ડ્રીમ-11માં રૂપિયા 1.5 કરોડ જીતનારા PSI સસ્પેન્ડ કેમ થયા?

ઇમેજ સ્રોત, FACEBOOK
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોમનાથ ઝેન્ડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ સબ-ઇન્સપેક્ટર સોમનાથ ઝેંડે ડ્રીમ-11 ઍપ પરથી રૂ. દોઢ કરોડ જીત્યા હતા અને ત્યારથી ચર્ચામાં આવ્યા હતા.
સોમનાથ ઝેંડે બાંગ્લાદેશ વિરુદ્ધ ઇંગ્લૅન્ડની ક્રિકેટ મૅચ ડ્રીમ-11 ઍપના માધ્યમથી રમ્યા હતા. તેમાં તેમને દોઢ કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું છે.
સોમનાથ ઝેંડે છેલ્લા દોઢ મહિનાથી ડ્રીમ-11 પર રમી રહ્યા છે.
પોલીસ વર્દીના નિયમ તોડવાના આરોપમાં સોમનાથ ઝેન્ડે સામે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ છે.
ડ્રીમ ઇલેવન ઍપ પર 1.5 કરોડનું ઈનામ જીત્યા બાદ મીડિયાને ઇન્ટરવ્યૂ આપતી સમયે તેમણે પોલીસની વર્દી પહેરી હતી.
ભાજપના પ્રવક્તા અમોલ થોરાટે હવે ઝેંડે સામે ફરિયાદ નોંધાવી છે.
એક તરફ સરકાર અને વિવિધ સંસ્થાઓ યુવા પેઢીને બચાવવાના પ્રયાસ કરી રહી છે ત્યારે પોલીસ કર્મચારી દ્વારા આવી પ્રવૃત્તિને લીધે જુગારને પ્રોત્સાહન મળશે, એવો આક્ષેપ તેમણે કર્યો છે.
સોમનાથ ઝેંડે ડ્યુટી પર હતા ત્યારે તેઓ ડ્રીમ-11 મોબાઇલ એપ પર ઑનલાઇન જુગાર રમ્યા હતા. તેમાંથી તેમને થોડા નાણાં મળ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતે બહુ મહાન કામ કર્યું હોય તેવી લાગણી સાથે ખાખી ગણવેશમાં સજ્જ સોમનાથ ઝેંડેએ તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. તેથી રાજ્યના પોલીસ દળ વિશે ખોટો મૅસેજ ગયો છે, એવું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
ભાજપના પીંપરીના કાર્યકરે આ બાબતે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખી આ મામલે કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે ‘પોલીસની બૅટિંગમાં સંડોવણી’નો આરોપ મૂક્યો હતો. જે બાદ સોમનાથ ઝેંડે સામે તપાસ કરી, કાર્યવાહી કરાઈ હતી.
સોમનાથ ઝેંડેએ શું કહ્યું?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ બાબતે સોમનાથ ઝેંડેએ પણ પ્રતિક્રિયા આપી હતી.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ એક રમત છે. લોકો કલાકો સુધી એ રમે છે. એ જુગાર નથી. છતાં મારા પર આરોપો કરાઈ રહ્યા છે. હજુ સુધી મને આરોપો અંગે જાણકારી નથી અપાઈ. મને કોઈ નોટિસ નથી અપાઈ. મેં સત્તાધીશોને આ બાબતે મારો પક્ષણ જણાવી દીધો છે. છતાં મારી સાથે અયોગ્ય વર્તન કરાઈ રહ્યું છે.”
આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ સતીશ માનેએ સોમનાથ ઝેંડેની ફરજમોકૂફીની માહિતી આપી હતી.
તેમણે કહેલું કે, “પોલીસ વિભાગે આ મામલે કરેલી કાર્યવાહી બાદ સોમનાથ ઝેંડેને નિલંબિત કરાયા છે.”
“ઑનલાઇન ક્રિકેટ ઍપ ડ્રીમ-11માં પરવાનગી વગર રમવા બાબતે તેમને કામચલાઉ ધોરણે ફરજમોકૂફ કર્યા છે. ફરજ દરમિયાન રમત અને તેમાં જીત બાદ મીડિયાને ઇન્ટરવ્યૂ આપવા બાબતે આ કાર્યવાહી કરાઈ છે.”
તેમણે કહ્યું હતું, "મેં ગયા મહિનાથી ડ્રીમ-11માં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. મારા અનેક દોસ્તો તેમાં રોકાણ કરે છે. મેં બાંગ્લાદેશ અને ઇંગ્લૅન્ડની ટીમ પર દાવ લગાવ્યો હતો. તેમાં મને દોઢ કરોડ રૂપિયા ઈનામ મળ્યું છે. મને બહુ આનંદ થયો છે."
"મેં તરત જ મારી પત્નીને ફોન કર્યો હતો. તેને પણ આનંદ થયો હતો. હવે હું હાઉસિંગ લોન ચૂકવીશ અને સંતાનોના નામે ફિક્સ ડિપોઝિટ કરીશ."
નિષ્ણાતોનું માનવું છે કે કર્મચારી ફરજ પર હોય ત્યારે ઑનલાઇન ગેમ રમવી તે કાયદાની વિરુદ્ધ છે અને એવા કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે, પરંતુ ઝેંડેએ જણાવ્યું હતું કે તેઓ આ બધું ફાજલ સમયમાં કરે છે.
ડ્રીમ-11 શું છે?

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN
ડ્રીમ-11 એક ઑનલાઇન ફેન્ટસી સ્પોર્ટ્સ કંપની છે. તેની મારફત ચાહકો ક્રિકેટ, હૉકી, ફૂટબૉલ અને બાસ્કેટબૉલમાં ઑનલાઇન પૈસા રોકીને રમી શકે છે.
ભારતીય ઉદ્યોગસાહસિક હર્ષ જૈન અને ભાવિશ શેઠે 2008માં આ કંપનીની સ્થાપના કરી હતી. 2018માં ડ્રીમ-11ના 40 લાખ યૂઝર્સ હતા. થોડા દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા મહેન્દ્રસિંહ ધોની ડ્રીમ-11ના બ્રાન્ડ ઍમ્બેસેડર છે.
ડ્રીમ-11 એક ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ હોવાથી તેના યૂઝર્સ ક્રિકેટ, ફૂટબૉલ, બાસ્કેટબૉલ, કબડ્ડી, હૉકી અને વૉલીબૉલ રમી શકે છે. તેઓ તેમની વર્ચ્યુઅલ ટીમો પણ બનાવી શકે છે.
જે યૂઝર સૌથી વધારે પૉઇન્ટ મેળવે તેને ઈનામ મળે છે. ડ્રીમ-11 પેઈડ અને ફ્રી એમ બન્ને પ્રકારની ગેમ્સ ઑફર કરે છે.
આ ગેમ્સ રમવા માટે વ્યક્તિની વય 18 વર્ષ કે તેથી વધુની હોવી જોઈએ. ડ્રીમ-11 ગેમ રમવા માટે ગ્રાહકે પાન કાર્ડ દ્વારા ઍકાઉન્ટ વેરિફાય કરવું જરૂરી છે.
ફૅન્ટસી ગેમ એટલે શું?
સ્માર્ટફોન, ટેબ્લેટ અને કમ્પ્યુટર જેવાં ઉપકરણો દ્વારા રમાતી રમતોને ઑનલાઇન ગેમિંગ કહેવામાં આવે છે. તેના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે.
તેમાં રિઅલ મની ગેમ્સ દ્વારા વપરાશકર્તા કમાણી કરી શકે છે. તેમાં વિવિધ ફેન્ટસી ગેમ્સનો સમાવેશ થાય છે. ક્રિકેટ, ફૂટબૉલ, બાસ્કેટબૉલ, કબડ્ડી અને અન્ય ગેમ્સની ફેન્ટસી લીગ રમી શકાય છે. તેમાં રમી તથા પોકરનો પણ સમાવેશ થાય છે.
મોબાઈલ કેઝ્યુઅલ ગેમિંગમાં સ્માર્ટફોન પર રમાતી રમતોમાં કેન્ડી ક્રશ, સબવે સર્ફર અને ટેમ્પલરન જેવી ગેમ્સનો સમાવેશ થાય છે.
ફૅન્ટસી ગેમ્સની શરૂઆત ક્યારથી થઈ?

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN
ભારતમાં ફૅન્ટસી ગેમ્સની શરૂઆત 2001માં થઈ હતી. ઈએસપીએન-સ્ટાર સ્પોર્ટ્સ ગ્રૂપ દ્વારા સુપર સિલેક્ટર ફૅન્ટસી ગેમ લૉન્ચ કરવામાં આવી હતી.
વીસ વર્ષ પૂર્વે ઑનલાઇન સાક્ષરતા, ઝડપી ઇન્ટરનેટની ઉપલબ્ધતા અને ઑનલાઇન બૅન્કિંગની તકો એમ બધું જ મર્યાદિત હતું.
હાલ ભારતમાં લગભગ 70 ફૅન્ટસી ગેમ ઑપરેટિંગ કંપનીઓ કાર્યરત છે.
દરેક ફૅન્ટસી ગેમનું ફૉર્મેટ થોડું અલગ હોય છે, પરંતુ ગેમપ્લે મૂળભૂત રીતે સમાન હોય છે. યૂઝરે તેનું નામ, ઇમેલ આઈડી અને બૅન્ક ઍકાઉન્ટની વિગતો આપવી પડે છે. પાન અથવા આધાર નંબર આપવો પડે છે. નોંધણી માટે નજીવી ફી ચૂકવવી પડે છે. ફૅન્ટસી ગેમ રમવા ઇચ્છતી વ્યક્તિની વય 18 વર્ષથી વધુની હોવી જરૂરી છે.
કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ અથવા આઈપીએલ જેવી લીગ માટે તમે રમી શકો છો. ફૅન્ટસી લીગમાં તમારે સંબંધિત મૅચ પહેલાં બન્ને ટીમનો અભ્યાસ કરીને શ્રેષ્ઠ 11 ખેલાડીઓની પસંદગી કરવાની હોય છે.
તમે તમારા દોસ્તો, ઑફિસના સહકર્મીઓ અને ક્રિકેટચાહક મિત્રો સાથે મળીને લીગ તૈયાર કરી શકો છો. તમે અજાણ્યા લોકો સાથે પણ રમી શકો છો.
તેમાં જાહેર હરિફાઈ અને ખાનગી હરિફાઈ હોય છે. પબ્લિક કૉન્ટેસ્ટમાં તમે મોટી સ્પર્ધાનો હિસ્સો બનો છો. તેમાં સ્પર્ધકોની સંખ્યા લાખોમાં હોઈ શકે છે. અન્ય સ્પર્ધકો કોણ છે એ સમજવું મુશ્કેલ હોય છે. પ્રાઈવેટ કૉન્ટેસ્ટમાં તમે તમારી પસંદગીના લોકો સાથે રમી શકો છો.
કોઈ મૅચમાં તમે પસંદ કરેલા ખેલાડીને તેમણે કરેલા પ્રદર્શનને આધારે પૉઈન્ટ્સ મળે છે. સદી ફટકાવવા માટે, પાંચ વિકેટ ઝડપવા માટે, કૅચ ઝડપવા માટે એમ દરેક સિદ્ધિ માટે વપરાશકર્તાને વધારાના પૉઇન્ટ્સ મળે છે. દરેક રન, દરેક વિકેટ માટે પણ પૉઇન્ટ મળે છે.
તે સ્કોરના આધારે વિજેતા જાહેર કરવામાં આવે છે. વિજેતાના ખાતામાં પૈસા જમા થાય છે. એક ફૅન્ટસી લીગમાં ઘણી ફ્રી અને પેઈડ કૉન્ટેસ્ટ હોય છે. તેથી વિજેતાઓની સંખ્યા મોટી હોય છે.
ફૅન્ટસી લીગની કમાણી પર ટેક્સ ચૂકવવો પડે?
હા. ફૅન્ટસી લીગમાં ગેમ્સ રમવાથી થયેલી કમાણી પર ટેક્સ ચૂકવવો પડે છે. તે કમાણી કર નિયમોમાં આવકના અન્ય સ્રોત હેઠળ આવે છે.
ઇન્કમ ટેક્સ ઍક્ટની કલમ 115બીબી હેઠળ તેના પર ટેક્સ લાગુ થાય છે. ફૅન્ટસી લીગ, લૉટરી, ક્રૉસવર્ડ પઝલ, રેસ અને પત્તાની રમતમાંથી થતી કમાણી કરપાત્ર છે.
ફૅન્ટસી ગેમ રમવા માટે તમે રજિસ્ટ્રેશન માટે ચૂકવેલી ફીના આધારે કરની રકમ નક્કી કરવામાં આવતી નથી. તમે ફૅન્ટસી લીગ દ્વારા કેટલી રકમ જીત્યા છો તેના આધારે કર કાપવામાં આવે છે.
દાખલા તરીકે, ફૅન્ટસી ગેમની રજિસ્ટ્રેશન ફી રૂ. 100 હોય અને તમે રૂ. 10,000ની કમાણી તેમાંથી કરો તો કરની વસૂલાત રૂ. 10,000ની કમાણીના આધારે થશે.
સટ્ટાબાજી અને ફૅન્ટસી ગેમ વચ્ચે શું ફરક છે?

ઇમેજ સ્રોત, PUDINA
નાણાકીય વ્યવહારના સંદર્ભમાં બંને વચ્ચે ફરક છે. ફેન્ટસી ગેમ્સ માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. તેનો રેકૉર્ડ દર્શાવી શકાય છે. સટ્ટાબાજીમાં નાણાકીય વ્યવહારોનો હિસાબ હોતો નથી. તેમાં ગેરકાયદે અને અનિયંત્રિત રીતે વ્યવહારો કરવામાં આવે છે.
ફૅન્ટસી ગેમ્સમાં આર્થિક વ્યવહારની રકમ નાનાથી મધ્યમ સ્વરૂપની હોય છે. દાખલા તરીકે ફૅન્ટસી ગેમ રમવા માટે કોઈ પણ વ્યક્તિ ઇચ્છિત રકમ ચૂકવી શકે છે. સટ્ટાબાજીમાં મોટી રકમનો ખેલ થતો હોય છે.
ફૅન્ટસી ગેમ્સ મારફત થતા આર્થિક વ્યવહારો કોર્પોરેટ ટેક્સ આવકવેરા, ટીડીએસ અને જીએસટીને આધિન હોય છે. સટ્ટાબાજીમાં થયા નાણાકીય વ્યવહારો ગેરકાયદે થતા હોવાથી તે સરકાર અને કાયદાના દાયરામાં આવતા નથી.
ફૅન્ટસી ગેમ્સમાં ખેલાડીઓ સાથે છેતરપિંડી ન થાય એટલા માટે વિવિધ તબક્કામાં ઓટીપી, પાસવર્ડ, ઈમેલ જેવી ઓનલાઈન સુરક્ષા પ્રણાલી હોય છે. સટ્ટાબાજીમાં રોકેલા પૈસા પાછા મળવાની ખાતરી હોતી નથી.
યૂઝર્સ જે ફૅન્ટસી ગેમ રમતા હોય છે તેના નિર્ણયની વાસ્તવિક મૅચના પરિણામ પર અસર થતી નથી. સરળ શબ્દોમાં કહીએ તો ફેન્ટસી ગેમ રમવાથી વાસ્તવિક મૅચની ઘટનાઓ બદલી શકાતી નથી. તેને નિર્દેશિત કે નિયંત્રિત કરી શકાતી નથી. સટ્ટાબાજીમાં તેનાથી તદ્દન ઊલટું હોય છે. ક્યારેક મૅચનો ફેંસલો બદલી જાય ત્યારે સટ્ટાબાજીના હિસાબે ખેલાડીનું પ્રદર્શન પણ બદલાઈ જતું જોવા મળ્યું છે.
ફૅન્ટસી ગેમ્સની કાયદેસરતા બાબતે દેશની વિવિધ અદાલતોએ અલગ-અલગ રીતે ચૂકાદા આપ્યા છે. પંજાબ અને હરિયાણાની કોર્ટે ડ્રીમ-11 ફેન્ટસી લીગને કાયદેસરની ઠેરવી છે. તે અદાલતોના ચુકાદાને બાદમાં સુપ્રિમ કોર્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. બીજી તરફ ભારતમાં સટ્ટાબાજી અપરાધ છે અને તેના માટે સજાની જોગવાઈ છે.












