એ ‘નો બૉલ’ જેણે ગુજરાતની બાજી બગાડી નાખી અને ચેન્નઈ મૅચ જીતી ગયું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્ણવ વસાવડા
- પદ, બીબીસી ગુજરાતી
ચેન્નઈના ચૅપોક સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલ 2023ની પહેલી ક્વૉલિફાયર મૅચ રમાઈ. આ મૅચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે હતી.ચેન્નઈએ પોતના હોમ ગ્રાઉન્ડમાં 15 રને આ મૅચ જીતી આઈપીએલ 2023ની ફાઇનલમાં ભાગીદારી નોંધાવી દીધી છે.
ગુજરાત ટાઇટન્સે પહેલા ટૉસ જીતી બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો. નિર્ણય એટલા માટે કર્યો કે ડ્યૂ ફેક્ટર કદાચ બીજી ઇનિંગમાં બૉલરો માટે મુશ્કેલી પેદા કરી શકે. જોકે આ નિર્ણય સંપૂર્ણ પણે ગુજરાત માટે ખોટો સાબિત થયો.
ચેન્નઈએ પહેલી ઇનિંગમાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 172 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ સ્કોરમાં સૌથી વધુ યોગદાન ઓપનર ઋતુરાજ ગાયકવાડે આપ્યું હતું. ગાયકવાડે ફરી એકવાર ક્વૉલિફાયરમાં ધૂઆધાર બેટિંગ કરતાં 44 બૉલમાં 60 રન નોંધાવ્યા હતા. ગાયકવાડનો સાથ આપ્યો તેમના સલામી બૅટ્સમૅન ડેવોન કોન્વેએ. કોન્વેએ 34 બૉલમાં 40 રન નોંધાવ્યા અને બન્ને ઑપનરે ચેન્નઈ માટે 64 બૉલમાં 87 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી.
બીજી બાજુ ગુજરાતની ટીમ ચૅપોકમાં પહેલી વખત આઈપીએલની મૅચ રમી રહી હતી. ગુજરાતને જીતવા માટે 120 બૉલમાં 173 રન કરવાના હતા, પરંતુ ચેન્નઈના બૉલર્સની ધારદાર બૉલિંગ અને ધોનીની રણનીતિ સામે ગુજરાતની ટીમ 20 ઓવરમાં 157 જ રન કરી ઑલઆઉટ થઈ ગઈ હતી.
ગુજરાત તરફથી સૌથી વધુ રન શુભમન ગીલે કર્યાં હતા. તેમણે 38 બૉલમાં 42 રન નોંધાવ્યા હતા. જ્યારે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બેટિંગમાં ઊતરેલા વિજય શંકર અને રાશિદ ખાન વચ્ચે સૌથી વધુ 12 બૉલમાં 26 રનની ભાગીદારી નોંધાઈ હતી. જેના લીધે 20 ઓવરના અંતે ગુજરાત 15 રને ચેન્નઈ સામે પહેલી વખત હારી ગયું હતું.
હવે બુધવારે ચેન્નઈના ચૅપોક સ્ટેડિયમમાં જ બીજી ક્વૉલિફાયર મૅચ રમાશે તેમાં મુંબઈ કે લખનૌ જે ટીમ જીતશે તેની સામે ગુજરાતની ટીમે રમવાનું રહેશે. પરંતુ ગુજરાત આ મૅચ કેમ હારી ગયું તેનો જવાબ વિચારીએ તો મંગળવારની મૅચ શરૂ થઈ તેની દસ મિનિટમાં જ એ મળી ગયો હતો.

બીજી જ ઓવરનો એ ‘નો બૉલ’ જે ગુજરાતને ભારે પડ્યો

ઇમેજ સ્રોત, ANI
ચેન્નઈની ટીમ મેદાન પર બેટિંગ કરવા ઊતરી અને ગુજરાત તરફથી શામીએ પહેલી ઓવર નાખી હતી. આ ઓવર દરમિયાન જ કોમૅન્ટ્રીમાં બેઠેલા આકાશ ચોપડા અને ઝહિર ખાને બૉલવાનું શરૂ કરી દીધું હતું કે આ પીચ ધીમી દેખાઈ રહી છે, એટલે કે બહુ મોટો સ્કોર નોંધાઈ શકે એમ નથી.
શામીની પહેલી ઓવરમાં માત્ર 4 આવ્યા હતા. ત્યારબાદ ચર્ચા થઈ રહી હતી કે હાર્દિક પંડ્યા બૉલિંગ કરવા ઊતરે કે નહીં. પરંતુ કપ્તાન હાર્દિકે આ અગત્યની મૅચમાં બીજી જ ઓવર ગુજરાત તરફથી આ વર્ષે પહેલી મૅચ રમતા દર્શન નાલકન્ડેને સોંપી હતી. બૉલ સ્વિંગ થઈ રહ્યો હતો અને આ નવા બૉલર પાસેથી હાર્દિકને વિકેટની આશા હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાલકન્ડેની ઓવરના પહેલા બે બૉલમાં એક પણ રન આવ્યો નહોતો. ગાયકવાડ પણ શૉટ ફટકારવા મથી રહ્યા હતા. જોકે, ત્યારબાદ નાલકન્ડેએ પોતાની ઓવરનો ત્રીજો બૉલ ફેક્યોં હતો. જેમાં ગાયકવાડના બૅટમાં દડો ઊછળીને આવ્યો અને ગાયકવાડ યોગ્ય રીતે ફટકારી નહોતા શક્યા અને શુભમન ગીલના હાથમાં કૅચ આપી બેઠા હતા.
આ ક્ષણે ચેન્નઈના સ્ટેડિયમમાં સન્નાટો હતો અને ગુજરાતની ટીમ જશ્ન મનાવવા લાગી હતી. ગાયકવાડ નિરાશ થઈ પેવેલિયન તરફ વળી જ ગયા હતા પરંતુ એવામાં અમ્પાયર તરફથી ‘નો બૉલ’નું સિગ્નલ આવ્યું હતું અને જાણે કે આખી બાજી ચેન્નઈ તરફ વળી ગઈ હતી.
હાર્દિક પંડ્યા તેમના નવા બૉલર નાલકન્ડેને સમજાવતા નજરે પડ્યા પરંતુ નાલકન્ડેની એ જ ઓવરમાં કુલ 14 રન નોંધાયા હતા, અને ગાયકવાડ જેને 4 રને જીવનદાન મળ્યું હતું તે સ્કોરબોર્ડ પર 60 રન નોંધાવી આઉટ થયા હતા. અને આખરે જ્યારે મંગળવારની મૅચનું પરિણામ આવ્યું ત્યારે ગુજરાત ટાઇટન્સ 15 રને હારી ગયું હતું.

ગુજરાત ટાઇટન્સની એ ભૂલો જેના લીધે હારનો સામનો કરવો પડ્યો

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
“અમને આશંકા હતી કે ડ્યૂ આ મૅચમાં અગત્યનો ભાગ ભજવી શકે છે. એ જોતા અમે પહેલાં બૉલિંગનો નિર્ણય કર્યો હતો, પરંતુ ડ્યૂ ફેક્ટર આવ્યું નહીં અને એ અમારા પક્ષમાં રહ્યું નહીં. બાકી ઓવરોલ બેટિંગ વિભાગ પણ નબળો રહ્યો.” શું તમારો પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય ભારે પડ્યો? આ સવાલના જવાબમાં ગુજરાતના કપ્તાન હાર્દિક પંડ્યાએ ઉપર મૂજબનો જવાબ આપ્યો હતો.
જોકે, એ વાત નિષ્ણાતો પણ માની રહ્યા હતા કે પહેલા ટૉસ જીતી બૉલિંગનો નિર્ણય ગુજરાતની ટીમને નડ્યો હતો. બીજી બાજુ નવા બૉલની કમાન પહેલી જ વખત ટીમમાં સામેલ કરેલા નાલકન્ડેના હાથમાં સોંપવામાં આવી જેમાં એક ‘નો બૉલ’ના કારણે તે દાવ ગુજરાત ઉપર ઊંધો પડ્યો હોય તેવું જણાઈ રહ્યું હતું.
બીજી બાજુ કપ્તાન હાર્દિક પંડ્યા ખુદ ત્રીજા ક્રમે બેટિંગમાં ઊતર્યા હતા. હાર્દિકે માત્ર 8 રન કરી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. એ જોતા નિષ્ણાતો પણ એ જ વાતની ચર્ચા કરી રહ્યા હતા કે ટીમમાં વિજય શંકર કે જેણે પાછલી મૅચમાં અડધી સદી ફટકારી હતી તેની જગ્યાએ હાર્દિક પોતે બેટિંગમાં ઊતર્યા એ તેમનો યોગ્ય નિર્ણય નહોતો.
બીજી બાજુ શુભમન ગીલ કે જેઓ યોગ્ય રીતે મેદાન પર ટકી રહ્યા હતા તેઓ પણ એક ખરાબ શૉટના ચક્કરમાં પોતાનો કૅચ આપી બેઠા હતા. ત્યારબાદ ગુજરાતના અન્ય 6 બૅટ્સમૅન 10 રન સુધી પણ પહોંચી નહોતા શક્યા. જાડેજાએ ડેવિડ મિલર, તીક્ષણાએ હાર્દિક પંડ્યા અને તેવટીયા, દેશપાંડેએ રાશિદ ખાન અને ઇમ્પેક્ટ પ્લેયરના રૂપમાં આવેલા પથિરાનાએ ગુજરાત તરફથી ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઊતરેલા વિજય શંકરને પેવેલિયન ભેગા કર્યા હતા.
એટલે કે ગુજરાતની ટીમ જે ટાર્ગેટનો પીછો કરવામાં માહિર છે એ ચૅપોકના મેદાન પર ખૂબ જ સંઘર્ષ કરતી નજરે ચઢી હતી.
ચેન્નઈ તરફથી પથિરાના, ચહર અને દેશપાંડેએ મળીને 13 વાઇડ બૉલ પણ નાખ્યા હતા, એટલે કે ચેન્નઈએ ગુજરાતને 2 વધારાની ઓવર પણ આપી છતાં ગુજરાતની ટીમ 172 સુધી પહોંચી શકી નહીં.














