અફઘાનિસ્તાન સામેના પરાજય માટે બાબર આઝમે કોને દોષ આપ્યો?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અફઘાનિસ્તાને વર્લ્ડકપની 22મી મૅચમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને હરાવ્યા બાદ આત્મવિશ્વાસથી સભર અફઘાનિસ્તાને હવે પાકિસ્તાનને પણ હરાવી દેતાં વર્લ્ડકપમાં ઊલટફેરની જાણે કે હારમાળા શરૂ થઈ છે.

ચેન્નઈમાં રમાયેલી આ મૅચમાં પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 282 રન બનાવ્યા હતા.

જવાબમાં અફઘાનિસ્તાને અતિશય પ્રભાવશાળી બેટિંગ કરીને 49 ઓવરમાં જ આ લક્ષ્ય માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું.

આ જીત સાથે જ અફઘાનિસ્તાન પૉઇન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે આવી ગયું છે અને તેની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા પણ જીવંત છે. ઇંગ્લૅન્ડ અને શ્રીલંકાની ટીમો કરતાં પણ અફઘાનિસ્તાન પોઇન્ટ ટેબલમાં આગળ છે. અતિશય મજબૂત મનાતી ટીમો સામે સતત બે જીત પછી અફઘાનિસ્તાનને હવે કોઈ ટીમ હળવાશથી લેશે નહીં તે નિશ્ચિત મનાય છે.

આ મોટી જીત બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ભરપૂર ઉજવણી કરી હતી.

પ્રભુત્ત્વસભર બેટિંગ

ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાને 50 ઑવરોમાં 282 રનનો પ્રમાણમાં ઘણો સારો કહી શકાય તેવો સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી બાબર આઝમે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. તો અફઘાનિસ્તાન તરફથી નૂર અહમદે સૌથી વધુ 3 વિકેટો ઝડપી હતી.

મોટા લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી અફઘાનિસ્તાનની ટીમ જાણે પહેલાંથી જ લડાયક મૂડમાં હતી. શાહીન આફ્રિદીએ ફેંકેલા ઇનિંગના પહેલા જ બૉલે ગુરબાઝે ચોગ્ગો ફટકારી પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. અફઘાનિસ્તાનના 3 બૅટ્સમૅનોએ અડધી સદી ફટકારી હતી. ઇબ્રાહિમ ઝાદરાને 10 ચોગ્ગા સાથે સૌથી વધુ 87 રન બનાવ્યા હતા.

પાકિસ્તાનનો કોઇ પણ બૉલર પ્રભાવ પાડી શક્યો ન હતો અને અફઘાનિસ્તાને આસાનીથી જીત મેળવી હતી. વર્લ્ડકપના ઇતિહાસમાં આ અફઘાનિસ્તાને મેળવેલી ત્રીજી જીત છે.

જીત બાદ રાશિદ ખાને શું કહ્યું?

પાકિસ્તાન સામેની જીત બાદ અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને કહ્યું, "એવું લાગે છે કે અમે વર્લ્ડકપ જીતી ગયા છીએ. અમે આ પહેલાં પાકિસ્તાન સામે સાત મૅચ રમ્યા હતા અને ક્યારેય જીત્યા નહોતા. પરંતુ અમને વિશ્વાસ હતો કે અમે કંઈક કરી બતાવીશું."

પાકિસ્તાનના સુકાની બાબર આઝમે સ્વીકાર્યું કે તેમની ટીમ સારી રીતે રમી શકી નથી. તેમણે હારનું ઠીકરું બૉલરો પર ફોડ્યું.

બાબર આઝમે કહ્યું કે, “અમારો સ્કોર સારો હતો પરંતુ અમારી બૉલિંગ સારી ન હતી. અમે તેમને મિડલ ઓવરોમાં રન ફટકારતા રોકી શક્યા નહીં. જ્યારે અફઘાનિસ્તાન બેટિંગ કરી રહ્યું હતું ત્યારે અમે રન રોકી શક્યા ન હતા. અમે સારું ક્રિકેટ નથી રમી રહ્યા. અમે આગામી મૅચમાં ભૂલો સુધારવાનો પ્રયાસ કરીશું.”

અફઘાનિસ્તાનના કેપ્ટન શાહિદીએ જીતનો શ્રેય આખી ટીમને આપ્યો છે. શાહિદીએ કહ્યું, “આ જીત અતિશય ટાઢક આપે છે. હવે આગામી મૅચો તરફ અમારી નજર છે.”

“અમે સારું ક્રિકેટ રમી રહ્યા છીએ. અમને અમારા પર વિશ્વાસ હતો. અમે કહ્યું હતું કે અમે આ ટુર્નામેન્ટને અમારા લોકો માટે યાદગાર બનાવીશું. અમારી બૉલિંગ સારી હતી. ખાસ કરીને અમારા સ્પિનર નૂરે ખૂબ સારી બૉલિંગ કરી. બેટિંગમાં ગુરબાઝ અને ઈબ્રાહિમે શરૂઆતથી જ મૅચને જાણે કે અમારા નિયંત્રણમાં લાવી દીધી હતી.”

ક્યા નવા રેકૉર્ડ્સ સર્જાયા?

અફઘાનિસ્તાને વર્લ્ડકપના ઇતિહાસમાં મેળવેલી આ માત્ર ત્રીજી જીત છે. વન-ડે ક્રિકેટમાં તેણે પાકિસ્તાન સામે પણ પહેલીવાર જીત મેળવી છે. અફઘાનિસ્તાને તેના વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં ચેઝ કરેલો આ સૌથી મોટો સ્કોર છે.

આ મૅચમાં બંને ટીમના સ્પિનરોએ મળીને કુલ 59 ઓવરો ફેંકી હતી. આ પહેલાંનો રેકૉર્ડ પણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના નામે જ છે જેમણે 2019માં લીડ્ઝમાં રમાયેલી મૅચમાં 60 ઑવરો ફેંકી હતી.

પાકિસ્તાને 275થી વધુનો સ્કોર નોંધાવ્યો હોય છતાં પણ તેની વર્લ્ડકપમાં હાર થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ પહેલાં તેણે 13 વખત 275થી વધુનો સ્કોર નોંધાવ્યો હતો જેમાં તમામ મૅચમાં તેની જીત થઈ હતી.

અફઘાનિસ્તાનની જીતનું ‘ભારત કનેક્શન’

અફઘાનિસ્તાનની શાનદાર જીતમાં એક ભારતીયે પણ ફાળો આપ્યો હતો. એ છે પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજા. એક સમયે ભારતીય ટીમ માટે રમી ચૂકેલા અજય જાડેજા હવે અફઘાનિસ્તાનના ખેલાડીઓને કૉચિંગ આપે છે.

અજય જાડેજા વર્લ્ડકપ પણ રમી ચૂક્યા છે. 1996ના વર્લ્ડકપમાં બેંગલુરુમાં પાકિસ્તાન સામે રમેલી તેમની શાનદાર ઇનિંગને ઘણા ક્રિકેટ ચાહકો હજુ પણ યાદ કરે છે. ત્યારે જાડેજાએ પાકિસ્તાનના ફાસ્ટ બૉલર વકાર યુનુસના બૉલને જોરદાર રીતે ફટકાર્યા હતા. તે મૅચમાં અજય જાડેજાએ માત્ર 25 બૉલમાં 45 રન બનાવ્યા હતા.

અફઘાનિસ્તાનની બેટિંગમાં થયેલા સુધારાનો શ્રેય ઘણા ક્રિકેટ નિષ્ણાતો અજય જાડેજાને આપી રહ્યા છે.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને પણ હરાવ્યું

આ પહેલાં 15 ઑક્ટોબરે દિલ્હીમાં રમાયેલી મૅચમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઈંગ્લૅન્ડને 69 રનથી હરાવીને જબરદસ્ત અપસેટ સર્જ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમે સતત 14 મૅચ હાર્યા બાદ વર્લ્ડકપમાં મૅચ જીતી હતી.

વન-ડે ક્રિકેટમાં ઇંગ્લૅન્ડ સામે અફઘાનિસ્તાનનો આ પ્રથમ વિજય હતો.

અફઘાનિસ્તાને જીતવા માટે આપેલા 285 રનના લક્ષ્યાંકના જવાબમાં ઇંગ્લૅન્ડની આખી ટીમ 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડની ટીમ માત્ર 40.3 ઓવર જ રમી શકી હતી.

હેરી બ્રુકે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.