You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈમાં 17 બાળકો અને બે વૃદ્ધોને બંધક બનાવનારનું પોલીસ ફાયરિંગમાં મોત, ખરેખર શું બન્યું હતું?
- લેેખક, અલ્પેશ કરકરે
- પદ, બીબીસી માટે
મુંબઈના વ્યસ્ત એવા પવઈ મરોલ વિસ્તારમાં મહાવીર ક્લાસિક નામની ઇમારતમાં રોહિત આર્ય નામની એક વ્યક્તિએ બપોરે 3 વાગ્યાની આસપાસ એક સ્ટુડિયોમાં નાનાં બાળકો અને અન્ય કેટલાક લોકોને બંધક બનાવ્યાં હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસે તેને પકડવાની કોશિશ કરી ત્યારે આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પવઈ પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ નિરીક્ષક અમોલ વાઘમારેએ કરેલા વળતા ગોળીબારમાં આરોપીનું મોત થઈ ગયું છે. આ કેસ વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.
રોહિત આર્યે આ બાળકોને ઍક્ટિંગ ઑડિશન માટે આ વિસ્તારમાં બોલાવ્યાં હતાં.
મુંબઈ પોલીસે આ બાળકો અને ફસાયેલા લોકોને રોહિતના કબજામાંથી બચાવી લીધાં છે.
આ ઘટનાથી સમગ્ર મુંબઈમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાના સમાચાર મળતાં જ, બાળકોનાં માતાપિતા અને સ્થાનિક લોકો પવઈના સ્ટુડિયોની બહાર ભેગા થઈ ગયાં હતાં.
પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્ટુડિયોની આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી.
હકીકતમાં શું બન્યું હતું?
રોહિતે અંગત કારણોસર પવઈના મરોલમાં એક સ્ટુડિયોમાં કેટલાંક બાળકોને બંધક બનાવ્યાં હતાં, જ્યાં તે ઍક્ટિંગ ક્લાસીસ ચલાવે છે.
બપોરના લગભગ 3:00 થી 3:30 વાગ્યાનો સમય હતો. બાળકો વર્ગખંડની બારીમાંથી બહાર ડોકિયું કરતાં અને મદદ માટે વિનંતી કરતા જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ, લોકો અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને બાળકોને બચાવવા માટે કાર્યવાહી શરૂ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘટનાની માહિતી મળતાં, પોલીસ અને અન્ય સુરક્ષા દળો પણ ઘટનાસ્થળે પહોંચ્યાં. સ્ટુડિયોની બહાર હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
પોલીસ આરોપીને ઓળખવાનો અને તેના હેતુઓને સમજવાનો પ્રયાસ કરી રહી હતી. અધિકારીઓ પણ બાળકોને તેની કેદમાંથી સુરક્ષિત રીતે છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પોલીસ, અન્ય સુરક્ષા દળો અને ઘટનાસ્થળે હાજર આરોપીઓ વચ્ચે લગભગ અઢી કલાક સુધી વાટાઘાટો ચાલુ રહી.
પરંતુ શંકાસ્પદ વ્યક્તિ આક્રમક હતો અને તેણે દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો.
પોલીસે તેમનો સંપર્ક કરવાનું ચાલુ રાખ્યું અને ફસાયેલાં બાળકો અને વ્યક્તિઓને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો.
પોલીસ સાથે વાત કર્યા પછી, રોહિતે કેટલીક માંગણીઓ કરી. પોલીસે બાળકોને સુરક્ષિત રીતે મુક્ત નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી. જોકે, થોડા માટે મામલો ગૂંચવાયેલો રહ્યો.
અંતે, પોલીસ બાથરૂમની બારીમાંથી સ્ટુડિયોમાં પ્રવેશી.
ત્યાં હાજર એક વૃદ્ધ વ્યક્તિની મદદથી, પોલીસે બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા. ઘટનાસ્થળે હાજર અન્ય પોલીસ ટીમો દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી.
પોલીસે અહેવાલ આપ્યો હતો કે આરોપી પાસેથી એક ઍર ગન અને કેટલાક રાસાયણિક પદાર્થો મળી આવ્યા છે.
પોલીસે શું જાણકારી આપી?
પોલીસે જણાવ્યું હતું કે રોહિત આર્ય પુણેમાં રહેતો હતો અને એક વેપારી હતો.
મુંબઈ પોલીસના કાયદો અને વ્યવસ્થાના જૉઈન્ટ કમિશનર સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે, "બધાં બાળકો સુરક્ષિત છે અને તેમને તેમનાં માતાપિતાને પરત સોંપવામાં આવ્યાં છે."
આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી એક ઍર ગન અને કેટલીક અન્ય સામગ્રી મળી આવી છે. યોગ્ય ચકાસણી કર્યા પછી ટૂંક સમયમાં વધુ માહિતી શૅર કરવામાં આવશે.
પોલીસ નાયબ કમિશનર દત્તા નલાવડે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આરોપીની ધરપકડ બાદ મીડિયા સાથે વાત કરતાં દત્તા નલાવડેએ કહ્યું, "આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને બાળકો અને અન્ય બે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અમે આરોપી સાથે યોગ્ય વાતચીત કરી. અમે આ પાછળનો તેનો હેતુ જાણવાનો પ્રયાસ કર્યો."
"છેલ્લાં કેટલાંક વર્ષોથી તેની માંગણીઓ પૂર્ણ ન થઈ હોવાથી તે આ કરવા માટે તૈયાર થયો હતો. પોલીસ અધિકારીઓ બાથરૂમની બારીમાંથી બંધિયાર જગ્યામાં પ્રવેશ્યા અને લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે."
દત્તા નલાવડેએ વધુમાં કહ્યું, "આ કામગીરી અમારા માટે ખૂબ જ પડકારજનક હતી. બાળકો એક તરફ ફસાયેલાં હતાં, અને આરોપી બીજી તરફ ફસાયેલો હતો. અંતે, મુંબઈ પોલીસે રસ્તો શોધી કાઢ્યો અને બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યાં."
જોકે, પોલીસે કહ્યું છે કે રોહિતે પોલીસ પર ગોળીબાર કર્યો અને જવાબી ગોળીબારમાં તેનું મોત થયું છે.
રોહિત આર્યે આવું કેમ કર્યું હતું?
ઘટના અંગે મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર, સરકારી પ્રોજેક્ટમાં રોહિતના પૈસા અટવાયેલા હતા અને તેણે આ પૈસા મેળવવા માટે જ આ બાળકોને ગોંધી રાખ્યાં હતાં.
જોકે, પોલીસે જણાવ્યું છે કે તેમની તપાસ હજુ ચાલી રહી છે અને આ ઘટના પાછળનો ઉદ્દેશ આગળની તપાસમાં જ બહાર આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત આર્ય પુણેમાં રહી રહ્યો હતો. શિવસેનાના નેતા દીપક કેસરકર જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી હતા એ સમયે તેમને સ્કૂલ પ્રોજેક્ટ માટે ટેન્ડર મળ્યું હતું. પરંતુ રોહિત આર્યનો આરોપ હતો કે આ પ્રોજેક્ટ માટે તેમને પૈસા મળ્યા નહોતા.
પ્રાથમિક માહિતી પ્રમાણે દીપક કેસરકર જ્યારે મંત્રી હતા ત્યારે તેમના નિવાસસ્થાનની બહાર તેણે ઘણી વખત પ્રદર્શન કર્યાં હતાં. સ્કૂલના રિપૅર માટેના કૉન્ટ્રેક્ટ માટે પૈસા ખૂટી ગયા હતા.
સરકાર તરફથી આ મામલે કોઈ જવાબ નહોતો મળ્યો. તે આત્મહત્યા કરવાનું પણ વિચારી રહ્યો હતો. જોકે, આવી કોઈ જ ઘટના ન બનતાં, એવું પણ કહેવાઈ રહ્યું છે કે રોહિતે આ બધું ધ્યાન ખેંચવા માટે કર્યું છે.
ટીવી9 સાથેની વાતચીતમાં દીપક કેસરકરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, "મેં તેમને અંગતપણે મદદ કરી છે. મેં ચેક મારફતે પૈસા ચૂકવી દીધા છે. સરકારી કામમાં બધી જોગવાઈઓ પૂર્ણ થઈ હોવી જોઈએ. જો બે કરોડ રૂપિયા અટવાઈ ગયા હોવાની જ વાત હોય તો, તેમણે વિભાગનો સંપર્ક સાધીને તેનો નિકાલ લાવવો જોઈએ."
કૉંગ્રેસ નેતા વિજય વાડેટ્ટીવારે આના માટે સરકારની ટીકા કરી. તેમણે કહ્યું, "આ પ્રકારે સરકારે કેટલાં બિલ નથી ચૂકવ્યાં? આવી હજુ કેટલી ઘટનાઓ બનશે? જો આજે સરકારના શિસ્તવિહોણા નાણાકીય આયોજનને કારણે કોઈ નિર્દોષ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હોત તો તેનો જવાબદાર કોણ હોત? શું તત્કાલીન શિક્ષણ મંત્રી કેસરકર કે મહાયુતિ સરકારે આની જવાબદારી લીધી હોત?"
આરોપીએ વીડિયોમાં શું કહ્યું હતું?
આ કેસમાં આરોપી રોહિત આર્યે બાળકોને બંધક બનાવીને આ ઘટનાનો એક વીડિયો રિલીઝ કર્યો હતો, જેમાં તે કહેતો સંભળાય છે, "આત્મહત્યા કરવાને સ્થાને, મેં આ બાળકોને બંધક બનાવ્યાં છે."
"મેં યોજના ઘડી અને કેટલાંક બાળકોને બંધક બનાવી લીધાં. મારી ઝાઝી કોઈ માગણી નથી. મારી માગણીઓ ખૂબ સરળ છે. મારી માગણીઓ નૈતિક છે."
"મારે બીજું કશું નથી જોઈતું. હું કોઈ આતંકવાદી નથી, કે મારે કોઈ પૈસા પણ નથી જોઈતા. હું બિલકુલ અનીતિવાળી વ્યક્તિ નથી. મારે ખૂબ જ સામાન્ય વાતચીત કરવી છે. એ કારણે જ મેં આ બાળકોને બંધક બનાવી રાખ્યાં છે."
રોહિત આગળ કહ્યું, "જો તમે મને તમારી કોઈ નાની ભૂલ માટે ઉશ્કેરશો, તો હું આ જગ્યાને આગ ચાંપી દઈશ. મને ખ્યાલ નથી કે હું મરીશ કે નહીં, પરંતુ આ બાળકોને જરૂર નુકસાન થશે. તેમને ઘણો આઘાત લાગશે. જો એના ઉપરાંત પણ કંઈક બને તો, મને ન કહેતા."
"મને આ બધા માટે દોષ ન દેશો. આની ઉશ્કેરણી કરનાર લોકોને દોષ આપો. એક સામાન્ય માણસ માત્ર વાત કરવા માગે છે. હું વાત કર્યા બાદ મારી જાતે જ બહાર આવી જઈશ. ઘણા પ્રયાસો કરાયા. ઘણા લોકો ઘણી વખત મળ્યા. 1 મેથી સામાન્ય ઉપવાસ કર્યા છતાં આજ-કાલ થઈ રહી છે. મેં આજથી કઠોર ઉપવાસ શરૂ કર્યા છે. હું હવેથી પાણી પણ નહીં લઉં. જો લોકો આની ગંભીરતાને સમજે તો સારું."
(આત્મહત્યા એ ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન