અયોધ્યા : કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલો વિકાસ 'એક વરસાદ'માં ધોવાઈ ગયો? - ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, GAURAV GULMOHAR/ BBC
- લેેખક, ગૌરવ ગુલમોહર
- પદ, બીબીસી માટે, અયોધ્યાથી
સવારના સાત વાગ્યા છે અને આકાશ વાદળોથી ઘેરાયેલો છે અને ઝરમર વરસાદ થઈ રહ્યો છે. થોડા મહિના પહેલાં જ બનીને તૈયાર થયેલો રાજપથ સૂમસામ છે.
દર્શન કરવા માટે એકલદોકલ લોકો આવી રહ્યા છે. શહેરના પ્રખ્યાત સિવિલ લાઇન્સ બસ સ્ટેશન પર મુસાફરોને રાહ જોઈ રહેલા એ રીક્ષાચાલકો ચા પી રહ્યા છે. ચા પીતાં તેઓ અયોધ્યામાં જે રીતે રસ્તાઓ ધસી રહ્યાં છે તેને લઈને ચર્ચા કરી રહ્યા છે.
અમારી મુલાકાત એ રીક્ષા ચલાવતા બબલુ સાથે થઈ. રાજમાર્ગ તરફ આંગળી ચીધીને તેઓ કહે છે કે, "સાહેબ આ રસ્તો જ નથી. આ જે ખાડા તમને દેખાય છે તે ઉદ્ઘાટન કરવાની ઉતાવળનું પરિણામ છે."
22 મી જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ ના ભવ્ય આયોજન માટે રાતોરાત આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. કોને ખબર કે તેના માટે કયા અને કેટલા પ્રમાણમાં રૉ મટિરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેઓ વધુ ઉમેરે છે કે આ રસ્તો બનાવવા માટે અમારા ઘર તોડી નાખવામાં આવ્યા હતા. અમને હજુ સુધી પૂરું વળતર પણ મળ્યું નથી. આ જ કારણ છે કે લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના ઉમેદવારની હાર થઈ છે.
22મી જૂનના રોજ જે વરસાદ થયો તેના કારણે સાદતગંજથી અયોધ્યાના નયા ઘાટ સુધી જતો રામપથ 10 કરતા વધારે જગ્યાએ તૂટી ગયો છે. રસ્તાની વચ્ચોવચ ઘણી જગ્યાએ ઊંડા અને મોટા ખાડા પડી ગયા છે. આ ખાડા સુરંગ જેવડા મોટા છે.

કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે આ રસ્તો

ઇમેજ સ્રોત, GAURAV GULMOHAR/ BBC
22મી જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં રામપથનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારી આંકડા પ્રમાણે રામપથ બનાવવા પાછળ 624 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
ઉદ્ઘાટન પહેલાં હજારો કરોડો રૂપિયાના ખર્ચે અયોધ્યાનો વિકાસ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ઘણી જગ્યાએ પાણી ભરાઈ જતાં અને રસ્તાઓ તૂટવા લાગતા વિકાસનાં કામો સામે પ્રશ્નો ઊઠી રહ્યા છે.
ઘણા સ્થાનિકોનો માનવું છે કે રામમંદિરના ઉદ્ઘાટન માટે પ્રોજેક્ટો ઝડપી રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. રસ્તાઓ જે પ્રમાણે બનવા જોઈતા હતા તે પ્રમાણે બન્યા નથી.
અયોધ્યાના વિકાસ મોડેલ પર કેમ પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, GAURAV GULMOHAR/ BBC
કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત અયોધ્યાને સુંદર અને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે વિવિધ વિકાસના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે મહત્ત્વનો સવાલ એ છે કે શું અયોધ્યામાં કરવામાં આવેલાં વિકાસનાં કામો લાંબા ગાળાનાં અને ટકાઉ મોડેલ ગણાવી શકાય?
રામમંદિરના ઉદ્ઘાટન પહેલાં સમગ્ર અયોધ્યામાં ડ્રિલ મશીન અને બુલડોઝરના અવાજ સંભળાતા હતા. પરંતુ પ્રાણપ્રતિષ્ઠા બાદ જો પ્રથમ વરસાદ આવ્યો તેના કારણે અયોધ્યામાં ચારે તરફ ઘરોમાં એકઠાં થયેલાં પાણીને બહાર કરવા કાઢવા માટે પમ્પિંગ સેટ નજરે પડે છે.
23 થી 28 જૂન વચ્ચે જે વરસાદ થયો તેના કારણે રામમંદિરના મુખ્ય ગેટ પર પાણી ભરાઈ ગયાં હતાં.
આ સિવાય જલવાનપુર ગધોપુર અને સિવિલ લાઇન્સ વિસ્તારોમાં પણ ઠેરઠેર પાણી ભરાઈ ગયાં હતાં. લોકોના ઘર ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં.
સ્થાનિક લોકો કહે છે કે સરયુ નદીના તટે વસેલા વિસ્તારોને જો છોડી દેવામાં આવે તો અયોધ્યા અને ફૈઝાબાદમાં અગાઉ ક્યારે પણ આ પ્રકારે વરસાદના પાણી ભરાયાં નથી.
રામમંદિરને પૂજારીનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, GAURAV GULMOHAR/ BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
22મી જૂને સામાન્ય વરસાદ થયો હતો જ્યાર બાદ રામમંદિરના મુખ્ય પૂજરી સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે મંદિરના ગર્ભગૃહના ધાબા પરથી પાણી ટપકી રહ્યું છે.
અમે જ્યારે આ વિશે વાત કરવા માટે ગોકુલ મંદિરના આવાસમાં રહેતા સત્યેન્દ્ર દાસને મળ્યા તો તેમણે કહ્યું કે, "હું કંઈ પણ બોલવા માટે સક્ષમ માણસ નથી. હાલમાં અહીં બોલવા જેવો માહોલ નથી. વિકાસના વિશે હું શું કહી શકું પહેલાં જ વરસાદમાં આખો રોડ ધસી ગયો."
જો કે, રામમંદિરના નિર્માણ કાર્યની દેખરેખ કરતી ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ સોશિયલ મીડિયામાં રામમંદિરના ગર્ભગૃહમાં પાણી ટપકતાં હોવાના દાવાને ખોટો ગણાવ્યો છે.
તેમણે લખ્યું ગર્ભગૃહમાં જ્યાં ભગવાન રામલાલા વિરાજમાન છે ત્યાં એક ટીપું પાણી પણ ધાબા પરથી પડ્યું નથી અને કોઈપણ જગ્યાએથી પાણી ગર્ભગૃહમાં પ્રવેશ્યું નથી.
પરંતુ જો નવા બનેલા રસ્તાની વાત કરવામાં આવે તો અયોધ્યાનું સ્થાનિક વહીવટીતંત્ર પણ સ્વીકારે છે કે વરસાદના કારણે કેટલાક રસ્તાઓમાં ખાડા પડી ગયા છે જે થવું જોઈતું નહોતું.
અયોધ્યા મહાનગરપાલિકામાં ભાજપ સત્તા પર છે. અયોધ્યાના મેયર મહંત ગિરીશપતિ ત્રિપાઠી બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "એમાં કોઈ શંકા નથી કે અયોધ્યા માટે રામપથ એક મોટી ઉપલબ્ધિ છે. આ રસ્તામાં ઍન્જિનિયરિંગની કેટલીક સમસ્યાના કારણે ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે. પરંતુ મને લાગે છે કે આમ થવું જોઈતું નહોતું. નિર્માણ કરતી વખતે કંઈક તકનીકી ગરબડી થઈ જશે જેના કારણે રોડ પર ખાડા પડી ગયા છે."
તેઓ વધુમાં ઉમેરે છે કે, "22 જાન્યુઆરીના કાર્યક્રમના કારણે આખા દુનિયામાંથી શ્રદ્ધાળુઓ અહીં આવશે એવી અપેક્ષા હતી. સમગ્ર વિશ્વની નજર અયોધ્યા પર હતી અને એટલા માટે અહીં એક સ્ટેટ ઑફ ધ આર્ટ રસ્તાની જરૂર હતી."
બની શકે કે ઉતાવળમાં બનાવવાના કારણે કોઈ તકનીકી ખામી રહી ગઈ હશે જેના કારણે શરૂઆતમાં જે વરસાદ થયો તેમાં રસ્તા પર ખાડા પડી ગયા. અમને ભરોસો છે કે યોગી સરકારમાં અમે તે ખામીઓને દૂર કરી દઈશું. આવનારા દિવસમાં વધુ તીવ્ર વરસાદ માટે અયોધ્યા તૈયાર છે.
પીડબ્લ્યુડીના ઍડિશનલ ઍન્જિનિયર ઓમપ્રકાશ વર્મા મીડિયા સાથેની વાતચીતમાં કહે છે કે, "રામપથ એ ડિફેક્ટ લાયાબિલિટી પિરિયડમાં છે. આ દરમિયાન જો કોઈ પણ સમસ્યા થાય તો રોડ બનાવનાર કંપની અથવા એજન્સી દ્વારા તેને રિપેર કરવામાં આવશે. આવતા ચોમાસામાં પીડબ્લ્યુડીના અધિકારીઓ, કર્મચારીઓ અને બાંધકામ કરનાર એજન્સી દ્વારા સતત દેખરેખ કરવામાં આવશે."
અયોધ્યાના શહેરીજનોના હાલ બેહાલ

ઇમેજ સ્રોત, GAURAV GULMOHAR/ BBC
અયોધ્યા ધામ રેલ્વેસ્ટેશન પર ઑનલાઇન બૅન્કિંગનું કામ કરતા રાજેશકુમારના ઘરની સામે ગટરનું બાંધકામ છેલ્લા એક મહિનાથી અધૂરું પડ્યું છે.
વરસાદના પાણી ભેગા થવાથી તેમના ઘર અને દુકાનમાં તિરાડો પડી ગઈ છે.
પાણી કાઢતી વખતે તેઓ બહુ નિરાશ લાગી રહ્યા છે.
સ્વાભાવિક છે હજુ તો મૉન્સૂનની પૂરેપૂરી રીતે શરૂઆત પણ થઈ નથી અને એટલા માટે જ એમનો પરિવાર ગભરાયેલો છે.
અયોધ્યાના સ્ટેશન રોડ પર જ બિલ્ડિંગ મટિરિયલની દુકાન ચલાવતા કિશોર કહે છે કે એક મહિના સુધી અહીંયા ગટર ખોદવાનું કામ ચાલુ હતું જેને હવે અધૂરું છોડી દેવામાં આવ્યું છે. દુકાનની સામે પાણી ભરાઈ જાય છે અને દુકાનની માટી ધીમે ધીમે પાણીમાં સમાઈ જાય છે.
દુકાન ક્યારે પણ ધસી શકે છે. મુખ્ય મંત્રી પૉર્ટલ પર ફરિયાદ કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અહીંયા અગાઉ ક્યારે પણ આ રીતે પાણી ભરાયું નથી પરંતુ અત્યારે બે કલાકના વરસાદમાં જ આવા હાલ થઈ જાય છે.
શહેરના સામાજિક કાર્યકર્તા ગુફરાન સિદ્દિકી છે કે, "ફૈઝાબાદ શહેર ક્યારેક અવધનું પાટનગર હતું જ્યાં જૂનાં સ્થાપત્ય અને પારંપરિક વિકાસનું મોડેલ તમને આજે પણ નજરે પડી શકે છે."
"જ્યાં સુધી મને યાદ છે આ પહેલી વખત છે જ્યારે અયોધ્યા અને ફૈઝાબાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ આ પ્રકારનું પાણી ભરાઈ ગયું હોય. આ બધું મીડિયા સામે ચમક અને ભવ્યતા દેખાડવાનું પરિણામ છે. ત્રણ મહિના પહેલાં જે કામ પૂર્ણ થયું છે તેમાં એક કિલોમીટરમાં પાંચ પાંચ ખાડા કઈ રીતે પડી જાય?"
અયોધ્યા નગરપાલિકા કચેરીમાં ભરાયાં પાણી

ઇમેજ સ્રોત, GAURAV GULMOHAR/ BBC
શહેરના રસ્તા ઉપર મોટા ખાડા ઉપરાંત રામમંદિર પરિસરના મુખ્ય દ્વાર પર પણ પાણી ભરાયાં હતાં. મંદિરની બાજુમાં જ મહાનગરપાલિકાની કચેરી અને આજુબાજુની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં.
અયોધ્યા મહાનગરપાલિકાના કર્મચારી કમલેશકુમાર ઑફિસમાં પમ્પિંગ સેટ વડે પાણી કાઢી રહ્યા હતા.
તેઓ કહે છે કે, "વરસાદમાં ક્યારેય પણ મહાનગરપાલિકાની કચેરીમાં પાણી ભરાતું નહોતું."
બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "જે આરએનસી કંપની રસ્તો બનાવી રહી હતી તેણે જૂની ગટરને માટીથી બંધ કરી દીધી છે. નવા રામપથ માટે રસ્તાની વચ્ચોવચ જે ગટર બનાવવામાં આવી છે તેને કચેરીની ગટર સાથે જોડવામાં આવી નથી તેના કારણે જરાક વરસાદમાં અહીંયા પાણી ભરાઈ જાય છે."
"અમે સતત કહેતા રહ્યા કે મુખ્ય ગટરને કચેરીના ગટર સાથે જોડી દેવામાં આવે પરંતુ તેમણે કોઈનું સૂચન માન્યું નહીં પોતાની રીતે કામ પૂર્ણ કરીને નીકળી ગયા."
રામમંદિરથી 100 મીટર દૂર આવેલા જલવાનપુર વિસ્તારમાં અગાઉ પણ વરસાદમાં મુશ્કેલીઓ આવતી હતી. પરંતુ પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા આવી પડશે તેવું અહીંયા કોઈએ વિચાર્યું નહોતું.
