ભાજપે 'રામાયણનાં સીતા'ને જ્યારે વડોદરાના રાજવી સામે ઉતાર્યાં અને નરેન્દ્ર મોદીએ પ્રચાર કર્યો

ઇમેજ સ્રોત, Ramanand Sagar Productions
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગત 22મી જાન્યુઆરીએ અયોધ્યાના રામમંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠાની વિધિ યોજાઈ, જેમાં હાજર રહેવા માટે રાજકારણ, વેપાર, ફિલ્મ અને ટેલિવિઝન જગતની હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ બધાની વચ્ચે અરૂણ ગોવિલ, સુનિલ લહેરી અને દીપિકા ચીખલિયા આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. જેમણે દૂરદર્શન ઉપર પ્રસારિત થયેલી ધારાવાહિક 'રામાયણ'માં અનુક્રમે રામ, લક્ષ્મણ અને સીતાની ભૂમિકા ભજવી હતી.
જ્યારે રામમંદિર આંદોલન ચરમસીમાએ હતું, ત્યારે ચીખલિયાને તેનો રાજકીય લાભ થયો હતો અને તેમણે વડોદરાના પૂર્વ રાજવી પરિવારના સભ્યને પરાજય આપ્યો હતો. એ સમયે ભાજપના દિગ્ગજ નેતાએ પોતાની દાવેદારી જતી કરીને દીપિકા જીતે તે માટે પ્રયાસ કર્યા હતા.
ભાજપના સંગઠનના હોદ્દેદારે કાર્યકર તરીકે એ બેઠકને જીતાડવા માટે પ્રયાસ કર્યા હતા અને આગળ જતાં રાજકીય કારકિર્દીના નિર્ણાયક વળાંક ઉપર તેઓ પણ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.
આ પછીના વર્ષો દરમિયાન એક અપવાદને બાદ કરતા વડોદરાની બેઠક ભાજપ માટે 'સૅફ સીટ' બની રહી છે અને પાર્ટીનું સંગઠન આગામી લોકસભા ચૂંટણી માટે આ બેઠક માટે આશ્વસ્ત જણાય છે.
ભાજપે આ લોકસભાની ચૂંટણીમાં આ વખતે ફરીથી રંજનબહેન ભટ્ટને ટિકિટ આપી છે.
વડોદરા અને ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભા ચૂંટણીના ઇતિહાસ પર નજર કરીએ તો વડોદરાની બેઠક પર અહીંના પૂર્વ શાસક પરિવારનો દબદબો રહ્યો છે અને લગભગ દસેક ચૂંટણીમાં કોઈને કોઈ 'ગાયકવાડ'એ કૉંગ્રેસની ટિકિટ ઉપર ઉમેદવારી કરી છે.
1980ની લોકસભા ચૂંટણીમાં પરાજય પછી ભારતીય જનસંઘે 'રિસેટ'નું બટન દાબ્યું હતું અને રાજકીય પરિદૃશ્ય પર ભાજપના નામથી નવો રાજકીય પક્ષ અસ્તિત્વમાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બરોડાની બેઠક ઉપર પૂર્વ રાજવી પરિવારના રણજિતસિંહ ગાયકવાડને કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણીજંગમાં ઉતારવામાં આવ્યા હતા. જેમની સામે ભાજપે પૂર્વ આઈપીએસ અધિકારી જસપાલસિંહને ટિકિટ આપી હતી.
વર્ષ 1983માં વડોદરાની વાર્ષિક નરસિંહજી શોભાયાત્રાને પરંપરાગત રસ્તેથી કાઢવાની મંજૂરી આપવી કે નહીં, તેના વિશે અમરસિંહ ચૌધરીની સરકાર અવઢવમાં હતી. એ સમયે જસપાલસિંહે નિયમિત રૂટ પરથી જ ધાર્મિકયાત્રાને કાઢવાની મંજૂરી આપી હતી અને સારી રીતે યોજાય તે સુનિશ્ચિત કર્યું હતું.
રાતોરાત તેઓ વડોદરાવાસીઓમાં 'સિંઘમ' પોલીસ અધિકારી બની ગયા હતા. સરકારે તેમની બદલી કરી, પરંતુ જસપાલસિંહે રાજીનામું આપી દીધું. કાળક્રમે ભાજપની ટિકિટ ઉપર પૂર્વ રાજવીની સામે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું.
વર્ષ 1984માં ઇંદિરા ગાંધીની હત્યા પછી દેશભરમાં કૉંગ્રેસ તરફી સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું હતું. એવા સમયે ભાજપે તેની પ્રથમ ચૂંટણી લડી હતી અને જસપાલસિંહનો પરાજય થયો હતો.
1989ની લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં અમુક મહત્ત્વપૂર્ણ ઘટના ઘટી હતી. ભાજપમાં સંગઠનના મહાસચિવ તરીકે નરેન્દ્ર મોદીને સંઘમાંથી મોકલવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટણીપરિણામોના આધારે ભાજપને મતોના ધ્રુવીકરણનું મહત્ત્વ સમજાઈ ગયું હતું. આ સિવાય ભાજપે રામમંદિરના નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ભાજપ અને ચીમનભાઈ પટેલના જનતાદળે મળીને ચૂંટણી લડી, જેમાં બંનેને અનુક્રમે 12 અને 14 બેઠક ફાળવવામાં આવી હતી. આ યુતિને ભાવનગર, દાહોદ અને માંડવીને બાદ કરતા તમામ 23 બેઠક ઉપર વિજય મળ્યો હતો. ભાજપનો સ્ટ્રાઇકરેટ 100 ટકાનો રહ્યો હતો.
કાશીરામ રાણા (સુરત), ચંદ્રેશ પટેલ (જામનગર), સોમાભાઈ ગાંડાભાઈ પટેલ (સુરેન્દ્રનગર), ગાભાજી ઠાકોર (કપડવંજ), શંકરસિંહ વાઘેલા (ગાંધીનગર), હરીન પાઠક (અમદાવાદ) અને રતિલાલ વર્મા (ધંધુકા-એસસી) જેવા નેતાઓ સંસદનાં પગથિયાં ચઢ્યાં અને રાજકારણમાં તેઓ લાંબી ઇનિંગ રમવાના હતા.
સમજૂતી મુજબ બરોડાની બેઠક જનતાદળને ફાળે ગઈ હતી, જેણે પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા, જેઓ 'કોકો'ના હુલામણા નામથી સમર્થકોમાં વિખ્યાત હતા. તેમણે મતદાન સમાપ્ત થવા પહેલાં વડોદરાના લગભગ બધા વિસ્તારોને આવરી લેતી રેલી કાઢી હતી, જેની અસર ચૂંટણીપરિણામમાં પણ જોવા મળી હતી.
રણજિતસિંહનો પરાજય થયો. તેમને બે લાખ 93 હજાર 499 મત મળ્યા હતા, જ્યારે બ્રહ્મભટ્ટને 52 હજાર 898 મતની લીડ મળી હતી. વિજેતા ઉમેદવારને ત્રણ લાખ 46 હજાર 397મત મળ્યા હતા.
સંસ્કારનગરીના સમરાંગણમાં 'સીતા'

ઇમેજ સ્રોત, DIPIKA CHIKHLIYA TOPIWALA/X
રાષ્ટ્રીય સ્તરે ઘટી રહેલી કેટલીક ઘટનાઓ 1991ની લોકસભા ચૂંટણી દરમિયાન વડોદરાની બેઠકને અસર કરવાની હતા. તત્કાલીન કેન્દ્ર સરકારે સરકારી પ્રસારણકર્તા દૂરદર્શન પર 'રામાયણ' અને 'મહાભારત' જેવી હિન્દુકેન્દ્રિત સિરિયલોને પ્રસારિત કરવાની મંજૂરી આપી હતી.
કહેવાય છે કે આ ધારાવાહિકો પ્રસારિત થતી ત્યારે બજારમાં કર્ફ્યૂ જેવો માહોલ ઊભો થઈ જતો. વર્ષો પછી વર્ષ 2020માં દેશવ્યાપી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે ઘેરબેઠાં લોકોને મનોરંજન મળી રહે તે માટે આ સીરિયલોનું પુનઃપ્રસારણ કરવામાં આવ્યું હતું.
કેટલાક નિષ્ણાતોના મતે આ ધારાવાહિકોએ ભાજપની રથયાત્રા માટે માહોલ તૈયાર કર્યો. બીજી બાજુ, ગુજરાતના સોમનાથથી શરૂ થયેલી રામમંદિર રથયાત્રાને ઑક્ટોબર-1990માં બિહારના સમસ્તીપુર ખાતે અટકાવવામાં આવી હતી. એ પછી ભાજપે કેન્દ્રની વીપી સિંહ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. ચંદ્રશેખરના નેતૃત્વમાં સરકાર બની, પરંતુ તેનું પણ પતન થઈ ગયું.
1985થી 1991ની લોકસભા ચૂંટણી દરમિયાન વડોદરામાં ભાજપના નેતા જસપાલસિંહ પાર્ટી છોડી ગયા હતા. તેમણે અપક્ષ અને પોતાના સ્થાનિકપક્ષ દ્વારા શહેર પૂરતું સીમિત રાજકારણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આવા સમયે નલીન ભટ્ટને આ બેઠક માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા.
આવા સમયે ભાજપે રામાયણનાં અલગ-અલગ પાત્રોનો સંપર્ક કરીને તેમને ચૂંટણી લડવા માટે તૈયાર કરવાનો પ્રયાસ હાથ ધર્યો, જેથી કરીને સિરિયલના પાત્ર તરીકેની લોકપ્રિયતા અને રથયાત્રાનું સંયુક્ત ફળ ચૂંટણીપરિણામોમાં મેળવી શકાય.
રામાયણમાં સીતાનું પાત્ર ભજવનારાં મૂળ ગુજરાતી અભિનેત્રી દીપિકા ચીખલિયાને વડોદરાની બેઠક ઉપરથી ઉતારવાનું નક્કી થયું. નલીન ભટ્ટે રાજીખુશીથી બેઠક પરથી દાવો જતો કર્યો, એટલું જ નહીં, તેમના ચૂંટણીપ્રચારની જવાબદારી પણ ઉપાડી લીધી.
'સૅલિંગ પૉલિટિક્સ'માં (પેજ 162-167) લૉરેન્સ રીસ લખે છે કે, 'રાજીવ ગાંધીને લાગતું હતું કે ધારાવાહિક રામાયણ દેખાડવાથી પાર્ટીને લાભ થશે, પરંતુ તેમનો પ્લાન બૅકફાયર થયો હતો અને ભાજપને ચૂંટણીમાં ફાયદો થયો હતો.'
રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીએ સ્વીકાર્યું હતું કે જો તેમણે રામાયણમાં ભૂમિકા ન ભજવી હોત તો તેઓ ચૂંટણી જીતી ન શક્યા હોત.
દીપિકાનું કહેવું હતું કે “સાબરકાંઠાની બેઠક ઉપરથી અરવિંદ ત્રિવેદીએ ભાજપની ટિકિટ ઉપર ઉમેદવારી કરી ત્યારે તેમનું ઉપનામ 'લંકેશ' ચૂંટણીફોર્મમાં લખાવ્યું હતું.”
જ્યારે દીપિકા ચીખલિયા સાથેની વાતચીતને ટાંકતા લૉરેન્સ લખે છે કે, 'ભાજપના નેતાઓએ તેમનો સંપર્ક કર્યો, ત્યારે 26 વર્ષીય દીપિકાને રાજકારણ વિશે કશી ખબર ન હતી. તેમને શા માટે પસંદ કરવામાં આવ્યાં, તેના વિશે તેમને પણ અંદાજ ન હતો. એ પછી તેઓ વડોદરા પહોંચ્યાં ત્યારે શરૂઆતમાં લોકો સાથે સંપર્ક સાધવામાં સીતા તરીકેની છાપે મદદ કરી, પરંતુ એ પછી દીપિકાએ સુનિશ્ચિત કર્યું કે તે અનેક બાબતોમાંથી એક બાબત બની રહે.'
એક ઇન્ટરવ્યૂમાં દીપિકા ચીખલિયા ટોપીવાલાએ કહ્યું કે, 'મારા પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. પરિવારના અન્ય સભ્યો સીએ, ફાર્મસિસ્ટ કે તબીબ જ હતા. ફિલ્મી કૅરિયરને કારણે મારો અભ્યાસ છૂટી ગયો હતો. મારા પપ્પાને લાગતું હતું કે મેં બ્યુટીથી મારી જાતને સાબિત કરી આપી, હવે બ્રૅનથી પણ સાબિત કરવી જોઈએ અને સંસદસભ્ય તરીકે મને એ તક મળશે.'
'મને ફિલ્મમાં સ્ટીરિયોટાઇપ રોલ જ ઓફર થઈ રહ્યા હતા, એટલે મેં રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો. એના માટે મારે લગ્ન પાછળ ઠેલવાં પડે તો પણ પપ્પા સહમત હતા, પરંતુ મારા મમ્મીને લાગતું હતું કે લગ્ન કરી લેવાં જોઈએ.'
મોદીએ જ્યારે તેમના માટે પ્રચાર કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
રથયાત્રા શરૂ કરનાર લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી પણ વડોદરામાં દીપિકા ચીખલિયાના પ્રચાર માટે આવ્યાં હતાં. દીપિકાના કહેવા પ્રમાણે, અભિનેત્રી તરીકે સ્પૉટબૉય છત્રી સાથે તમારી આસપાસ ફરતો હોય અને તમારો પોતાનો સ્ટાફ હોય અને મર્યાદિત વર્તુળ હોય. આનાથી વિપરીત ઉમેદવાર તરીકે અજાણ્યા લોકોને મળવાનું થતું અને તેમની પાસે મત માગવાના થતા. જે અગાઉની તેમની જીવનશૈલી કરતાં તદ્દન વિપરીત હતું.
કહેવાય છે કે મોટી સંખ્યામાં લોકો 'સીતા'ને જોવા ઊમટી પડતાં, તેમાં મહિલાઓની સંખ્યા વિશિષ્ટ રહેતી. મહિલાઓ તેમને આરતીની થાળીઓ લઈને આવકારતી તથા કેટલાક લોકો ભાવુક થઈને તેમને પગે લાગતાં. દીપિકા તેમના ભાષણમાં 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'નો પણ ઘોષ કરાવતાં.
ઉપરોક્ત ઇન્ટરવ્યૂમાં દીપિકા કહે છે, “એપ્રિલ-1990માં ભાજપ માટે ઉમેદવારી કરી, તેના આગલા દિવસે જ તેમની હેમંત ટોપીવાલા સાથે મીઠીજીભ લેવાઈ હતી. ચૂંટણીપરિણામ પછી લગ્ન કર્યાં અને દિલ્હી ખાતે સંસદમાં હાજરી આપીને જ ત્યાંથી જ હનિમૂન માટે સ્વિત્ઝરલૅન્ડ ગઈ હતી. સંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન હું પહેલી દીકરીની માતા પણ બની. ઘણાં વર્ષોથી કામ કરતી હતી એટલે એક કાર્યકાળ પછી મેં સભાનપણે સક્રિય રાજકારણ અને ટેલિવિઝનની કૅરિયરને છોડીને ઘરગૃહસ્થી અને માતા તરીકેની ભૂમિકા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું.”
34 હજાર 188 મતથી દીપિકાનો વિજય થયો. રણજીતસિંહ ગાયકવાડને બે લાખ 41 હજાર 850 મત મળ્યા હતા, જ્યારે બે લાખ 76 હજાર 38 મતદાતાઓની પસંદ દીપિકા હતાં.
એ ચૂંટણીમાં દીપિકા ઉપરાંત અન્ય એક ચીખલિયા ભાવનાબહેન પણ દિલ્હીમાં સંસદ સુધી પહોંચ્યાં હતાં, જેઓ આગળ જતાં કેન્દ્ર સરકારમાં મંત્રી પણ બનવાનાં હતાં.
બરોડાની બેઠક બની વડોદરા

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1996માં કૉંગ્રેસે સત્યજિતસિંહ ગાયકવાડને ટિકિટ આપી હતી. તેમની સામે રણજિતસિંહનાં પત્ની શુભાંગિરાજે ગાયકવાડ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીજંગમાં ઊતર્યાં. આ ઉમેદવારી પાછળ 'પૅલેસ પૉલિટિક્સ' પણ જવાબદાર હતું.
