'હું મારી પત્ની સાથે પૂજામાં બેઠો હતો અને તેણે કહ્યું કે હું પરણેલી છું', 'નકલી લગ્ન'માં યુવાનો કેવી રીતે ફસાય છે?

ઇમેજ સ્રોત, SAGAR
- લેેખક, ગણેશ પોળ અને શ્રીકાંત બંગાળે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
"ખેતમજૂરોનાં બાળકોનાં વહેલાં લગ્ન થતાં નથી અને તેના કારણે અંતે લોકો કંટાળીને કોઈ પણ વિકલ્પ પસંદ કરે છે. મારું પણ એવું જ થયું અને ઉતાવળે લગ્ન કરી લીધાં. આમાં મારું લગભગ પાંચ લાખનું નુકસાન થયું."
જુન્નરના સાગર તેમના સાથે થયેલા નકલી લગ્ન વિશે આ વાત જણાવી રહ્યા હતા.
હાલમાં મહારાષ્ટ્રમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીસ વર્ષ વય પાર કરેલા ઘણા યુવાનોને એક પ્રશ્ન સતત સતાવતો રહે છે – 'મારું લગ્ન ક્યારે થશે?'
પહેલી નજરે એવું લાગે કે આજકાલની છોકરીઓ અને તેમનાં માતાપિતાની માનસિકતા એ છે મારે એવો પતિ નથી જોઈતો, જે ખેડૂત હોય અને ગામમાં રહેતો હોય, પરંતુ તેની પાછળ અનેક કારણો છે એવું નિષ્ણાતો કહે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં અનેક છોકરીઓ લગ્ન કરવાનું ટાળું છે, જેનાં અનેક કારણો છે. જેમ કે છોકરાઓની તુલનામાં ઘટેલો છોકરીઓનો જન્મદર, લગ્ન અંગે વધેલી અપેક્ષાઓ, મહિલાઓને ખેતમાં કરવી પડતી મજૂરી અને ગ્રામ્ય સમાજમાં દબાતું છોકરીઓનું સ્વાતંત્ર્ય વગેરે.
આવી પરિસ્થિતિમાં ગામડાંમાં લગ્ન માટે ઉત્સુક યુવકોને વધૂ શોધવામાં વધુ મહેનત કરવી પડે છે. તેમને લગ્નની ઉંમર વીતી જવાની ભીતિ રહે છે.
આનો લાભ કેટલાક વચેટિયા લોકો ઉઠાવી રહ્યા છે. ખરેખર તો આવી ઘણી ટોળીઓ સક્રિય છે એવું પીડિત યુવકો જણાવી રહ્યા છે.
આથી પચાસથી વધુ વય પાર કરેલા ગામ અને તાલુકાના યુવકો એક પ્રકારના રૅકેટના શિકાર બની રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો બીજી તરફ, આમાં લાખો રૂપિયાની ઠગાઈ થવા છતાં યુવકો આગળ આવીને ફરિયાદ કરતા નથી એવું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે.
આ નકલી લગ્ન આખરે કેવી રીતે થાય છે? ઠગાઈ કરતી ટોળકી કેવી રીતે કામ કરે છે? યુવકો કઈ જગ્યાએ ભૂલ કરે છે? આવો બધું વિગતવાર જાણીએ.
'સત્યનારાયણની પૂજા કરવાની ના પાડી અને ઝઘડો થઈ ગયો'

ઇમેજ સ્રોત, SAGAR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જુન્નર તાલુકામાં રહેતા સાગર એક સફળ ખેડૂત છે. તેઓ પુણે અને મુંબઈની એપીએમસી માર્કેટમાં શાકભાજી વેચે છે.
બાગાયતી ખેતીમાં તેમનું ઘર સારી રીતે ચાલું રહ્યું છે. છતાં પણ તેમને લગ્ન માટે છોકરી મળતી નહોતી.
ઘણા પ્રયાસો કર્યા પછી અંતે વચેટિયાની મદદથી સાગરનું લગ્ન નક્કી થયું.
આ સમગ્ર ઘટનાની વાત કરતાં સાગર કહે છે, "ઘણાં વર્ષો સુધી પ્રયત્ન કર્યા પછી અંતે મેં 2023માં લગ્ન નક્કી થયું. ત્યાર બાદ કન્યાપક્ષના લોકો લગ્ન ઝડપથી કરવાનું દબાણ કરવા લાગ્યા. આ સમય દરમિયાન મને તે છોકરી સાથે વ્યક્તિગત રીતે વાત કરવાની તક આપવામાં આવી નહીં. મારી માતાએ જ તેની સાથે વાત કરતી. લગ્ન પછીના પહેલા જ અઠવાડિયામાં મને કંઈક ગડબડ લાગી."
હિંદુ ધર્મમાં લગ્ન પછી વરપક્ષના ઘરમાં સત્યનારાયણની પૂજા કરવામાં આવે છે. તેમજ ઘણાં મંદિરોમાં જઈને દેવદર્શન પણ કરવામાં આવે છે.
સાગરે પણ લગ્ન પછી પોતાના ઘરમાં સત્યનારાયણની પૂજા રાખી હતી, પરંતુ તેમનાં પત્નીએ પૂજામાં બેસવાનો ઇનકાર કર્યો. સાગર કહે છે કે અમારા બંને વચ્ચે તીવ્ર ઝઘડો થયો હતો.
સાગર કહે છે, "પરંપરા મુજબ મારાં માતાપિતાએ ઘરમાં સત્યનારાયણની પૂજા રાખી, પરંતુ મારી પત્નીએ પૂજામાં બેસવાનો ઇનકાર કર્યો, ત્યારે અમે બધા જ ચોંકી ગયા."
સાગરે નિરાશા સાથે કહ્યું કે "અંતે વિશ્વાસમાં લઈને મેં પત્નીને સાચું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તેનું પહેલેથી જ એક લગ્ન થયેલું છે. આ સાંભળીને મારું માથું ભમી ગયું."
સાગરને સમજાયું કે તેમની સાથે ઠગાઈ થઈ છે. આવું બીજા સાથે ન બને, એ માટે તેમણે પોલીસમાં વિગતવાર ફરિયાદ નોંધાવી.
તપાસ બાદ વચેટિયાના નામે પૈસા ઉઘરાવતી ટોળકીને પોલીસે પકડી પાડી.
આવી ઠગાઈનો ભોગ બનનાર સાગર એકલા નથી. પોલીસનું કહેવું છે કે આખા દેશમાં આવી ઘટના ઘટી રહી છે.
સાગર કહે છે, "મારા સાથે જે બન્યું એ અનેક લોકો સાથે બન્યું છે. ફક્ત સમાજની શરમને કારણે ગ્રામીણ યુવકો આ બાબતો જાહેર કરતા નથી. આ માટે સમાજ જવાબદાર છે અને પ્રશાસન તો બમણું જવાબદાર છે."
બીજી તરફ, પોલીસ આ ટોળકી સામે ફક્ત ઠગાઈનો ગુનો દાખલ કરી શકે છે. જેમાં થોડા દિવસ પછી જામીન મળી જાય છે. આથી આવા લોકોને કાયદાનો ભય રહેતો નથી એવો અફસોસ સાગર કરે છે.
અપરિણીત યુવાઓ સાથે આ રીતે ઠગાઈ થાય છે

ઇમેજ સ્રોત, Getty Images
લગ્ન નક્કી થયાં પછી મધ્યસ્થ ટોળકી વરપક્ષના યુવકો પાસેથી પૈસા ઉઘરાવવાની એક ખાસ રીત અપનાવે છે.
સાગર કહે છે, "લગ્નની વાતચીત ચાલી રહી હતી ત્યારે મને એવું કહેવાયું કે છોકરીની માતા અચાનક બીમાર પડી ગઈ છે. તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે."
"હકીકતમાં મારી પણ સ્થિતિ નાજુક હતી. પણ આપણે તેમની સાથે સંબંધ બાંધવો હતો. એટલે મેં બૅન્કમાંથી લોન લીધી અને સામેના લોકોને પૈસા આપ્યા. આ લોકો લગ્ન પહેલાં મારી પાસેથી એક લાખ વીસ હજાર રૂપિયા લઈ ગયા. ત્યાર બાદ લગ્નમાં બીજા 20-25 હજાર રૂપિયાનો ખર્ચ થયો."
વાત આટલેથી અટકતી નથી. નકલી લગ્નના મોટા ભાગના કિસ્સાઓમાં કહેવાતી દુલ્હન લગ્ન પછી ઘરેણાં અને પૈસા લઈને ફરાર થઈ જાય છે.
પીડિત યુવકો અને પોલીસ કહે છે કે આમાં કથિત કન્યા એકલી નથી, પરંતુ એક મોટી ગૅંગ ચોક્કસ રીતે કામ કરે છે.
સાગર વધુમાં કહે છે, "અમે છોકરીને 10,000 રૂપિયાના ચાંદીના દાગીના પહેરાવ્યા હતા. તેને અઢી તોલાનું સોનાનું મંગળસૂત્ર પહેરાવ્યું હતું, જેમાં ગળાનો હાર પણ હતો. કુલ મળીને મારી સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી."
બીબીસી મરાઠી સાથે વાત કરતા બીડ જિલ્લાના વડવાણી પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ષા વાગડેએ કહ્યું, જેમની ઉંમર થઈ ગઈ હોય, છતાં લગ્ન ન થયાં, હોય તેમના પર ગૅંગ નજર રાખે છે અને મધ્યસ્થી કરે છે. અમને સપ્ટેમ્બર-2025માં પણ આવી ફરિયાદ મળી હતી.
પીએસઆઇ વર્ષાએ કહ્યું, "ફરિયાદમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, લગ્નના આઠ દિવસ બાદ છોકરી તેનાં માતાને ત્યાં ગઈ હતી. એ સમયે જે લોકો તેને લેવા આવ્યા હતા, તે અજાણ્યા જણાતા હતા. એટલે, વરના પરિવારજનોએ અજાણ્યા લોકો સાથે નવોઢાને મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. આ મામલો અમારા સુધી પહોંચ્યો અને પ્રથમદર્શીય બનાવટી લગ્નનો જણાય છે."
પીએસઆઇના કહેવા પ્રમાણે, આ ગૅંગ ચોક્કસ પ્રકારની મૉડસ ઑપરેન્ડી છે અને તેમના પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં આવા અન્ય બે કેસ પણ નોંધાયા છે.
પહેલા કેસમાં ચાર આરોપી પકડાયા હતા, જ્યારે બીજા કેસમાં છ તહોમતદારોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના કહેવા પ્રમાણે, વચેટિયાની ગૅંગમાં ઓછામાં ઓછા સાતથી આઠ સભ્યો હોય છે. છોકરી, છોકરીનાં માતા, વચેટિયો, મામા, કાકા, તથા અન્ય બે લોકો. તેઓ પિયર લઈ જવાના બહાને નવોઢાને લઈ ગયાં હતાં.
ગૅંગનો એક સભ્ય છોકરાના પરિવારનો સંપર્ક સાધે છે. તે છોકરાના મામા, કાકા કે મિત્ર હોય શકે છે.
એ પછી ઉતાવળે લગ્ન કરવા માટે કહેવામાં આવે છે. પછી માતાપિતા કે અન્ય કોઈની બીમારીનું કારણ આગળ કરીને પૈસા લેવામાં આવે છે.
બીજી રીતમાં એવું કહેવામાં આવે છે કે કન્યા અનાથ છે અને તેનો ઉછેર કરનાર ફોઈ કે માસી અમુક રકમની માગણી કરી રહ્યાં છે.
લગ્નના અમુક દિવસ પછી કન્યા ઝવેરાત અને રોકડ રકમ લઈને નાસી છૂટે છે.
સાગરે હિંમત કરીને ફરિયાદ નોંધાવી છે, પરંતુ મોટા ભાગે છોકરા આ પ્રકારની ઘટનાની ફરિયાદ નથી નોંધાવતા.
જુન્નરના ડીએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) ધનંજય પાટીલના કહેવા પ્રમાણે, "આ પ્રકારની ઘટના બને તો લોકો આગળ આવીને ફરિયાદ દાખલ કરાવે તે જરૂરી છે, પરંતુ સમાજમાં ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું ન પડે એટલે લોકો આવું કરતા નથી."
"બીજું કે લગ્નમાં જે આર્થિક છેતરપિંડી થાય, તેને લોકો વ્યક્તિગત ભૂલ માને છે અને પોતાને જ દોષ આપે છે, પરંતુ જો આપણે નકલી લગ્નો અટકાવવાં હોય, તો પીડિત યુવકે સામે આવીને ફરિયાદ દાખલ કરાવડાવી જોઈએ."
