યુક્રેન સામે રશિયા તરફથી ચીની લોકો લડી રહ્યા હોવાનો ઝેલેન્સ્કીનો આરોપ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ બે ચીની નાગરિકોને પકડી લીધા છે જેઓ રશિયન સેના વતી યુક્રેન સામેના યુદ્ધમાં લડી રહ્યા હતા.

ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "અમારી સેનાએ બે ચીની નાગરિકોને પકડી લીધા છે જેઓ રશિયન સેનાના ભાગ રૂપે યુદ્ધમાં સામેલ હતા. યુક્રેનિયન સરહદ પર દોનેત્સ્ક વિસ્તારમાં આ ઘટના બની છે. આ લોકો પાસેથી ઓળખ કાર્ડ, બૅન્ક કાર્ડ અને વ્યક્તિગત માહિતી પણ મળી આવી છે."

ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે, "યુક્રેન પાસે આ બે લોકો ઉપરાંત રશિયન સેનામાં ઘણા વધારે ચીની નાગરિકોની હાજરી વિશે માહિતી છે. અમે આ તથ્યોની તપાસ કરી રહ્યા છીએ. ગુપ્તચર વિભાગ, યુક્રેનની સુરક્ષા સેવા અને સેનાના સંબંધિત વિભાગો આ પર કામ કરી રહ્યા છે."

ઝેલેન્સકીએ પોતાની પોસ્ટ સાથે એક વીડિયો પણ શૅર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે લશ્કરી યુનિફૉર્મમાં પકડાયેલા બે 'ચીની નાગરિકો' યુક્રેનના સૈનિકોની કસ્ટડીમાં છે. તેમણે કહ્યું છે કે આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે.

ઝેલેન્સકીના પુતિન પર આરોપો

ઝેલેન્સકીએ કહ્યું છે કે તેમણે યુક્રેનના વિદેશ મંત્રીને તાત્કાલિક ચીનનો સંપર્ક કરવા અને આ મુદ્દા પર ચર્ચા કરવા કહ્યું છે.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયા દ્વારા ચીન અને અન્ય દેશોનું પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થન એ સ્પષ્ટ સંકેત છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુદ્ધનો અંત લાવવા માંગતા નથી.

ઝેલેન્સકીએ કહ્યું છે કે, "પુતિન યુદ્ધ ચાલુ રાખવાના રસ્તા શોધી રહ્યા છે. આ અંગે અમેરિકા, યુરોપ અને શાંતિ ઇચ્છતા દરેક દેશ તરફથી ચોક્કસપણે પ્રતિભાવની જરૂર છે."

આ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રી ઍન્ડ્રીયા સીબિહાએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે લખ્યું કે, "યુક્રેનની સેના સામેના યુદ્ધનો સવાલ છે, ત્યારે અમે યુક્રેનમાં રશિયન સેનામાં ચીની નાગરિકોની સંડોવણીની સખત ટીકા કરીએ છીએ. અમે યુક્રેન ખાતે ચીનના રાજદૂતને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા છે જેથી આ મુદ્દા પર અમારો વાંધો વ્યક્ત કરીને તેમની સ્પષ્ટતા માંગી શકાય."

ચીનની વિશ્વસનીયતા સામે સવાલો

યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે હુમલો કરનારા રશિયન સૈનિકોમાં ચીની નાગરિકોની હાજરી એ ચીનની શાંતિ પ્રત્યેની જાહેર નીતિ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય તરીકે ચીનની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરે છે.

અગાઉ, યુક્રેને દાવો કર્યો હતો કે કુર્સ્ક ક્ષેત્રમાં રશિયન સૈનિકો સાથે ઉત્તર કોરિયાના સૈનિકો યુદ્ધ લડી રહ્યા હતા.

ગયા વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ કોરિયા, અમેરિકા અને યુક્રેને કહ્યું હતું કે ઉત્તર કોરિયાના સૈનિકો હવે મોટી સંખ્યામાં યુદ્ધમાં જોડાયા છે અને તેમાં ઘણી જાનહાનિ પણ થઈ છે.

આ અંગે દક્ષિણ કોરિયાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે રશિયા-યુક્રેન યુદ્ધમાં ઘણા ઉત્તર કોરિયન સૈનિકો મૃત્યુ પામ્યાં છે અને મોટી સંખ્યામાં સૈનિકો ઘાયલ થયા છે.

અમેરિકાએ પણ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના સૈનિકો રશિયામાં યુક્રેન સામે લડતી વખતે મૃત્યુ પામ્યાં હતાં.

અહેવાલો અનુસાર ઉત્તર કોરિયાના લગભગ 10 હજાર સૈનિકો યુક્રેન સામેના યુદ્ધ માટે રશિયા ગયા છે.

અમેરિકા ક્યારે પ્રતિભાવ આપશે?

ફેબ્રુઆરી 2022માં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી રશિયા અને ચીન વચ્ચે નિકટતા વધવા લાગી હતી. પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધોને કારણે રશિયા અને ચીન એકબીજાની નજીક આવ્યા છે.

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં ચીન સત્તાવાર રીતે તટસ્થ રહ્યું છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ચીને રશિયા પાસેથી સૌથી વધુ ગૅસ અને તેલની આયાત કરી છે.

યુરોપિયન દેશોનો આરોપ છે કે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પુતિનને ચીન તરફથી ઘણી મદદ મળી હતી.

દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા પર ખાસ ભાર મૂક્યો છે.

ટ્રમ્પે અનેક વખત રશિયન રાષ્ટ્રપતિ પુતિનના વખાણ કર્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે પુતિન વિરુદ્ધ કઠોર નિવેદનો પણ આપ્યાં છે.

રશિયા-યુક્રેન યુદ્ધ તાત્કાલિક બંધ કરવાના અમેરિકાના પ્રસ્તાવ સાથે યુક્રેન સહમત થઈ ગયું છે, પરંતુ ટ્રમ્પ હજુ સુધી રશિયાને આના માટે સંમત કરાવી શક્યા નથી.

બીજી તરફ, ટ્રમ્પના ટેરિફના મામલે અમેરિકા અને ચીન વચ્ચે સતત નિવેદનબાજી ચાલી રહી છે. ટ્રમ્પે ચીનને ચેતવણી પણ આપી છે કે ચીને ઝીંકેલા ટેરિફના બદલામાં તેઓ નવાં ટેરિફ નાખશે.

ટેરિફના મુદ્દાને કારણે સમગ્ર વિશ્વમાં મંદી અને ફુગાવાનો ભય વધી ગયો છે.

આ 'વ્યાપાર યુદ્ધ' વચ્ચે આ લખાય છે ત્યાં સુધી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના દાવા અંગે અમેરિકા, રશિયા કે ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.