એ જુગારી, જે 700 લઈને બેઠા અને 16 કરોડ રૂપિયા લઈને ઊભા થયા

ઇમેજ સ્રોત, JOE GIRON
- લેેખક, ક્રિસ ગ્રિફિથ્સ
- પદ, લંડન
જ્હોન હેસ્પ યોર્કશાયરમાં કૅરવૅન્સ વેચીને ગુજરાન ચલાવે છે. તે મહિનામાં એક વખત સ્થાનિક કસીનોમાં પોકર રમવા જાય છે.
લાસ વેગાસ જઇને તેમણે પોકરની રમતમાં ઘણી મોટી બાજી જીતી હતી.
તેમ છતાં તેમનું જીવન આજે પણ સામાન્ય છે. તે હજી પણ કૅરવૅન્સ જ વેચી રહ્યા છે.
તે આજે પણ 10 યુરો (લગભગ 795 રૂપિયા) લઈને પોકર રમવા જાય છે અને રજાના દિવસે બે કલાક ડ્રાઇવ પર જાય છે.
હાલ હું લંડનના પૂર્વમાં આવેલા કસીનોમાં છું. અહીં 300 જેટલા પોકર પ્લેયર્સ 34 ટેબલ પર પોકરની ગેમ રમી રહ્યા છે.
કોઈક ટેબલ પર કોઈ જીતી રહ્યું છે, તો કોઈ હારી રહ્યું છે. વળી કોઈ 'ચીપ' હાથમાં રાખીને આગળની નવી ચાલ માટે વિચારી રહ્યું છે.

અહીં જીત્યા હતા 16 કરોડ રૂપિયા

અહીં પોકર માટે 444 યુરો (લગભગ 35,389 રૂપિયા) બાય-ઇન (પોકર રમવા જરૂરી શરૂઆતી રકમ) છે. જ્યારે ટોચના પાંચ ફિનિશરને 43,000 યુરો (લગભગ 3,428,566 રૂપિયા)નું ઇનામ છે.
જોકે, એક પ્લેયર ગેમમાં વધુ ધ્યાન નથી આપી રહ્યો. 64 વર્ષીય જ્હોન હેસ્પ અને બ્રિડલિંગટનના એક દાદાજી ગેમ કરતા અન્ય લોકો સાથે વાતચીત કરવામાં વધુ ધ્યાન આપી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટેબલ પર અન્ય યુવા પ્લેયર પોકર રમી રહ્યા છે પણ આ બન્ને વ્યક્તિ તેમની ધૂનમાં જ છે.
મોટા ભાગે સ્થાનિક કસીનોમાં પોકર રમતા જ્હોન હેસ્પે ગત વર્ષે જુલાઇમાં ખૂબ જ પ્રતિષ્ઠિત પોકર ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવ્યો હતો.
તેમણે લાસ વેગાસમાં યોજાયેલી વર્લ્ડ સિરીઝ ઑફ પોકરમાં પ્રવેશ મેળવ્યો હતો. ટુર્નામેન્ટમાં 7200 પ્રતિસ્પર્ધિઓએ ભાગ લીધો હતો.
સૌથી રસપ્રદ વાત તેમણે આ સ્પર્ધામાં 2.65 મિલિયન અમેરિકી ડૉલર (લગભગ 16 કરોડ રૂપિયા) જીત્યા હતા.

રંગીન જેકેટ અને હેટ પહેરનારા આ વ્યક્તિએ પોકરની દુનિયામાં મોટું આશ્ચર્ય સર્જ્યું છે. પોકરના દિગ્ગજો પણ આ ઘટનાને કારણે સ્તબ્ધ થઈ ગયા છે.
લંડન ખાતે 888 પોકર લાઇવ ફેસ્ટિવલ દરમિયાન તેમણે કહ્યું, "મેં મારા સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે, આવું કંઈક થશે."
"મારું લક્ષ્ય માત્ર ટોચના 1000 ફિનિશરમાં સામેલ થવાનું હતું અને આનંદ માણવાનો વિચાર હતો."
"હું અન્ય પ્લેયરોની જેમ સપ્તાહમાં ચાર-પાંચ વખત પોકર નથી રમતો. માત્ર 'હલ'માં આવેલા સ્થાનિક કસીનોમાં 10 યુરો બાય-ઇન સાથે પોકર રમું છું."
"આથી રાતોરાત કરોડ રૂપિયા જીતી લેવા મારા માટે પરિકથા જેવું છે."

ઇમેજ સ્રોત, ROBERT RATHBONE
ખાસ નોંધવા લાયક બાબત એ છે કે તેમની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ હોત, તો તે કેરેબિયન ટાપુ પર જઈને આનંદ-પ્રમોદમાં સમય વિતાવી રહ્યો હોત.
પરંતુ હેસ્પ તેમના ઘરે પરત આવી ગયા અને તેમનું કૅરવૅન્સ વેચવાનું કામ ચાલુ રાખ્યું.
તે આજે પણ તેમની જૂની કાર જ ચલાવે છે. તેમણે કહ્યું, "હું ઘણો બોરિંગ માણસ છું. હું મોંઘાં કપડાં અને ઘડિયાલનો શોખીન નથી."
"મેં જીતેલી રકમમાંથી કેટલીક રકમ પરિવારને આપી અને અન્ય નાણાંનું બિઝનેસમાં રોકાણ કર્યું."
તેમની પાસે એક રેન્જ રોવર છે. જે 25000 કિલોમીટર ફરી છે અને એક ડી'લોરેન સ્પોર્ટ્સકાર છે.

લંડન ખાતેની 888 ઇવેન્ટમાં આટલી રકમ જીતી

લંડન ખાતેની 888 ઇવેન્ટમાં હજી તેમણે 200 (15000) યુરો જીત્યા છે. તે અહીં ફક્ત ઇવેન્ટમા સંચાલકો દ્વારા મળેલા આમંત્રણને પગલે આવ્યા છે.
સંચાલકોનું માનવું છે કે તેમની હાજરીથી માહોલ ઘણો સારો રહેશે.
ઓનલાઇન પોકર વિશે તેમણે કહ્યું કે યુવાઓ મોટા ભાગનો સમય ઑનલાઇન હેડફોન સાથે વીડિયોગેમ રમે અથવા એવી પ્રવૃત્તિ કરે તે કરતા ટેબલ પર ભેગા થઈને પોકર રમે તે વધું સારું છે.
તે ક્યારેક ઑનલાઇન પોકર નથી રમતા. તેમના મતે પોકર રમતી વખતે હરીફને જોવું પણ મહત્ત્વનું હોય છે.
લંડનમાં જ્હોન વેગાસ જેવું પર્ફૉર્મન્સ નહીં આપી શક્યા. પણ તેમ છતાં તેમની હરીફ તેમની સાથે સેલ્ફી લેવા માટે આતુર જોવા મળ્યા.
સ્પર્ધામાં અવ્વલ આવેલા સ્કોટ બ્લમસ્ટેઇન સામે તેઓ આખરી ચીપ્સ સાથે આખરી દાવ રમી રહ્યા હતા.
આ દરમિયાન દાવનાં પત્તાં ખૂલ્યાં અને તરત જ તેમણે ઘડિયાળમાં ટ્રેનનો સમય જોવાની કોશિશ કરી.
તેમના આ વર્તાવથી આશ્ચર્ય થયું અને કદાચ તે નિરાશ થયા હોય એ કહેવું મુશ્કેલ છે.

ફિલ્મ પણ બનશે?
જતી વખતે તેમણે લંડન 888 પોકર ઇવેન્ટના સંચાલકો સાથે વાટાઘાટ કરી કે તેઓ તેમના યોર્કશાયરમાં પોકરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરે.
વળી જ્હોનના અનુસાર તેમના આ પોકર પરાક્રમ અંગે ફિલ્મ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે.
તેમણે આ અંગે કહ્યું,"કેટલાક નિર્માતાઓએ વેગાસમાં મારો સંપર્ક કર્યો હતો. જેમાં ઔપચારિક ઓફર પર ચર્ચા થઈ."
"કરારના કારણે હું વધુ નહીં જણાવી શકું પણ એટલું કહીશ કે બજેટના 25 ટકાનું શૂટિંગ બ્રિડલિંગટન અને 75 ટકા બજેટ યોર્કશાયરમાં કરવામાં આવશે."
"મારી સામે કોણ પોકર રમશે? હું ઇચ્છું છું કે જ્યોર્જ ક્લોની અથવા ટોમ હેન્ક્સ. જોકે, આખરે તો એ હોલીવૂડ જ નક્કી કરશે."
"હું મોટી બાજી જીત્યો એ એક ચમત્કાર જ હતો. હવે તેનું પુનરાવર્તન થાય તેની શક્યતા નથી જણાતી."
(આ અહેવાલ સૌપ્રથમ 2018માં પ્રકાશિત થયો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