'રેકેટ દ્વારા છોકરીનો ઉપયોગ'

ઇમેજ સ્રોત, Getty Images
સાગરે બીબીસી મરાઠીની સાથે વાત કરતી વેળાએ એક મહત્ત્વપૂર્ણ માહિતી આપી. સાગરે કહ્યું કે તેમનાં કથિત પત્ની પોતે પણ પીડિતા હતાં અને મોટી ગૅંગ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાગર કહે છે, "જુન્નર તાલુકામાં એ છોકરીનાં અગાઉ કેટલીક વખત લગ્ન થયાં હતાં. મારા જેવા અનેક છોકરા છે, જેમની સાથે આ રીતે ઠગાઈ થઈ છે."
"આમાં કોઈ વચેટિયો નથી હોતો, પરંતુ મોટી ગૅંગ આ બધું ચલાવે છે. મેં તેને પૂછ્યું હતું કે 'તું આ બધું શા માટે સહન કરે છે?' ત્યારે તેણે મને જવાબ આપ્યો હતો, 'અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.' એક વખત તેનું લગ્ન થયું હતું, પરંતુ પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી."
બીબીસી મરાઠીએ નકલી લગ્નનો ભોગ બનેલા અન્ય એક યુવક સાથે વાત કરી. નામ ન છાપવાની શરતે તેમણે જણાવ્યું, "મારી પત્ની મારી સાથે દોઢ વર્ષ સુધી રહી. એ જ્યારે મારી સાથે હોય, ત્યારે સારો વર્તાવ કરતી, તેણે ક્યારેય ઘરમાં પૈસાને હાથ નહોતા લગાડ્યા, પરંતુ પુનામાં તેની માસીને ત્યાં વારંવાર જતી."
"આ ગાળા દરમિયાન તેણે ફરી લગ્ન કર્યું. ઇન્સ્ટાગ્રામ ઉપરની કેટલીક તસવીરો દ્વારા અમને આ અંગે માહિતી મળી. અમે જ્યારે પૂછપરછ કરી, તો માલૂમ પડ્યું કે મારા પહેલાં પણ તેનું એક લગ્ન થયું હતું અને મારી સાથે લગ્ન બાદ પણ તેણે લગ્ન કર્યાં હતાં, ત્યારે મને થયું હતું કે ગૅંગ તેનો ઉપયોગ કરી રહી છે."
પોલીસનું કહેવું છે કે છેતરપિંડીનો ભોગ ન બનવું હોય તો ઉતાવળે લગ્ન ન કરવાં. કન્યા અને તેના પરિવાર, ઘર તથા અન્ય બાબતો વિશે પૂરી માહિતી મેળવો.
જે યુવક આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યો હોય, તેની પૂરતી કાળજી રાખવી જોઈએ.
યુવાનોએ લગ્ન સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

સાગરે બીબીસી મરાઠીને જણાવ્યું, "લગ્ન પહેલાં અમે છોકરીના ઘરે નહોતા ગયા. ગૅંગે લગ્ન માટે ઉતાવળ કરી અને મેં હા પાડી દીધી." સાગર કહે છે કે લગ્નઇચ્છુક યુવકોએ ઉતાવળ ન કરવી જોઈએ.
નકલી લગ્નથી બચવા પોલીસ કેટલીક સાવધાની વર્તવા જણાવે છે :
- કન્યા અને તેના પરિવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવો. તેમની શૈક્ષણિક, વ્યાવસાયિક તથા પારિવારિક પૃષ્ઠભૂમિ ચકાસો
- કન્યાનાં ગામડે તથા ઘરે જાતે જઈને માહિતી મેળવો
- સ્થાનિકોની સાથે વાતચીત કરો અને પરિવાર તથા વ્યક્તિ વિશે ગ્રામજનો પાસેથી માહિતી મેળવો
- ઑનલાઇન પ્રોફાઇલ તથા માહિતીની સત્યતા ચકાસો. જો કશું સંદિગ્ધ જણાય તો સતર્ક થઈ જાવ
- જો કોઈ વ્યક્તિ સમસ્યા છે એમ કહીને પૈસા માગે, તો માની લો કે ગડબડ છે
- શું કોઈ વચ્ચેના પક્ષકાર દ્વારા લગ્ન યોજાઈ રહ્યાં છે કે કેમ, તેની પણ તપાસ કરો
- વચ્ચે કોણ છે, તેમનો શું અનુભવ છે? તેમણે અગાઉ કેટલાં સફળ વેવિશાળ કરાવ્યાં છે, એ બધાં વિશે અચૂકપણે ખાતરી કરો
'ગંભીર સામાજિક સમસ્યા છે'

ગ્રામ્ય વિસ્તારમાં છોકરાઓનાં લગ્ન ન થવાં પાછળ મોટા ભાગે એવું કારણ આપવામાં આવે છે કે છોકરી તથા તેનાં માતાપિતાની ઊંચી અપેક્ષાઓ હોય છે. મોટા ભાગે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે છોકરો સારી નોકરી કરતો હોય, તેનું ઘર હોય તથા પરિવાર પ્રતિષ્ઠિત હોય.
જોકે, સામાજિક કાર્યકર રેણુકા કડ કહે છે કે આ તેનું મુખ્ય કારણ નથી.
તેઓ કહે છે, "મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં કન્યાનો જન્મદર ખૂબ જ ચિંતાજનક હદે ઘટી રહ્યો છે, જેના કારણે ઘણાં લગ્નવાંચ્છુક યુવાનોને પરણવાલાયક છોકરીઓ નથી મળતી."
"બીજી બાજુ, ગામડાં પરણનારી છોકરીઓ ગ્રામ્ય જીવનશૈલીની મર્યાદા, ખેતરમાં કામકાજ, ઘરની રૂઢિઓ અને પરંપરા તથા ઘરેલુ જવાબદારીઓ સાથે જીવવું પડે છે."
રેણુકા કડ કહે છે કે છોકરીઓ નોકરી કરે તેનો વાંધો નથી હોતો, પરંતુ તેમની પાસે ઘરની પણ સંભાળ લે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ બેવડી જવાબદારી ઘણી વખત તણાવપૂર્ણ બની રહેતી હોય છે. જેથી કરીને ભણેલી-ગણેલી છોકરીઓ શહેરમાંથી માગું આવે એની રાહ જોતી હોય છે.
યુવા લેખિકા શ્વેતા પાટીલ કહે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી વખત છોકરીઓની સ્વતંત્રતા દબાઈ જતી હોય છે, એટલે તેઓ ગામડાંમાં લગ્ન કરવાનું ટાળે છે.
બીબીસી મરાઠી માટે લખેલાં એક લેખમાં શ્વેતા પાટીલ લખે છે, "જો ગામડાં અને ગ્રામીણોનો વર્તાવ બદલાય, તો છોકરીઓનો પણ લગ્ન માટે ખેડૂતપુત્રને જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. ગામડાંના કૃષક પરિવારમાં બધું ચુસ્તતાપૂર્વક ગોઠવાયેલું હોય છે, કમસે કમ ઘરની વહુ માટે."
"મારાં દીદીનાં લગ્ન આવાં જ એક ઘરમાં થયાં, જ્યાં તેમણે સવારે પાંચ વાગ્યે જવું પડતું અને આંગણું વાળવું પડતું અને રંગોળી દોરવી પડતી. જો પિરિયડ દરમિયાન સારું ન લાગે, તો પણ તેણી મોડે સુધી ઊંઘી ન શકે, તેવા કડક નિયમ હતા."
નૅશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 (2015-2016) મુજબ, ભારતમાં માત્ર 41 ટકા મહિલાઓને જ છૂટથી હરવાફરવાની સ્વતંત્રતા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ ટકાવારી એથી પણ ઓછી છે.
શ્વેતા ઉમેરે છે, "શહેરમાં પણ કંઈ બધું સારું નથી, પરંતુ ત્યાં કમસે કમ મુક્તપણે જીવવાની તકો રહેલી છે. પુત્રવધૂ જીન્સ પહેરીને તેના પતિ સાથે મોડી રાત્રે ફિલ્મ જોવા જાય, તો સાસરિયાને ગમશે? આધુનિક અને શિક્ષિત છોકરીઓને આ બધું સ્વીકારવું મુશ્કેલ પડે છે."
શ્વેતાનું કહેવું છે, "ગ્રામ્ય પરિવારોમાં આજે પણ છોકરીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પરિવારની પરંપરાઓનું પાલન કરે, વડીલોની વાત સાંભળે અને ઘરકામ કરે."
એક તરફ આ બાબત ભાવનાત્મક આઘાત અને આર્થિક છેતરપિંડીની છે, જ્યારે બીજી બાજુ, દરેક ઉંમરમાં છોકરાનાં લગ્ન ન થવા એ સામાજિક બાબત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












