'પાકિસ્તાનની ટીમમાં પ્રતિભા નથી', ભારત-પાકિસ્તાનની મૅચ પછી સચીન અને શોએબ કેમ સામસામે આવી ગયા?

સચીન શોએબ

ઇમેજ સ્રોત, Getty Images

ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા ભારતમાં ક્રિકેટના ‘ભગવાન’ ગણાતા સચીન તેંડુલકર અને રાવલપિંડી એક્સ્પ્રેસ તરીકે ઓળખાતા પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શોએબ અખ્તર વચ્ચેની ચડસાચડસી તેમની નિવૃત્તિ બાદ પણ જળવાઈ રહી છે.

વર્ષ 2003ના વર્લ્ડકપમાં શોએબ અખ્તરના બૉલમાં પોતાની ક્લાસિકલ સ્ટાઇલથી છગ્ગો ફટકારનારા સચીને હાલ પણ સોશિયલ મીડિયા પર શોએબ અખ્તરને ઝાટકવાનું છોડ્યું નથી.

શોએબ અખ્તરે પાકિસ્તાનની ટીમને ગઈ કાલે અમદાવાદમાં રમાયેલી ભારત સામેની મૅચ શરૂ થતા પહેલાં સલાહ આપી હતી.

અખ્તરે પાકિસ્તાનની ટીમને ઠંડા દિમાગથી રમવાની સલાહ આપતા તેમણે પોતાની બૉલિંગ કારકિર્દી દરમિયાન સચીનને તેમણે કેવી રીતે આઉટ કર્યા હતા તેની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું, કાલે આવું કંઈક કરવાનું છે.

સચીન

ઇમેજ સ્રોત, Sachin Tendulkar/X.com

શનિવારે ભારત પાકિસ્તાન સામેની મૅચ જીતી ગયા બાદ સચીન તેંડુલકરે શોએબને સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો હતો.

તેમણે એક્સ (અગાઉ ટ્વિટર) પ્લૅટફૉર્મ પર ટ્વીટ કરતા લખ્યું, “મિત્ર, તમારી સલાહને (પાકિસ્તાની ટીમ) અનુસરી અને બધું જ બિલકુલ ઠંડું રાખ્યું.”

સચીનના આ ટ્વીટને ભારત સામેની મૅચમાં પાકિસ્તાનની ટીમના નિસ્તેજ પ્રદર્શન સાથે સાંકળવામાં આવી રહ્યું છે. ભારત સામેની મૅચમાં પાકિસ્તાનની ટીમ ક્રિકેટના ત્રણેય પાસાં – બૉલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં પોતાનો દમ બતાવવામાં નિષ્ફળ રહી હતી.

shoaib

ઇમેજ સ્રોત, @shoaib100mph /X

આ બાબત ભારત-પાકિસ્તાનના બે નિવૃત્ત દિગ્ગજ ક્રિકેટરો વચ્ચેની મસ્તી-મજાક ભરેલી હરીફાઈ નહોતી. આ એ દર્શાવે છે કે એ મૅચને કારણે બન્ને દેશોના સામાન્ય નાગરિકોથી માંડીને મોટા-મોટા આગેવાનોમાં કેવો રોમાંચ સર્જાયો હતો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શકોથી ચિક્કાર ભરાઈ ગયું

સ્ડ

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મૅચ જોવા આવેલા દર્શકોથી પૂરેપૂરું ભરાઈ ગયું હતું.

જ્યારે ભારતે ટૉસ જીતીને પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું કહ્યું ત્યારે બન્ને ટીમો વચ્ચે જોરદાર અને રોમાંચક મૅચ રમાવાની અપેક્ષા રાખીને બેઠેલા ક્રિકેટરસિયાઓમાંથી કોઈને એવી અપેક્ષા નહીં હોય કે પાકિસ્તાનની ઇંનિગ 191 રનમાં જ સમેટાઈ જશે.

વિશ્વની પ્રથમ ક્રમાંકે રહેલી ભારતીય ક્રિકેટ ટીમે આ લક્ષ્યાંકને મૅચમાં 117 બૉલ નંખાવવાના બાકી હતા ત્યારે જ મેળવી લીધું હતું.

વનડે ક્રિકેટ વિશ્વકપમાં ભારતની પાકિસ્તાન સામે આ સતત આઠમી જીત હતી.

પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે કહ્યું કે તેઓ ભારતને એક મોટો લક્ષ્યાંક આપવા ઇચ્છતા હતા.

બાબરે કહ્યું, “અમે ઇનિંગની સારી શરૂઆત નહોતી કરી. અમે ધાર્યું હતું કે અમે 280 રન જેટલો સ્કોર કરી શકીશું.”

ભારતીય ક્રિકેટરો કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ કહ્યું કે પાકિસ્તાનની ટીમ જીતવાનો પ્રયાસ કરતી હોય એવું લાગતું જ નહોતું.

બુમરાહ કેમ પ્લેયર ઑફ ધ મૅચ બન્યા

બુમરાહ

ઇમેજ સ્રોત, Getty Images

જસપ્રીત બુમરાહે સાત ઓવરની બૉલિંગ કરીને એક મેડન ઓવર સાથે 19 રન આપીને પાકિસ્તાનની બે મહત્ત્વપૂર્ણ વિકેટો ખેરવી હતી. તેમને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.

બુમરાહે મોહમ્મદ રિઝવાન અને શાદાબ ખાનને આઉટ કર્યા હતા.

તેમણે પ્લેયર ઑફ ધ મૅચનો ઍવૉર્ડ લીધા બાદ કહ્યું, “મેં જોયું કે જડ્ડુ (રવીન્દ્ર જાડેજા)નો બૉલ સ્પિન થઈ રહ્યો હતો. એટલે મેં વિચાર્યું કે જો હું સ્પિનર્સની જેમ ધીમો બૉલ નાખીશ, તો બૅટ્સમૅનને રન બનાવવામાં મુશ્કેલી પડશે. મારી આ સ્ટ્રૅટેજી મેં જે રીતે વિચાર્યું હતું એ રીતે જ કામ કરી ગઈ.”

કૅપ્ટન રોહિત શર્માએ બૉલર્સ માટે શું કહ્યું?

rohit sharma

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તેમના બૉલરોએ મૅચની દિશા નક્કી કરી હતી.

“એક સમયે અમને લાગ્યું હતું કે પાકિસ્તાન 270-280 રનનો સ્કોર કરશે. અમારી પાસે છ બૉલર છે, જે મૅચમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે. કૅપ્ટન તરીકે મારું કામ મૅચની સ્થિતિ ચકાસીને હરીફ ટીમને પરેશાન કરી શકે તેવો બૉલર પસંદ કરવાનું છે. અમારા ખેલાડીઓ વર્લ્ડકપમાં તેમને મળતી દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છે.

આ એક લાંબી ટુર્નામેન્ટ છે. શરૂઆતની નવ મૅચો બાદ સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે.

ખરું કહું તો આ ટુર્નામેન્ટમાં રમી રહેલી દરેક ટીમ મજબૂત છે. દરેક ટીમ જીતી શકે તેમ છે. હું આ ઘણી વાર કહી ચૂક્યો છું,” રોહિતે જણાવ્યું.

પાકિસ્તાનની ટીમના પ્રદર્શનથી અખ્તર નારાજ

s

ઇમેજ સ્રોત, @SHOAIB100MPH

મૅચ પહેલાં પાકિસ્તાનની ટીમને ઠંડા દિમાગથી રમવાની સલાહ આપનારા શોએબ અખ્તરે મૅચ બાદ પાકિસ્તાનની બેટિંગ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

તેમણે એક વીડિયોમાં કહ્યું કે તેઓ પાકિસ્તાનના પ્રદર્શનથી નિરાશ થયા છે.

તેમણે કહ્યું, “પાકિસ્તાનની ટીમનો એક પણ ખેલાડી આ સરસ પ્લૅટફૉર્મનો ઉપયોગ ન કરી શક્યો. પાકિસ્તાની ટીમમાં સારી તકોનો ફાયદો ઉઠાવીને મોટો સ્કોર ઊભો કરવાની પ્રતિભા કોઈની પાસે નથી. એક સારી પીચ પર પાકિસ્તાનની ટીમ હારી ગઈ એ ખૂબ દુખદ છે.”

અખ્તરે ભારતીય બૉલરો અને રોહિત શર્માની કૅપ્ટન્સીનાં વખાણ કર્યાં હતાં.

તેમણે કહ્યું, “ભારતીય સ્પિનરો ખૂબ જ સરસ રીતે રમ્યા. રોહિત શર્માની કૅપ્ટન્સી બહુ સારી છે.”

મૅચ પહેલાં સચીનની એન્ટ્રી

sachin

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે મૅચની શરૂઆત પહેલાં સચીન તેંડુલકર સ્ટેડિયમમાં પ્રવેશ્યા ત્યારે દર્શકોમાં ઉત્સાહનું મોજું ફેલાઈ ગયું હતું.

સચીન, આઈસીસી વર્લ્ડકપ-2023 માટેના વૈશ્વિક એમ્બેસેડર છે. તેમણે સ્ટેડિયમમાં ટ્રૉફી સાથે પ્રવેશ કર્યો હતો.

ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત નોંધપાત્ર અગ્રણીઓ મૅચ જોવા માટે સ્ટેડિયમમાં આવ્યા હતા.

હાર્દિક પંડ્યાનો મંત્ર

hardik

ઇમેજ સ્રોત, Getty Images

સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફૅન્સમાં જે વાત ચર્ચાને ચકડોળે ચડી હતી, તે હતી હાર્દિક પંડ્યાની એક હરકત.

હાર્દિક પંડ્યાએ ઇમામ-ઉલ-હકની વિકેટ લીધા પહેલાંની તે હરકત કૅમેરા પર કેદ થઈ ગઈ હતી.

ફૅન્સે કહ્યું કે હાર્દિક પંડ્યાની ઇમામ હકની વિકેટ ‘કાળો જાદુ’ કરીને ઝડપી હતી.

એક યૂઝરે ટ્વીટ કરતા લખ્યું, “મંત્રની ફૂંક મારેલા બૉલને કારણે ઇમામ-ઉલ-હકે પોતાની વિકેટ ગુમાવી.”

મોહમ્મદ રિઝવાને પણ ક્રીઝ પર ગાર્ડ લેવામાં ખૂબ સમય લગાડ્યો. જેને કારણે ફિલ્ડરો અને બૉલરોને રાહ જોવી પડી હતી.