ભાજપે જીતુભાઈ સુખડિયાને ટિકિટ આપી હતી, પરંતુ પાર્ટીનો જ એક વર્ગ એમની ઉમેદવારીથી નારાજ હતો, એટલે તેમણે શુભાંગીરાજે તરફ ઝોક કર્યો અને ચૂંટણીપરિણામોમાં તેની અસર જોવા મળી. માત્ર 17 મતથી સુખડિયાનો પરાજય થયો અને સત્યજિતસિંહ વિજયી થયા. જ્યારે શુભાંગીરાજેને એક લાખ 678 મત મળ્યા હતા.
1998ની લોકસભા ચૂંટણી સમયે ભાજપ, શંકરસિંહ વાઘેલાની રાજપ અને કૉંગ્રેસની વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. કૉંગ્રેસે સમરજિતસિંહને રીપિટ કર્યા હતા, જ્યારે ભાજપે જયાબહેન ઠક્કરને ટિકિટ આપી હતી.
ફરી એક વખત ‘પૅલેસ પૉલિટિક્સ’ જાહેરમાં જોવા મળ્યું અને દેવયાનીદેવી અશોકરાજે ગાયકવાડે રાજપની ટિકિટ ઉપર ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું. લગભગ 52 હજાર 417 મતથી ઠક્કરનો વિજય થયો, જ્યારે દેવયાનીદેવી ગાયકવાડને 52 હજાર 909 મત મળ્યા હતા. એ પછીની દરેક ચૂંટણીમાં આ બેઠક ભાજપનો ગઢ બની રહેવાની હતી.
કેન્દ્રમાં 19 મહિનામાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ અને ફરી લોકસભાની ચૂંટણી યોજાઈ. ભાજપે જયાબહેન ઠક્કરને રીપિટ કર્યાં. તેમની સામે પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલનાં વિધવા ઊર્મિલાબહેનને ટિકિટ આપી હતી. ઠક્કરનો 92 હજાર 649 મતથી વિજય થયો.
વર્ષ 2004માં સતત ત્રીજી વખત ભાજપે જયાબહેન ઠક્કરને રીપિટ કર્યાં અને તેમણે વિજયની હેટ્રિક મારી. છ હજાર 603 (માન્ય મતના 1.01%) મતે તેમનો વિજય થયો. તેમના હરીફ સત્યજિતસિંહ ગાયકવાડને ત્રણ લાખ નવ હજાર 486 મત મળ્યા હતા.
આ ચૂંટણીમાં શુભાંજીરાજેએ ખેડાની બેઠક ઉપરથી ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડી હતી. તેમની સામે કૉંગ્રેસના દીનશા પટેલ હતા. આ ચૂંટણીમાં પૂર્વ રાજવી પરિવારનાં સભ્યનો 56 હજાર 749 (12.58%) મતે પરાજય થયો.
2009માં પુનઃસીમાંકન પછી પહેલી ચૂંટણી યોજાઈ અને બરોડાની બેઠક હવે વડોદરા બની હતી. કૉંગ્રેસે સત્યજિતસિંહને રીપિટ કર્યાં, જ્યારે ભાજપે 'બાલુભાઈ' તરીકે ઓળખાતા બાલકૃષ્ણ શુકલાને ટિકિટ આપી હતી. બાલુભાઈને ચાર લાખ 28 હજાર 833 મત મળ્યા હતા, જ્યારે ગાયકવાડને બે લાખ 92 હજાર 805 મત મળ્યા હતા.
સમયનું ચક્ર પૂર્ણ થયું

ઇમેજ સ્રોત, Getty Images
2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા, એ પછી જનતાદળ સાથેની યુતિ સરકાર અને પછી કેશુભાઈની સરકારમાં મંત્રી રહેલા નલીન ભટ્ટે ભાજપ છોડી દીધો અને મોદી ઉપર સરમુખત્યારશાહી વલણ અપનાવવાનો આરોપ મૂક્યો. વર્ષ 2002માં તેમની ટિકિટ કાપી નાખવામાં આવી હતી.
એ પછી ભટ્ટ બસપા અને કેશુભાઈ પટેલ દ્વારા સ્થાપિત ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાઈ ગયા. જીવનના અંતિમ દિવસો દરમિયાન તેઓ વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેઓ ભાજપમાં પરત ફર્યા હતા. એ ચૂંટણીમાં મોદીના વિજય પછી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ ગુંજવા લાગ્યું હતું.
સપ્ટેમ્બર-2013ના બીજા અઠવાડિયામાં મોદીને વડા પ્રધાનપદના ઔપચારિક રીતે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, તેના એક અઠવાડિયા પહેલાં ભટ્ટનું અવસાન થયું હતું. ભાજપમાં એવું ચર્ચાય છે કે ભટ્ટનું સૂચન હતું કે સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતની કોઈ બેઠક પરથી ચૂંટણી લડવાના બદલે વડોદરાની બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવી જોઈએ. જેથી કરીને ગુજરાત તથા મધ્ય પ્રદેશની આસપાસની બેઠકોમાં 'રિપલ ઇફેક્ટ' ઊભી કરી શકાય.
મોદીએ વડોદરા ઉપરાંત વારાણસીમાંથી ઉમેદવારી કરી, જેથી કરીને યુપી ઉપરાંત બિહારમાં પૂર્વાંચલ તરીકે ઓળખાતી બેઠકો ઉપર 'રિપલ ઇફેક્ટ' ઊભી કરી શકાય. મોદીએ પાંચ લાખ 70 હજાર 128 મતની રેકર્ડ લીડથી બેઠક જીતી. તેમના હરીફ અને કૉંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રીને બે લાખ 75 હજાર 336 મત મળ્યા.
જ્યાં કાર્યકર તરીકે ભાજપનાં ઉમેદવાર ચીખલિયાને જીતાડવામાં મહેનત કરી હતી, તે બેઠક પરથી તેઓ દિલ્હી પહોંચ્યા હતા અને વડા પ્રધાન તરીકેના શપથ લેવાના હતા. આમ સમયનું એક ચક્ર પૂર્ણ થયું હતું.
મોદી વારાણસીની બેઠક પરથી ત્રણ લાખ 71 હજાર 784 મતની લીડ મેળવી અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને હરાવ્યા. નિયમ મુજબ, નરેન્દ્ર મોદી બંનેમાંથી કોઈ એક જ બેઠકનું પ્રતિનિધિત્વ કરી શકે તેમ હતા. એટલે તેમણે વડોદરાની બેઠક ખાલી કરી. અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં રંજનબહેન ભટ્ટ વિજેતા બન્યાં, જેમને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં રીપિટ કર્યાં.
તેમણે ટીકુભાઈ તરીકે ઓળખાતા કૉંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને પાંચ લાખ 89 હજાર 177 મતે પરાજય આપ્યો. રંજનબહેનને આઠ લાખ 83 હજાર 719 મત મળ્યા, જ્યારે ટીકુભાઈને બે લાખ 94 હજાર 542 મત મળ્યા હતા.
ધારાવાહિકમાં રામનું પાત્ર ભજવનારા અરૂણ ગોવિલ ભાજપમાં જોડાઈ ગયા છે અને તેમના માટે ચૂંટણી નહીં લડવાની પરંતુ પ્રચાર કરવાની યોજના ધરાવે છે. દીપિકા પણ પ્રચાર કરવા માટે તૈયાર છે, પરંતુ ચૂંટણીલક્ષી રાજકારણ માટે તૈયાર નથી.
ગાયકવાડનો દબદબો

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1962ની ચૂંટણીમાં બરોડાની બેઠક અસ્તિત્વમાં આવી તે પહેલાં તે બરોડા-પશ્ચિમ બેઠક તરીકે ઓળખાતી, વર્ષ 1952માં ઇન્દુભાઈ ભાઈલાલભાઈ અમીન આ બેઠક ઉપરથી અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા.
આ પછીની ચૂંટણીમાં કૉંગ્રેસે રાજવી પરિવારના વારસદાર ફતેહસિંહરાવ ગાયકવાડને ચૂંટણીજંગમાં ઉતાર્યા. ભારત સરકારે બંધારણ હેઠળ મળેલી વિશિષ્ટ સત્તાઓનો ઉપયોગ કરીને ફતેહસિંહના પિતા પ્રતાપસિંહ રાવ ગાયકવાડને મહારાજાપદેથી હઠાવ્યા હતા અને તેમના સ્થાને ફતેહસિંહ રાવને ગાદી સોંપવામાં આવી હતી.
