'હર હર મોદી'નો વિરોધ કરનાર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી 'સરકારી સાધુ' કેમ કહેવાતા?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, વિભુરાજ
- પદ, બીબીસી સંવાદદાતા
"દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના નિધનથી અત્યંત દુઃખી છું. આ શોકના સમયમાં તેમના અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ."
"શ્રી દ્વારકા-શારદા પીઠના અને જ્યોતિર્મથ પીઠના જગતગુરુ શંકરાચાર્ય શ્રદ્ધેય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના બ્રહ્મલીન થવાથી સંત સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. પ્રભુ શ્રી રામ દિવંગત પુણ્યાત્માને તેમના પરમધામમાં સ્થાન આપે અને શોકાકૂળ હિન્દુ સમાજને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ."
આ બંને શોક સંદેશામાં, પ્રથમ શ્રદ્ધાંજલિ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની છે.
દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી માટે લખાયેલા આ શોક સંદેશા પરથી તેમનું કદ અને મહત્ત્વનો અંદાજ મેળવી શકાય છે.
રવિવારે મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં તેમના જ આશ્રમમાં 99 વર્ષની વયે તેમનું અવસાન થયું. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીને સોમવારે ભૂ-સમાધિ આપવામાં આવી હતી.
તેમની તબિયત એક વર્ષથી ઠીક નહોતી. સ્વરૂપાનંદ સરસ્વતીના અનુયાયીઓએ તાજેતરમાં તેમનો 99મો જન્મદિવસ ઉજવ્યો હતો.

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY IMAGES

સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી કોણ હતા?

- દ્વારકા, શારદા અને જ્યોતિષ પીઠના શંકરાચાર્ય હતા
- મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના દિઘોરી ગામમાં જન્મ
- 1950માં દંડી સંન્યાસી બન્યા હતા
- 1981માં શંકરાચાર્ય બન્યા
- સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો, બનારસ અને મધ્યપ્રદેશની જેલોમાં રહ્યા
- 11 સપ્ટેમ્બર, 2022ના રોજ મધ્યપ્રદેશના નરસિંહપુરમાં 99 વર્ષની વયે દેહાંત
મધ્યપ્રદેશના સિવની જિલ્લાના દિઘોરી ગામમાં કનૈયાકુબ્જ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા સ્વરૂપાનંદ સરસ્વતીનું પ્રારંભિક નામ પોથીરામ ઉપાધ્યાય હતું.
કહેવાય છે કે ઈશ્વરની શોધમાં તેણે નવ વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. તેમણે બનારસમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, તેઓ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જેલમાં પણ ગયા હતા.
જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય બ્રહ્માનંદ સરસ્વતીના શિષ્ય રહેલા સ્વરૂપાનંદ સરસ્વતીએ 50ના દશકમાં સંન્યાસ લીધો હતો. તેઓ 1981માં શંકરાચાર્ય બન્યા હતા.
તેઓ હિંદુ ધર્મના અન્ય શંકરાચાર્યો કરતાં રાજકીય રીતે વધુ જાગૃત માનવામાં આવતા હતા.

વિરોધાભાસ

ઇમેજ સ્રોત, ANI
રાજકીય જાગૃતિને બાજુ પર રાખીએ તો ઘણા મુદ્દાઓ પર તેમના વિચારો સામે સવાલો પણ ઊભા થયા હતા.
તેઓ જાતિ વ્યવસ્થામાં માનતા હતા અને કોઈને અસ્પૃશ્ય કહેવા સામે તેમને વાંધો નહોતો. તેઓ વિધવા પુનઃલગ્નના પણ વિરોધી હતા.
વર્ષ 2016માં, જ્યારે તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉજ્જૈનમાં ચાલી રહેલા સિંહસ્થ મહાકુંભ દરમિયાન પ્રથમ વખત દલિતો માટે અલગ સમરસતા સ્નાનનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો, ત્યારે સ્વરૂપાનંદ સરસ્વતીએ તેને એક નાટક ગણાવ્યું હતું.
જોકે ઝારખંડના સિંઘભૂમ જિલ્લામાં તેમના આશ્રમમાં આદિવાસી ખ્રિસ્તીઓને હિંદુ ધર્મમાં પાછા લાવવામાં સ્વરૂપાનંદ સરસ્વતીના વ્યક્તિત્વનું બીજું પાસું પણ સામે આવે છે.
તેઓ રાજનેતાઓને રામમંદિરના નિર્માણથી દૂર રાખવા માગતા હતા પરંતુ રાજકારણમાં ધર્મની દખલના વિરોધમાં ક્યારેય નહોતા.
વરિષ્ઠ પત્રકાર અનિલ જૈનનું કહેવું છે કે તેઓ કૉંગ્રેસની નજીક હતા અને પંડિત નહેરુથી લઈને કૉંગ્રેસના ઘણા વડા પ્રધાન તેમની પાસે આશીર્વાદ લેવા આવતા રહેતા હતા.

કૉંગ્રેસની નજીક અને દૂર?

ઇમેજ સ્રોત, ANI
સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમની ભાગીદારીના કારણે કેટલાક લોકો તેમને 'ક્રાંતિકારી સાધુ' કહેતા હતા, જ્યારે તેમના વિરોધીઓનો એક વર્ગ તેમને 'સરકારી સાધુ' કહેતો હતો. અને તેનું કારણ હતું રામમંદિર આંદોલન દરમિયાન કૉંગ્રેસ પાર્ટી સાથેની તેમની નિકટતા. તે સમયે, તેમની ગણના દેશના સૌથી પ્રભાવશાળી ધાર્મિક હસ્તીમાં થતી હતી.
80ના દાયકામાં ઇન્દિરા ગાંધીએ નરસિંહપુર જિલ્લાના જોતેશ્વર ગામમાં તેમના દ્વારા નિર્મિત શિવમંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે ઇન્દિરા ગાંધીને પુરીના જગન્નાથ મંદિરમાં જતા રોકવામાં આવ્યા ત્યારે ઇન્દિરા ગાંધીએ તેમના રાજકીય સચિવને તેમની પાસે મોકલ્યા હતા.
કહેવાય છે કે 1985માં રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદનું તાળું ખોલતા પહેલાં તેમની સલાહ પણ લીધી હતી. પરંતુ એક સમય એવો પણ હતો કે 50ના દાયકામાં તેમણે બિનકૉંગ્રેસવાદનો ઝંડો પકડ્યો હતો ત્યારે તેઓ 1954 થી 1970ની વચ્ચે ગૌહત્યા પર પ્રતિબંધની માગણી કરતા આંદોલનના સંબંધમાં ત્રણ વખત જેલમાં ગયા હતા.
વર્ષ 2017માં જ્યારે કૉંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ કેરળમાં બીફ પાર્ટીનું આયોજન કર્યું ત્યારે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રાહુલ ગાંધીને ફોન કરીને તેના પર નારાજગી વ્યક્ત કરી હતી.

રામમંદિર મુદ્દે વિહિપ સાથે મતભેદ

ઇમેજ સ્રોત, RITESH SHUKLA/NURPHOTO VIA GETTY IMAGES
વિશ્વ હિંદુ પરિષદ અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી બંને અયોધ્યા મુદ્દે રામમંદિરના નિર્માણના પક્ષમાં હતા, પરંતુ તેમ છતાં બંને વચ્ચે ભારે મતભેદો હતા.
વરિષ્ઠ પત્રકાર અનિલ જૈન કહે છે, "સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી સ્વતંત્રતા ચળવળ સાથે સંકળાયેલા હતા. આ કારણે તેઓ ક્યારેય વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કટ્ટરપંથી વિચારધારા સાથે સહમત ન હતા. તેઓ વિહિપ અને આરએસસની રામમંદિર આંદોલનમાં ભૂમિકાને સંપૂર્ણપણે રાજકીય માનતા હતા. તેમનું કહેવું હતું કે તેને મત મેળવવાનું માધ્યમ ન બનાવવું જોઈએ."
સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવવાનો વિરોધ કર્યો હતો.
વરિષ્ઠ પત્રકાર અનિલ જૈન કહે છે, "એટલે જ ભાજપ અને આરએસએસના લોકોએ તેમને કૉંગ્રેસીના નજીક કહેવાનું શરૂ કરી દીધુ હતું. વિહિપ અને આરએસસ જે રીતે અન્ય શંકરાચાર્યોને આદર આપતા હતા, તેટલું સન્માન તેમને ક્યારેય આપ્યું નથી."
જ્યારે બીબીસીના પત્રકાર સૌતીક બિસ્વાસે તેમને ઈન્ડિયા ટુડે મેગેઝિન માટે જુલાઈ 1993માં રામમંદિર નિર્માણના મુદ્દા પર વિશ્વ હિન્દુ પરિષદના દાવા અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમનો જવાબ હતો, "વિહિપ માટે રામમંદિર એ માત્ર સત્તા મેળવવાનો રસ્તો છે. પરંતુ અમારા માટે તે લક્ષ્ય છે."

ભાજપ અંગેનો દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, SONU MEHTA/ HINDUSTAN TIMES VIA GETTY IMAGES
સ્વરૂપાનંદ સરસ્વતી અને ભાજપ વચ્ચે કોઈ બાબતે એકમત થયા હોય એવું ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે છે.
જ્યારે ભાજપે વારાણસીમાં 'હર હર મોદી'નો નારો આપ્યો ત્યારે તેનો વિરોધ કરનારાઓમાં સ્વરૂપાનંદ સરસ્વતી પણ સામેલ હતા.
મે 2015માં તેમણે કહ્યું હતું કે પીએમ મોદીના ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવાના દાવા છતાં દેશમાં લાંચ વધી રહી છે. સમાજના નૈતિક મૂલ્યોના પતનને કારણે આવું થઈ રહ્યું છે.
વર્ષ 2018માં ભાજપની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ભાજપ અને આરએસએસે તાજેતરનાં વર્ષોમાં હિન્દુ ધર્મના આદર્શોને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે એ આશ્ચર્યજનક છે કે આરએસએસના વડા મોહન ભાગવત હિન્દુત્વ વિશે કંઈ જ નથી જાણતા.
તેમણે બીફના ધંધામાં ભાજપના કેટલાક નેતાઓની કથિત સંડોવણી અંગે પણ વ્યંગ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપના નેતાઓ ગોમાંસના સૌથી મોટા નિકાસકારો છે અને આ એ જ બેવડા ચહેરાવાળો ભાજપ છે જે ગોહત્યાવિરોધી હોવાનો ઢોંગ કરે છે.

જ્યોતિર્મઠ પીઠનો વિવાદ

ઇમેજ સ્રોત, SHEERAZ RIZVI/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
સ્વામી વાસુદેવાનંદ 1960ના દાયકામાં શરૂ થયેલી બદ્રીનાથની જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય પદના દાવા માટેની લડાઈને 1989માં નીચલી અદાલતમાં હાર્યા બાદ અલ્હાબાદ હાઈકોર્ટમાં લઈ ગયા.
ઉત્તરાખંડ રાજ્યની રચના પછી પણ આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલુ રહી.
આ કેસમાં રસપ્રદ વાત એ હતી કે એક તરફ સ્વામી સ્વરૂપાનંદને કૉંગ્રેસનું સમર્થન હતું તો બીજી તરફ સ્વામી વાસુદેવાનંદને વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીનું સમર્થન હતું.
સપ્ટેમ્બર 2017માં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સાથે 57 વર્ષ લાંબી કોર્ટ લડાઈનો અંત આવ્યો. જો કે, જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય પદ પરના તેમના દાવા અંગેનો વિવાદ સતત ચાલતો રહ્યો હતો.
જોકે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના દેહાવસાન બાદ તેમની સમાધિ પહેલા સોમવારે ઉત્તરાધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદને જ્યોતિષ પીઠ બદ્રીનાથ અને સ્વામી સદાનંદને દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય બનાવવામાં આવ્યા છે. તેમના નામની જાહેરાત શંકરાચાર્યના પાર્થિવ દેહની સામે જ કરવામાં આવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













