શોએબ મલિકનાં લગ્ન: સના જાવેદ કોણ છે? સોશિયલ મીડિયામાં શું ચર્ચા થઈ રહી છે?

ઇમેજ સ્રોત, X/SHOAIB MALIK
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડાની વાતો વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે પોતાનાં ફરી લગ્નની તસવીરો પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે.
તેમણે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યાં છે અને તેમણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ લગ્નની તસવીરો પોસ્ટ કરી છે.
આવી જ પોસ્ટ અભિનેત્રી સના જાવેદના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજરે પડી અને તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર પોતાનું નામ બદલીને ‘સના શોએબ મલિક’ લખી દીધું.
શોએબ મલિકે 2010માં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન હૈદરાબાદમાં થયાં હતાં.
શોએબ મલિક સાથે લગ્ન કરતાં પહેલાં સાનિયા મિર્ઝાએ તેમના બાળપણના મિત્ર સોહરાબ મિર્ઝા સાથે સગાઈ કરી હતી.
પરંતુ કેટલાંક કારણસર સોહરાબ-સાનિયાનો સંબંધ તૂટી ગયો અને તેમણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો.

ઇમેજ સ્રોત, INSTAGRAM
કેટલાક દિવસો અગાઉ સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું, “લગ્ન અને છૂટાછેડા બંને મુશ્કેલ હોય છે, તમારે તમારો મુશ્કેલ નિર્ણય લેવાનો હોય છે.”
આ સિવાય તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું, “જ્યારે કંઈક તમારી મનની શાંતિને નષ્ટ કરે, તેને છોડી દો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પોસ્ટ્સને જોતા પણ એ ટિપ્પણી કરાઈ રહી હતી કે તેમના લગ્નજીવનમાં સમસ્યા છે.
સાનિયા અને શોએબને પાંચ વર્ષનો પુત્ર પણ છે.
સાનિયા મિર્ઝાના પિતાએ શું કહ્યું?
આ સમાચાર પર ચર્ચા વધતા સાનિયા મિર્ઝાના પિતા ઇમરાન મિર્ઝાએ કહ્યું કે તેમની પુત્રીએ પોતાની ઇચ્છાથી શોએબ મલિકને છોડી દીધા હતા.
ઇસ્લામમાં તેને ‘ખુલા’ લેવું એમ કહેવાય છે.
સાનિયા મિર્ઝાના પિતા ઇમરાન મિર્ઝાએ કહ્યું, “આ લગ્ન અગાઉ તેમનાં પુત્રી અને 41 વર્ષીય પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટરના ‘ખુલા’ મારફતે છૂટાછેડા થયા હતા.”
કોણ છે સના જાવેદ?

ઇમેજ સ્રોત, Instagram/Sana Javed
સના જાવેદ એક પાકિસ્તાની અભિનેત્રી છે.
તેમણે ઉર્દૂ ટેલિવિઝન પર પ્રસારિત કેટલાય ધારાવાહિકમાં અભિનય કર્યો છે. 2012માં તેમણે ફિલ્મ શહર-એ-જટથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું.
રોમૅન્ટિક ડ્રામા ખાનીમાં મુખ્ય ભૂમિકા પછી તેમને નામના મળી.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર આ ભૂમિકા માટે તેમને લક્સ સ્ટાઇલ ઍવૉર્ડ માટે નામાંકિત કરાયાં હતાં.
તેમની ફિલ્મો રુસવાઇ અને ડૅન્કની ચાહકોએ પ્રશંસા કરી હતી.
તેમણે 2020માં પાકિસ્તાની અભિનેતા, ગાયક-ગીતકાર ઉમર જસવાલ સાથ લગ્ન કર્યાં. પણ કેટલાક દિવસો પછી સિયાસત વર્તમાનપત્રમાં સમાચાર આવ્યા કે તેમના છૂટાછેડા થઈ ગયા છે.
હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર સના અને ઉમેરે પોતાના સોશિયલ મીડિયા પરથી તેમની એકબીજા સાથેની તસવીરોને ડિલીટ કરી દીધી હતી.
સોશિયલ મીડિયા પર ટીકા

ઇમેજ સ્રોત, Instagram
સોશિયલ મીડિયા પર કેટલાક શોએબ મલિકને બીજાં લગ્નની શુભકામનાઓ પાઠવી, તો કેટલાક લોકોએ ટીકા પણ કરી.
અજીઝિયા નામના એક યૂઝરે શોએબના ઇન્સ્ટાગ્રામ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “એ મહિલાએ આખા દેશ સામે થઈને તમારી સાથે લગ્ન કર્યાં. લોકોએ તેમની રાષ્ટ્રીયતા પર સવાલો ઉઠાવ્યા. તમે તેમનો વિશ્વાસઘાત કર્યો. વાહ યાર...વાહ”
હિબા અરમાન નામના એક યૂઝરે કહ્યું, “આ આશ્ચર્યજનક છે. મને વિશ્વાસ નથી થતો કે આ શું થયું.”
પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું 'ચોંકાવનારા સમાચાર'

ઇમેજ સ્રોત, X/MINHA2936
પાકિસ્તાનનું ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા આ વિશે વાત કરવા લાગ્યું અને આને 'ચોંકાવનારા સમાચાર' ગણાવ્યા. સોશિયલ મીડિયા પર શોએબ મલિક સાથે સાથે શૉકિંગ શબ્દ પણ ટ્રૅન્ડ કરવા લાગ્યો.
શોએબ મલિક અને સના જાવેદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી તસવીરોએ પાકિસ્તાની ચાહકોને એવી સ્થિતિમાં મૂકી દીધા કે કેટલાક લોકોનું કહેવું હતુ કે તેઓ સમજી નથી શકતા કે તેઓ આશ્ચર્ય પામે કે ખુશ થઈને અભિનંદન પાઠવે.
ઇન્સ્ટાગ્રામ યૂઝર અશફી ઔનાદીને પણ આ સમાચાર ભરોસો નહોતો થતો.
તેમણે કહ્યું, “શું મ્યુઝિક વીડિયો આવી રહ્યો છે? આજકાલ તમે સેલિબ્રિટિઝ પર ભરોસો ના કરી શકો.”
આનું કારણ એ છે કે અગાઉ જ્યારે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાની અફવાઓ ચાલતી હતી તે દરમ્યાન જ આ યૂગલ એક સાથે ‘ધ મિર્ઝા મલિક શો’ની મેજબાની કરતું નજરે પડ્યું. આ પછી સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે આ અફવા એક ‘પબ્લિસિટી સ્ટંટ’ હતો.














