આઈપીએલ : હારેલી મૅચમાં રિંકુસિંહે રમેલી એ તોફાની ઇનિંગ જેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા

ઇમેજ સ્રોત, Getty Images
રિંકુસિંહની ધૂંઆધાર બેટિંગ છતા પણ લખનૌ સુપરજાયન્ટ્સની ટીમે કોલકાતા નાઇટરાઇડર્સને માત્ર એક રનથી હરાવીને પ્લેઑફમાં સ્થાન પાક્કું કરી દીધું છે. રિંકુસિંહ છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 33 બૉલ પર 67 રન ફટકારીને અણનમ રહ્યા.
શનિવારે લખનૌ સુપરજાયન્ટ્સ અને કોલકાતા નાઇટરાઇડર્સ વચ્ચે રમાયેલી આ મૅચ રોમાંચક રહી. લખનૌએ પહેલા બેટિંગ કરીને 176 રન બનાવ્યા. જવાબમાં કોલકાતાએ સારી શરૂઆત કરી. પ્રથમ ઓવરમાં જ વેંકટેશ અય્યરે સ્કોર 15 રન પર પહોંચાડ્યો.
બીજી ઓવરમાં જેસન રૉયે કમાન સંભાળી અને આ ઓવરમાં પણ 15 રન આવ્યા. પાંચમી ઓવરમાં લખનૌના કપ્તાન કૃણાલ પંડ્યાને સતત ત્રણ ચોગ્ગા પડ્યા. જોકે, પ્લેઑફની છેલ્લી ઓવરમાં કૃષ્ણપ્પા ગૌતમે વેંકટેશ અય્યરની વિકેટ લીધી અને પ્રથમ છ ઓવરમાં સારો એવો સ્કોર અપાવનાર જોડી તૂટી ગઈ.

જ્યારે રિંકુસિંહ આવ્યા મેદાનમાં...

ઇમેજ સ્રોત, Getty Images
પ્લેઑફની છ ઓવર સુધી કોલકાતા નાઇટ રાઇડર્સનો સ્કોર એક વિકેટના નુકસાને 61 રન હતો. પ્રથમ વિકેટ માટે વેંકટેશ અય્યરે જેસન રૉય સાથે મળીને આ રન ફટકાર્યા હતા.
વેંકટેશ બાદ કપ્તાન નીતીશ રાણા વિકેટ પર આવ્યા પરંતુ માત્ર આઠ રન બનાવીને રવિ બિશ્નોઈનો શિકાર બન્યા. આ વિકેટ નવમી ઓવરમાં પડી હતી. ત્યાર પછીની ઓવરમાં કૃણાલ પંડ્યાએ જેસન રૉયને પેવેલિયનભેગા કર્યા, ત્યારે સ્કોર 10 ઓવરમાં ત્રણ વિકેટના નુક્સાને 82 રનનો હતો.
એટલે કે માત્ર 21 રનમાં કોલકાતાએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર પછી રનરેટમાં ઘટાડો આવ્યો અને સમયાંતરે વિકેટો પણ પડતી ગઈ.
14મી ઓવરમાં રહમાનુલ્લાહ ગુરબાઝ, તો 18મી ઓવરમાં પહેલા શાર્દુલ ઠાકુર અને બાદમાં સુનીલ નરેન આઉટ થયા. ધડાધડ વિકેટો પડતાં લાગ્યું કે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ સરળતાથી ઘૂંટણીએ પડી જશે. પરંતુ અહીંથી બેટિંગની કમાન રિંકુ સિંહે સંભાળી.
રિંકુસિંહે 19મી ઓવરમાં 20 રન બનાવ્યા અને અંતિમ ઓવરમાં 18 રન બનાવ્યા. રિંકુસિંહ છેલ્લે સુધી ટકી રહ્યા હોવા છતા કોલકાતાની ટીમ અંત સુધીમાં સાત વિકેટના નુક્સાને 175 રન જ બનાવી શકી અને માત્ર એક રનથી મૅચ હારી ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

લખનૌના ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
શનિવારની બીજી મૅચમાં લખનૌ સુપરજાયન્ટ્સે પહેલા બેટિંગ કરી હતી. જેમાં નિકોલસ પૂરનની અર્ધશતકીય ઇનિંગના કારણે તેમની ટીમે કોલકાતા સામે 177 રનોનો લક્ષ્યાંક મૂક્યો હતો. નિકોલસ પૂરને 58 રન ફટકાર્યા હતા. જ્યારે ક્વિન્ટન ડીકૉકે 28 અને પ્રેરક માંકડે 26 રન માર્યા હતા.
કોલકાતા તરફથી શાર્દુલ ઠાકુર, સુનીલ નરેન અને વૈભવ અરોરાએ બે-બે વિકેટ લીધી. જ્યારે હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ એક-એક બૅટ્સમૅનને પેવેલિયનભેગા કર્યા હતા. લખનૌની જીત સાથે જ તે પ્લેઑફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની છે.
શુક્રવાર સુધી ગુજરાત ટાઇટન્સ એક માત્ર એવી ટીમ હતી, જે આઈપીએલ 2023ની પ્લેઑફ સુધી પહોંચી હતી. જોકે, શનિવારે આ યાદીમાં બીજી બે ટીમોનો ઉમેરો થયો છે. આ બે ટીમો છે. લખનૌ સુપરજાયન્ટ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ.
લખનૌને પ્લેઑફ સુધી પહોંચાડનારી ટીમ વિશે તમે જાણ્યું. પણ એ જ દિવસે એટલે કે શનિવારે સાંજના સમયે યોજાયેલી ચેન્નઈ સુપરજાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ જીતીને ચેન્નઈએ પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું.














