છગ્ગો ફટકારીને ભારતને જિતાડનાર કે એલ રાહુલે કેમ કહ્યું, ‘હું તો નાહીને આરામ કરવાનો હતો પણ...’

ઇમેજ સ્રોત, Getty Images
ચેન્નઈમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મૅચમાં ભારતે છ વિકેટે વિજય મેળવ્યો છે.
વર્લ્ડકપમાં આ ભારતની પ્રથમ મૅચ હતી.
ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બૅટિંગ કરતા ભારતને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને આ ટાર્ગેટ પૂરો કરવા ઊતરેલી ભારતની ટીમની શરૂઆત ખૂબ નબળી રહી હતી. જોકે મૅચનો અંત છગ્ગા સાથે થયો હતો.
ભારતની જીતનો શ્રેય વિરાટ કોહલી અને કે.એલ.રાહુલને આપવામાં આવી રહ્યો છે. આ સિવાય રવીન્દ્ર જાડેજાની પણ ચર્ચા થઈ રહી છે. તેમણે ભારતને જીત સુધી દોરી જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. રાહુલે 97 રન બનાવ્યા અને છગ્ગો ફટકારીને ભારતની વિજયી ઇનિંગ્સનો અંત કર્યો.

ઑસ્ટ્રેલિયાના 200 રનનો પીછો કરતા ભારતના ત્રણ બૅટ્સમૅન વગર ખાતું ખોલે જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા, એવું લાગ્યું કે જાણે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલરો સામે ભારતનો ટૉપ ઑર્ડર ધ્વસ્ત થઈ ગયો.
જોકે વિરાટ કોહલી અને કેએલ રાહુલે ઇનિંગ્સ સંભાળી અને વનડે વર્લ્ડકપની શરૂઆત જીત સાથે કરી હતી.
ભારતના ઓપનિંગ બૅટ્સમૅન શુભમન ગિલની જગ્યાએ બૅટિંગ કરવા આવેલા ઓપનર ઇશાન કિશન પહેલી જ ઓવરમાં મિચેલ સ્ટાર્કના બૉલ પર આઉટ થઈ ગયા હતા.
ત્યાર બાદ બીજી ઓવરમાં કપ્તાન રોહિત શર્મા અને પછી શ્રેયસ અય્યર જોશ હૅઝલવૂડના બૉલ પર આઉટ થયા હતા. આ ત્રણેય બૅટ્સમૅન એક પણ રન બનાવી શક્યા ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર બાદ ભારતની ઇનિંગ્સની જવાબદારી પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ પર આવી.
બંનેએ ધીમે-ધીમે કરીને ભારતને જીત સુધી પહોંચાડી દીધું.
એકપણ ઑસ્ટ્રેલિયાના બૉલર કે સ્પિનર વિરાટ કોહલી અને કેએલ રાહુલની ભાગીદારી તોડી ન શક્યા. વિરાટ અને રાહુલે મળીને 215 બૉલમાં 165 રનની ભાગીદારી નોંધાવી ભારતની જીતનો પાયો મજબૂત કરી દીધો.
વિરાટની વિકેટ બાદ રાહુલે સંભાળી જવાબદારી

