IPL:ધોનીની કપ્તાનીની એ ત્રણ ખાસિયતો જેણે ચેન્નઈને ફાઇનલમાં પહોંચાડી દીધી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્ણવ વસાવડા
- પદ, બીબીસી ગુજરાતી
મંગવારે ચેન્નઈના ચૅપોક સ્ટેડિયમમાં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં હાર્દિક પંડ્યાની ટીમે હારનો સામનો કરવો પડ્યો. પ્લે ઑફમાં સતત મૅચ જીતનારી ગુજરાતની ટીમ આ વખતે મહત્ત્વના મૅચમાં હારી ગઈ.
જે બાદ ચારે તરફ મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનની ચર્ચા શરૂ થઈ છે. આઈપીએલમાં ધોનીની ટીમ અત્યાર સુધી 9 ફાઇનલ રમી ચૂકી છે અને આ તેમના માટે 10મી ફાઇનલ મૅચ હશે.
ધોનીની કપ્તાની હેઠળ ચેન્નઈ અત્યાર સુધી ચાર વખત આઈપીએલની ટ્રોફી જીતી ચૂકી છે. આ વખતે તે જીતશે તો મુંબઈ ઇન્ડિયન્સની પાંચ વખત જીતવાની બરોબરી કરી લેશે.
આ વર્ષે છેલ્લાં પંદર વર્ષમાં નથી થઈ એટલી ચર્ચા ધોનીની નિવૃતિની થઈ છે. અનેક અટકળો વચ્ચે ધોનીની શાનદાર કપ્તાની પણ જોવા મળી છે. જેમાં જૂના ખેલાડીઓ હોય કે નવા આવેલા ખેલાડીઓ હોય તમામ ટીમ માટે પર્ફોમ કરી રહ્યા છે. ખાસ ચર્ચા ગુજરાત સામેની આ મૅચની થઈ કે જેમાં ધોનીએ પોતાની કપ્તાનીની સૂઝબૂઝના આધારે આખી મૅચની બાજી પલટી નાખી.

‘ધોની 360 ડિગ્રી કપ્તાન છે’

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારની મૅચમાં ચેન્નઈ સામે ગુજરાતની ટીમ 15 રને હારી ગઈ હતી. જેમાં ધોની કપ્તાન તરીકે કેટલું આગળ વિચારીને ચાલે છે તેનો નમૂનો જોવા મળ્યો હતો.
ગુજરાત ટાઇન્સના ઓપનર સાહાની વિકેટ બાદ હાર્દિક પંડ્યા રમવા માટે આવ્યા. હાર્દિકે થોડીવાર બેટિંગ કરી અને રન બનાવવાના પ્રયત્ન કર્યા. ત્યાં જ વિકેટની પાછળ રહેલા ધોનીએ ફિલ્ડિંગમાં ફેરફાર કરવાના શરૂ કરી દીધા.
અચાનક એક ખેલાડીને ઑન સાઇડથી ઑફ સાઇડ બોલાવી લીધા. કપ્તાન હાર્દિક પંડ્યા પર દબાવ વધ્યો અને તેમણે તિક્ષણાની ઓવરમાં માત્ર નજીવા સ્કૉરે પોતાની વિકેટ ગુમાવી દીધી.
16મી ઓવર ધોની પથિરાના પાસે કરાવવા માગતા હતા. પરંતુ પથિરાના મેદાનની બહાર ગયા હતા તો આવ્યા બાદ સીધા જ બૉલિંગ કરી શકે નહીં. જે બાદ ધોનીએ તેને બૉલિંગ કરાવવા માટે અમ્પાયર સાથે ચર્ચા શરૂ કરી દીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાર મિનિટ બાદ જ તેની પાસે બોલિંગ કરાવી શકાય એવો નિર્દેશ અમ્પાયરે આપ્યો હતો. તો ધોનીએ ચાર મિનિટ સુધી ચર્ચા કરીને કાઢી અને ત્યાં સુધી મૅચ રોકાયેલી રહી. જેથી પથિરાના બૉલિંગ કરી શકે. જેથી ગુજરાતના રનને રોકી શકાય.

