આઈપીએલ : 23 વર્ષનો એ ખેલાડી જેની તોફાની બેટિંગ કોહલીની ધૂંઆધાર સદી પર ભારે પડી

શુભમન ગિલ

ઇમેજ સ્રોત, Getty Images

આઈપીએલની છેલ્લી લીગ મૅચમાં ગુજરાત ટાઇટન્સે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુને છ વિકેટે હરાવી ટૂર્નામેન્ટની બહાર કરી દીધું હતું. વરસાદના કારણે મોડી શરૂ થયેલી આ મૅચમાં હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

વિરાટ કોહલીની સદીના કારણે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુએ 20 ઓવરમાં પાંચ વિકેટે 197 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમના ઓપનર શુભમન ગિલે પણ આ ટૂર્નામેન્ટની પોતાની બીજી સદી ફટકારી હતી અને છેલ્લે સુધી આઉટ થયા વિના ટીમને જીત અપાવી હતી.

શુભમન ગિલે માત્ર 50 બૉલમાં તેમની સદી પૂરી કરી હતી અને (52 બૉલમાં) 104 રન બનાવ્યા બાદ અંત સુધી અણનમ રહ્યા હતા. શુભમન ગિલે પોતાની ઇનિંગ્સમાં આઠ છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.

ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની શરૂઆતમાં રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે પહેલી વિકેટ માટે માત્ર 25 રન જોડ્યા હતા. ત્યારબાદ વિજય શંકર સાથે ગિલે સદીની ભાગીદારી કરી હતી.

આ બંનેએ બીજી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી હતી. વિજય શંકરે 35 બૉલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રનની ઇનિંગ્સ રમી હતી. વિજય શંકર 15મી ઓવરમાં 148 રને આઉટ થયા હતા.

માત્ર બે રન ઉમેરાયા હતા ને દસુન શનુકા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ ડેવિડ મિલર આવ્યા, પરંતુ તેઓ પણ માત્ર છ રનનું યોગદાન આપીને પેવેલિયન પરત ફર્યા હતા.

શુભમન ગિલ બીજા છેડે ટકી રહ્યા હતા અને મૅચની છેલ્લી ઓવરમાં તેમની સદી પૂરી કરી હતી અને ગુજરાત ટાઇટન્સને જીત અપાવી હતી. આ સાથે જ આ આઈપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુની સફરનો અંત આવ્યો હતો અને મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઑફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ હતી.

બીબીસી ગુજરાતી

બૅંગલુરુની ઇનિંગ્સમાં વિરાટે આ સીઝનની બીજી સદી ફટકારી

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

આ પહેલાં પ્લેઑફ માટે તેમની મહત્ત્વપૂર્ણ અને છેલ્લી લીગ મૅચમાં વિરાટ કોહલીની સદીના કારણે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુએ ગુજરાત ટાઇટન્સ સામે જીતવા માટે 198 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.

અગાઉની મૅચમાં પણ સદી ફટકારનાર વિરાટ કોહલીએ આ મૅચમાં માત્ર 60 બૉલમાં તેમની સદી પૂરી કરી હતી. કોહલી 61 બૉલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 101 રન બનાવીને અણનમ રહ્યા હતા.

બૅંગલુરુમાં વરસાદના કારણે આ મૅચ લગભગ એક કલાક મોડી શરૂ થઈ હતી, જેમાં ગુજરાત ટાઇટન્સે ટૉસ જીતીને રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુને પ્રથમ બેટિંગ માટે ઉતારી હતી.

વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીએ પ્રથમ ઓવરમાં છ રન અને બીજી ઓવરમાં માત્ર ચાર રન જોડ્યા હતા, ત્યારબાદ ત્રીજી અને ચોથી ઓવર દરમિયાન કોહલી અને ડુપ્લેસીએ આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે બૉલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુનો સ્કોર પાંચમી ઓવરના ત્રીજા બૉલ પર 50 રન સુધી પહોંચી ગયો હતો.

બીબીસી ગુજરાતી

ડુપ્લેસી-કોહલીએ નિભાવી અર્ધસદીની ભાગીદારી

વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસી

ઇમેજ સ્રોત, ANI

ડુપ્લેસી અને કોહલીની ઓપનિંગ જોડીએ રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુને પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં વિના નુકસાને 62 રન પર પહોંચાડી દીધી હતી.

આઠમી ઓવરના પહેલા બૉલ પર નૂર અહમદે ફાફ ડુપ્લેસીને આઉટ કરીને આરસીબીને પહેલો ઝટકો આપ્યો હતો.

નૂરનો ફૂલ લેન્થ બૉલ ડુપ્લેસીના બૅટની બહારની કિનારી પર વાગ્યો અને વિકેટકીપર સાહાના પૅડ પર વાગ્યો તથા સ્લિપમાં બાઉન્સ થયો હતો, જ્યાં તેવટિયાએ સરળ કૅચ પકડ્યો હતો.

ડુપ્લેસીએ 19 બૉલમાં 28 રન બનાવ્યા હતા અને કોહલી સાથે પહેલી વિકેટ માટે 67 રન બનાવ્યા હતા.

બીબીસી ગુજરાતી

મૅક્સવેલ- લોમરોર ન ચાલ્યા, બ્રેસવેલે શાનદાર ઇનિંગ્સ રમી

મૅક્સવેલ

ઇમેજ સ્રોત, ANI

ત્યારબાદ ગ્લેન મૅક્સવેલ આવ્યા અને એ જ ઓવરમાં નૂર અહમદે એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો હતો, પરંતુ બીજી જ ઓવરમાં જ રાશિદ ખાને તેમની ગુડ લેંન્થ ગુગલી પર મૅક્સવેલને બૉલ્ડ કરી દીધા હતા. મૅક્સવેલ પાંચ બૉલમાં માત્ર 11 રનનું યોગદાન આપી શક્યા હતા.

10મી ઓવરમાં નૂર અહમદે મહિપાલ લોમરોરને પોતાના બૉલ પર આઉટ કરીને આરસીબીને ત્રીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ માઇકલ બ્રેસવેલેએ વિરાટ કોહલી સાથે ચોથી વિકેટ માટે 47 રન જોડ્યા હતા.

બ્રેસવેલે ઝડપી બેટિંગ કરી હતી, પરંતુ મોહમ્મદ શમીએ 14મી ઓવરના છેલ્લા બૉલમાં કૉટ એન્ડ બોલ્ડ કરીને આ જોડીને તોડી નાખી હતી.

બ્રેસવેલે 16 બૉલમાં પાંચ ચોગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. બ્રેસવેલ બાદ દિનેશ કાર્તિક પિચ પર આવ્યા, પરંતુ તે પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયા હતા. યશ દયાલના હાથે વિકેટ પાછળ કૅચઆઉટ થયા હતા.

ત્યારબાદ વિરાટ કોહલીએ આ આઈપીએલમાં તેમની બીજી સદી ફટકારી હતી અને સાથે જ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ સદી બનાવનારા ક્રિકેટર બની ગયા.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી