એફ-16 : અમેરિકાએ પાકિસ્તાનને જે મદદ કરી એની ભારત સાથેના સંબંધો પર કેવી અસર પડશે?

ઇમેજ સ્રોત, EPA/OLIVIER HOSLET
- લેેખક, માનસી દાસ
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાની બાઇડન સરકારે પાકિસ્તાનને આપેલા એફ-16 યુદ્ધવિમાનોની જાળવણી માટે વિશેષ સસ્ટેનમેન્ટ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે.
ડિફેન્સ સિક્યૉરિટી કો-ઑપરેશન એજન્સી (ડીએસસીએ)એ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ પ્રોગ્રામ અંતર્ગત પાકિસ્તાન સરકાર પાસે પહેલાંથી હાજર એફ-16 વિમાનોનું સમારકામ કરવામાં આવશે અને ઉપકરણો પણ આપવામાં આવશે.
જોકે, તેમાં વિમાનોમાં નવી કાર્યક્ષમતાની કોઈ યોજના નથી અને તેની સાથે જોડાયેલાં નવાં હથિયારો પણ આપવામાં નહીં આવે.
નિવેદન પ્રમાણે, તેનાથી આતંકવાદ વિરુદ્ધના અભિયાનમાં પાકિસ્તાનને મદદ મળશે. જોકે, અમેરિકાનું એવું પણ કહેવું છે કે આનાથી ક્ષેત્રના સૈન્યસંતુલન પર કોઈ અસર નહીં પડે.

ભારતની પ્રતિક્રિયા
મીડિયા અહેવાલો અનુસાર ભારતે પાકિસ્તાન સાથેની એફ-16 સમજૂતીને લઈને ભારે વાંધો નોંધાવ્યો છે.
અંગ્રેજી સમાચારપત્ર ધ હિંદુ પ્રમાણે ગત દિવસોમાં અમેરિકાના અધિકારી ડોનાલ્ડ લૂ ભારતના પ્રવાસે હતા અને તે દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે આ મુદ્દે અનેકવાર વાંધો નોંધાવ્યો હતો.
અખબારે પોતાના અહેવાલમાં લખ્યું છે કે અધિકારીઓએ ડોનાલ્ડ લૂ સાથે થયેલી દરેક દ્વિપક્ષીય બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ડોનાલ્ડ લૂ 'ક્વૉડ'ના વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં સામેલ થવા દિલ્હી આવ્યા હતા.
'ધ હિંદુ'ના રિપોર્ટ પ્રમાણે ભારતીય પક્ષે એ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે કે એફ-16 માટે પાકિસ્તાનને ટેકનિકલ સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક તરફ પાકિસ્તાન એ દાવો કરી રહ્યું છે કે આતંકવાદવિરોધી કાર્યવાહી માટે સહાયતા જરૂરી છે, ત્યારે બીજી તરફ ભારત સરકારનું કહેવું છે કે પાકિસ્તાન આ વિમાનોનો ઉપયોગ તેની વિરુદ્ધ અભિયાનમાં કરશે.
'ઇકૉનૉમિક ટાઇમ્સ'માં છપાયેલા રિપોર્ટ પ્રમાણે ભારત સરકાર એ માને છે કે આ સમજૂતીથી સંબંધો પર અસર નહીં પડે.
રિપોર્ટ પ્રમાણે ભારત એ વાતે નારાજ છે કે અમેરિકાએ તેને આ નીતિગત નિર્ણય વિશે અગાઉથી જણાવ્યું નથી અને આ નિર્ણયથી ભારતની સુરક્ષા પર અસર પડી શકે છે.


સમજૂતીમાં શું-શું સામેલ છે?

આ સમજૂતી પહેલાંથી વેચવામાં આવેલાં એફ-16ની જાળવણી પર લાગુ થશે જેથી વિમાન ઉડાન ભરવાની સ્થિતિમાં રહે
અમેરિકા પ્રમાણે, તેના માટે પાકિસ્તાને અમેરિકા પાસે અરજી કરી હતી
સમજૂતી પ્રમાણે વિમાનના ઍન્જિનમાં હાર્ડવેર અને સૉફ્ટવેર મૉડિફિકેશન કરવામાં આવશે
ઍન્જિનના સમારકામ અને જરૂર પડતાં પાર્ટ્સ લગાવવામાં આવશે
વિમાનો માટે સપોર્ટ ઇક્વિપમૅન્ટ આપવામાં આવશે
નિવેદન અનુસાર આ સમજૂતી અંદાજિત 45 કરોડ ડૉલરની હશે અને આ સમજૂતીને પૂર્ણ કરશે લૉકહીડ માર્ટિન નામની કંપની

