અફઘાનિસ્તાનના બૉલરોની એ ત્રિપુટી જેની સામે ટકી ન શક્યું ઇંગ્લૅન્ડ

વર્લ્ડ કપ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે ગત વર્લ્ડકપના ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને 69 રનથી હરાવીને વર્લ્ડકપ 2023માં જબરદસ્ત અપસેટ સર્જ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડકપમાં સતત 14 મૅચ હાર્યા બાદ જીત મેળવી છે.

વન-ડે ક્રિકેટમાં ઇંગ્લૅન્ડ સામે અફઘાનિસ્તાનની આ પ્રથમ જીત છે.

અફઘાનિસ્તાને જીતવા માટે આપેલા 285 રનના ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લૅન્ડની આખી ટીમ 215 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લૅન્ડની ટીમ માત્ર 40.3 ઓવર જ રમી શકી હતી.

દિલ્હીમાં રમાયેલી વર્લ્ડકપની આ 13મી મૅચમાં ઇંગ્લૅન્ડે ટોસ જીતીને અફઘાનિસ્તાનને પ્રથમ બૅટિંગ કરવાનું કહ્યું હતું. અફઘાનિસ્તાનની ટીમે 49.5 ઓવરમાં 284 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ઑપનર રહેમાનુલ્લા ગુરબાઝે 80 અને ઇકરામે 58 રન બનાવ્યા હતા.

જવાબમાં ઇંગ્લૅન્ડની ટીમના બૅટ્સમૅનો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા ન હતા. હેરી બ્રુકે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા.

અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

અફઘાનિસ્તાને આ જ મેદાન પર રમાયેલી છેલ્લી મૅચમાં ભારત સામે આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

પહેલેથી જ અફઘાનિસ્તાને પ્રભુત્વ મેળવી લીધું

અફઘાનિસ્તાન ઇંગ્લૅન્ડ

ઇમેજ સ્રોત, Empics

ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને અફઘાનિસ્તાનને બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું પરંતુ તેનો આ નિર્ણય સદંતર ખોટો નીવડ્યો.

ઑપનિંગ બૅટ્સમૅન ઇબ્રાહિમે એક છેડો સાચવી રાખતા ધીમી બૅટિંગ કરી પરંતુ સામે છેડેથી ગુરબાઝે ઝંઝાવાતી બૅટિંગ કરતા ઇંગ્લૅન્ડના મુખ્ય બૉલરોને મેદાનમાં ચારેય તરફ ફટકાર્યા હતા. બંને બૅટ્સમૅનોની જોડીએ પહેલી વિકેટ માટે ભાગીદારી કરતા 114 રન બનાવ્યા હતા.

ગુરબાઝે 4 છગ્ગા અને 8 ચોગ્ગા સાથે 57 બૉલમાં 80 રન બનાવ્યા હતા.

ત્યારબાદ મિડલ ઑર્ડરમાં જલદીથી વિકેટો પડી રહી હતી પરંતુ ઇકરામે 58 રનનું યોગદાન આપ્યું હતું.

ઇંગ્લૅન્ડના મુખ્ય બૉલરોમાં સામેલ ક્રિસ વૉક્સ અને સૅમ કરન માત્ર 4 જ ઑવર ફેંકી શક્યા હતા અને તેમણે અનુક્રમે 41 અને 46 રન આપ્યા હતા અને ખર્ચાળ સાબિત થયા હતા.

અફઘાનિસ્તાનની ટીમે પ્રમાણમાં ઘણો પડકારજનક કહી શકાય તેવો 285 રનનો ટાર્ગેટ ઇંગ્લૅન્ડની ટીમને આપ્યો હતો.

ઇંગ્લૅન્ડના કોઈ બૅટ્સમૅન લાંબુ ટકી ન શક્યા

અફઘાનિસ્તાન ઇંગ્લૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

વિશાળ સ્કોરના પડકાર હેઠળ ઇંગ્લૅન્ડની ટીમ જાણે કે પહેલેથી જ આત્મવિશ્વાસ ગુમાવી ચૂકી હતી.

બીજી જ ઑવરમાં ઑપનર બેયરસ્ટો આઉટ થયા બાદ 91 રનમાં તો ઇંગ્લૅન્ડે 4 વિકેટો ગુમાવી દીધી હતી.

ત્યારબાદ મુજીબ, રાશિદ અને નબીની સ્પિન ત્રિપુટી સામે ઇંગ્લૅન્ડના કોઈ બૅટ્સમૅનો ટકી શક્યા ન હતા અને સમગ્ર ટીમ 215 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઇંગ્લૅન્ડ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા.

આ સાથે જ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને કાયમી સભ્ય દેશો સામે પ્રથમવાર જીત મેળવી છે.

આ અગાઉ 2015માં તેણે સ્કૉટલૅન્ડ સામે જીત મેળવી હતી.

હાર બાદ ઇંગ્લૅન્ડના કૅપ્ટન બટલરે શું કહ્યું?

જોસ બટલર

ઇમેજ સ્રોત, Getty Images

અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ ટીમના કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કહ્યું, "આ અમારા માટે સૌથી શ્રેષ્ઠ જીત છે. આવનાર મૅચ માટે અમારો આત્મવિશ્વાસ વધ્યો છે. વિશ્વાસ, ભરોસો અને ટૅલેન્ટની આ જીત છે. હું માત્ર એટલું કહેવા માગું છું કે આ પહેલી જીત છે, છેલ્લી નહીં."

હાર બાદ ઇંગ્લૅન્ડના ખેલાડીઓના ચહેરા પર હતાશા સ્પષ્ટપણે દેખાતી હતી.

કૅપ્ટન જૉસ બટલરે કહ્યું, " આ પ્રકારની હારની પીડાનો અનુભવ થવો જરૂરી છે. આમાંથી જલદી બહાર નીકળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. અમારે તેના પર ચિંતન કરવાની જરૂર છે. અમારે ફરીથી જોરદાર કમબૅક કરવાનું છે. અમારે દબાણ હેઠળ અમારું પ્રદર્શન સુધારવાની જરૂર છે. "

ક્યા રેકૉર્ડ સર્જાયા?

અફઘાનિસ્તાન ઇંગ્લૅૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અફઘાનિસ્તાને વર્લ્ડકપમાં સતત 14 મૅચ હાર્યા બાદ આ જીત મેળવી છે.

આ મૅચમાં અફઘાનિસ્તાનના અને ઇંગ્લૅન્ડના સ્પિનરોએ મળીને કુલ 13 વિકેટ મેળવી છે. જે વર્લ્ડકપમાં બીજો સૌથી મોટો રેકૉર્ડ છે. અફઘાનિસ્તાનના સ્પિનરોએ વર્લ્ડકપમાં એક જ ઇનિંગમાં આઠ વિકેટો મેળવી છે. જે પણ સ્પિનરોએ વર્લ્ડકપમાં એક જ ઇનિંગમાં લીધેલી વિકેટોમાં સૌથી વધુ છે.

રાશિદ ખાને છેલ્લે વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી મૅચમાં 9 ઑવરમાં 110 રન આપીને તેની કારકિર્દીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું પરંતુ આજે તેમણે 37 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

આ હાર સાથે જ ઇંગ્લૅન્ડના નામે એક શરમજનક રેકૉર્ડ પણ નોંધાયો છે. તે વર્લ્ડકપમાં અલગ-અલગ 11 દેશો સામે હારનાર પહેલી ટીમ બની ગઈ છે.

આ વર્લ્ડકપ જીતવાના પ્રબળ દાવેદારોમાંથી એક ગણાતી ઇંગ્લૅન્ડની ટીમને અફઘાનિસ્તાને હરાવી છે. અફઘાનિસ્તાન ક્રિકેટના ઇતિહાસમાં આ ઐતિહાસિક દિવસ છે.