કિરણ જલવાનપુરમાં ભાડાના મકાનમાં દુકાન ચલાવે છે. તેમની દુકાન પણ પાણીથી ભરેલી છે.
તેઓ કહે છે કે, "પહેલાં તેમની ચા-નાસ્તાની દુકાન રામમંદિરની બાજુમાં રામપથ પર હતી, પરંતુ રોડ પહોળો કરતી વખતે તેમની 60 ફૂટ લાંબી અને 13 ફૂટ પહોળી દુકાન તોડી પાડવામાં આવી હતી."
તેઓ વધુમાં જણાવે છે કે, "આખો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. મારી દુકાનમાં એક ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. અમે ખાવાનું કેવી રીતે રાંધીએ, સામાન લેવા કેવી રીતે જઈએ? કોઈ રસ્તો જ બચ્યો નથી. વહીવટીતંત્ર તરફથી કોઈ સાંભળનાર નથી."

ઇમેજ સ્રોત, Gaurav Gulmohar/BBC
પદ્માવતી જલવાનપુરની બીજી ગલીમાં પોતાના ત્રણ માળના મકાનમાં ધર્મશાળા ચલાવે છે. પદ્માવતી યાત્રીઓની રાહ જોઈને દરવાજા પર ઊભાં છે.
ગંદાં કાળાં પાણીથી ભરેલી ગલીમાં મને દૂરથી આવતો જોઈને પદ્માવતીએ વિચાર્યું કે કદાચ હું તીર્થયાત્રી છું અને ભાડા પર રૂમ શોધી રહ્યો છું.
પરંતુ જ્યારે તેમને ખબર પડી કે હું તીર્થયાત્રી નથી ત્યારે તેઓ નિરાશ થઈ ગયાં.
પદ્માવતી કહે છે કે, "આ વર્ષે બે વાર વરસાદ પડ્યો. બંને વખત ઘરોમાં પાણી ભરાઈ ગયું. ધર્મશાળામાં આવેલા પ્રવાસીઓ ચાલ્યા ગયા. ત્યાર બાદ અન્ય કોઈ પ્રવાસીઓ આવ્યા નહીં. અમારી આખી ધર્મશાળા ખાલી છે."
રામમંદિરના નિર્માણથી ખુશીના સવાલ પર પદ્માવતી કહે છે કે, "રામમંદિર આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના નામ પર બધા આટલા ખુશ છે, પરંતુ અમને શું જોઈએ છે, એનું શું? એટલું જ ને કે અહીં અમારા માટે ગટર બનાવવામાં આવે જેથી પાણી બહાર નીકળી જાય."
હાલમાં અયોધ્યાના સમગ્ર વિકાસમાં મોટી તકનીકી ભૂલ છે કે પછી તે માત્ર વરસાદની અસર છે તે વિશે કંઈપણ કહેવું કોઈના માટે સરળ નથી.
સત્તા પક્ષ વરસાદ બાદ સર્જાયેલી અરાજકતાને ક્ષણિક ગણાવી રહ્યો છે તો વિપક્ષ તેને મોટી ભૂલ ગણાવી રહ્યો છે.
કેગ દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા

ઇમેજ સ્રોત, GAURAV GULMOHAR/ BBC
સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ પારસનાથ યાદવ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "હિંદુ ધર્મમાં એવું લખવામાં આવ્યું છે કે કોઈ પણ અધૂરા મંદિરમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ નહીં. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાં રાજકીય લાભ લેવા માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું."
તેઓ કહે છે, "બધી વસ્તુઓને બીજા સ્થાને મૂકવામાં આવી હતી. રસ્તાઓ ફાટી રહ્યા છે, ગટરો તૂટી રહી છે, બાઉન્ડ્રી તૂટી રહી છે. આ બધું તેનું પરિણામ છે."
અયોધ્યામાં રહેતા પ્રોફેસર અનિલકુમાર સિંઘ ઉતાવળ અને બિનકાર્યક્ષમ ઍન્જીનિયરિંગને રસ્તા પર પાણી ભરાઈ જવાનું મુખ્ય કારણ માને છે.
તેઓ કહે છે કે, "આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આ માટે કોઈ નિષ્ણાતની મદદ લેવામાં આવી નથી અને ઉતાવળમાં કામ કરવામાં આવ્યું છે. મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું હતું અને ઘણું કાર્ય કામચલાઉ કરાયું છે."
ગયા વર્ષે ચોમાસુંસત્રમાં લોકસભામાં રજૂ કરાયેલા કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (CAG)ના રિપોર્ટમાં અયોધ્યામાં શરૂ થયેલી અનેક પરિયોજના પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.