છેલ્લાં ચાર વર્ષોમાં પાકિસ્તાન માટે અમેરિકાનો આ સૌથી મહત્ત્વપૂર્ણ સંરક્ષણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
વર્ષ 2018માં બાઇડન પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ત્રણ અબજ ડૉલરની સંરક્ષણ સહાયને રદ કરી દીધી હતી.
તેમનું કહેવું હતું કે પાકિસ્તાન અફઘાન તાલિબાન અને હક્કાની નેટવર્ક જેવાં જૂથો પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે.
અમેરિકાએ પાકિસ્તાન સિવાય બહેરીન, બેલ્જિયમ, ઇજિપ્ત, તાઇવાન, ડેનમાર્ક, નેધરલૅન્ડ્સ, પૉલેન્ડ, પોર્ટુગલ, થાઇલૅન્ડ જેવા દેશોને એફ-16 વિમાન આપ્યાં છે.
બીજી તરફ તેણે ભારત સાથે અપાચે હેલિકૉપ્ટર માટે સમજૂતી કરી છે અને ભારત સાથે તેનો મોટો ડિફેન્સ પાર્ટનરશિપ પ્રોગ્રામ પણ છે.
હથિયારોની આયાતને જોવામાં આવે તો ભારત અમેરિકાની સરખામણીએ રશિયા પાસેથી વધારે હથિયાર ખરીદતું આવ્યું છે. પરંતુ હાલના દિવસોમાં અમેરિકા પાસેથી અને બીજા દેશો પાસેથી પણ ભારતની શસ્ત્રખરીદી વધી છે.

ભારત-અમેરિકાના સંબંધો પર શું અસર પડી શકે?

અમેરિકાની વિદેશ નીતિમાં ભારતનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે.
બંને દેશો મહત્ત્વના મુદ્દાઓ પર ભાગીદારી કરે છે. જી-20, ક્વૉડ, ઇન્ડો પૅસેફિક ફ્રેમવર્ક જેવી ફોરમમાં સાથે છે પરંતુ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો કોઈથી છૂપાયેલા નથી.
એવામાં અમેરિકાના આ પગલાને ભારત કૂટનીતિની રીતે જુએ એ સ્વાભાવિક છે. કેમ કે ભારત નથી ઈચ્છતું કે અમેરિકા પાકિસ્તાન સાથે કોઈ પ્રકારની સંરક્ષણ સમજૂતી કરે. પણ શું એની ભારત અને અમેરિકાના સંબંધો પર અસર પડી શકે છે?
વિદેશ બાબતોના જાણકાર મનોજ જોશી કહે છે કે ભારત ઇચ્છે કે ન ઇચ્છે, તેણે દરેક સ્થિતિમાં અમેરિકાના આ નિર્ણયને માનવો પડશે.
તેઓ કહે છે, "પાકિસ્તાન એ દેખાડી ચૂક્યું છે કે તેની સ્થિતિના કારણે વ્યૂહાત્મક રૂપે તે મહત્ત્વપૂર્ણ છે અને તેને કોઈ અવગણી શકે તેમ નથી. વચ્ચે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે થોડા સંબંધો બગડ્યા હતા. પરંતુ અમેરિકાનો આ નિર્ણય એ વાતનો સંકેત છે કે સંબંધોમાં સુધારો આવી રહ્યો છે અને બંને દેશ સારા સંબંધો વિકસાવવા માટે તૈયાર છે."
તેઓ કહે છે, "અમેરિકા નથી ઇચ્છતું કે એ માત્ર ભારતનો પક્ષ લે અને અફઘાનિસ્તાન, મધ્ય-એશિયા, ઈરાન સાથે જોડાયેલા પાકિસ્તાન જેવા મહત્ત્વના દેશની અવગણના કરે. હવે અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરી સત્તા પર છે અને અમેરિકાએ અહીંથી બહાર જવું પડ્યું છે. તે ઇચ્છે છે કે એશિયામાં એવી જગ્યાએ પોતાનો પગદંડો રાખે કે જ્યાંથી તે અફઘાનિસ્તાન પર અને અહીંની ક્ષેત્રીય ભૌગોલિક રાજનીતિ પર પણ નજર રાખી શકે."
મનોજ જોશી કહે છે, "રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના શરૂ થયું ત્યારથી અમેરિકા ભારતના વલણને લઈને ખુશ નથી. ઘણી વખત અમેરિકાના નેતાઓએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું છે. ભારત અમેરિકાનાં હિતોને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક પગલાં ભરે છે અને અમેરિકા પણ ભારતના કેટલાક નિર્ણયોની અવગણના કરી રહ્યું છે. પરંતુ હવે તેણે નક્કી કર્યું છે કે પાકિસ્તાન સાથે તેમના સ્થિર સંબંધો વિકસી શકે છે."

ક્યારે અને કેવી રીતે બન્યું F-16?

1972માં જ્યારે લાઇટ ફાઇટર જેટ જરૂરિયાત ઊભી થઈ ત્યારે 'જનરલ ડાયનમિક્સ' નામની કંપનીએ એફ-16 વિમાન બનાવ્યું. વિમાનનું નામ હતું 'ફાઇટિંગ ફેલ્કન' એટલે કે એફ-16
આ સિંગલ સીટ, સિંગલ ઍન્જીન ધરાવતાં જેટ વિમાન હતાં જે અવાજની ગતિ કરતાં બમણી સ્પીડથી ઊડી શકતાં હતાં અને ઘણા પ્રકારની મિસાઇલો, બૉમ્બ લઈ જવા સક્ષમ હતાં
આ કંપની બાદમાં 'લૉકહીડ માર્ટિન કો-ઑપરેશન'નો ભાગ બની ગઈ અને અમેરિકન વાયુસેનામાં આ વિમાનનો પહેલો જથ્થો 1978માં પહોંચ્યો

આ મામલે સંરક્ષણ નિષ્ણાત સુશાંત સરીન કહે છે, "અમેરિકા આ મુદ્દે કૂટનીતિ વાપરી રહ્યું છે. અમેરિકા કહેતું આવ્યું છે કે તે ભારતનું ખૂબ સારું મિત્ર છે. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને લઈને તે ભારતના વલણથી નારાજ છે. કેમ કે ભારતે રશિયા સાથે સંબંધ યથાવત્ રાખ્યા છે."
તેઓ કહે છે, "આ પગલું ઉઠાવીને તે ઇશારો કરી રહ્યું છે કે જો તમે તમારા હિસાબે રમશો, તો અમે પણ પાકિસ્તાનને પોતાની રમતમાં સામેલ કરી શકીએ છીએ. બસ ફેર એટલો છે કે આ તેમનો સંકીર્ણ દૃષ્ટિકોણ છે કેમ કે પાકિસ્તાન ચીનની નજીક જઈ રહ્યું છે અને અમેરિકા અને ચીનના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. તેવામાં અમેરિકા માટે ચીનના એક મિત્ર તરફથી હાથ આગળ કરવો અને ભારતને નારાજ કરવું મને ખાસ સમજાતું નથી. તેની અસર બંને વચ્ચેના વિશ્વાસ પર પડી શકે છે."
આ તરફ સંરક્ષણ નિષ્ણાત રાહુલ બેદી કહે છે, "ભારત માટે આ થોડી વિચિત્ર સ્થિતિ હશે કેમ કે ટ્રમ્પે 2018માં પાકિસ્તાન સાથે સમજૂતી રદ કરી દીધી હતી. પરંતુ બાઇડન પ્રશાસનના આ નિર્ણયથી લાગે છે કે તેઓ પાકિસ્તાન તરફ ઝૂકી રહ્યા છે. 45 કરોડ ડૉલરની સમજૂતી એ વાતનો સંકેત છે કે ત્રણ-ચાર વર્ષથી પાકિસ્તાન સાથે તેના જે સંબંધો બગડી રહ્યા હતા તે હવે સુધારાના રસ્તે છે."
તેઓ કહે છે, "ભારતની કૂટનીતિ પ્રમાણે એ અમેરિકાને પોતાનું મિત્ર ગણે છે. તે ભારતનું મિત્ર તો છે પરંતુ પાકિસ્તાન સાથે પણ સંબંધ રાખવા માગે છે. તેનાથી ભારતની કૂટનીતિને ઝાટકો લાગશે."


ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનને એફ-16 વિમાન ક્યારે અને કેવી રીતે મળ્યાં?

પાકિસ્તાને સૌથી પહેલાં વર્ષ 1981માં અમેરિકા પાસેથી એફ-16 વિમાન ખરીદ્યાં હતાં. આ એ સમય હતો, જ્યારે સોવિયટ સંઘે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો
જોકે, બાદમાં અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો બગડ્યા તથા પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ પર ચિંતા વ્યક્ત કરતાં 28 વિમાનોની ખરીદી પર રોક લગાવી દેવાઈ. ચિંતા વ્યક્ત કરાઈ હતી કે પાકિસ્તાન આ વિમાનોનો ઉપયોગ પરમાણુ હુમલા માટે કરી શકે છે
જોકે, આ માટે પાકિસ્તાન પહેલાંથી જ અમેરિકાને 65.8 કરોડ ડૉલર આપી ચૂક્યું હતું, જે પછી અમેરિકાએ તેને પરત કરી દીધા
વર્ષ 2001માં પરિસ્થિતિ બદલાઈ. 9/11ની ઘટના બાદ અમેરિકા માટે એશિયા, ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિદેશનીતિમાં ખૂબ મહત્ત્વનાં રાષ્ટ્રો બની ગયાં. એ વખતના પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે આતંકવાદ વિરુદ્ધ અભિયાનમાં અમેરિકાનો સાથ દેવાનો વાયદો કર્યો હતો
અમેરિકાએ પાકિસ્તાનને લઈને જે રોક લગાવી હતી, તેને હઠાવી અને 18 આધુનિક એફ-16 વિમાન પાકિસ્તાનને વેચ્યાં. સાથે જ પહેલાંથી આપેલો વિમાન માટેનો સપોર્ટ ચાલુ રાખ્યો
વર્ષ 2011માં એફ-16 સહિત સી-130, ટી-37 અને ટી-33 વિમાનોની ફાજલ વસ્તુઓ માટે 6.2 કરોડ ડૉલરની સમજૂતીને મંજૂરી આપવામાં આવી હતી
વર્ષ 2016માં અમેરિકાએ પાકિસ્તાન સાથે આશરે 70 કરોડ ડૉલરની સમજૂતી કરી હતી જેના અંતર્ગત તેને આઠ એફ-16 બ્લૉક 52 વિમાન વેચવામાં આવ્યાં હતાં
વર્ષ 2019માં પાકિસ્તાનની વિનંતી પર એફ-16 પ્રોજેક્ટમાં ટેકનિકલ મદદ માટે ટેકનિકલ સિક્યૉરિટી ટીમ માટે સાડા 12 કરોડ ડૉલરની સમજૂતીને મંજૂરી આપવામાં આવી


રફાલની સરખામણીએ એફ-16 કેટલું શક્તિશાળી?

ઇમેજ સ્રોત, JOE GIDDENS/PA WIRE
પરંતુ સવાલ એ ઉઠે છે કે હવે જ્યારે અમેરિકા પાકિસ્તાન સાથે આ વિમાનોને કામ કરવાની સ્થિતિમાં જાળવી રાખવા માટે તૈયાર થઈ ગયું તો તેની આખા ક્ષેત્ર પર શું અસર પડશે?
સવાલ એ પણ છે કે આ સમજૂતીની અસર શું પાકિસ્તાનની સૈન્યશક્તિ પર પડશે?
ભારત પાસે પણ યુદ્ધવિમાનોનો એક મોટો જથ્થો છે જેમાં આધુનિક રફાલ વિમાન પણ સામેલ છે. ભારતે એ વિમાનો ફ્રાન્સ પાસેથી ખરીદ્યાં છે. રફાલની સરખામણીએ એફ-16 કેટલાં શક્તિશાળી છે?
રાહુલ બેદી જણાવે છે, "એફ-16 3.5 જનરેશન ઍરક્રાફ્ટ છે જ્યારે રફાલ 4.5 જનરેશન ઍરક્રાફ્ટ છે, જે વધારે ઉત્તમ છે. એફ-16ની સરખામણી સુખોઈ-30 અને મિરાજ 2000 સાથે પણ કરી શકીએ છીએ."
તેઓ કહે છે, "અમેરિકાએ નિવેદનમાં કહ્યું છે કે આનાથી આ ક્ષેત્રના સૈન્યસંતુલન પર ખાસ અસર નહીં પડે કેમ કે આ સપોર્ટ પૅકેજ છે, હથિયારોની નવી સમજૂતી નથી. પાકિસ્તાન જૂના વખતથી એફ-16 ચલાવી રહ્યું છે."

પાકિસ્તાન પાસે કેટલા એફ-16 છે?