ઇમેજ સ્રોત, Getty Images
38મી ઓવરમાં હેઝલવૂડના બૉલ પર વિરાટ કોહલી મિડ વિકેટ તરફ ફીલ્ડિંગ કરી રહેલા માનુસના હાથે કૅચ આઉટ થયા. વિરાટ કોહલીએ 114 બૉલમાંં 85 રન બનાવ્યા.
હવે બીજા પાવરપ્લેમાં ભારતે એક જ વિકેટના નુકસાન પર 155 રન કર્યા હતા.
ભારત તરફથી સૌથી વધુ કેએલ રાહુલ 115 બૉલમાં 97 રન બનાવીને નૉટઆઉટ રહ્યા હતા. તો વિરાટ કોહલીએ 85, હાર્દિક પંડ્યાએ 11 રન જ્યારે કૅપ્ટન રોહિત શર્મા, ઇશાન કિશન અને શ્રેયસ ઐયર શૂન્ય રને આઉટ થયા.
ઑસ્ટ્રેલિયા તરફથી જૉશ હૅઝલવૂડે સૌથી વધુ ત્રણ વિકેટ અને સ્ટાર્કે એક વિકેટ લીધી હતી. જ્યારે કૅપ્ટન કમિન્સ, મૅક્સવેલ, ઝામ્પા અને ગ્રીનને એક પણ વિકેટ મળી ન હતી.
જીત બાદ રાહુલે શું કહ્યું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાહુલે મૅચ બાદ કહ્યું કે, "જ્યારે ભારતની ત્રણ વિકેટો પડી ગઈ ત્યાર હું નાહી રહ્યો હતો. મારે જલ્દીથી બહાર નીકળીને મેદાન પર રમવા ઊતરવું પડ્યું અને પછી મેં આ ઇનિંગ રમી."
જોકે, ઊતાવળે મેદાન પર રમવા ઉતરેલા રાહુલ શાનદારી બૅટિંગ કરીને પ્લેયર ઑફ ધ મૅચ થયા.
તેમણે કહ્યું, "હું હજુ તો નાહીને બહાર નીકળીને થોડો આરામ કરવાનું વિચારતો હતો કારણ કે ફીલ્ડિંગને કારણે હું ખૂબ થાકી ગયો હતો. મેદાન પર પણ વિરાટ સાથે મારે બહુ વાતચીત નહોતી થઈ."
જ્યારે રાહુલ મેદાન પર આવ્યા ત્યારે વિરાટ કોહલી રમી રહ્યા હતા. આ સમયે વિરાટ કોહલીએ તેમને શું કહ્યું, એ જણાવતા રાહુલે કહ્યું, "તેણે મને માત્ર એટલું કહ્યું હતું કે તારે થોડો સમય ટૅસ્ટ ક્રિકેટની જેમ રમવાનું છે. પિચમાંથી ફાસ્ટ બૉલરોને શરૂઆતમાં મદદ મળી રહી હતી અને મૅચના અંતે કદાચ તેમને ઝાકળને કારણે બૉલિંગમાં પરેશાની થઈ રહી હતી. જોકે, ટીમ માટે આ પ્રકારનું પ્રદર્શન કરીને હું ખૂબ ખુશ છું."
રાહુલે ઉમેર્યું કે, " પિચ બેટિંગ કરવા માટે એટલી સારી ન હતી અને એટલી મુશ્કેલ પણ ન હતી. પણ ઓવરઓલ તમને દક્ષિણ ભારતની પીચો જે પ્રકારે જોવા મળે છે એવી જ પીચ હતી."
અહીં ઉલ્લેખનીય છે કે રાહુલ અને કોહલી વચ્ચેની ભાગીદારી એ મૅચનો ટર્નિંગ પોઇન્ટ હતી. બંનેએ ધીરજપૂર્વક ઇનિંગને સંભાળી હતી અને ખરાબ બૉલની રાહ જોઈને તેને ફટકાર્યા હતા અને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી.
રવિન્દ્ર જાડેજાએ આપ્યા માત્ર ત્રણ રન અને લીધી ત્રણ વિકેટ

ઇમેજ સ્રોત, Getty Images
કે.એલ.રાહુલ સિવાય ભારત ઑસ્ટ્રેલિયા મૅચમાં રવીન્દ્ર જાડેજાના પ્રદર્શનની પણ ચર્ચા થઈ રહી છે.
કારણ છે પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય કરનાર ઑસ્ટ્રેલિયાનો મધ્ય ક્રમ રવીન્દ્ર જાડેજા સામે ટકી શક્યો નહીં.
તેમણે પોતાની પાંચમી અને છઠ્ઠી ઓવરમાં ઑસ્ટ્રેલિયાના મધ્ય ક્રમને જોરદાર ઝાટકો આપ્યો. તેમણે પોતાના પાંચમી અને છઠ્ઠી ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા અને ત્રણ વિકેટ લીધી.
સૌથી પહેલાં તેમણે મૅચની 28મી ઓવરમાં પ્રથમ બૉલ પર સ્ટીવ સ્મિથને બોલ્ડ કર્યા. સ્મિથે 46 રન બનાવ્યા.
ત્યાર બાદ મૅચની 30મી ઓવરના બીજા બૉલ પર માર્નસ લાબુશેન(27 રન) ને વિકેટની પાચળ કૅચ આઉટ કર્યા હતા તો તે ઓવરના ચોથા બૉલ પર એલેક્સ કૅરીને પણ આઉટ કર્યા. કૅરી પોતાનું ખાતું પણ ન ખોલી શક્યા.