1957ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પસાભાઈ પટેલને તેમણે ખૂબ જ સરળતાથી પરાજય આપ્યો. ગાયકવાડ અને પટેલને અનુક્રમે 63.30 અને 36.70 ટકા મત મળ્યા.
વર્ષ 1962ની ચૂંટણીમાં ફરી એક વાર કૉંગ્રેસે ફતેહસિંહરાવ ગાયકવાડને ઉમેદવાર બનાવ્યા. તેમની લીડ અગાઉ કરતાં વધી અને લગભગ 73 ટકા મત મેળવ્યા.
1967ની સામાન્ય ચૂંટણી દરમિયાન સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર પસાભાઈ પટેલે કૉંગ્રેસના દાવેદાર એનડી ચોકસીને લગભગ 22 હજાર 500 મતની સરસાઈથી હરાવ્યા હતા. પટેલ અને ચોકસીને અનુક્રમે એક લાખ 52 હજાર 903 (52.86 %) અને એક લાખ 30 હજાર 586 (45.15 %) મત મળ્યા.
1971ની લોકસભા ચૂંટણી પહેલાં શાસક પક્ષનું સંસ્થા કૉંગ્રેસ અને ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ એમ બે ભાગમાં વિભાજન થયું. ફતેહસિંહ ગાયકવાડે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે રહેવાનું નક્કી કર્યું અને એનસીઓની ટિકિટ ઉપર ઉમેદવારી કરી અને વિજેતા થયા. આ પહેલાં ઇંદિરા સરકારે પૂર્વ રાજવીઓના વાર્ષિક સાલિયાણાં અને પદ-ઇકલાબ નાબૂદ કરવાનો વિચાર સાર્વજનિક થયો હતો એટલે ગાયકવાડના નિર્ણય ઉપર આ વાતે અસર કરી હોય શકે છે.
એ ચૂંટણીમાં ગાયકવાડને 62.79 ટકા (એક લાખ 69 હજાર 382) મત મળ્યા હતા, જ્યારે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના સનત મહેતાને 97 હજાર 418 (36.11 %) મત મળ્યા હતા.
કટોકટીના ઓછાયા હેઠળ વર્ષ 1977ની સામાન્ય ચૂંટણી યોજાઈ. મૂળભૂત અધિકારો ઉપર તરાપ અને વિપક્ષના નેતાઓ-કાર્યકરો ઉપર દમન સહિતના મુદ્દે જનતામાં ઈન્દિરા ગાંધી સામે આક્રોશ હતો. આવા સમયે ફતેહસિંહ ગાયકવાડ ઇંદિરાની છાવણીમાં ન કેવળ પરત ફર્યા, પરંતુ જીત્યા પણ.
જનતા મોરચામાં ગોઠવણ પ્રમાણે આ બેઠક ભારતીય લોકદળને ગઈ હતી. જેના ઉમેદવાર મનુભાઈ પટેલે એક લાખ 78 હજાર 178 મત (44.06 %) મત મેળવ્યા, જ્યારે ગાયકવાડને બે લાખ 19 હજાર 101 મત મળ્યા, જે કુલ માન્ય મતના 54.18 ટકા હતા.
વર્ષ 1980માં ફતેહસિંહના નાના ભાઈ રણજિતસિંહને પાર્ટીએ ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ (આઈ)એ ટિકિટ આપી. તેમણે જનતા પાર્ટીના પ્રભુદાસ પટેલને પરાજય આપ્યો હતો. બંનેને અનુક્રમે બે લાખ 65 હજાર 277 (58.20 %) અને એક લાખ 69 હજાર 784 (37.25 %) મત મળ્યા હતા.
જનતા મોરચાના નેતાઓના આંતરિકકલહ, ભાવવધારા સહિતના મુદ્દે મતદારોએ કૉંગ્રેસથી ઇતર સરકારના પ્રયોગને જાકારો આપ્યો. કર્ણાટક કૉંગ્રેસના દિગ્ગજ નેતા દેવરાજ ઉર્સે ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની (યુ) સ્થાપના કરી, જેના ઉમેદવારો ગુજરાતની અમુક બેઠકો ઉપર ચૂંટણીજંગમાં ઉતર્યા હતા, પરંતુ તેઓ કોઈ છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા હતા.












