ્જો મળે છે. તેઓ પૈસા, પશુધન અને અન્નનું દાન કરીને પોતાની નિષ્ઠા દર્શાવે છે.
સેનેગલનું પવિત્ર શહેર ટૌબા મૌરિદિઝ્મનું કેન્દ્ર ગણાય છે અને ત્યાં આવેલી ગ્રાન્ડ મસ્જિદની જાળવણીની જવાબદારી આ સમુદાયના શિરે છે.
ટૌબામાં જ્યારે મહત્ત્વનાં ધાર્મિક આયોજનો થાય, ત્યારે બાયફોલના અનુયાયીઓ અનૌપચારિક સુરક્ષાકર્મી તરીકે જવાબદારી સંભાળે છે.
ટૌબામાં થતી વાર્ષિક ઉજવણી - મગાલ તીર્થયાત્રા દરમિયાન હજારો લોકો આ શહેરની મુલાકાત લે છે. આવા સમયે મુલાકાતીઓ યોગ્ય વસ્ત્રો ધારણ કરે, ત્યાં નશીલા પદાર્થોનું વેચાણ ન થાય, ખલીફાનો અનાદર ન થાય, વગેરે ચીજોનું તેઓ ધ્યાન રાખે છે.
સેને કહે છે, તેમ બાયફોલે હંમેશાં શહેર અને ખલીફાની સુરક્ષાની ગૅરંટી આપી છે. બાયફોલની હાજરીમાં કોઈ અયોગ્ય વ્યવહાર કરવાની હિંમત કરતું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન