સોમવારે કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચે થશે મહત્ત્વપૂર્ણ ટક્કર – ન્યૂઝ અપડેટ

ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પી તથા તેમનાંથી અડધી ઉંમરનાં દિવ્યા દેશમુખ વચ્ચે રવિવારે ફિડે મહિલા વિશ્વકપ મૅચ યોજાયો હતો, જે ડ્રૉ થઈ ગયો હતો.

ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશને સોશિયલ મીડિયા ઉપર માહિતી આપી છે કે હમ્પી અને દેશમુખ વચ્ચે પહેલા અને બીજા રાઉન્ડનો મુકાબલો ડ્રૉ થયો હતો.

એટલે હવે બંને ખેલાડીઓ સોમવારે ટાઇ-બ્રૅકર રમશે. આ બંને ખેલાડીઓ ભારતીય છે અને પ્રથમ સ્થાન માટે ટકરાઈ રહ્યાં છે. એટલે બંનેમાંથી જે કોઈ જીતે ભારતને પદક મળશે, તે નક્કી છે.

કોનેરુ હમ્પી 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર વૉર્ડ'ની બીજી આવૃત્તિનાં વિજેતા છે.

પહેલા રાઉન્ડની મૅચ પછી કોનેરુ હમ્પીએ કહ્યું, "દિવ્યાએ સારી રમતનું પ્રદર્શન કર્યું અને એક તબક્કે એવું લાગી રહ્યું હતું કે મારાં માટે કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે." જોકે, પહેલો રાઉન્ડ ડ્રૉ થયો હતો.

બીજા રાઉન્ડ પછી દિવ્યાએ કહ્યું, "મારા માટે પહેલો રાઉન્ડ સારો રહ્યો ન હતો, પરંતુ હું મારા બીજા રાઉન્ડનાં પ્રદર્શનથી ખુશ છું."

થાઇલૅન્ડ અને કંબોડિયા વાતચીત માટે તૈયાર

છેલ્લા ચાર દિવસથી થાઇલૅન્ડ અને કંબોડિયામાં સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો હતો, તેને સમાપ્ત કરવા માટે બંને દેશના પ્રતિનિધિઓ સોમવારે મલેશિયા ખાતે મળશે. આ માટે બંને દેશોએ સહમતિ દાખવી દીધી છે.

થાઇલૅન્ડે રવિવારે કહ્યું હતું કે કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયાચાઈનાં નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મલેશિયા જશે.

થાઇલૅન્ડની સરકારનાં કહેવા પ્રમાણે, મલેશિયાએ તેને જણાવ્યું છે કે કંબોડિયાના વડા પ્રધાન હુન માનેત પણ આ ચર્ચામાં સામેલ થશે.

આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે બંને દેશોને તત્કાળ સંઘર્ષવિરામ કરી લેવા અપીલ કરી હતી.

બંને દેશોએ સંઘર્ષવિરામના પ્રયાસો માટે ટ્રમ્પનો આભાર માન્યો હતો. જોકે, ટ્રમ્પની પોસ્ટ પછી રવિવારે પણ આખી રાત બંને દેશોની સરહદ ઉપર ગોળીબાર થયો હતો.

તા. 24 જુલાઈના રોજ થાઇલૅન્ડ અને કંબોડિયાની વચ્ચે સૈન્યઅથડામણ શરૂ થઈ હતી, જેમાં અત્યારસુધીમાં 33 સૈનિક અને નાગરિક મૃત્યુ પામ્યા છે.

માનચેસ્ટર ટેસ્ટમાં કૅપ્ટન શુભમન ગિલે સદી ફટકારી, છતાં ભારતની મુશ્કેલીઓ યથાવત્

ઇંગ્લૅન્ડના માનચેસ્ટર ખાતે ભારત અને યજમાન દેશ વચ્ચે ચોથી ટેસ્ટ મૅચ રમાઈ રહી છે. ત્યારે પાંચમા દિવસે ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ કૅપ્ટન શુભમન ગિલે સદી ફટકારી છે.

ગિલે 228 બૉલમાં 12 ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી.

ચોથી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગમાં 669 રન ફટકારીને મૅચ ઉપર મજબૂત પકડ મેળવી હતી.

ભારતની બીજી ઇનિંગની શરૂઆત એકદમ ખરાબ રહી હતી. ક્રિસ વોક્સે પહેલી જ ઓવરમાં યશસ્વી જાયસવાલ તથા સાઈ સુદર્શનને શૂન્ય રને આઉટ કરી દીધા હતા.

એ પછી શુભમન ગિલ તથા કે.એલ. રાહુલે મજબૂત ભાગીદારી કરીને ભારતીય ઇનિંગનો રકાસ અટકાવ્યો હતો. રાહુલ 90 રન બનાવીને આઉટ થયા.

ઉલ્લેખનીય છે કે આ સિરીઝમાં ઇંગ્લૅન્ડ 2-1થી આગળ છે.

ગાઝાના કેટલાક ભાગોમાં ઇઝરાયલે સૈન્ય ગતિવિધિઓ પર લગાવી 'રણનીતિક રોક'

ઇઝરાયલે ગાઝાના કેટલાક ભાગોમાં પોતાની સૈન્ય ગતિવિધિઓ પર 'રણનીતિક રોક' લગાવવાની ઘોષણા કરી છે.

ઇઝરાયલની સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આવું ગાઝામાં માનવીય સહાયતા વધારવા માટે કરવામાં આવી રહ્યું છે.

ઇઝરાયલની સેનાએ વધુમાં કહ્યું કે "સેના આજથી ગાઝા પટ્ટીના કેટલાક ભાગોમાં સ્થાનિક સમયાનુસાર સવારે 10 કલાકથી રાત્રે 8 વાગ્યા સુધી સૈન્ય ગતિવિધિઓ રોકશે."

ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે આ રોક તે ક્ષેત્રોમાં શરૂ થશે જ્યાં તેઓ ઑપરેટ નથી કરતાં. આ ક્ષેત્રોમાં અલ-મવાસી, દેર અલ-બલાલ અને ગાઝા સિટી છે.

આ ક્ષેત્રોમાં હવે પછીના આદેશ સુધી રોજ સૈન્ય ગતિવિધિઓ પર 'રણનીતિક રોક' લગાવાશે.

ઇઝરાયલી સેનાએ આ વિશે કહ્યું, "આ મામલે સંયુક્ત રાષ્ટ્ર અ આંતરરાષ્ટ્રીય સંગઠનોની સાથે વિચાર-વિમર્શ કરીને નિર્ણય લેવાયો છે."

આ ઉપરાંત ગાઝા પટ્ટીમાં લોકો સુધી ભોજન અને દવા પહોંચાડનારા સંયુક્ત રાષ્ટ્ર તથા માનવીય સહાયતા સંગઠનોના કાફલાને સુરક્ષિત પહોંચાડવા માટે સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી સ્થાયી રૂપે સુરક્ષિત માર્ગ પણ બનાવાશે.

માન્ચેસ્ટર ટેસ્ટમૅચમાં ભારત માટે સારા સમાચાર, ઋષભ પંત બેટિંગ માટે આવશે

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી માન્ચેસ્ટર ટેસ્ટમૅચ હવે રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઈ છે. ચોથા દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે તેની બીજી ઇનિંગમાં બે વિકેટના ભોગે 174 રન બનાવી દીધા હતા. કેએલ રાહુલ 87 અને શુભમન ગિલ 78 રને નૉટઆઉટ હતા. ભારતે પહેલી ઇનિંગમાં 358 અને ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગમાં 669 રન બનાવ્યા હતા.

હવે ભારતે પાંચમા દિવસે મૅચ બચાવવાનો પ્રયત્ન કરવો પડશે. આ બધા વચ્ચે પાંચમા દિવસે ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે ચોથા દિવસની રમત બાદ એ સમાચારની પુષ્ટિ કરી છે કે ઋષભ પંત પાંચમા દિવસે બેટિંગ કરશે.

જો ઋષભ પંત બેટિંગ માટે ઉપલબ્ધ ન હોત તો ભારતીય ટીમની બેટિંગમાં એક બૅટ્સમૅન ઓછો થઈ જાત.

ઉલ્લેખનીય છે કે ઋષભ પંતને માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે બ્રિટિશ બૉલર ક્રિસ વોક્સની બૉલ પર રિવર્સ સ્વીપ શૉટ રમવા જતા પગમાં ઈજા થઈ હતી. ત્યાર પછી તેમને રિટાયર્ડ હર્ટ થઈને મેદાન બહાર જવું પડ્યું હતું. દર્દ હોવા છતાં પંતે બીજા દિવસે બેટિંગ કરી હતી અને પોતાની અર્ધસદી પૂર્ણ કરી હતી.

હરિદ્વાર : મનસાદેવી મંદિરમાં નાસભાગ, 6નાં મોત

ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસાદેવી મંદિરમાં રવિવારે થયેલી નાસભાગમાં છ લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર મળી રહ્યા છે.

સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા પ્રમાણે નાસભાગને કારણે 6 લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હરિદ્વારના કલેક્ટર મયૂર દિક્ષીતે સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું છે કે "સવારે નવ વાગ્યાની આસપાસ મંદિરમાં નાસભાગ થઈ હતી. અત્યારસુધી અમને જાણકારી આપવામાં આવી છે કે છ લોકોનાં મૃત્યુ થયાં છે."

બીજી તરફ હરિદ્વારના એસએસપી પ્રમેન્દ્રસિંહે પીટીઆઈને જણાવ્યું છે, "પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોને બચાવવાની કામગીરીમાં લાગી ગઈ હતી. લગભગ 35 જેટલા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી છ લોકોનાં મૃત્યુ થયાં છે."

રાજ્યના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ ઍક્સ પર પોસ્ટ કરીને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

તેમણે લખ્યું છે, "હરિદ્વારસ્થિત મનસાદેવી મંદિરમાં નાસભાગ થવાને કારણે અત્યંત દુ:ખદ સમાચાર પ્રાપ્ત થયા છે."

"ઉત્તરાખંડ એસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ કર્મચારી ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. આ સંબંધમાં નિરંતર સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છું. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. માતા રાનીને તમામ શ્રદ્ધાળુઓ સકુશળ રહે તેવી પ્રાર્થના."

સમાચાર સંસ્થા એએનઆઈએ ગઢવાલ ડિવીઝનના કમિશનર વિનયશંકર પાંડેના હવાલાથી જણાવ્યું છે કે તેઓ ઘટનાસ્થળે રવાના થયા છે અને તેની વિસ્તૃત રિપોર્ટ આવવાની બાકી છે.

થાઇલૅન્ડ સાથે યુદ્ધવિરામને લઈને ટ્રમ્પના પ્રસ્તાવ પર કંબોડિયાએ શું કહ્યું?

કંબોડિયાએ થાઇલૅન્ડ સાથે યુદ્ધવિરામના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવનુ સ્વાગત કર્યું છે.

કંબોડિયાઈ વડા પ્રધાન હુન માનેએ કહ્યું છે કે તેમના વિદેશ મંત્રી અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે આ વિષય પર વાતચીત કરશે.

ત્યાં થાઇલૅન્ડે કહ્યું છે કે તે યુદ્ધવિરામ પર વિચાર કરવા માટે તૈયાર છે, પરંતુ પહેલા વાતચીત થવી જોઈએ.

તે પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે તેમણે બંને દેશો (કંબોડિયા અને થાઇલૅન્ડ)ના નેતાઓ સાથે વાતચીત કરી છે અને બંને 'યુદ્ધવિરામ' માટે માની ગયા છે.

બંને દેશોએ ટ્રમ્પના પ્રયાસ બદલ તેમનો આભાર પ્રગટ કર્યો છે. જોકે, ટ્રમ્પની પોસ્ટ બાદ પણ બંને દેશો વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે, બંને દેશોની સરહદ પર રાતભર ગોળીબાર ચાલુ જ હતો.

કંબોડિયા અને થાઇલૅન્ડ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો સરહદનો વિવાદ આ સપ્તાહે સંઘર્ષમાં બદલાઈ ગયો. ત્રણ દિવસના આ સંઘર્ષમાં બંને દેશોના ત્રીસ કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકા : મિશિગનના સુપરમાર્કેટમાં છૂરાબાજીની ઘટના, 11 ઘાયલ

અમેરિકાના મિશિગનમાં વૉલમાર્ટ સુપરમાર્કેટમાં થયેલી છૂરાબાજીની ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે. આ જાણકારી અધિકારીઓએ આપી છે.

અધિકારીઓએ પુષ્ટિ કરી કે ટ્રૅવર્સ સિટીમાં થયેલી છૂરાબાજીની આ ઘટના બાદ એક સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે.

અહીં પાસે મનસન મેડિકલ સેન્ટર હૉસ્પિટલે જણાવ્યું કે તેમને ત્યાં 11 ઘાયલોનો ઇલાજ ચાલી રહ્યો છે. હૉસ્પિટલના જણાવ્યા પ્રમાણે છ ઘાયલોની હાલત નાજુક છે.

અધિકારીઓએ કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

ગાઝામાં સહાયતા સામગ્રીને હવાઈ માર્ગથી વિતરણ કરવાની ઇઝરાયલની ઘોષણાને અપૂરતી કેમ કહેવાય છે?

સહાયતા એજન્સીના નેતાઓએ ગાઝામાં ઇઝરાયેલ દ્વારા હવાઈ માર્ગે રાહત સામગ્રી નીચે નાખવાનાં પગલાંને "ધ્યાન ભટકાવવાનું પગલું" ગણાવ્યું છે.

આ નેતાઓનું કહેવું છે કે આ પગલાંથી ગાઝામાં ઘેરું બનતું ભૂખમરાનું સંકટ દૂર નહીં થાય.

ઇન્ટરનૅશનલ રૅસ્ક્યૂ કમિટીનાં કિરોન ડોનેલીએ કહ્યું કે હવાઈ માર્ગે સહાયતા સામગ્રી ફેંકવાથી ક્યારેય જરૂરી માત્રા કે ગુણવત્તાવાળી સહાય પૂરી પાડી શકાતી નથી.

ઇઝરાયેલી સેનાએ રવિવારે ગાઝા પટ્ટીમાં હવાઈ માર્ગે રાહત સામગ્રી ફેંકી હોવાની માહિતી આપી હતી.

સાથે જ, ઇઝરાયલી સેનાએ સંયુક્ત રાષ્ટ્રની સહાયતા કાફિલાઓ માટે માનવતાવાદી કૉરિડોર બનાવવાની પણ જાહેરાત કરી છે.

સંયુક્ત અરબ અમીરાત (UAE) અને જોર્ડન તરફથી આવનારા દિવસોમાં સહાયતા મોકલવાની અપેક્ષા છે.

બ્રિટનના વડા પ્રધાન કિઅર સ્ટાર્મરે કહ્યું છે કે બ્રિટિશ સરકાર ગાઝામાં હવાઈ સહાયતા દ્વારા મદદ પહોંચાડવા માટે "તમામ શક્ય પ્રયાસ" કરી રહી છે.

ગાઝામાં ભૂખમરો

100થી વધુ આંતરરાષ્ટ્રીય સહાયતા સંસ્થાઓ અને માનવાધિકાર સંગઠનોએ ગાઝામાં વ્યાપક ભૂખમરાની ચેતવણી આપી છે.

હમાસ દ્વારા સંચાલિત ગાઝા આરોગ્ય મંત્રાલયે શનિવારે કુપોષણને કારણે પાંચ વધુ મોત થયાં હોવાની માહિતી આપી.

મંત્રાલયે જણાવ્યું કે યુદ્ધ શરૂ થયા પછીથી ખોરાકની અછતને કારણે ગાઝામાં મૃત્યુ પામનારાંઓની સંખ્યા 127 થઈ ગઈ છે, જેમાં 85 બાળકો પણ સામેલ છે.

ઇઝરાયલી સેનાએ જણાવ્યું, 'ગાઝામાં હવાઈ માર્ગથી સહાયતા સામગ્રીનું વિતરણ શરૂ'

ઇઝરાયલની સેનાએ જણાવ્યું છે કે તેણે હાલમાં જ વિમાન મારફતે ગાઝા પટ્ટીમાં માનવીય મદદની આપૂર્તિ કરી છે.

ઇઝરાયલી સેનાનું આ નિવેદન ઘણાં સપ્તાહોના આંતરરાષ્ટ્રીય દબાણ તથા પેલેસ્ટાઇન ક્ષેત્રમાં વધતી ભૂખમરીની સમસ્યા બાદ આવ્યું છે.

રવિવારે સવારે એક નિવેદનમાં, ઇઝરાયલી સેનાએ કહ્યું કે હવાઈ માર્ગથી પહોંચાડવામાં આવેલી સહાયતા સામગ્રીમાં "લોટ, ખાંડ અને ડબ્બાબંધ ખાદ્ય સામગ્રી ધરાવતાં પૅકેજ સામેલ છે."

આ પહેલાં ઇઝરાયલે કહ્યું હતું કે ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રના કાફલાને પ્રવેશ આપવા માટે તે માનવીય કૉરિડોર ખોલવા તૈયાર છે.

ગાઝાના 20 લાખ લોકોને મહિનાઓ સુધી સીમિત આપૂર્તિને કારણે ત્યાં મોટા પાયે ભૂખમરીની ચેતવણી આપવામાં આવી રહી છે. ત્યાં ઇઝરાયલે "જાણી જોઈને ભૂખમરી ફેલાવી" હોવાના આરોપોનું ખંડન કર્યું છે.

ઍક્સ પર કરેલી એક પોસ્ટમાં તેણે કહ્યું છે કે ગાઝામાં માનવીય સહાયતામાં સુધાર માટે નવાં પગલાં ઉઠાવ્યાં છે.

ઇઝરાયલી સેનાએ લખ્યું છે. "ખાદ્ય વિતરણની જવાબદારી સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સહાયતા સંગઠનોની છે. તેથી, સંયુક્ત રાષ્ટ્ર અ આંતરરાષ્ટ્રીય સંગઠનોથી અપેક્ષા કરવામાં આવે છે કે તેઓ સહાયતા વિતરણમાં સુધાર લાવે અને એ સુનિશ્ચિત કરે કે સહાયતા હમાસ સુધી ન પહોંચે."

થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધવિરામ પર શું બોલ્યા ટ્રમ્પ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે થાઇલૅન્ડ અને કંબોડિયા બંને 'તાત્કાલિક યુદ્ધવિરામ' ઇચ્છે છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ પર ત્રણ પોસ્ટ કરી હતી અને લખ્યું કે તેમણે થાઇલૅન્ડના કાર્યવાહક વડા પ્રધાન અને કંબોડિયાના વડા પ્રધાન સાથે વાત કરી છે અને બંને દેશ હવે યુદ્ધવિરામ ઇચ્છે છે.

તેમણે કહ્યું કે શાંતિ થયા બાદ તેમને આશા છે કે બંને સાથે વ્યાપાર સમજૂતી થઈ શકશે.

ટ્રમ્પે કેટલીક મિનિટોના અંતરાલ વચ્ચે ત્રણ પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું, "હાલમાં મારા કંબોડિયાના વડા પ્રધાન સાથે સારી વાતચીત થઈ. મેં તેમને થાઇલૅન્ડ અને તેમના કાર્યવાહક વડા પ્રધાન સાથે મારી વાતચીતની જાણકારી આપી. બંને પક્ષ તરત જ યુદ્ધવિરામ અને શાંતિ ઇચ્છે છે."

"તેઓ અમેરિકા સાથે ફરીથી વ્યાપારિક વાતચીતના ટેબલ પર ફરવા માગે છે. જે અમારા વિચાર મુજબ યોગ્ય નથી. જ્યાં સુધી લડાઈ બંધ નથી થતી. તેમને તરત મળીને જલદી યુદ્ધવિરામ લાગુ કરવા પર સહમતિ બનાવવા અને આખરે શાંતિ સ્થપાય તેના પર કામ કરવા માટે સહમતિ આપી છે."

તે અગાઉ તેમણે લખ્યું, "મેં હાલમાં જ થાઇલૅન્ડના કાર્યવાહક વડા પ્રધાન સાથે વાત કરી. આ બહુ સારી વાતચીત હતી. થાઇલૅન્ડ પણ કંબોડિયાની માફક તાત્કાલિક યુદ્ધવિરામ ઇચ્છે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન