વર્લ્ડકપ 2023: અડધી મૅચે રોહિત શર્માએ એવું શું કર્યું કે પાકિસ્તાનનો ધબડકો થઈ ગયો

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મૅચ ભારતે જીતી લીધી છે.
વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાનની પહેલી મૅચમાં ભારતે ટૉસ જીતીને પાકિસ્તાનને બેટિંગ આપી હતી. પ્રથમ ઇનિંગમાં પાકિસ્તાન 191 રને જ ઓલઆઉટ થયા બાદ ભારતને જીતવા માટે 192 રનનું લક્ષ્યાંક મળ્યું હતું.
આ સ્કોરને ચેઝ કરતા ભારતે સાત વિકેટે મૅચ જીતી લીધી. રોહિત શર્માએ પાકિસ્તાન સામે ધમાકેદાર શરૂઆત કરીને ભારતને જીત સુધી પહોંચાડ્યું હતું.
ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઊતર્યા હતા. રોહિત શર્માએ ચોગ્ગો ફટકારીને પોતાની રમતની શરૂઆત કરી હતી.
જોકે બાદમાં શુભમન ગિલ માત્ર 16 રન કરીને આઉટ થઈ ગયા હતા. બાદમાં વન-ડાઉનમાં આવેલા વિરાટ કોહલી પણ 16 રન કરીને આઉટ થઈ ગયા હતા.
પરંતુ રોહિત શર્માએ છગ્ગા ફટકારીને ભારતનો સ્કોર આગળ વધાર્યો હતો. આ મૅચમાં રોહિત શર્માએ તેમની વન-ડેની 300 સિક્સર પૂરી કરી હતી. વન-ડેના ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનારા પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા છે.
કૅપ્ટન રોહિત શર્મા રમવા ઊતર્યા ત્યારથી શાનદાર શૉટ ફટકારતા રહ્યા હતા. તેમણે 63 બૉલમાં 86 રન કર્યા હતા. આ મૅચમાં તેમણે છ સિક્સર પણ મારી હતી. નોંધપાત્ર બાબત એ છે કે ભારતીય બૉલિંગ સામે પાકિસ્તાનની ટીમમાંથી એક પણ બૅટ્સમૅન છગ્ગો નહોતા ફટકારી શક્યા.
વિરાટ કોહલીના આઉટ થયા બાદ આવેલા શ્રેયસ એય્યરે પણ અર્ધ સદી (62 બૉલમાં 53 રન) ફટકારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય બૉલરોમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા- બધાએ બે-બે વિકેટ લીધી હતી.
પાકિસ્તાન તરફથી શાહીનશાહ આફ્રિદીએ બે અને હસન અલીએ એક વિકેટ લીધી હતી.

કૅપ્ટન બાબરના આઉટ થયા બાદ કોઈ ટકી ન શક્યું

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની બે વિકેટ પડ્યા પછી ભારતીય ટીમે વધુ મજબૂતીથી બૉલિંગ કરી હતી, પણ રિઝવાન અને બાબરે બાજી સંભાળી લીધી હતી અને પાકિસ્તાનના સ્કોરને આગળ વધાર્યો હતો. રિઝવાન અને બાબર આઝમે 82 રનની ભાગીદારી કરી હતી.
બંને બૅટ્સમૅન ક્રીઝ પર હતા અને એ દરમિયાન પાકિસ્તાનનો સ્કોર 150 પર પહોંચ્યો હતો.
વચ્ચે બાબર આઝમને એલબીડબ્લ્યૂ આઉટ માટે ભારતે રીવ્યૂ લીધો હતો. જોકે બાબરને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યા હતા.
જોકે 29મી ઓવરમાં પાકિસ્તાનને ત્રીજો ઝટકો લાગ્યો હતો. બાબર આઝમને મોહમ્મદ સિરાજે બોલ્ડ માર્યા હતા. બાબર આઝમ 58 બૉલમાં 50 રન કરીને આઉટ થયા હતા.
બાબર આઝમ બાદ મહત્ત્વના બૅટ્સમૅન રિઝવાન પણ અર્ધ સદી પૂરી કર્યા વિના 49 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયા હતા.
એ પછી પાકિસ્તાનની એક પછી એક વિકેટ પડવા લાગી હતી અને પાકિસ્તાનનો સ્કોર 200 સુધી પણ પહોંચી શક્યો નહોતો.

ચાલુ મૅચમાં રોહિત શર્માએ વ્યૂહરચના બદલી અને બાજી પલટાઈ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન તરફથી રમતા બૅટ્સમૅન મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ જ્યાં સુધી ક્રીઝ પર હતા ત્યારે એવું લાગતું હતું કે પાકિસ્તાન એક મજબૂત સ્કોર કરી શકશે. જોકે બાદમાં ભારતીય બૉલરોએ એવો વળાંક આપ્યો કે આખી બાજી પલટાઈ ગઈ.
29મી ઓવરમાં બાબર આઝમને મોહમ્મદ સિરાજે બોલ્ડ માર્યા હતા. બાદમાં 32મી ઓવરના બીજા બૉલમાં કુલદીપ યાદવે સાઉદી શકીલ અને એ જ ઓવરના અંતિમ બૉલે ઇફ્તિખાર અહમદને આઉટ કર્યા.
આ સાથે પાકિસ્તાનની અડધી ટીમ પૅવેલિયન ભેગી થઈ હતી.

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે હજુ ક્રીઝ પર મોહમ્મદ રિઝવાન રમી રહ્યા હતા અને તેઓ અર્ધ સદીની નજીક હતા. એવામાં કૅપ્ટન રોહિત શર્માએ ફરી પાછા જસપ્રીત બુમરાહમાં હાથમાં બૉલ આપ્યો. રોહિત શર્માને લાગ્યું કે બુમરાહ બાજી પલટી શકે છે અને થયું પણ એવું.
બૉલિંગ માટે આવ્યા જસપ્રીત બુમરાહ અને તેમણે પણ વિકેટ લીધી.
33મી ઓવરમાં પાકિસ્તાનની સૌથી મહત્ત્વની ગણાતી વિકેટ (મોહમ્મદ રિઝવાન- 49 રન) પડી. રિઝવાનને જસપ્રીત બુમરાહે બોલ્ડ માર્યા હતા. રિઝવાનના આઉટ થયા બાદ પાકિસ્તાનની બેટિંગ લાઇન સંપૂર્ણ દબાણમાં આવી ગઈ હતી.
ત્યાર બાદ પાકિસ્તાનના એક પણ ખેલાડી ક્રીઝ પર ટકી શક્યા નહોતા. એટલે કે પાકિસ્તાનનો સ્કોર માત્ર 191 રન પર જ પહોંચી શક્યો હતો.
આ મૅચમાં મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયેલા જસપ્રીત બુમરાહે સાત ઓવરમાં બે વિકેટ લઈને માત્ર 19 રન આપ્યા છે.
મૅન ઑફ ધ મૅચ તરીકે પસંદગી થતા અને રિઝવાનની વિકેટ લેવા પર બુમરાહે કહ્યું કે "હું જોઈ રહ્યો હતો કે (રવીન્દ્ર) જાડેજા બૉલ ઘુમાવી રહ્યા છે. આથી મેં સ્પિનરના ધીમા બૉલની જેમ સ્લોઅર બૉલ પર વિશ્વાસ રાખ્યો. મેં વિચાર્યું હતું કે તેનાથી રન બનાવવા મુશ્કેલ થઈ જશે અને આ તરકીબ કામ લાગી ગઈ."

છેલ્લી આઠ વિકેટ, 36 રન

ઇમેજ સ્રોત, ANI
ભારતીય બૉલર સામે પાકિસ્તાનની મધ્યમકદની બેટિંગ લાઇન ધરાશાયી થઈ હતી.
એક સમયે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટ પર 155 રન પર હતો. પણ ભારતના બૉલરો સામે છેલ્લી ઓવરોમાં પાકિસ્તાને માત્ર 16 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી.
39મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ મોહમ્મદ નવાઝને આઉટ કરીને પાકિસ્તાનને આઠમો ઝટકો આપ્યો હતો.
40મી ઓવરમાં પહેલા બૉલે રવીન્દ્ર જાડેજાએ હસન અલીને શુભમન ગિલના હાથે કૅચઆઉટ કરાવ્યા હતા.
અને આમ પાકિસ્તાનની આખી ટીમ 42.5 ઓવરમાં માત્ર 191 બનાવીને આઉટ થઈ હતી. એટલે કે પાકિસ્તાનની છેલ્લી આઠ વિકેટ માત્ર 36 રન બનાવી શકી હતી.

વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારત અજેય

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની બેટિંગની વાત કરીએ તો શરૂઆતમાં ધીમી બેટિંગ સાથે પાકિસ્તાને શરૂઆત કરી હતી. બાબર આઝમ અને રિઝવાને બાજી સંભાળી હતી, પણ પાકિસ્તાનને એક મજબૂત સ્કોર આપી શક્યા નહોતા.
બાબરના આઉટ થયા બાદ પાકિસ્તાનની વિકેટ પડવાની ગતિ પણ વધી હતી.
એક બાદ એક વિકટ પડતા પાકિસ્તાનની ટીમ દબાણમાં આવી ગઈ હતી અને ભારતીય બૉલરો પાકિસ્તાનના ખેલાડી પર હાવી થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ 135મી મૅચ હતી, જે ભારત જીતી ગયું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલી કુલ 134 વનડે મૅચમાંથી ભારતે 56 મૅચ જીત્યું છે જ્યારે પાકિસ્તાનના ફાળે 73 મૅચ રહી છે. પરંતુ વર્લ્ડકપમાં સાતેય મૅચ ભારત જીત્યું છે. અને અમદાવાદની મૅચ જોડીએ તો આઠમી મૅચ પણ ભારતને ફાળે આવી છે.