ઇમેજ સ્રોત, Getty Images
ધોનીની કારકિર્દીને ખૂબ જ નજીકથી જોનાર વરિષ્ઠ ખેલ પત્રકાર વિમલ કુમાર જણાવે છે, "ધોની 360 ડિગ્રી કપ્તાન છે. જે મંગળવારની મૅચમાં જોવા મળ્યું."
"ધોની પરિસ્થિતિના આધારે ખેલાડીઓને એક-બે ફૂટ આગળ પાછળ કરતા રહે છે. ધોની મેદાનમાં ખેલાડીઓને કહે છે કે મારા પર નજર રાખજો. આ એ જ કરી શકે જે મેદાન પરની રમતને 360 ડિગ્રી સમજી શકે. આ બાબતમાં ધોની ગોડ ગિફ્ટ છે."
વરિષ્ઠ રમતગમત પત્રકાર અમિત શાહ જણાવે છે કે, “ધોની ‘મેન ટૂ મેન માર્કિંગ’ કરી જાણે છે. તેની પાસે પોતાની ટીમના અને વિરોધી ટીમના દરેક ખેલાડી માટે અલગ અલગ રણનીતિ હોય છે."
"આ પ્રકારની રણનીતિ બનાવવી એ ખરેખર અનોખી વાત છે. તેને હોમ ગ્રાઉન્ડ ઉપર ખબર હોય છે કે વિરોધી ટીમ પાસેથી જીત કઈ રીતે ખેંચી લેવી. મૅચ દર મૅચ અને એક એક ગ્રાઉન્ડ અને ટીમનું અવલોકન કરી રણનીતિ બનાવવી એ ધોનીની ખાસિયત

ધોનીની એ રણનીતિ જે ટીમમાં વિશ્વાસ પેદા કરે છે

ઇમેજ સ્રોત, Getty Images
આઈપીએલ 2023 હોય કે અન્ય કોઈ સિઝન એવું બહુ ઓછું જોવા મળ્યું છે કે ધોનીએ પોતાની ટીમના કૉમ્બિનેશનમાં ધરખમ ફેરફાર કર્યા હોય. ક્રિકેટના જાણકાર માને છે કે આ રણનીતિને કારણે ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ ઘણો વધી જાય છે.
શાહના કહેવા પ્રમાણે, “ધોનીની ટીમમાં ધોની સહિત અન્ય ખેલાડીઓ 30 વર્ષથી વધુ વયના છે. જ્યારે એવા પણ ખેલાડીઓ છે કે જેણે પોતાના દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનું શરૂ પણ કર્યું નથી."
"તેમ છતાં આઈપીએલની અન્ય સિઝનમાં કે પછી આ વર્ષે એવું ઓછું જોવા મળે છે કે ચેન્નઈએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કર્યો હોય. જેનાથી ખેલાડીને એ વિશ્વાસ બેસે છે કે તેમના કપ્તાન તેમને એક મૅચ ખરાબ જશે તો પણ ભૂલ સુધારવાનો અવસર આપશે.”
વરિષ્ઠ ખેલ પત્રકાર વિમલ કુમાર જણાવે છે કે, “ધોની જાણે છે કે ભલે તેમની પાસે અનુભવી બૉલર્સ નથી પરંતુ તિક્ષણા હોય કે પછી પથિરાના કે પછી દેશપાંડે આ તમામ બૉલર્સમાંથી તેમની સર્વશ્રેષ્ઠ બાબત કઈ છે. કઈ રીતે તેનો સારી રીતે ઉપયોગ કરવો. એટલે જ તેઓ આ કૉમ્બિનેશન સાથે આગળ વધ્યા છે.”

નીચેના ક્રમમાં કરી વિસ્ફોટક બેટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
એક કપ્તાન તરીકે અને ટીમના સભ્ય તરીકે ધોનીને ખબર છે કે તેમને કયા ક્રમે બેટિંગ કરવા માટે ઊતરવાનું છે. આ વર્ષે આઈપીએલમાં ઘણા એવા અવસર આવ્યા જ્યારે પ્રેક્ષકોએ ધોની મેદાનમાં બેટિંગ કરવા જલદી ઊતરે એ પ્રકારનાં પોસ્ટરો દેખાડ્યાં, ધોની-ધોનીની બૂમો પાડી છતાં કપ્તાન સ્પષ્ટપણે પોતાની રણનીતિને વળગી રહ્યા.
એનું જ પરિણામ છે કે ધોનીએ નીચેના ક્રમે આવીને પણ આ વર્ષે 15 મૅચમાં માત્ર 56 બોલનો સામનો કરી 10 છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 104 રન નોંધાવ્યા.
એકાદ બે વાર તો ધોનીએ ટીમના સ્કોરમાં જે ભાગીદારી કરી તેનાથી જ ચેન્નઈ એ મુકાબલા જીતી પણ ખરી. ધોનીએ પણ આ વાત સ્વિકારી છે કે તેમનો રોલ ટીમમાં ફિનિશરનો છે અને તેના પર જ તેઓ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.

મેદાનની બહાર ધોનીની અલગ રણનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વર્ષે ધોનીની કપ્તાનીને લઈને એ ચર્ચા દર વખતે થઈ કે તેઓને પોતાના ખેલાડીમાં શું ખાસ છે તે શોધી તેને બહાર કાઢતા આવડે છે.
આ વિશે બીબીસીએ જ્યારે વરિષ્ઠ ખેલ પત્રકાર વિમલ કુમારને પૂછ્યું તો તેમણે જણાવ્યું, “ધોની મેદાનમાં હોય ત્યાં સુધી ક્રિકેટની વાત થાય, એકવાર મેદાનની બહાર જાય પછી ટીમમાં બધાનું કામ નક્કી કરાયેલું છે. ધોની એક વાતમાં સ્પષ્ટ છે કે મેદાનમાં જે થશે એમાં તમામ નિર્ણય પોતે લેશે. પરંતુ મેદાનની બહાર કોઈ ખેલાડીને સલાહ આપવાની હોય તો એ કૉચને એની જવાબદારી આપે છે. બ્રાવોને એની જવાબદારી આપેલી છે. એટલું જ નહીં તે ત્યાં સુધી કે કૉચે શું વાત કરવી તે પણ કહી દે છે. જેથી ખેલાડીના આત્મવિશ્વાસ પર અસર ન પડે.”
બીજી બાજુ વરિષ્ઠ પત્રકાર અમિત શાહ જણાવે છે, “ધોની વિશે કોઈ અનુમાન ના બાંધી શકાય કે તેઓ શું વિચારે છે. આપણે એવું લાગે છે કે તેઓ મેદાન પર બહુ કૂલ રહે છે. પરંતુ એવું નથી ડ્રેસિંગ રૂમમાં તે ખેલાડીને જરૂર પડે ઠપકો પણ આપે છે અને ગુસ્સે પણ થાય છે. પરંતુ તે પોતાનો ગુસ્સો ક્યારેય મેદાન ઉપર નથી દેખાડતા.”
ત્યાં સુધી કે પૂર્વ વિસ્ફોટ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે મંગળવારે ટ્વિટ કરી કહ્યું હતું કે જે રીતની ટીમ ધોની લઈને ચાલી રહ્યા છે તે પ્રકારના ખેલાડી સાથે આઈપીએલની ફાઈનલમાં પહોંચવું એ માત્ર ધોનીની કપ્તાનીમાં જ શક્ય છે.