ફૉરેન પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એરૉન સ્ટીન અને રૉબર્ટ હૈમિલ્ટનના વર્ષ 2020ના એક મહત્ત્વપૂર્ણ રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન પાસે કુલ 85 એફ-16 વિમાન છે
તેમાંથી 66 જૂના બ્લૉક 15નાં છે અને 19 આધુનિક બ્લૉક 52 મૉડલ છે
આ રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી પાકિસ્તાન એફ-16 વિમાનોની જાળવણી પર 3 અબજ ડૉલર કરતાં વધારે ખર્ચ કરી ચૂક્યું છે


ઇમેજ સ્રોત, EPA
એક સવાલ એ પણ છે કે શું અમેરિકા અને ચીનના કથળી રહેલા સંબંધોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન અમેરિકા સાથે સંબંધ સુધારવાનું ચાલુ રાખશે?
મનોજ જોશી કહે છે, "એ વાત સાચી છે કે પાકિસ્તાન એક તરફ અમેરિકા પાસેથી હથિયાર લેશે અને ચીન પાસેથી પણ હથિયાર લેવાનું ચાલુ રાખશે, કેમ કે અમેરિકા તેને દરેક પ્રકારનાં હથિયાર નહીં આપે. જોકે, અમેરિકાને તેનો પહેલાંથી અંદાજ છે પણ તેને પાકિસ્તાન પર ભરોસો છે કે તે એક હદ કરતાં વધારે આગળ નહીં જાય અને તે અમેરિકા વિરુદ્ધ કંઈ નહીં કરે."
જોકે, તેઓ એમ પણ કહે છે કે ભારત માટે મામલો હાલ એટલો ગંભીર જણાતો નથી.
તેઓ ઉમેરે છે, "પાકિસ્તાનના મામલે અમેરિકા ખૂબ સમજી વિચારીને પગલાં ભરશે અને ભારત માટે મામલો ત્યારે ગંભીર બનશે કે જ્યારે અમેરિકા પાકિસ્તાનને નવાં હથિયારો આપશે."
આ તરફ રાહુલ બેદી કહે છે, "અમેરિકાના આ નિર્ણયથી પાકિસ્તાનની સેના વધારે મજબૂત બનશે એવું નથી. પરંતુ તેને આત્મવિશ્વાસ મળશે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં એવો વિચાર વહેતો થયો હતો કે અમેરિકાએ પાકિસ્તાનને છોડી દીધું છે. પરંતુ અમેરિકાના આ પગલાએ સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનના તેની સાથે જ સંબંધો જાળવી રાખવાના પ્રયાસો સફળ થઈ રહ્યા છે."
તેઓ કહે છે, "મને લાગે છે કે આ શરૂઆત છે. આગામી સમયમાં પણ અમેરિકા પાકિસ્તાનને સમર્થન આપવાનું ચાલુ રાખશે. અમેરિકા વધારે એફ-16 પાકિસ્તાનને આપશે કે નહીં આપે એ તો ખબર નહીં પરંતુ એ નક્કી છે કે બંનેના સંબંધો સુધરશે."

જ્યારે એફ-16 મામલે વિવાદથયો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
2019માં 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાને ભારત-પાકિસ્તાન સરહદ નજીક એફ-16 વિમાનનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ભારતીય વાયુસેનાના એક મિગ-21 બાઇસને પાકિસ્તાનના એક એફ-16ને નૌશેરા સેક્ટરમાં તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો હતો.
તેના એક દિવસ પહેલાં 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ રાતના અંધારામાં નિયંત્રણરેખા પાર કરીને બાલાકોટમાં જૈશ-એ-મહમદના 'ટ્રેનિંગ કૅમ્પો' પર 'સર્જિકલ સ્ટ્રાઇક' કર્યાનો દાવો કર્યો હતો.
ત્યારબાદ એવા સમાચાર આવ્યા કે અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ પાકિસ્તાનના એફ-16 વિમાનોની ગણતરી કરી હતી અને તેની સંખ્યા પૂરે પૂરી હતી.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના વડામથક પૅન્ટાગને આ પ્રકારની તપાસનો ઇનકાર કર્યો હતો.
જોકે, એ સમાચાર પણ આવ્યા કે એક વરિષ્ઠ અમેરિકી કૂટનીતિજ્ઞએ પાકિસ્તાન ઍરફૉર્સના પ્રમુખ પાસે એફ-16ના દુરૂપયોગ મામલે સવાલ કર્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













