અયોધ્યાઃ વિકાસ માટે જેમની દુકાનો તોડી પડાઈ એ વેપારીઓની કેવી હાલત છે?

- લેેખક, અનંત ઝણાણેં
- પદ, બીબીસી સંવાદદાતા
2022માં જ્યારે બીબીસીની ટીમ અયોધ્યા પહોંચી ત્યારે ત્યાં રામપથ, ભક્તિપથ અને જન્મભૂમિપથ એમ ત્રણ માર્ગોને પહોળા કરવાનું કામ શરૂ થયું હતું.
કેટલીક દુકાનોને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવી રહી હતી અને ઘણી દુકાનોને નાની કરવામાં આવી રહી હતી. આમાંના ઘણા દુકાનદારો વર્ષોથી ભાડા પર તેમની નાની દુકાનો ચલાવતા હતા. તેઓ આ રસ્તાઓના નિર્માણથી પરેશાન અને નારાજ હતા. તે પોતાના પરિવાર અને વેપારના ભાવિ અંગે ચિંતિત હતા.
હવે રામમંદિર તરફ જતા આ ત્રણ રસ્તા તૈયાર છે. અયોધ્યાના બજારો ભક્તો માટે સજાવવામાં આવ્યા છે. રસ્તા પહોળા કરવા માટે જે દુકાનો ટૂંકી કરવામાં આવી હતી, તેમાંથી મોટા ભાગની દુકાનો તૈયાર છે.
અમે ફરી એક વાર એ જ દુકાનદારોને મળ્યા જેમની સાથે અમે 2022માં વાત કરી હતી. આ દરમિયાન અમે જાણવાની કોશિશ કરી કે તેમની હાલત કેવી છે.
'દુકાનો બહુ નાની થઈ ગઈ'

2022માં જ્યારે અમે ગૅસ અને હાર્ડવેરનો ધંધો કરતા અભિષેકકુમાર કસેરાને મળ્યા હતા, ત્યારે રામપથને પહોળો કરવા માટે તેમની દુકાનનો કેટલોક ભાગ પણ તોડી પાડવામાં આવી રહ્યો હતો.
ત્યારે અભિષેકે કહ્યું હતું કે તે માત્ર એટલું જ જાણવા માગે છે, "રામપથ માટે જે જમીન લેવામાં આવી રહી છે તે પછી અમને આજીવિકા ચલાવવા બાકી વધેલી જમીન મળશે કે નહીં?"
એક વર્ષ બાદ અભિષેકની દુકાન દસ બાય 15 ફૂટથી ઘટાડીને દસ બાય પાંચ ફૂટ કરી દેવામાં આવી છે. તેઓ રામમંદિર બનવાની વાતથી ખુશ છે, પરંતુ તેમની દુકાન નાની થઈ ગઈ એ વાતથી વાતથી દુ:ખી પણ છે. અભિષેકના પિતાએ આટલાં વર્ષો સુધી આ દુકાનની મદદથી પરિવારનો ઉછેર કર્યો. પરંતુ પિતા પણ કોવિડની માંદગીમાં મૃત્યુ પામ્યા હતા. હવે અભિષેક જ તેમનો વારસો સંભાળી રહ્યા છે.
અભિષેકનું માનવું છે, "કંઈક બનાવવા થોડો વિકાસ જરૂરી છે. જો કંઈક તૂટે તો આગામી સમયમાં કંઈક બનશે પણ ખરું. અમે તેનાથી નારાજ હતા, પરંતુ અમે યોગીજીના કાર્યકાળમાં ખૂબ ખુશ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિતાને યાદ કરતાં તેઓ કહે છે, "અમારા પિતા અમારા માટે સર્વસ્વ હતા. જો પિતાજીએ આ નાનકડી દુકાન જોઈ હોત તો તેઓ અમથા જ મૃત્યુ પામ્યા હોત. શરૂઆતથી જ તેઓ ખૂબ મહેનત કરતા હતા. જે ખેતરને તેમણે સિંચીને મોટું કર્યું, હવે જ્યારે તેને લણવાનો સમય આવ્યો ત્યારે તેઓ હયાત નથી."
હજુ પણ નારાજ છે અયોધ્યાના કેટલાક દુકાનદાર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નવેમ્બર 2022માં કમલાદેવી અને તેમના પરિવારની ભાડાની દુકાન પણ તૂટી રહી હતી. તે સમયે તેઓ સરકારથી ખૂબ નારાજ હતાં. તેમણે કહ્યું કે તેમને વળતર નથી જોઈતું. તેમને બદલામાં માત્ર દુકાન જોઈએ છે.
2022માં જ્યારે અમે તેમને રામપથ ખાતે મળ્યા હતા, ત્યારે તેમણે અમને પૂછ્યું, "અમે ક્યાં જઈએ? અમને બેઘર કરવામાં આવી રહ્યા છે. એક લાખ રૂપિયા (સરકારી સહાયની રકમ)માં શું થાય? તમે એક લાખ રૂપિયામાં એક બીમ પણ ન ઊભો કરી શકીએ. તેઓ અમારી પાસેથી એક લાખ રૂપિયા તો મજૂરી લઈ લેશે. અમે પૈસા લઈને શું કરીશું? અમને પૈસા નથી જોઈતા, અમારે દુકાન જોઈએ છે."
જાન્યુઆરી 2024માં કમલાદેવીની દુકાન પણ તૂટીને નાની થઈ ગઈ, પરંતુ દુકાનમાલિક સાથેના વિવાદને કારણે તે હજુ સુધી કામ કરાવી શક્યાં નથી. તેમને તંત્ર તરફથી એક લાખ રૂપિયાની સહાય પણ મળી હતી, પરંતુ તેનાથી તેમનો નારાજગી દૂર થઈ નથી.
તેઓ કહે છે, "અમે હજી પણ ખૂબ નારાજ છીએ. અમારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. અમને બે ટંકનું ભોજન પણ નથી મળતું. દિવસો સુધી બોણી પણ નથી થતી. અમે ના તો મરી શકીએ છીએ અને ના તો જીવી શકીએ છીએ."
હું કમલાદેવીને કહું છું કે હવે જ્યારે રામમંદિર તૈયાર થઈ ગયું છે, ત્યારે આ વાતનો આનંદ અયોધ્યામાં દેખાઈ રહ્યો છે. મારી આ વાતની પ્રતિક્રિયા તરીકે તેઓ કહે છે, "અમે ખૂબ ખુશ છીએ કે મંદિર બની રહ્યું છે. કારણ કે અમે પણ વિચાર્યું હતું કે એક એવો સમય આવશે જ્યારે ભગવાન આવશે અને બિરાજમાન થશે. પરંતુ રામે મોદી કે યોગીને એમ નહોતું કહ્યું કે હું આવું ત્યારે લોકોને બેઘર કરી દેજો. રામે આવું તો નહોતું જ કહ્યું ને? રામે કહ્યું હતું કે મારા આગમન પછી જનતા ખુશ થશે.”
અયોધ્યામાં વિવાદને કારણે નથી બની શકી કેટલીક દુકાનો

હકીકતમાં અયોધ્યાના બાબુ બજારમાં રામપથ પરના દુકાનદારો વર્ષોથી, પેઢીઓથી દુકાનો ભાડે લઈ ચલાવી રહ્યા છે. હાલમાં તેમનો દુકાનમાલિક એવા અયોધ્યાના રાજા સાથે વિવાદ ચાલી રહ્યો છે.
અયોધ્યા જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યાનુસાર આ દુકાનદારો અને દુકાનમાલિક વચ્ચે ચાલી રહેલા વિવાદ છતાં દુકાનદારોને ત્યાંથી હઠાવવામાં આવ્યા નથી. દુકાનો ચાલી રહી છે અને લોકોની રોજીરોટી પર કોઈ અસર થઈ નથી.
વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર તેમણે દુકાનમાલિક સાથે વાત કરીને આ ભાડૂત દુકાનદારો સાથે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ઉકેલ ન આવી શક્યો. તેમની દુકાનો હજુ ખંડિયેર જેવી હાલતમાં છે. વહીવટી તંત્રનું એવું પણ કહેવું છે કે તેમણે આ દુકાનોને બહારથી સમારકામ કરાવી આપવાનું પણ કહ્યું, પરંતુ દુકાનદારો અને દુકાનમાલિક વચ્ચેના વિવાદને કારણે આ થઈ શક્યું નથી.
સરકારનો દાવો છે કે અસરગ્રસ્ત દુકાનદારોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટેના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.
અયોધ્યામાં ત્રણ માર્ગોના નિર્માણની યોજના

અયોધ્યામાં રામમંદિરના નિર્માણની સાથોસાથ 2022થી અયોધ્યાને ધાર્મિક પ્રવાસન હબ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે.
જે અંતર્ગત 13 કિલોમીટર લાંબો રામપથ, 800 મીટર લાંબો ભક્તિ પથ અને 800 મીટર લાંબો જન્મભૂમિ પથ પહોળો કરવાની કામગીરી કરવામાં આવી છે.
રામમંદિર તરફ જતા આ રસ્તાઓને પહોળા કરવા અહીં પહેલેથી જ ચાલતી અનેક દુકાનોના કેટલાક ભાગોને તોડી પાડવામાં આવ્યા હતા અને કેટલીક દુકાનોને સંપૂર્ણપણે હઠાવી દેવાઈ હતી. અયોધ્યાના વેપારી આગેવાનો પ્રમાણે આ રસ્તાઓના નિર્માણને કારણે કુલ 4,700 લોકોને અસર થઈ છે.
વેપારી આગેવાનો 2022 સુધીમાં અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે વધુ સારું વળતર, બાકીની દુકાનોનું પુન:ર્નિર્માણ અને સંપૂર્ણપણે વિસ્થાપિત દુકાનદારોને સરકારે બાંધેલી નવી દુકાનોની ફાળવણીની માગ કરી રહ્યા છે.
ભગવતપ્રસાદ પહાડીનું દુ:ખ

ભગવત પ્રસાદ પહાડી અને તેમનો પરિવાર 1985થી રામલલ્લાનાં વસ્ત્ર બનાવતા હતા. તે સમયે રામલલ્લાની પ્રતિમા બાબરી મસ્જિદના ઘુમ્મટ નીચે હતી. અગાઉ તેમને કેન્દ્ર સરકાર તરફથી પણ રામલલ્લાનાં વસ્ત્ર બનાવવાનો આદેશ મળતો હતો. પરંતુ હવે મોટા ભાગના ઑર્ડર દર્શનાર્થે આવતા ભક્તો આપે છે.
નવેમ્બર 2022માં રામપથને પહોળો કરવા તેમની ભાડાની ત્રણેય દુકાનો સંપૂર્ણપણે તોડી પાડવામાં આવી હતી. હવે તેઓ ‘બાળસ્વરૂપ રામલલ્લા’ની પ્રાણપ્રતિષ્ઠાની વાતથી અત્યંત ખુશ છે, પરંતુ તેમની દુકાનો તોડી પડાયાને કારણે તેઓ એટલા જ દુ:ખી પણ છે.
તેઓ બીબીસીને કહે છે, "રામપથ પર મારી ત્રણ દુકાનો હતી અને મને રૂ. ત્રણ લાખનું વળતર મળ્યું હતું. સરકારે બે દુકાનો ફાળવી છે. તે રૂ. 35 લાખની કિંમતની થાય છે. અમને નુકસાન તો ઘણું અનુભવાયું, પણ અમે એ વાતથી ખુશ છીએ કે આખરે પ્રાણપ્રતિષ્ઠા થઈ. આપણા નેતા યોગી અને મોદી મહેનતુ લોકો છે. તેમને અવતારી પુરુષો ગણી શકાય. તેમના કાર્યકાળ દરમિયાન રામલલ્લાનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અમે સૌથી વધુ ખુશ છીએ."
અંતે તેઓ કહે છે, "પરંતુ દાળ અને રોટલીનો સહારો સંપૂર્ણપણે છીનવાઈ ગયો છે."
અયોધ્યામાં લીઝ પર મળી રહી છે નવી દુકાનો અને બૅન્ક લોન

ભગવતપ્રસાદ સરકારે ફાળવેલી બે નવી દુકાનોના ઑર્ડર બતાવે છે. પરંતુ હવે તેઓ લાખોની કિંમતની આ દુકાનો 30 વર્ષ માટે લીઝ પર લેવા બૅન્ક લોન મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
અયોધ્યા પ્રશાસનનું કહેવું છે કે ભગવતપ્રસાદ પહાડી જેવા 212 ભાડૂત દુકાનદારો જેમની દુકાનો રોડના નિર્માણ દરમિયાન સંપૂર્ણપણે તોડી પડાઈ હતી, તેમને વહીવટી તંત્ર તરફથી નવી દુકાનો ફાળવવામાં આવી છે.
વહીવટી તંત્રના જણાવ્યા મુજબ આ ભાડૂતોએ દુકાનોની બજારકિંમત નહીં, પરંતુ માત્ર આધારકિંમત ચૂકવવી પડશે. ઉદાહરણ તરીકે દુકાનોની કિંમત 50 થી 60 લાખ છે. પરંતુ મૂળ કિંમત મુજબ કેટલીક દુકાનો માત્ર 13-14 લાખ રૂપિયાની છે.
સરકારનું કહેવું છે કે સરકાર એવા દુકાનદારોને પણ પ્રોત્સાહિત કરી રહી છે જેમને લોન લેવા માટે એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યા છે. તેમને બૅન્કમાંથી લોન લેવા સંપૂર્ણ મદદ કરવામાં આવી રહી છે.
પ્રશાસનનું એવું પણ કહેવું છે કે 30 વર્ષની લીઝ પર અપાયેલી દુકાનોની લીઝ આ સમયગાળા બાદ ફી ભરીને સરળતાથી વધારી શકાય છે અને લીઝ વધી જશે. પરંતુ વિસ્થાપિત વેપારીઓ ઇચ્છે છે કે તેમને કાયમ માટે દુકાનની માલિકી મળે.
અયોધ્યામાં દુકાનનો માલિક, દુકાનનો કબજો લેનાર, દુકાન બાંધનાર અને ભાડેથી દુકાન ચલાવનાર આ બધા જ દુકાન પર પોતાનો હકદાવો કરે છે. આ જ કારણે અયોધ્યામાં વિકાસ કાર્યો માટે જમીન સંપાદન ખૂબ જ પડકારજનક કાર્ય છે.














