You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરિયાણા : મનોહરલાલ ખટ્ટરના રાજીનામા બાદ નાયબસિંહ સૈની બન્યા નવા મુખ્ય મંત્રી
હરિયાણામાં ભાજપ પ્રદેશાધ્યક્ષ નાયબસિંહ સૈનીએ નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. નાયબસિંહ સૈની કુરુક્ષેત્રથી ભાજપના સાંસદ પણ છે.
નોંધનીય છે કે મંગળવારે સવારે જ મનોહરલાલ ખટ્ટરે આખી કૅબિનેટ સહિત રાજ્યપાલને રાજીનામું આપી દીધું હતું, જે સ્વીકારી પણ લેવાયું હતું.
શપથગ્રહણ બાદ નાયબ સૈનીએ મનોહરલાલ ખટ્ટરના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. તેમની સાથે જ અન્ય પાંચ નેતાઓએ પણ શપથગ્રહણ કર્યા.
નોંધનીય છે કે ખટ્ટર વર્ષ 2014માં પ્રથમ વખત હરિયાણાના મુખ્ય મંત્રી બન્યા હતા. તે બાદથી સતત રાજ્યમાં ભાજપ સત્તામાં છે.
કંવરપાલસિંહ ગુર્જર, મૂલચંદ શર્મા, રણજિતસિંહ ચૌટાલા, જયપ્રકાશ દલાલ અને ડૉ. બનવારીલાલને નવી કૅબિનેટમાં જગ્યા અપાઈ છે.
આ અગાઉ ત્રિપુરાના મુખ્ય મંત્રી અને રાજ્યસભાના સાંસદ બિપ્લબ દેવે નાયબસિંહ સૈનીને ધારાસભ્યદળના નેતા ચૂંટાયા બાદ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે એક્સ પર લખેલું કે, “પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી નાયબસિંહ સૈનીજીને ધારાસભ્યદળના નેતા ચૂંટાવા બદલ હાર્દિક શુભેચ્છાઓ.”
તેમણે કહ્યું કે, “મને વિશ્વાસ છે કે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અને મુખ્ય મંત્રી મનોહરલાલ ખટટ્રના નેતૃત્વમાં શરૂ થયેલાં હરિયાણાનાં વિકાસકાર્યોને તેઓ આગળ વધારવાની સાથે રાજ્યને વિકાસના માર્ગે આગળ લઈ જશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવા મુખ્ય મંત્રીના કાર્યકાળમાં ભાજપ-જેજેપીનું ગઠબંધન ટકશે?
એક તરફ દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થવામાં થોડા દિવસની વાર છે ત્યારે વધુ એક રાજ્યમાં રાજકીય હલચલ જોવા મળી હતી.
મંગળવારે સવારે સમાચાર એજન્સી એએનઆઇએ હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપી દીધાની વાતની પુષ્ટિ કરી હતી.
કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો કે જેજેપી (જનનાયક જનતા પાર્ટી) હરિયાણામાં નવા મુખ્ય મંત્રીની કૅબિનેટમાં સામેલ નહીં હોય, એનો અર્થ એ થાય છે કે હરિયાણામાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન પણ તૂટી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે હરિયાણામાં ભાજપ અને જેજેપીના ગઠબંધનની સરકાર ચાલી રહી હતી અને મનોહરલાલ ખટ્ટર મુખ્ય મંત્રી હતા.
2019માં થયેલી વિધાનસભાની ચૂંટણી પછી ભાજપે જેજેપી સાથે ગઠબંધન કર્યું હતું અને સરકાર બનાવી હતી. જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલા ઉપમુખ્ય મંત્રી હતા.
તાજેતરમાં જ દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો પર ટિયરગેસના શેલ છોડવા બદલ અને યુવા ખેડૂત શુભકરણસિંહના મૃત્યુ પછી ખટ્ટર સરકાર વિવાદમાં આવી હતી.
2019ની ચૂંટણીનાં પરિણામો
છેલ્લે વર્ષ 2019માં હરિયાણા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને 40 બેઠકો પર જીત મળી હતી.
હરિયાણા વિધાનસભામાં 90 બેઠકો છે જેમાં સરકાર બનાવવા માટે 45 બેઠકોની જરૂર પડે છે.
દુષ્યંત ચૌટાલાના પક્ષ જેજેપીનો દસ બેઠકો પર વિજય થયો હોવાથી તેમણે કિંગમેકરની ભૂમિકા ભજવી હતી અને ભાજપને ટેકો આપ્યો હતો.
કૉંગ્રેસને 2019ની ચૂંટણીમાં 31 બેઠકો પર જીત મળી હતી જ્યારે અપક્ષો અને અન્ય પક્ષોને કુલ નવ બેઠકો પર જીત મળી હતી.
એ પહેલાં 2014ની ચૂંટણીમાં ભાજપે એકલે હાથે વિજય મેળવ્યો હતો અને 47 બેઠકો સાથે સરકાર બનાવી હતી. મુખ્ય મંત્રી તરીકે આ મનોહરલાલ ખટ્ટરનો બીજો કાર્યકાળ હતો.